વિચાર એક શક્તિ .
- એક વિચાર અશક્ત માણસના શરીરમાં નવી શક્તિ ભરી શકે છે. એક વિચાર હતાશ થયેલા માણસમાં ઉત્સાહ પૂરી શકે છે
ચિ દ્ધનશક્તિ 'પરમેશ્વર' પછીની સૌથી મોટી કોઈ શક્તિ હોય તો તે શ્રુતિ છે એટલે કે વિચારશક્તિ છે, વેદ છે. વેદ એટલે સદ્ વિચારોનો સમૂહ.
માણસની સૌથી મોટી શક્તિ તેની વિચાર કરવાની શક્તિ છે. કોઈ અજાણ્યા કે અપરિચિત વ્યક્તિને તમે મળો, તેની વાણી પરથી તમે, તેની બૌદ્ધિક્તા, માનસિક્તા તુરન્ત સમજી શકો અને જાણી શકો કારણ વાણી એ માનવના વિચારનું પ્રતિબિંબ છે. વિચાર એક ચિનગારી છે દા.ત. "સ્વરાજય મારો જન્મસિધ્ધ હક્ક છે." આ વિચારની અંદર સ્વાતંત્ર્યની ચળવળનો ઉદ્ઘોષ હતો. વિચાર એક શસ્ત્ર છે. મંથરા પાસેથી મળેલા દુર્બળ વિચારરૂપી શસ્ત્ર એ કૈકયી દ્વારા દશરથરાજાનો માનસિક વધ કર્યો. એક નાનકડો વિચાર ક્રાંતિનું બીજ બની જાય છે. 'સર્વસ્ય ચાહં હદિસંન્નિવિષ્ટઃ' જેવો ગીતાનો શ્રેષ્ઠ વિચાર માનવજીવનને આકાર આપે છે. ભગવાન મારી ભીતર છે, તેમ બીજી વ્યક્તિની અંદર પણ બિરાજમાન છે તે સમજાતાં માણસની ગુરૂતા, લઘુતા અને ભયગ્રંથિ દૂર થઈ જાય છે. એક વિચાર સમાજની કાયાપલટનો સંકેત બની જાય છે.
મહાન વૈજ્ઞાનિકની ક્રાંતિકારી શોધ, એક કવિની હૃદય ડોલાવનારી કવિતા, એક સર્જકની મહાન કલાકૃતિ, એક ઉદ્યોગપતિનું મહાન સાહસ અને એક ઋષિનો હૃદયસ્પર્શી શબ્દ એ બધાની પાછળ અથવા એ બધાની જનેતા, પ્રથમ તો એક વિચાર જ હોય છે.
એક ઉન્નત વિચાર માણસને નવું જીવન આપી શકે છે. નારદજી પાસેથી મળેલા આવા વિચારને લીધે વાલિયો લૂંટારો મટી વાલ્મીકિ ઋષિ બન્યો. જ્યાં સુધી રામમંદિરો તથા રામાયણ ગ્રંથ રહેશે ત્યાં સુધી વાલ્મીકિ ઋષિનું નામ રહેશે. એક ઉન્નત વિચારે વાલ્મીકિને ચિરંજીવી બનાવી દીધા. આપણા જેવા તો આવશે અને જશે, આવનજાવન ચાલ્યા કરશે પણ વાલ્મીકિ રહેશે, રામ કે કૃષ્ણના વિચારો ઉપાડશું કે નહિ ! પણ મિથ્યા અહંકારમાં રાચતો માનવી 'હતો- ન હતો' થઈ જશે.
એક વિચાર અશક્ત માણસના શરીરમાં નવી શક્તિ ભરી શકે છે. ઉદાહરણ તરીકે - એક ભાઈને છાતીમાં દુઃખાવો થયો, ટેન્શનમાં આવી ગયા. હૃદયરોગનો હુમલો થવાનો વિચાર આવ્યો. ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી, સ્ટ્રેચરમાં દવાખાને લઈ ગયા. ડોકટર દ્વારા તપાસ- ગેસની તકલીફ, હૃદયરોગ નથી - આત્મવિશ્વાસથી ચાલતા ઘેર ગયા.
એક વિચાર હતાશ થયેલા માણસમાં ઉત્સાહ પૂરી શકે છે. મહારાષ્ટ્રના મહાન સંત તુકારામ દ્વારા 'કુંવારી સગર્ભા'ને આપવામાં આવેલ વિચારે આપઘાતનો વિચાર માંડી વાળ્યો. એક વિચાર પંગૂને દોડતો કરી શકે છે.
જે માણસ સવારથી જ સાંજ સુધી કેવળ અને કેવળ રોટી, પૈસા અને કીર્તિનો જ વિચાર કર્યા કરે છે - તે પશુસમાન જ છે. જે ચરે તે પશુ અને વિચારે તે માણસ.
હું કોણ ? હું કોનો ? હું શા માટે ? હું ક્યાંથી આવ્યો છું ? હું શું લઈને આવ્યો છું ? હું શું લઈને જવાનો છું ? આવા વિચારો ક્યારેક મનમાં ઉદ્ભવશે તો ભક્તિની શરૂઆત થશે. આજે કોઈ આપણી પાસે શ્રેષ્ઠ વિચાર લઈને મળવા આવે છે ત્યારે આપણે જાણે બધું જ જાણીએ છીએ, તેવા મિથ્યાઅહંકારમાં આપણું જ નુકસાન કરી રહ્યા છીએ. મોટરકાર, બંગલો, ફેશન, બ્યુટી પાર્લર જેવી ભોગસામગ્રીની આપણને બધી જ માહિતી, ઉપલબ્ધિ ખબર પડે છે ફક્ત શ્રેષ્ઠ વિચાર ક્યાં મળે છે. તેની ખબર હોવા છતાં ઉદાસીન રહીએ છીએ. સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પાંડુરંગ દાદાએ ૧૯૪૨ થી શરૂ કરી દેહાવસાન સુધી સદ્વિચારો વિશ્વને અર્પણ કર્યા છે. કોઈપણ જાતની ભૌતિક, અપેક્ષા વગર આવા શ્રેષ્ઠ વિચારોની વણઝાર વહેતી કરી છે તે પણ 'સ્વ'ના અધ્યયન માટે. આપણે પણ સદ્વિચારરૂપી 'બીજ'ને આપણા બુદ્ધિમાં વાવીને, જીવન રૂપી છોડને અંકુરિત કરીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
- ડો. ગણેશભાઈ ડી. પટેલ