ચાલીસ હજાર શબ્દોનો મહાસાગર પાંચ વર્ષના વિદ્યાપુરુષાર્થનું સુફળ
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
એ ભવ્ય દિવસની કલ્પના કરવી જોઈએ કે જ્યારે 'સિદ્ધહેમશબ્દાનુ શાસન' ગ્રંથની શોભાયાત્રા એ સમયની ગુજરાતી રાજધાની પાટણના મુખ્ય બજારમાંથી નીકળી હતી અને રાજા ભોજ કરતાં ય ચડિયાતા વ્યાકરણની કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યએ રચના કરી હતી. કાર્તિકી પૂર્ણિમા એ કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યનો જન્મદિવસ અને એ પછી સર્જાયેલા 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ની રચના બરાબર એક વર્ષે પૂર્ણ થઈ. આ ગ્રંથમાં સવા લાખ શ્લોકની સાથોસાથ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ મળ્યું. આ ગ્રંથરચના માટે છેક કાશ્મીરથી હસ્તપ્રતો મંગાવવામાં આવી હતી. ત્રણસો લહિયાઓ રોકીને એની પ્રતિલિપિ કરવામાં આવી હતી અને જ્યારે પાટણમાં એની શોભાયાત્રા નીકળી, ત્યારે જુદાં જુદાં પ્રદેશોમાં એ સાત દિવસનાં જ્ઞાનોત્સવની કંકોતરીઓ મોકલવામાં આવી હતી. કાશી, બંગાળ અને મિથિલાના વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને નગરસુંદરીઓએ એ વ્યકરણની હસ્તપ્રતોને મોતીથી વધાવી હતી.
આજે એક હજારથી વધુ વર્ષ આને પૂર્ણ થયા, પરંતુ એ હકીકત છે કે જૈન સમાજમાં સાધુ-મહાત્માઓનાં હાથે સતત ગ્રંથરચનાઓ થતી રહે છે. એના ધાર્મિક કાર્યોમાં લક્ષ્મીનો મહિમા વિશેષ જોવા મળે છે. વળી સમાજમાં લક્ષ્મીસંપન્ન વ્યક્તિઓ પણ સારા પ્રમાણમાં છે, પરંતુ એ ભૂલવા જેવું નથી કે સમાજમાં સૌથી વધુ મહિમા સરસ્વતીનો છે. આપણે કલ્પના પણ ન કરીએ, એટલા ગ્રંથો આજે પણ જૈન સાધુ-સાધ્વીઓ દ્વારા રચાતા હોય છે. દુર્ભાગ્ય એ છે કે સમાજ એ ગ્રંથોનું મહત્વ પિછાણી શક્તો નથી. જ્ઞાનની ઉપેક્ષા અને શ્રુતના અજ્ઞાનને કારણે વિરાટ સરસ્વતી સાધનાથી થયેલા ગ્રંથોનો અભ્યાસ કે મહિમા કરવામાં સમાજ પાછો પડી રહ્યો છે.
કોરોનાનાં કાળમાં પંન્યાસ શ્રી પદ્મદર્શનવિજયજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી પ્રેમદર્શનવિજયજીએ એક ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. એના આરંભનું કારણ એ હતું કે વર્ષો પહેલાં સંસ્કૃત ભાષામાં એક લેખ લખતી વખતે એમને ઘણી મુશ્કેલી પડી હતી. આસપાસ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સંભળાતી હતી, ત્યારે સંસ્કૃત ભાષામાં કોઈ રચના કરવી હોય તો ઘણી મહેનત અને મુશ્કેલી પડતી હતી.
બીજી બાજુ એ પણ હકીકત હતી કે સંસ્કૃત ભાષા તો ભારતની એકતાનો આત્મા છે. ગુજરાતી ભાષામાં સૂરતી બોલી, કચ્છી બોલી અને સૌરાષ્ટ્રી બોલી મળે, પણ સંસ્કૃત તો સર્વત્ર સમાન જ મળે. દેશનાં બધાં જ રાજ્યોમાં દેશો અને પ્રાંતોમાં પ્રાદેશિક ભાષામાં પરિવર્તન થયું છે, પણ સંસ્કૃતમાં પરિવર્તન થયું નથી. વેદની ઋચા કે ગાયત્રી મંત્ર એ સર્વત્ર સમાન રીતે સાંભળવા મળે છે અને એ દૃષ્ટિએ સંસ્કૃત ભાષામાં ક્યારેય વિકૃતિ આવતી નથી. તાજેતરમાં આપણા દેશમાં પ્રાદેશિક ભાષામાં મેડિકલ ટર્મિનોલોજીનો કોશ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે ખાસ સંસ્કૃતના વિદ્વાનોને બોલવવામાં આવ્યાં. આપણી એ મોટી ભૂલ છે કે સંસ્કૃતભાષાને કોઈ એક ધર્મની ભાષા તરીકે માનવા લાગ્યા છીએ. પણ હકીકતમાં તો સંસ્કૃતમાં સાહિત્ય, નાટક, વિજ્ઞાન, આયુર્વેદ, રકતપરીક્ષા અને અશ્વ પરીક્ષા જેવાં કેટલાય વિષયો પણ મળે છે.
