સાધુતાનું એક ગૌરવશિખર: ગોચરી .
- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ
- અહીં સંત કબીર માનવીના જીવનમાં થતી કર્મોની વાવણી અંગે વાત કરે છે. એ દર્શાવે છે કે પાંચેય વિષયમાં અહંકાર કે આસક્તિ રાખવાથી કર્મબીજ જન્મે છે અને આને પરિણામે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન અને અહંકાર એ સાતેય બાબતો કર્મબીજ બની જાય છે.
સ મયના ઝંઝાવાતની વચ્ચે અને કેટલાય યુગપલટા અને પરિસ્થિતિના પરિવર્તનની વચ્ચે જૈન સાધુતાની ગરવી પરંપરા અવિરત રૂપે ચાલતી રહી છે, તેના ઘણાં કારણોમાંનું એક કારણ એની આગવી આચારસંહિતા છે. રાગ-દ્વેષરહિત સંયમપૂર્ણ જીવન માટે તીર્થકર પરમાત્માએ પ્રબોધેલી આ અનોખી પરંપરા છે. અને એમાં પણ ગોચરી અને પાદવિહારએ બે બાબતો એવી છે કે જે આ ધર્મની આચાર-પરંપરાના ગૌરવ શિખર સમાન છે.
રાય સિદ્ધાર્થના પુત્ર રાજકુમાર ભગવાન મહાવીર વિશાળ મહેલના સુખ-વૈભવ વચ્ચે ઉછર્યા હતા. આ મહેલમાં ઇચ્છે તેવો સ્વાદિષ્ટ આહાર પ્રાપ્ત થાય તે સ્વાભાવિક હતું. પરંતુ એ જ રાજકુમાર વર્ધમાન યોગી મહાવીર થયા પછી એક ઘરેથી બીજે ઘેર જઈને લુખ્ખો અને સુક્કો આહાર ગ્રહણ કરવા લાગ્યાં. આને કારણે સ્થળ અને વ્યક્તિઓ સાથેના રાગ-દ્વેષનાં નિમિત્તો તો ઓછા થયા, પણ એથીયે વિશેષ તો આ ઘટનાએ દેહભાવ કરતાં આત્મભાવ કેટલો મહત્ત્વનો છે, તે દર્શાવ્યું. એ યોગી મહાવીરે સાડા બાર વર્ષ સુધી જે સાધનાકાળનું જીવન વિતાવ્યું, તેમાં આશરે અગિયાર વર્ષ જેટલો સમય તો એમણે આહાર વિના ચલાવ્યો છે, તેમ કહી શકાય !
જૈન સાધુ-સાધ્વીની ગોચરીએ વિશિષ્ટ એ માટે છે કે તેઓ પ્રત્યેક ટંકે જુદાં જુદાં ઘરમાં જઈને આહાર વહોરી લાવે છે અને એ આહાર ઉપાશ્રયમાં આવીને કોઈ ગૃહસ્થ ન જુએ એ રીતે વાપરે છે. એક તો એ આહાર આપનારને સહેજે કષ્ટ કે કલેશ ન થાય એ રીતે લેવામાં આવે છે અને બીજું એ કે એ આહાર સાધુ સમભાવપૂર્વક ગ્રહણ કરે છે. ' શ્રી આચારાંગ સૂત્ર'ના બીજા ખંડમાં, 'કલ્પસૂત્રમાં અને 'પંચાશક' જેવાં ગ્રંથોમાં આ ગોચરી અંગેની અત્યંત ઝીણી વિગતો આપવામાં આવી છે. ક્યા સમયે ગોચરી માટે જવું, ક્યા પ્રકારના સ્થાને જવું અને કયા પ્રકારના સ્થાને ન જવું, કેવો આહાર ગ્રહણ કરવો, અરે ! એટલી સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે કે સાધુએ ભિક્ષાન્ન તરીકે પોતાને અપાતો આહાર જોઈને મનમાં કેવા કેવા ભાવો આણવા નહીં અને કેવા કેવા માયાચાર કરવા નહીં એની પણ ઝીણવટભરી, આબાદ છણાવટ કરવામાં આવી છે.
