અહો દાનમ્! અહો દાનમ્! .
- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
- અગિયારમો ચાતુર્માસ પૂર્ણ થતા ભગવાન મહાવીર ભિક્ષા માટે નીકળ્યા અને મૂળે પૂર્ણ નામ ધરાવતા લક્ષ્મીદત્તના ઘેર આવ્યા અને પારણું કર્યું
કૌ શાંબી નગરીની શેરીઓમાં મહાયોગી મહાવીર ભિક્ષા માટે ઘેર ઘેર ઘૂમી રહ્યા હતા. નગરજનો પ્રભુ મહાવીરને ભિક્ષા માટે આગ્રહ કરે છે, પણ તેઓ ભિક્ષા લેતા નથી. સામાન્ય રીતે તેઓ પખવાડિયે, મહિને કે બે મહિને ભિક્ષા લેવા નીકળતા હતા. ક્યારેક ચાર-ચાર મહિના પણ વીતી જતા, પરંતુ યોગ્ય ભિક્ષા મળતાં એનો જરૂર સ્વીકાર કરી લેતા. પણ આ વખતે અનેરી ઘટના બની છે.
કૌશાંબી નગરીમાં તેઓ રોજ ભિક્ષા માટે આવે છે. ઘેર ઘેર ફરે છે, કિંતુ ભિક્ષા સ્વીકાર્યા વિના પાછા ચાલ્યા જાય છે. રોજની આ ઘટનાને કારણે કૌશાંબીની પ્રજાની ઊંઘ ઊડી ગઈ હતી. નગરજનોને મનોમન અતિ સંતાપ થતો કે શા માટે મહાયોગી મહાવીર ભિક્ષા લેતા નથી ? ભર્યા સરોવરમાં માછલી તરસી રહે તેમ કેમ બનતું હશે ?
ઉચ્ચ અટ્ટાલિકાઓથી માંડીને ગરીબોની ઝૂંપડી સુધી પ્રભુ મહાવીર જતા હતા. ભાવિક ભક્તો દોડીદોડીને ભિક્ષા આપવાની ઉત્સુકતા બતાવતા હતા, પરંતુ તેઓ કશું લીધા વિના પાછા વળી જતા હતા. પ્રજા એ જાણવા ઉપરતળે થઈ રહી કે મહાયોગીને જોઈએ છે શું ? અરે ! કૌશાંબી નગરીના અમાત્ય સુગુપ્તની પત્ની અને પ્રભુની અનન્ય ઉપાસિકા નંદા તો મહાવીર એના ઘેરથી કશુંય લીધા વિના પાછા ફર્યાં, તેથી ઉદાસ બની ગઈ. પોતાના પતિ અમાત્ય સુગુપ્તને કહ્યું કે, "તમે તે કેવા અમાત્ય છો કે ચાર- ચાર મહિના થવા છતાં શ્રી મહાવીરને ભિક્ષા કેમ ઉપલબ્ધ થતી નથી ?" વૈશાલીનો સમ્રાટ શતાનિક અને મહારાણી મૃગાવતી પણ ચિંતાતુર હતાં. શત્રુને જીતવાની અનેક યુક્તિઓ જાણનારાઓ મહાયોગીની ભિક્ષા વિશે સાવ અજ્ઞાન હતાં.
ઘટના એવી સર્જાઈ હતી કે પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં આવ્યા ત્યારે પોષ વદ એકમના દિવસે એમણે અભિગ્રહ લીધો હતો. આ કોઈ એકાદ અભિગ્રહ નહોતો, પણ કઠિન અગ્નિપરીક્ષા કરે તેવો ઘોર અભિગ્રહ હતો. પહેલો દ્રવ્યનો એવો અભિગ્રહ હતો કે આહારરૂપે અડદ-બાકળા સ્વીકારવા અને તે પણ સૂપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા. ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી તે સ્વીકારવા. કાળથી એવો અભિગ્રહ હતો કે અન્ય ભિક્ષુકોનો ભિક્ષાનો સમય અર્થાત્ બપોરના ભોજનનો સમય પસાર થઈ ગયા બાદ મળે તો સ્વીકારવું. વળી ભાવથી અભિગ્રહ હતો કે એ કોઈ રાજકુમારી હોય અને વળી તે દાસત્વને પામેલી હોય ! એના પગમાં બેડી હોય, માથું મુંડાવેલું હોય, અઠ્ઠમ તપ (ત્રણ દિવસના ઉપવાસ) કર્યું હોય. અને વળી તે પવિત્ર સતી સ્ત્રી હોય. આવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું. આવી ભિક્ષા મળે તો જ લેવી.
