Get The App

સૂર્યવંશી ધર્માત્મા અને પરાક્રમી રાજાઓનું વર્ણન

Updated: Jun 7th, 2023


Google NewsGoogle News
સૂર્યવંશી ધર્માત્મા અને પરાક્રમી રાજાઓનું વર્ણન 1 - image


ભ ગવાન સૂર્ય એ જગતના આત્મા રૂપે છે. જો સૂર્યનારાયણ ભગવાન ન હોય તો આપણે કોઈ ન હોઈએ. માટે ગીતાજીના ચોથા અધ્યાયમાં સૌથી પહેલું નામ ભગવાને સૂર્યનું લીધું છે. ચોથા અધ્યાયમાં પહેલો શ્લોક છે કે, 'ઈમમ્ વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્, વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેઙ બ્રવીત્.' અર્થાત્ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહેવા માંગે છે કે, સૌ પ્રથમ જ્ઞાન મેં સૂર્યને કહ્યું. એ પછી સૂર્યનારાયણ ભગવાને પોતાના પુત્ર મનુને કહ્યું, મનુ મહારાજે પોતાના પુત્ર ઈક્ષ્વાકુ ને કહ્યું અને પછી પરંપરા અનુસાર રાજાઓ પાસે ગયું. 

ગીતાજીના આ શ્લોક દ્વારા જ સ્પષ્ટ થાય છે કે સૂર્યવંશી રાજાઓ ધર્માત્મા, પરાક્રમી અને કર્મયોગી હતાં. જ્યારે જ્યારે દેવોને પણ સંકટ પડે ત્યારે દેવો પણ સૂર્યવંશી રાજાઓને બોલાવતા હતા. શ્રીમદ્ ભાગવત, નવમ્ સ્કંધ અને વાલ્મિકી રામાયણના બાલકાંડના અનુસાર જોઈએ સૂર્યવંશની રાજધાની અયોધ્યા હતી. ભગવાન નારાયણના નાભિ કમલમાંથી બ્રહ્માજી થયાં. બ્રહ્માજીના મનમાંથી મરિચિ થયાં.  મરિચિના પુત્ર કશ્યપ થયા. કશ્યપ મૂનિને દક્ષ પ્રજાપતિએ પોતાની તેર કન્યાઓ પરણાવી હતી. જેમાં અદિતિના દેવો થયાં અને અદિતિ માતાજીના પુત્ર સૂર્યનારાયણ ભગવાન થયા. સૂર્યનારાયણ ભગવાનના શ્રાદ્ધદેવ મનુ શુકદેવજી મહારાજ પરિક્ષિત મહારાજને કહે છે કે, આ મનુ વંશનું વર્ણન હું સો વર્ષ સુધી કરું તો પણ પૂર્ણ ન થાય. મનુ મહારાજના પુત્ર ઈક્ષ્વાકુ અને નભગ રાજાના વંશમાં ધાર્મિક અને પરાક્રમી રાજાઓ થયાં. 'નભગ' રાજાના પુત્ર 'નાભાગ' થયા. જેને પોતાના પિતા નભગની સેવા કરી અને એક ઉત્તમ સંદેશ આપ્યો કે, માતા-પિતા અને વડિલોના આશિર્વાદ એ મોટામાં મોટી સંપત્તિ છે. તે નાભાગના પુત્ર અંબરીષ થયાં. અંબરીષ રાજાનું ચરિત્ર એ પુરાણોમાં પ્રસિદ્ધ છે. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતાં. ભાગવતજીના નવમા સ્કંધમાં ભગવાન વિષ્ણુ દૂર્વાસા ઋષિને કહે છે કે, 'ભલે જગતના લોકો મને સ્વતંત્ર માને પણ હું મારા ભક્તોને આધિન છું.' અંબરીષ પોતે રાજા હતાં પણ ઠાકોરજીની સેવા પોતે સ્વયં કરતા. 

