ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતું ભાગવતપુરાણનું ધ્રુવચરિત
ભા રતીય પરંપરામાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અધિક માસ કે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ તથા ઉપાસનાનું અનેરું મહત્વ છે. સત્સંગ, સ્મરણ અને સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાના આ પવિત્ર માસમાં દાન, જપ, તપ, પૂજા, અર્ચના કરીને ભક્તજનો ધન્યતાનો અનુભવ કરે છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પરમ તત્વને પામવા માટે ત્રણ માર્ગો નિશ્ચિત કર્યા છે. વિચારપ્રધાન મનુષ્યો માટે જ્ઞાાનમાર્ગ, ઇચ્છાપ્રધાન મનુષ્યો માટે કર્મમાર્ગ અને લાગણીપ્રધાન મનુષ્યો માટે ભક્તિમાર્ગ અને જ્ઞાાનમાર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઋગ્વેદની વિવિધ ઋચાઓમાં અગ્નિદેવ, ઇન્દ્રદેવ, વરુણદેવ વગેરેના સૂકતોમાં એટલી બધી માર્મિકતાથી સ્તુતિ કરવામાં આવી છે કે સ્તુતિ કરનારનો અનુરાગ, હૃદયંગમ ભાવના વગેરે વ્યક્ત થયા વિના રહી શકતા નથી. શ્રીમદ્ ભાગવતપુરાણનો કેન્દ્રવર્તી વિચાર જ ભક્તિ છે. કુલ ૧૨ સ્કન્ધ, ૩૬૫ અધ્યાયો તથા ૧૮૦૦૦ શ્લોકોમાં વિભક્ત ભાગવતમાં આદિ-મધ્ય-અંતમાં ભક્તિનું જ વૈશિષ્ટય છે. ભાગવતકાર ભક્તિની પરિભાષાથી જ ગ્રન્થનો પ્રારંભ કરે છે. અને ભક્તિ સાથે જ તેની સમાપ્તિ થાય છે.
આપણે સૌ અધિક માસમાં ભાગવતપુરાણના આ વિલક્ષણ ચરિત્રનું રસપાન કરીને ભક્તિરસનો આસ્વાદ માણીને કૃતાર્થ બનીએ.
શ્રીમદ્ ભાગવતપુરાણના ચતુર્થ સ્કન્ધમાં અધ્યાય-૮,૯ અને ૧૦ એમ કુલ ત્રણ અધ્યાયોમાં ધ્રુવચરિતનું આલેખન થયું છે. પુણ્યકીર્તિ સ્વાયમ્ભુવ મનુના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના બે પુત્રો હતા. ઉત્તાનપાદ રાજાની બે રાણીઓમાં નાની 'સુરુચિ' માનીતી રાણી અને મોટી 'સુનીતિ' અણમાનીતી રાણી હતાં. સુરુચિના દીકરાનું નામ 'ઉત્તમ' અને સુનીતિના દીકરાનું નામ ધ્રુવ હતું. એક દિવસની વાત છે.
રાજા પોતાની નાની રાણી સુરુચિ સાથે સિંહાસને બેઠા હતા અને રાજકુમાર 'ઉત્તમ' તેમના ખોળામાં રમતો હતો. એવામાં 'ધ્રુવ' ઉમળકાપૂર્વક પિતાના ખોળામાં બેસવા ગયો. તે જ વખતે અપર માતા સુરુચિએ બાળક ધ્રુવને કહ્યું, 'રાજપુત્ર છો તેથી શું થયું ? તારો સિંહાસને બેસવાનો અધિકાર નથી. તું તો અણમાનીતીનો પુત્ર છું. ભગવાનનું તપ કરીને મારી કૂખે જન્મ લે તો જ તું રાજાના ખોળામાં બેસી શકીશ, અપર માતાના હૃદયભેદી કટાર જેવા કટાક્ષ વાક્યોથી પીડાતો, હીબકાં ભરતો ધ્રુવ માતા સુનીતિ પાસે ગયો. માતાએ તેને વાત્સલ્યપૂર્વક ખોળામાં બેસાડી આશ્વાસન આપ્યું- બેટા, ધ્રુવ ! એ માનીતી રાણી સાચું જ કહે છે. હું અભાગી છું. તેથી