Get The App

હે મહાપ્રભુ, જરા-મરણ, રાગ-શોકથી વ્યાકુળ આ સંસારથી મને તારો !

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
હે મહાપ્રભુ, જરા-મરણ, રાગ-શોકથી વ્યાકુળ આ સંસારથી મને તારો ! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- ઉજ્જૈનીની વિશાળ સેનાને કૌશાંબીની સેના પહોંચી વળે તેમ નહોતી. એણે કૌશાંબી નગરીને ઘેરો ઘાલ્યો. કામી ચંડપ્રદ્યોતે શરત મૂકી કે જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું મારી સેના લઈને પાછો વળી જાઉં, નહીં તો કૌશાંબીનો સંહાર કરીને જ જંપીશ.

રાણી મૃગાવતીને માથે ચોતરફથી અણધારી આફતોની આંધી ચડી આવી. એકાએક કૌશાંબી નગરીનો રાજકારભાર ચલાવવાનું એને માથે આવ્યું. એમના પુત્ર ઉદયનની વય નાની હતી. રાણી મૃગાવતી વહાલસોયી માતા અને કુશળ રાજ્યકર્તા હતી. આફત કદી એકલી આવતી નથી. પોતાની આખી સેના લઈને આવે છે. એમાં વળી પાછી બીજી મુશ્કેલી ઉભી થઈ.

કહેવાય છે કે ઘુવડ દિવસે જોઈ શક્તું નથી, કબૂતર રાત્રે જોઈ શક્તું નથી, પરંતુ કામીજન તો રાત્રે કે દિવસે ક્યારેય કંઈ જોઈ શક્તો નથી. આવો વિવેક વિસરાવનારો અંધ કામ ઉજ્જૈનીના ક્રોધી રાજા ચંડપ્રદ્યોતમાં પ્રવેશ્યો. રાજા ચંડપ્રદ્યોત એના ક્રોધી સ્વભાવને કારણે ચંડપ્રદ્યોત તરીકે ઓળખાતો હતો. કામી એવો કે એણે રાણી મૃગાવતીને મેળવવા કાજે કૌશાંબી પર ચઢાઈ કરી. ઉજ્જૈનીની વિશાળ સેનાને કૌશાંબીની સેના પહોંચી વળે તેમ નહોતી. એણે કૌશાંબી નગરીને ઘેરો ઘાલ્યો. કામી ચંડપ્રદ્યોતે શરત મૂકી કે જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું મારી સેના લઈને પાછો વળી જાઉં, નહીં તો કૌશાંબીનો સંહાર કરીને જ જંપીશ.

કૌશાંબીની સેનાએ આવી હીન માગણીને વશ થવાને બદલે કેસરિયાં કરવાનું ઉચિત માન્યું. ભલે જીવ જાય, પણ રાણી મૃગાવતી જેવી પવિત્ર સ્ત્રીને ઊની આંચ આવવી જોઈએ નહીં. રાણી મૃગાવતી જાણતી હતી કે ઉજ્જૈની સામે જીતવું એ આભના તારા તોડીને ધરતી પર લાવવા જેવી અશક્ય બાબત હતી. એણે રાજા ચંડપ્રદ્યોતને કહેવડાવ્યું.

'તમારા પ્રસ્તાવ વિશે વિચારું છું, પરંતુ હજી મારે રાજની વ્યવસ્થા કરવાની બાકી છે. પતિના અવસાનનો શોક હજી તાજો છે. કુંવર ઉદયન નાનો છે. થોડો સમય થોભી જાઓ. મને બધી ગોઠવણ કરી લેવા દો.'

અભિમાની ચંડપ્રદ્યોત થોડો સમય રાહ જોવા તૈયાર થયો અને કૌશાંબી નગરીની બહાર ઘેરો નાંખીને પડેલું એનું લશ્કર ઉજ્જૈની પાછું લઈ ગયો. રાણી મૃગાવતીએ કૌશાંબીનો કિલ્લો બરાબર મજબૂત કર્યો.

ક્રોધી અને કામીને નિરાંત ક્યાંથી હોય ? એક ક્ષણ દિવસ જેવી લાગે અને દિવસ વર્ષ જેટલો લાંબો જણાય. રાજા ચંડપ્રદ્યોત તો રાણી મૃગાવતીના નિમંત્રણની રાહ જોઈને બેઠો હતો. કોઈ નેહભર્યું નિમંત્રણ ન આવતાં એણે દૂત સાથે કાગળ મોકલ્યા. કાગળ પર કાગળ મોકલવા છતાં કોઈ જવાબ ન મળ્યો, આથી ચંડપ્રદ્યોતનો પ્રકોપ ફાટી નીકળ્યો અને એણે કૌશાંબીને પરાસ્ત કરવા માટે યુદ્ધની તૈયારી કરવાનો હુકમ આપ્યો.