ઈક્ષ્વાકુ રાજાના વંશમાં પરપુરંજ્ય નામના રાજા થયાં. દેવ-દાનવોના યુદ્ધમાં એમણે દેવોની સહાયતા કરી. ઈન્દ્ર પોતે બળદ બન્યા, એના ઉપર સવાર થઈ આ રાજાએ દૈત્યો સાથે યુદ્ધ કર્યું. એટલે રાજાનું એક નામ ઈન્દ્રવાહ પડયું અને તેનું બીજું નામ પડયું કપુસ્થ. એ વંશમાં યુવનાશ્વ નામના રાજા થયાં તેના પુત્ર માન્ધાતા હતા. શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધ અનુસાર જોઈએ તો માન્ધાતા એ ભગવતીના ઉપાસક હતાં. જેમણે ૧૦૦૮ માતાજીના મંદિરોનું નિર્માણ કર્યું. શક્તિની ભક્તિનો પ્રચાર-પ્રસાર કર્યો. એ માન્ધાતાના પુત્ર મુચકુન્દ હતા જેની કથા શ્રીમદ ભાગવત દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં વર્ણવી છે. એ મુચકુન્દ મહારાજે કાલયવન નામના દૈત્યને માર્યો. એ મુચકુન્દ મહારાજને ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયાં. એ વંશમાં અરુણુ નામના રાજા થયાં. દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં અરુણ રાજાજીની રાજનિતિ બહુ પ્રસિદ્ધ છે. અરુણ રાજા તેના પુત્ર સત્યવ્રતને વારંવાર કહેતાં કે, 'હંમશા તારી મતિ ધર્મમાં રાખજે.' એ સત્યવ્રતનું બીજું નામ ત્રિશંકુ હતું. એમના પુત્ર હરિશચંન્દ્ર થયાં. જે વચન ખાતર કાશિની બજારમાં પુત્ર અને પત્નિ સાથે વેચાયા. એ હરિશચંન્દ્ર મહારાજના પુત્ર રોહિત થયાં. આ હરિશચંન્દ્ર મહારાજના જીવનમાં ઘણાબધા સંકટો આવ્યાં પણ હરિશચંન્દ્ર મહારાજે સંકટોને ભગવતી સતાક્ષી માતાજીની કૃપાથી પાર પાડયા. 

હરિશચંન્દ્ર મહારાજના પુત્ર રોહિત, રોહિતના હારિત, હારિતના પુત્ર ચંપ. ભગિરથ રાજા પણ એ જ વંશમાં થયાં. જે ગંગાજીને ભૂતલ ઉપર લઈ આવ્યા. એ વંશમાં રઘુ નામના રાજા થયાં જે ધર્માત્મા હતા. એમ કહેવાય છે કે, રઘુ રાજાએ યજ્ઞામાં બ્રાહ્મણોને પોતાના રાજ્યનું દાન કરી દીધું. માટીના વાસણમાં ભોજન કરતાં હતા. એટલે જ રામ ચરિત માનસમાં ચોપાઈ છે કે, 'રઘુકુલ રિતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ.' આ જ ભાવ ગંગા સતિ પોતાના પદમાં કરે છે કે, 'વચન વિવેકી જે હોય નર ને નારિ પાનબાઈ, બ્રહ્માદીક લાગે એને પાય.' ક્ષત્રિય રાજાઓ માટે વચન એ મહત્ત્વનું છે અને એ વચનને ખાતર જ ભગવાન શ્રી રામજી રાજ્ય સત્તાનો ત્યાગ કરી વનમાં ગયાં. સૂર્યવંશી રાજાઓમાં વિષ્ણુ ભગવાનનો અંશ હતો માટે જ સૂર્યવંશમાં ભગવાન રામ પ્રગટયાં.

આ સમગ્ર પ્રસંગ આપણને સૌને સમજાવે છે કે દેવત્વ કરતાં મનુષ્યત્વ કેટલું ઉંચુ છે. આ રાજાઓના ચરિત્રો આપણે વાંચી સાચા માણસ બનીએ, પ્રભુને પ્રિય બનીએ એ જ અભ્યર્થના સાથે..અસ્તુ !.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News