આવી કઠોર પ્રતિજ્ઞાા હતી પ્રભુ મહાવીરની ! પરિણામે ગોચરી લેવા જતા, પણ અભિગ્રહ મુજબની નહીં મળતાં પાછા ફરતા હતા. આમ પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થયા હતા, ત્યારે ભગવાન મહાવીર ધનાવહ શેઠને ત્યાં ભિક્ષા માટે ગયા. આ શેઠને ત્યાં ચંપાનગરીની લૂંટમાં પકડાયેલી ચંદના નામની દાસી હતી. આમ તો એ દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી વસુમતી હતી. એ વસુમતીને ધનાવહ શેઠ પોતાને ઘેર દાસી તરીકે ખરીદીને લાવ્યા હતા. જોકે શેઠ એને દીકરીની માફક રાખતા હતા. એક વાર બહારગામથી શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતાં ચંદનાનો ચોટલો પડી ગયો. મેલા પાણીમાં પડતી વાળની લટને અટકાવવા એને પકડીને શેઠે ઊંચી કરી.
આ દ્રશ્ય મૂલા શેઠાણીએ જોયું અને એમના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. શેઠ બહારગામ ગયા ત્યારે મૂલાએ ચંદનાનું માથું મૂંડાવી, એના પગમાં બેડીઓ નાખીને એને ભોંયરામાં ધકેલી દીધી. ત્રણ દિવસ એ ભૂખી-તરસી રહી. શેઠ પાછા આવતાં એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. ધનાવહ શેઠ તત્કાળ લુહારને બોલાવવા જતા હતા, તેથી સૂપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકળા રાખ્યા હતા તે ચંદનાને ખાવા આપ્યા. બરાબર આ સમયે યોગી મહાવીર આવે છે, ભગવાનનો અભિગ્રહ સિદ્ધ થતાં ચંદનબાળાને હાથે એમણે અડદના બાકળા વહોર્યા અને ત્યાં જ પારણું કર્યું. ચંદનબાળા ધન્ય થઈ ગઈ. એ સમયે સાડાબાર કરોડ સુવર્ણમુદ્રાની વૃષ્ટિ થઈ. દાનના પ્રભાવે પાંચ દિવ્યો પ્રગટ થયાં. આકાશમાંથી 'અહો દાનમ્ ! અહો દાનમ્ !'ના દેવદુંદુભિ વાગી ઊઠયા. ચંદનાની લોખંડની બેડીઓ સુવર્ણનાં ઝાંઝર બની ગઈ અને ચંદનબાળાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠયું.
ધનાવહ શેઠ લુહારને લઈને પાછા ફર્યા, ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા. કૌશાંબીના નગરજનો વિચારવા લાગ્યા કે એક રાજકન્યાને યુદ્ધની વિષમતાને કારણે દાસી બનવું પડયું અને અપાર આપત્તિ વેઠવી પડી. પરિણામે નગરજનો કહેવા લાગ્યા, "બળી આ તમારી લડાઈઓ ! પાડેપાડા લડે અને વચમાં બિચારા ઝાડનો ખો કાઢે.'' નગરજનોને યુદ્ધની ભીષણતાનો ખ્યાલ આવ્યો અને આ અંગે તેઓ પશ્ચાત્તાપમાં ડૂબેલા હતા ત્યારે મહાયોગી મહાવીર તો ધીરે ધીરે મેદની વચ્ચેથી સરી ગયા. પણ સહુ કોઈને માટે અમૂલો સંદેશ મૂકતા ગયા.