ધર્મની સૂક્ષ્મતા એ જ એની પરંપરાને દૃઢ કરે છે. ધર્મના આચારની ચીવટ એ જ ધર્મને એક પ્રકારની ચુસ્તતા આપે છે. એથીયે વિશેષ અનેક અનુચિત કે અયોગ્ય બાબતોથી એને દૂર રાખે છે અને આથી જ જો સાધુને યોગ્ય આહાર ન મળે તો, અને યોગ્ય એટલે સૂઝતો અને કલ્પનીય આહાર ન મળે તો, સાધુએ સહેજે શોક કે મનમાં ખેદ ન કરવો. ભૂખ્યા રહેવાની પરિસ્થિતિને પરિષહ સમજીને કર્મનિર્જરાનું નિમિત્ત સમજી સમભાવપૂર્વક સહન કરવી. આવી આહાર મેળવવાની ચૂસ્ત, જાગૃત અને ત્યાગને શોભે એવી પરંપરા અન્ય ધર્મોમાં દૃષ્ટિગોચર થતી નથી અને એના નિયમો ઘણા કડક છે અને એને કારણે જ અઢી હજાર વર્ષથી અખંડિત ચાલી આવતી આ પ્રથાને કારણે જૈન સાધુતા એ જગતના ચોકમાં આગવું સ્થાન અને માન ધરાવે છે અને એથી જ ગોચરીના સંદર્ભમાં જરા વિશેષ વિચાર કરીએ.
જૈન સાધુ-સાધ્વીઓની ભિક્ષાચાર્ય,' ભિ' એટલે ભેળવી નાખે અને 'ક્ષા' એટલે ક્ષય કરે. કર્મને ભેદી નાખે તે ભિક્ષા કર્મનાં બંધનો તોડવાનો પ્રયત્ન તે ભિક્ષા. સાધુજીવનનો નિર્વાહ ભિક્ષાવૃત્તિ પર ચાલતો હોય છે. સાધુ અને સાધ્વી ગૃહસ્થનાં ઘરોમાંથી ભિક્ષા લઈને આવે છે. ગાય જેમ ઠેર ઠેર ફરીને પોતાનો ચારો ચરે છે. એ રીતે સાધુ-સાધ્વીઓ એકથી વધુ ઘેર જઈને ભિક્ષા લેતાં હોવાથી એ ભિક્ષાને 'ગોચરી ' કહેવામાં આવે છે. આ સાધુ-સાધ્વીઓ પોતે રાંધતાં નથી કે અન્ય પાસે રંધાવતાં નથી અને તેથી જ ભોજન પાણી માટે ઘેર ઘેર જઇને ભિક્ષા લે છે.
દિગંબર સિવાયના સાધુઓ લાકડાના બનેલા પાત્રમાં ગોચરી લે છે અને તેમાં જ તેઓ ભોજનપાન કરે છે. લાકડાના પાત્રને પાતરાં કહેવામાં આવે છે. એક નોંધપાત્ર બાબત એ છે કે જૈન સાધુસાધ્વી દરેક ઘરેથી થોડા પ્રમાણમાં જ ભિક્ષા લે છે. વળી, એ છેક રસોઈ મૂકવાના સ્થળે જઈને એટલે કે રસોડામાં જઈને તેને ગ્રહણ કરે છે. તેની પાછળ એમનો હેતુ એ હોય છે કે એક જ ઘેરથી જોઈતી બધી ભોજનસામગ્રી ગ્રહણ કરે, તો સામી વ્યક્તિને ફરીથી રસોઈ બનાવવી પડે. વળી એ રસોઈનું સહેજ નિરીક્ષણ કરીને ભિક્ષા ગ્રહણ કરે છે. જેથી એ ગૃહસ્થની વાસ્તવિક જીવન પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. પોતાને નિમિત્તે સામી વ્યક્તિને ચૂલો સળગાવવા વગેરે જીવહિંસા કરવી પડે અને પોતે કોઈના પાપમાં નિમિત્ત બને નહીં. તેથી પ્રત્યેક ઘરેથી થોડાક પ્રમાણમાં ભિક્ષા લે છે. સાધુને મુઘાજીવી કહ્યા છે એટલે કે એ કોઈ પણ હેતુ માટે જીવવાની કામના ધરાવતા નથી. આથી જો નિર્દોષ ગોચરી મળે તો એમ માને છે કે સંયમવૃદ્ધિ થાય છે અને ન મળે તો તપોવૃદ્ધિ થાય છે, તેમ માનીને પોતાનું જીવન ચલાવે છે.
