22મી એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા
- સૌથી પહેલા તો અયોધ્યા એ શબ્દનો વિચાર કરીએ...
સ્કં ધ પુરાણમાં અયોધ્યાય શબ્દની વ્યાખ્યા કરતા વર્ણવ્યું "અ" એટલે ભગવાન વિષ્ણુ, "યો" એટલે બ્રહ્માજી અને "ધ્યા" એટલે શિવ. જેમાં બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજીનો નિવાસ હતો. અયોધ્યા નગરીનું નિર્માણ મનુ મહારાજે કર્યું હતુ. સૂર્યવંશના રાજાઓની રાજધાની એ અયોધ્યા નગરી હતી. એ સૂર્યવંશના રાજાઓની પરંપરામાં મહારાજ દશરથનું શાસન હતું, એમના શાસનકાળમાં અયોધ્યાનગરીની સ્થિતિ કેવી હતી જેનું વર્ણન વાલ્મીકી રામાયણના બાલકાંડના ૫ માં અને ૬ સર્ગમાં કરવામાં આવી છે.
અયોધ્યા એ ધન ધાન્યથી સમૃદ્ધ હતી. આ અયોધ્યા નગરી ૧૨ યોજન લાંબી અને ૩ યોજન પહોળી એવી શોભાસંપન્ન નગરી હતી. અયોધ્યાનો રાજ માર્ગ એ બીજા રાજ્યના રાજ માર્ગો કરતા વિશિષ્ટ હતો. વૃક્ષોની હારમાળા સાથે જોડાયેલો આ રાજ માર્ગ એ નગરની શોભાને વધારતો હતો. નગરમાં રોજ જળનો છંટકાવ કરી પુષ્પો પાથરવામાં આવતા હતા. જેવી રીતે સ્વર્ગની નગરી અમરાવતી દેવરાજ ઈન્દ્રએ નિર્માણ કરી હતી તેવુ જ અયોધ્યા નગર એ અમરાવતી સમાન મહારાજ દશરથજીએ સમૃદ્ધ કર્યું હતું. એ અયોધ્યા નગરી મોટા મોટા દરવાજા અને બારણાંથી સુશોભિત હતી. આ અયોધ્યા નગરના બજારોમાં યંત્ર અને અસ્ત્ર-શસ્ત્રોનો સંગ્રહ હતો. આ અયોધ્યાનગરીમાં સર્વ પ્રકારની કલાઓના શિલ્પીઓ રહેતા હતા. અયોધ્યામાં ચારેબાજુ ખાઈ હતી જેમાં પ્રવેશ કરવો અત્યંત વિકટ હતો. આ નગરી બીજા માટે દુર્ગમ હતી, અર્થાત્ શત્રુ રાજાઓ તેમાં પ્રવેશ ન હતા કરી શકતા. આયોધ્યા નગરીમાં ગાય, ઘોડા આદિ પશુધન પણ સમૃદ્ધ હતું. આ અયોધ્યા નગરી સામંત રાજાઓથી પણ ધેરાયેલી હતી જે રાજાઓ નિત્ય મહારાજ દશરથજીને ખંડણી આપતા હતા. વિવિધ પ્રકારના રત્નોથી અયોધ્યા નગરીના મહેલોનું નિર્માણ થયું હતું. પર્વતો જેવા વિશાળ ગગનચુંબી મહેલોથી એ નગરી શોભી રહી હતી. આ અયોધ્યા નગરી ઇન્દ્રના અમરાવતી નગરી જેવી ભાસી રહી હતી. આ અયોધ્યા નગરી યુતપળના આકારમાં વસાવવામાં આવી હતી. અયોધ્યા નગરી સાત મહેલોના માળિયાથી શોભતી હતી.
અયોધ્યા નગરીમા કોઈ એવું ન હતુ જે રાજધર્મને ન માને, આવી અયોધ્યા નગરી સરયુ નદીના તટ પર વસેલી હતી. મહારાજ દશરથજીના કાળમાં આવી ઉત્તમ સ્થિતિ અયોધ્યા નગરીમાં હતી એટલે જ ભગવાનને આ અયોધ્યામાં અવતાર લેવાની ઇચ્છા થઈ. આધ્યાત્મિક રીતે જો અર્થ કરીએ તો દશરથ મહારાજને ત્રણ મહારાણીઓ હતા એનો ભાવ એ રીતે છે જ્ઞાન શક્તિ એટલે કૌશલ્યા માતાજી, ક્રિયા શક્તિ એટલે કૈકેઈ માતાજી, દ્વવ્ય શક્તિ એટલે સુમિત્રા માતાજી અને દશરથ મહારાજ એટલે વેદ, વેદના માર્ગે આપણે ચાલીએ તો પ્રભુ પ્રાપ્તિનો માર્ગ એ સરળ બની જાય.
દશરથ મહારાજ એમનો પરિચય રામચરિત માનસમાં તુલસીદાસ મહારાજ આપે છે. "ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી". અર્થાત્ મહારાજ દશરથજી ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે અને જ્ઞાની છે જ્ઞાનની સાથે સાથે કર્મ અને ભક્તિ છે. આવુ દશરથજી મહારાજનું શાસન હતુ માટે ભગવાન વિષ્ણુ રામ બનીને આવ્યા. આપણે પણ હદયરૂપી અયોધ્યામા ભગવાન શ્રી રામજીને બિરાજમાન કરી આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના.
- ડો. કૃણાલ જોષી