એમ કહે છે કે ભારતનું બંધારણ ઘડાતું હતું, ત્યારે એક મુસ્લિમ સજ્જને પંડિત જવાહરલાલ નહેરુ ભારતનું બંધારણ સંસ્કૃતમાં તૈયાર કરવાનું અને સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હજી આપણે ત્યાં પ્રત્યેક ધાર્મિક અને સામાજિક પ્રથામાં સંસ્કૃતનો મહિમા જોવા મળે છે. લગ્ન, મૃત્યુ અને અન્ય તમામ રિવાજોમાં સંસ્કૃતનું કલ્ચર જોવા મળે છે. એનો 'ઁ' શબ્દ એવો છે કે જે વોઈસ મીટરમાં બોલો, ત્યારે સમાન ગતિએ ઉચ્ચારાતો જોવા મળે, જ્યારે બીજી ભાષામાં વોઈસ મીટરમાં બોલો, ત્યારે એના ઉચ્ચાર ઊંચા-નીચા થતા હોય છે. સંસ્કૃત એક શુદ્ધ વૈજ્ઞાનિક ભાષા છે.
આ સંસ્કૃતમાં ભારતીય તત્ત્વજ્ઞાન મળે છે અને એમ કહેવાય છે કે ઇંગ્લેન્ડે જગતને લોકશાહી આપી, ફ્રાન્સે બંધુત્વની ભાવના આપી, ચીને 'સીમ્પલ લીવીંગ અને હાઈ થિંકિંગ'નો વિચાર આપ્યો, અમેરિકાએ લીબર્ટી (સ્વાતંત્ર્ય)ની વાત જગતને આપી, તો ભારતે આ જગતને અધ્યાત્મ આપ્યું અને એ અધ્યાત્મની ભાષા એ સંસ્કૃતભાષા છે. આથી આવી સંસ્કૃત ભાષામાં લખતી વખતે ચિત્તમાં સંસ્કૃત શબ્દો આવે, તે આવશ્યક હતું. એનું પાણિનીનું વ્યાકરણ જગતમાં ઉત્કૃષ્ટ વ્યાકરણ ગણાય છે. આથી ગુજરાત સંસ્કૃતકોશ વિના લેખનયાત્રા અટકી જતી હોય એવું મુનિશ્રી પ્રેમદર્શનવિજયજી મ.સા.ને લાગ્યું. કોઈ કવિને પણ છંદશાસ્ત્ર મુજબ રચના કરતા એકાદ અક્ષર ઓછો-વત્તો કરવો હોય, ત્યારે એ શબ્દકોશ ઉથલાવતા હોય છે.
ગુજરાતીમાંથી સંસ્કૃત શબ્દની પ્રાપ્તિ થાય એવા બહુ ઓછા શબ્દકોશ હતા અને તે પણ પર્યાપ્ત નહોતા. આથી ત્યાગ ટ્રસ્ટસ દ્વારા 'ગુજરાતી સંસ્કૃત બૃહદ્ કોશ' (ભાગ-૧ થી ૩) તૈયાર કરવામાં આવ્યો. આ કોશમાં ચાલીસ હજાર જેટલાં શબ્દો, ક્રિયાપદો, સામાસિક શબ્દો, વિશેષણો અને અવયવોનો સમાવેશ થાય છે. પરિણામે એમાં શબ્દના વાચ્યાર્થ ઉપરાંત વિશેષણવાચી સામાસિક શબ્દોની પણ પ્રાપ્તિ થાય છે. એમાં ગુજરાતી શબ્દો આકારાદી ક્રમથી મળે છે. ચંદ્ર માટે વીસ જેટલાં સંસ્કૃત શબ્દો મળે છે.
સંસ્કૃતના સમૃદ્ધ શબ્દભંડોળની ખૂબી એ છે કે સંસ્કૃત ધાતુઓને ઉપસર્ગો લાગે એટલે જાતજાતનાં અનોખા અને આશ્ચર્યજનક અર્થો મળે. તો બીજી બાજુ આ ગ્રંથમાં વીસ જેટલાં પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે અને એમાં વિભાગવાર ફળ, ફૂલ, શાકભાજી, પશુ, પક્ષી, વાજિંત્રો, વનસ્પતિ, જ્યોતિષ વગેરેનાં વિભાગો પાડીને ત્રણ હજાર જેટલાં શબ્દો આપ્યાં છે, જે અત્યંત ઉપયોગી બની રહે છે. જેમકે ચૌદસો જેટલી વનસ્પતિઓનાં સંસ્કૃત અર્થો મળ્યાં છે. આ વનસ્પતિનાં નામો અને ગુણધર્મો જાણીએ ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઇએ.
કેટલીક વનસ્પતિઓનાં નામ એને અનુલક્ષીને બનેલી ઘટના પરથી પડેલાં છે. જેમકે 'આસંઘ' વનસ્પતિની ગંધ ધોડા જેવી હોવાથી અશ્વગંધા તરીકે વર્તમાનમાં પ્રચલિત છે. મૂંડેરી નામની વનસ્પતિ વર્ષો પહેલા ગોરખ નામના ઋષિ પોતાની પાસે આવનારને વારંવાર આપતા હતા, તેથી આ વનસ્પતિ ગોરખમૂંડી તરીકે પ્રસિદ્ધિ પામી. શાલ્મલી વૃક્ષના થડ ઉપર મોટા અણીદાર કાંટા હોય છે, તેથી પૂર્વે યુદ્ધનાં સમયે આ વૃક્ષના મોટા થડને કિલ્લા ઉપરથી શત્રુસૈન્ય પર ફેંકવામાં આવતું, પરિણામે વજનદાર થડ તેમજ કાંટાના ઘાતથી સૈનિકો અધમૂવા જેવા થઈ જતા. આવા કૂટ કામો માટે આ શાલ્મલી વૃક્ષનો ઉપયોગ થતો, તેથી તેનું નામ 'કૂટશાલ્મલી' તરીકે પણ પ્રસિદ્ધ થયું. આવી તો અનેક ઘટનાઓ આ વનસ્પતિનાં નામો પાછળ તિરોહીત થઈને રહેલી છે. વળી કેટલીક વનસ્પતિના નામો જુદાં જુદાં પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે. પોરબંદર બરડાના ડુંગર ઉપર થતી ઔષધિઓ ત્યાં અલગ નામથી ઓળખાતી હોય છે અને કચ્છમાં તે જ વનસ્પતિ અલગ નામથી ઓળખાતી હોય છે. આ પ્રમાણે નામમાં ભિન્નતા રહે છે.
આ ઉપરાંત આ 'ગુજરાતી સંસ્કૃત બૃહદ્ કોશ' એકાક્ષરી શબ્દોનો કોશ પણ અહીં મળે છે. સંસ્કૃત ભાષાનાં શબ્દમાં આપણને વર્તમાન ભાષાનાં શબ્દોનું મૂળ પ્રાપ્ત થાય છે. એ તો સાચું, પરંતુ એથીયે વિશેષ નવા શબ્દોની શોધ કરતી વખતે આપણે સંસ્કૃત ભાષા પાસે જઈએ છીએ. જેમકે ટેલિવિઝનનું દૂરદર્શન કરવામાં આવ્યું અને એની સાથોસાથ સંસ્કૃત ભાષાનાં વાક્યોને મંત્રો રૂપે મુકવામાં આવે છે. જેમકે 'વસુધૈવ કુટુંબકમ્', કે પછી વિશ્વકોશ ટ્રસ્ટનો મંત્ર છે 'જ્ઞાનામૃતં ભોજનમ્'. એ રીતે અહીં આધુનિક ગુજરાતી શબ્દ અને એનો સંસ્કૃત શબ્દ આપવાનો પ્રયાસ પણ થયો છે. જેમકે, એમ્બ્રોઇડરી એટલે સૂચિકર્મ, ઇમેલ એટલે વિદ્યુત સંદેશ, એમ્બ્યુલન્સ એટલે રુગ્ણવાહિકા, કમ્પ્યૂટર એટલે સઙગણકમ્, કેલેન્ડર એટલે દિનદર્શિની, જલેબી એટલે અમૃતશષ્કુલી જેવાં શબ્દો મળે છે. ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ 'ગુજરાતી સંસ્કૃત બૃહદ કોશ' વ્યાપક જનસમુદાયને ઉપયોગી બને તે માટે ખ્તર્જાજર નામની મોબાઈલ એપ્લિકેશન અને એની વેબસાઈટ પણ નિર્માણ કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં આમાં અપડેટ કરવાની વધુ અનુકૂળતા રહે. પાંચ-પાંચ વર્ષના વિદ્યા-પુરુષાર્થથી તૈયાર થયેલો આ ગ્રંથ સાહિત્યકારો , વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુ સહુ કોઈને ઉપયોગી બની રહેશે.