તું એક કામ કર, તું તપ કર. બેટા ! મોક્ષની કામનાવાળા શ્રેષ્ઠ મુનિઓ ભગવાન વિષ્ણુના ચરણારવિંદના માર્ગને હમેશાં શોધ્યા કરે છે, તે ભક્તવત્સલ હરિના આશ્રયે જા.' મનના કોડ પૂરા કરે તેવા માડીના વચન માથે ચડાવી, માતાની પરિક્રમા કરી પિતાના નગરમાંથી નીકળી પડયો. રસ્તામાં કારુણ્યમૂર્તિ નારદજી મળ્યા. તેમણે ધ્રુવને સમજાવતાં કહ્યું- ' અરે પુત્ર ! મોટા મુનિવરો તપ, જપ, યોગ તથા સમાધિ દ્વારા અનેક જન્મો પર્યન્ત ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધ્યા કરે છે. પરંતુ તે માર્ગ મળતો નથી. તે આ હઠ ત્યજીને ઘરે પાછા ફરો.' આ બધાની ધ્રુવ ઉપર કોઈ અસર ન થતાં, છેવટે નારદમુનિએ અત્યન્ત ગુહ્ય એવો 'ઁ નમો ભગવતે વાસુદેવાય' નામનો બાર અક્ષરનો મંત્ર આપી, તપ કેવી રીતે કરવું, ક્યાં જઈને કરવું અને છેવટે ભગવાનનું સ્વરૂપ અને તેનો મહિમા સમજાવ્યો. કૃપાસાગર નારદજી પાસેથી દીક્ષા લઈ ધ્રુવે યમુના નદીના કિનારે આવેલા મધુવનની દિશા પકડી. આ બાજુ ધ્રુવના ગયા પછી પશ્ચાતાપયુક્ત બનેલ પિતા ઉત્તાનપાદ પુત્રને મનથી યાદ કરતા આંસુ વહાવવા લાગ્યા.
પાંચ વર્ષની ઉંમરનો ધ્રુવ મધુવનમાં ભૂખ, તરસ, ઉંઘ, આરામ બધું ત્યજીને માત્ર ઓંમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જપ કરવા લાગ્યા. સમય થંભી ગયો, વન-નદીઓ, પવન વગેરે થંભી ગયા અને એક દિવસ એના અંતરમાં અજવાળું થયું આંખો ખોલતાની સાથે જ શંખ-ચંક્ર-ગદા-પદ્મધારી ભગવાન વિષ્ણુનાં દર્શન થયાં. ધ્રુવે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી :
અર્થાત્ મારા અન્ત:કરણમાં પ્રવેશીને પોતાના તેજના સ્પર્શ વડે મારી સૂતેલી વાણીને જગાડનાર તથા મારા હાથ-પગ-કાન અને ત્વચા તથા પ્રાણમાં ચૈતન્યનું પ્રદાન કરનારા હે ભગવાન વાસુદેવ ! હું તમને નમસ્કાર કરું છું.
શુભ સંકલ્પવાળા ધ્રુવની ભાવપૂર્ણ સ્તુતિ સાંભળી તેને અભિનંદન આપતા ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ વચનામૃત વર્ષાવતા બોલ્યા, 'હે વત્સ ધ્રુવ ! તારી કામના કલ્યાણમય છે. હું તને તેજોમય, અવિચલ પદ આપું છું. આજ સુધી આ સ્થાન કોઈને મળ્યું નથી. આ સ્થાન સપ્તર્ષિમંડળની ઉપરનું સ્થાન છે. ધર્મ, અગ્નિ, કશ્યપ, ઇન્દ્ર, નક્ષત્રો, તારાગણ સાથે સાત ઋષિઓ એ સ્થાનની નિત્ય પ્રદક્ષિણા કરે છે. તારી યોગ્ય વય થતાં તારા પિતાજી સિંહાસન ઉપર તારો રાજ્યાભિષેક કરી તપ કરવા વનમાં પ્રસ્થાન કરશે. તારે છત્રીસ હજાર વર્ષ સુધી રાજ્યનું પાલન કરવાનું છે. એમ કહી ભગવાન અન્તર્ધ્યાન થઈ ગયા.
શ્રીમદ્ ભાગવત પુરાણમાં નિરૂપિત ધ્રુવચરિત નું શ્રવણ કરતાં જ આપણા ભારત રાષ્ટ્રમાં જન્મ ગ્રહણ કરવા બદલ ધન્યતાની અનુભૂતિ થાય છે.
- ડો.યોગિની એસ.વ્યાસ