ગોચરીમાં કયા ઘરમાંથી શું લેવું, કેટલું લેવું, ક્યારે લેવું વગેરે બાબતો અંગે એક ચોક્કસ પ્રકારની આચારસંહિતા છે. જો એ આચારસંહિતાના નિયમોનું પાલન ન કરે તો સાધુને દોષ લાગે અને તેનું એને પ્રાયશ્ચિત કરવું પડે છે. પોતાના મહાવ્રતોને સુરક્ષિત રાખવા માટે એણે આવા બેંતાલીસ દોષોથી બચવું પડે છે. ગોચરી લેવા જતા સમયે બેતાલીસ અને ગોચરી કરતી વખતે પાંચ એમ કુલ ૪૭ બાબતોની એમણે સાવધાની રાખવી પડે છે. આવી મર્યાદાઓ સાચવવી તેને ભિક્ષાસમાચારી કહે છે. આ બેંતાલીસ દોષ આ પ્રમાણે છે.
ગોચરીના ૪૭ દોષમાં ૧૬ ઉદ્ગમના દોષ છે. જે ગૃહસ્થ તરફથી લાગે છે. ૧૬ ઉત્પાદનના દોષ છે જે ગૃહસ્થ અને સાધુ બંને તરફથી લાગે છે. ૧૦ એષાણાના દોષ છે. જે સાધુ તરફથી લાગે છે. ૫ માંડલાના દોષ છે જે ભોજન કરતી વખતે સાધુને લાગે છે.
૧) આધાકર્મ: સાધુ માટે બનાવેલાં અન્ન-પાણી (૨) ઔદ્દેશિક: આવતા જતાં સાધુ-સંન્યાસીઓ માટે બનાવેલું. (૩) પૂર્તિકર્મ: આધાકર્મીથી મિશ્ર. (૪) મિશ્રજાત: વધારે બનાવે. (૫) સ્થાપના: જુદું કાઢીને રાખી મૂકે. (૬) પ્રાભતિક: લગ્નાદિપ્રસંગે સાધુનિમિત્તે મોડા-વહેલા કરે, તેવી રીતે સવારે-સાંજે સાધુનિમિત્ત મોડા-વહેલી રસોઈ કરે. (૭) પ્રાદુષ્કરણઃ બારી ઉઘાડે, દીવો કરે. (૮) ક્રીત: સાધુ માટે વેચાતું લાવે. (૯) પ્રામિત્ય: સાધુ માટે ઉધાર લાવે. (૧૦) પરાવર્તિત: અદલો બદલો કરે. (૧૧) અભ્યાહ્તઃ સાધુના સ્થાને સામે લાવીને આપે. (૧૨) ઉદ્ભિન્નઃ સીલ તોડીને ઢાંકણું ખોલીને આપે, (૧૩) માલપહ્તઃ છીંકામાં મૂકેલું હોય તે ઉતારીને આપે (૧૪) આચ્છેદ્યઃ પુત્રાદિની ઇચ્છા ન હોય છતાં તેમની પાસેથી લઈને આપે. (૧૫) અનુત્સૃષ્ટ: (પતિ પત્નીની, પત્ની પતિની) રજા વિના વહોરાવે. (૧૬) અધ્વપૂરકઃ રાંધવાની શરૂઆત પોતાના માટે કરે, પછી એમાં સાધુ માટે ઉમેરો કરે. (૧૭) ધાત્રીદોષઃ સાધુ ધાવમાતાનું કામ કરે. (૧૮) દૂતિદોષ: સંદેશો લઈ જાય અને લાવે. (૧૯) નિમિત્તકર્મં જ્યોતિશાસ્ત્રથી નિમિત્તો કહે(૨૦) આજીવકપિંડ: પોતાના આચાર્યનુંકુળ બતાવે. (૨૧) વનીપકપિંડ: બ્રાહ્મણ, અતિથિ, ભિખારી જેવો બનીને ભિક્ષા માગે. (૨૨) ચિકિત્સાપિંડ: દવા બતાવે અથવા કરે. (૨૩) ક્રોધપિંડ: ક્રોધથી ભિક્ષા માગે. (૨૪) માનપિંડ: અભિમાનથી ભિક્ષા લાવે. ૨૫) માયાપિંડ: નવા નવા વેશ કરીને લાવે. ( ૨૬) લોભપિંડ: અમુક જ વસ્તુ લાવવા ખૂબ ફરે. (૨૭) સંસ્તવદોષઃ માતા-પિતાનો અને સસરા પક્ષનો પરિચય આપે. (૨૮) વિદ્યાપિંડ: વિદ્યાથી ભિક્ષા મેળવે. (૨૯) મંત્રપિંડ: મંક્ષથી ભિક્ષા મેળવે. ૩૦) ચૂર્ણપિંડઃ ચૂર્ણથી ભિક્ષા મેળવે (૩૧) યોગપિંડ: યોગશક્તિથી ભિક્ષા મેળવે (૩૨) મૂળ કર્મં ગર્ભપાત કરવાના ઉપાય બતાવે (૩૩) શક્તિ: દોષની શંકા હોય છતાં ભિક્ષા લે (૩૪) મ્રક્ષિત: ચોળાયેલાં-ચૂંથાયેલાં દ્રવ્યો લે (૩૫) પીહિતઃ સચિત્ત કે અચિત્તથી ઢાંકેલી વસ્તુ લે (૩૬) દાયક: નીચેના માણસોના હાથે ભિક્ષા લેવાથી આ દોષ લાગે: (ક) બેડીમાં બંધાયેલા (ખ) જૂતાં પહેરેલાં, (ગ) તાવવાળો, (ઘ) બાળક (ચ) કુબ્જ, (છ) વૃદ્ધ (જ) અંધ, (ઝ) નપુંસક (ટ) ઉન્મત્ત, (ઠ) લંગડો, (ડ) ખાંડનારો (ણ) પીસનારો (ત) પીંજનારો (થ) કાતરનારો (દ) દહીં ઝેરનારો (ધ) ગર્ભવતીસ્ત્રી (ન) ધાવણા બાળકવાળી માતા અને (પ) માલિકની ગેરહાજરીમાં નોકરી (૩૭) ઉન્મિશ્રઃ સચિત્ત- અચિત્ત મિશ્ર કરીને આપે તે લેવું. (૩૮) અપરિણત: પૂર્ણ અચિત્ત ન થયું હોય તેવું લેવું તે. અથવા બે સાધુમાં એકને નિર્દોષ લાગે ને બીજાને સદોષ લાગે તે લેવું (૩૯) લિપ્ત: મધ, દહીં, વહેરેથી લેપાયેલું લેવું, (૪૦) છર્દિત: ભૂમિ પર ઢોળાયેલું લેવું (૪૧) નિક્ષિપ્ત: સચિત્ત સાથે સંઘટ્ટાવાળું લેવું. (૪૨) સંહ્તઃ એક વાસણને બીજા વાસણમાં ખાલી કરીને ખાલી વાસણથી વહોરાવે. સાધુ-સાધ્વી આ ૪૨ દોષો બરાબર સમજે, તો જ તેઓ ભિક્ષા લાવવા માટે યોગ્ય બને.
શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર વગેરે આગમશાસ્ત્રો તથા પિંડનિર્યુકિત ગ્રંથના સાધારે ગૌચરી સંબંધી ૯૬ તથા ૧૦૬ દોષોનું કથન પણ ઉપલબ્ધ છે.
સાધુ ગોચરી માટે નીકળે ત્યારે એ કેવો હોય ? (૧) ઉદ્યત: એટલે કે નિર્દોષ ગોચરીની ગવેષણા કરવામાં આળસ ન કરે. (૨) અદીન વદન: એટલે કે દીનતારહિત મુખવાળો હોય (૩) પ્રસન્ન મનોદૃષ્ટિ: એટલે કે નિર્મળ મનવાળો હોય. આહાર ગવેષણા માટે જતાં સાધુ સ્થાન અભિગ્રહ ધારણ કરે છે. નીચેના આઠ માર્ગમાંથી એક-બે માર્ગ ધારે છે અને એમાંથી જે આહાર મળતો હોય તે લે છે. આ ગોચરી માટેના આઠ માર્ગ આ પ્રમાણે છે. ૧) ઋજવી ૨) પ્રત્યાગતિ ૩) ગોમૂત્રિકા ૪) પતંગવિથી ૫) પેટા ૬) અર્ધપેટા ૭) અભ્યંતર શંબૂકા ૮) બાસ શંબૂકા.