Get The App

પાકિસ્તાને 1965માં જગતમંદિરને નિશાન બનાવી 156 બોમ્બ ફેંક્યા છતાં કાંકરી ન હલી

Updated: Sep 7th, 2022


Google NewsGoogle News
પાકિસ્તાને 1965માં જગતમંદિરને નિશાન બનાવી 156 બોમ્બ ફેંક્યા  છતાં કાંકરી ન હલી 1 - image


યાત્રાધામ દ્વારકામાં 58મા વિરાટ દિવસની રંગે ચંગે ઉજવણી : વામન જયંતિના દિવસે જગતમંદિરમાં મહાપૂજા, આરતી, વિષ્ણુસહસ્ત્ર નામ પાઠ,ધ્વજારોહણ વગેરે કાર્યક્રમો યોજાયા

દ્વારકા, : આજથી અઠાવન વર્ષ પહેલા વામન જયંતીના દિવસે પાકિસ્તાને દ્વારકાધીશ મંદિરને ધ્વસ્ત કરવાની મેલી મુરાદ સાથે જગતમંદિરને ટારગેટ કરી ઉપરાઉપરી 156 બોમ્બની વર્ષા કરી હોવા છતાં એક પણ બોમ્બ ફૂટયો ન હતો.બધા બોમ્બ દ્વારકાની સીમાની બહારના જંગલ વિસ્તારમાં પડયા હતા.જેમાં દ્વારીકા નગરી અને મંદિરનો બચાવ થયો હતો. આ દિવસથી દર વર્ષે અહી વામન વિરાટ દિનની ઉજવણી થાય છે. એ વર્ષોજૂની પરંપરા મુજબ અહી વામન જયંતીના દિવસે શ્રીજીને વિશેષ વામન સ્વરૂપનો શણગાર કરી, મહાઆરતી અને  ધ્વજારોહણ કરાયું હતુ.

જયારે જયારે ધર્મ પર અધર્મીના આક્રમણ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જાણે કે સુદર્શનચક્ર ધારી બનીને રક્ષકની ભૂમિકા અદા કરે છે એ વાતની અહી 1965ની સાલમાં બધાને પ્રતીતિ થઈ હતી.વામન જયંતીના દિવસે રાતના સમયે પાકિસ્તાને દ્વારકા જગતમંદિર અને શહેરને ટારગેટ કરી  બોમ્બ મારો કર્યો હતો. એક બે નહી પણ 156 બોમ્બની વર્ષા કરી હતી. આમ છતા શહેર કે  મંદિરને ઊની આંચ આવી ન હતી. આ બધા બોમ્બ દ્વારિકા નગરીની બહાર જંગલવિસ્તારમા પડયા હતા. પાકિસ્તાન નેવીના ઈરાદા પર પાણી ફરી વળ્યું હતુ.એક પણ બોમ્બ ફૂટયો જ ન હતો.એક પૌરાણિક કથાનક મુજબ વામન ભગવાને બલીરાજાનો અહંકાર ભાંગ્યો હતો એવી જ રીતે દ્વારકાધીશે પાકિસ્તાનનો ઘમંડ અહંકાર ભાંગેલો હતો. પાકિસ્તાન નેવીએ ફેંકેલા બોમ્બ અવશેષો આજે પણ સંસ્કૃત એકેડેમી મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યા છે. 

એમ મનાય છે કે જગતમંદિરમાં દશાવતારમાં પાંચમા અવતાર એવા વામનજીનું  દ્વારકાધીશ ભગવાન સ્વરૂપ ધારણ કરે છે અને એ જ દિવસે બોમ્બ વર્ષા થઈ હતી. તેમાં બધા બાલ બાલ બચી ગયા હતા અને એ દિવસથી જગતમંદિરમાં ભાદરવા સુદ અગિયારસના દિવસે વામન દ્વાદશ ઉત્સવ ઉજવવામાં આવે છે. એ પરંપરા મુજબ આજે પણ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શ્રીજીને વામન ઉત્સવ સ્વરૂપના શણગાર કરીને મહાઆરતી કરાઈ હતી. શિખર પર ધ્વજારોહણ કરાયું હતુ અને ૧૯૬૫થી સમસ્ત ગુગ્ગળી બ્રહ્મસમાજ દ્વારા વામન ઉત્સવ દિવસે ધ્વજારોહણ કરાય છે તેમજ આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધ્વજાજીનું પૂજન કરી આ એક દિવસની ધ્વજા વિજયધ્વજ તરીકે બપોરે 12  વાગ્યે ફરકાવવામાં આવે છે. 


Google NewsGoogle News