ચંદનબાળાનું દાન એ સર્વોત્તમ દાન બની રહ્યું. એના હૃદયમાં ઉત્કૃષ્ટ ભાવ અને એને ગ્રહણ કરનારા સ્વયં તપસ્વી મહાવીર ! પરિણામે અડદના બાકળો જેવા સામાન્ય અનાજનું દાન ચમત્કારિક બની રહ્યું. દ્રવ્ય કરતાં ભાવ ચડયો. આથી જ દેવરાજ ઇન્દ્રે કહ્યું,''મહાવીરને કેવળજ્ઞાન થશે ત્યારે તે પ્રભુની પ્રથમ શિષ્યા થશે. ક્ષમણી સંઘનું નેતૃત્વ પામશે અને અંતે આ ભવમાં પ્રેમપદ પ્રાપ્ત કરશે.''
દેવરાજ ઇન્દ્રની આવી આગાહી સાંભળીને શતાનિક રાજા અને સર્વ પ્રજાજનો અંતઃકરણથી ચંદનબાળાને પ્રણામ કરવા લાગ્યા અને મહાભાગ્યશાળી ચંદનબાળા પ્રભુધ્યાનમાં સમય પસાર કરવા લાગી. મુલા શેઠાણીને ધનાવહ શેઠે ઘરેથી કાઢી મૂકી અને તે દુર્ધ્યાન કરતી મૃત્યુ પામીને નરકમાં ગઈ.
વૈશાલી નગરીની જ આ ઘટના છે. આ વૈશાલી નગરીમાં જિર્ણ શેઠ અને લક્ષ્મીદાસ શેઠ એ બે શ્રેષ્ઠીઓ રહેતા હતા. જિર્ણ શેઠનું નામ હતું જિનદત્ત પરંતુ પૈસે-ટકે ઘસાઈ જવાને કારણે જિર્ણ શેઠ નામે ઓળખાતા. જ્યારે લક્ષ્મીદત્ત શેઠ નવી-નવી સંપત્તિ પામ્યા હતા. એક સમયે જિનદત્ત વૈશાલી નગરીના નગરશેઠ હતા. હવે લક્ષ્મીદત્ત નગરશેઠ બન્યા હતા. જિર્ણ શેઠ સ્વભાવે નમ્ર અને ધર્મભાવનાવાળા હતા, જ્યારે હમણાં જ ધનપ્રાપ્તિ પામેલા લક્ષ્મીદત્તને લક્ષ્મીનો ભારે અહંકાર હતો.
અગિયારમો ચાતુર્માસ પૂર્ણ થતા ભગવાન મહાવીર ભિક્ષા માટે નીકળ્યા અને મૂળે પૂર્ણ નામ ધરાવતા લક્ષ્મીદત્તના ઘેર આવ્યા અને પારણું કર્યું. આ ઘટનાથી લક્ષ્મીદત્ત ફુલાઈ ગયો. 'અહો દાનમ્ ! અહો દાનમ્ !' એવો ધ્વનિ સંભળાય.' વસુધારાની વૃષ્ટિ અને દેવોનો ધ્વનિ સાંભળીને વૈશાલીના નગરજનો એકત્રિત થયા. સૌએ લક્ષ્મીદત્તને ધન્યવાદ આપ્યા. લક્ષ્મીદત્તે પણ ફુલાઈ જઈને સ્વપ્રશંસા કરતાં કહ્યું, "મેં આ હાથે તપસ્વી મહાવીરને ખીરનું દાન કર્યું છે. વૈશાલીનાં રાજવી અને નગરજનો લક્ષ્મીદત્તની ભાવના અને એના મહાભાગ્યની પ્રશંસા કરવા લાગ્યાં. પરંતુ લક્ષ્મીદત્તના આ મિથ્યા અહંકારને અને અસત્ય વચનને કારણે એને કોઈ આધ્યાત્મિક પ્રાપ્તિ થઈ નહીં."
જ્યારે જિર્ણશ્રેષ્ઠી પ્રતિદિન ભક્તિભાવપૂર્વક પારણું થશે એવી ભાવના સેવતો હતો, એને એ જાણીને જિર્ણ શેઠને પોતાના દુર્ભાગ્ય માટે વસવસો થયો, પરંતુ એના હૃદયમાં એવો આનંદ થયો કે ભગવાને પારણું તો કર્યું. આવા આનંદને કારણે ભગવાનના પારણાનું પુણ્ય જિર્ણ શેઠને મળ્યું અને એથી એણે બારમાં દેવલોકનું આયુષ્ય બાંધ્યું.