ભીષણ યુદ્ધ માથે ઝળૂંબતું હતું, ત્યારે એકાએક શાંતિની મધુર લહરીઓ લહેરાવા માંડી. આલંભિયાથી વિહાર કરીને પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં પધાર્યા હતા. ભગવાનના આગમનના સમાચાર જાણી રાણી મૃગાવતીએ વિચાર્યું કે યુદ્ધ કોઈનાથી અટકે તો તે માત્ર શાંતિસાગર પ્રભુ મહાવીરથી ! દુશ્મનોના આક્રમણથી બચવા માટે કૌશાંબી નગરીના કિલ્લાનાં દ્વાર બંધ કરાવ્યાં હતા, તે મૃગાવતીએ ખોલાવી નાખ્યાં. રાજમાતા મૃગાવતી તો પોતાના પુત્ર બાળ ઉદયન સાથે મહાવીરના સમવસરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયાં. આ સમવસરણમાં ચંડપ્રદ્યોત પણ પોતાની અંગારવતી વગેરે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યા હતા. પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત માર્મિક દેશના આપી. હૃદયભેદક દૃષ્ટાંતો કહ્યાં. કહ્યું કે બાહ્ય યુદ્ધ કર્યે કંઈ નહીં વળે. અંદરના દુશ્મન સાથે લડો, તો જ આત્મકલ્યાણ સાધી શકશો.

ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દીક્ષિત થયા. રાજમાતા મૃગાવતીના હૃદયમાં ઉચ્ચ ભાવ ઊભરાવા લાગ્યા. એણે પ્રભુને કહ્યું,' રાજા ચંડપ્રદ્યોતની આજ્ઞાા લઈને હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું.' ચોતરફ સન્નાટો વ્યાપી ગયો. સમવસરણમાં જ રાજા ચંડપ્રદ્યોત પાસે આજ્ઞાા માગી. કદાચ એણે મૃગાવતીની વાતનો સ્વીકાર ન કર્યો હોત, પરંતુ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એનું હૃદય અવનવીન, ઉચ્ચ ભાવો અનુભવતું હતું. એણે રાજીખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી. આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું,

' જો તમે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞાા આપી છે, તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો. તમે એને રાજકાજના પાઠ શીખવજો. તમે એના શિરછત્ર બનો.'

ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે આ વાત પણ કબૂલ રાખી. રાજમાતા મૃગાવતીએ પોતાના પુત્રને રાજા ચંડપ્રદ્યોતના સંરક્ષણમાં મૂકીને એ સભામાં જ દીક્ષા લીધી.

ભાવનાનો સાગર તો એવો ઉછળતો હતો કે રાજમાતા મૃગાવતીની માફક ચંડપ્રદ્યોતની અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ રાજા પાસે દીક્ષાની અનુમતિ માગી. મૃગાવતીની સાથે એ રાણીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુ મહાવીરની દેશનાથી એ દિવસે યુદ્ધની ખૂનરેજી ટળી ગઈ. ભીષણ માનવસંહાર અટકી ગયો. રાગના રકતને બદલે વિરાગનું તેજ ઝળહળી રહ્યું. કૌશાંબી નગરીમાં કુશળક્ષેમના શાંતિભર્યા સમીર લહેરાવા લાગ્યા.

એ પછી ભગવાન બ્રાહ્મણકુંડ નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં આવ્યા. અહીં એમણે ચૌદમો ચાતુર્માસ કર્યો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગ્રામના પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય  બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે  ભાવપૂર્વક એકીટશે નીરખી રહ્યાં હતાં. એમનો અસીમ આનંદ એમની કાયાના કચોળામાં સમાતો નહોતો. એમના દેહની રોમરાજિ પુલકિત બની ઉઠી હતી. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતા દેવાનંદનું માતૃવાત્સલ્ય ઉભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી.

આ જોઈને ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમસ્વામીને અપાર આશ્ચર્ય થયું. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો,' ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપના દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષનાં આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં?'

ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, 'ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.'

'રે ! ભગવાન શું બ્રાહ્મણપુત્ર છે ?' આખી સભા ભગવાનની આ વાણીથી આશ્ચર્યમાં પડી ગઈ, ને બ્રાહ્મણદ્વેષી તરીકે જેઓ તેમની પિછાન કરાવતા, તે ઝાંખા પડી ગયા.

એ સભામાં ઋષભદત્તે ઉભા થઈ કહ્યું : 'હે મહાપ્રભુ ! જરા-મરણ, રાગ-શોકથી વ્યાકુળ આ સંસારથી મને તારો!'

ભગવાને ઋષભદત્તને દીક્ષા આપી. રાજકુમાર જમાલિ પણ ઉભો થયો. એણે ભવતારિણી દીક્ષા આપવાની વિનંતી કરી. ભગવાને એનેય દીક્ષા આપી. એ પણ સાધુતાને પંથે વળ્યો. દેવાનંદા પણ આર્યા ચંદનાની આજ્ઞાા નીચે સાધ્વી બન્યાં. ભગવાન મહાવીરે એ આખું વર્ષ વિદેહમાં પસાર કર્યું અને ચાતુર્માસ વૈશાલીમાં કર્યું.


Google NewsGoogle News