ખંભાળિયાનાં ગોઈંજ ગામે પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત
- જંતુનાશક દવા ગટગટાવી લઈને
- બન્નેએ દુપટ્ટાથી એક એક પગ બાંધૈલી હાલતમાં મૃતદેહ અને સ્યુસાઈટ નોટ પણ મળ્યા
ખંભાળિયા,સલાયા, તા. 16 જુલાઈ, 2020, ગુરૂવાર
ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે આજે સવારે એક તળાવ નજીકથી એક યુવક તથા એક યુવતીના મૃતદેહને સાંપડયા હતા. આ બન્ને યુવક- યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાથી આશરે નવેક કિલોમીટર દૂર સલાયા માર્ગ નજીક આવેલા ગોઈંજ ગામ પાસેના ૬૬ કેવી સબ સ્ટેશન પાસે આવેલા આ ગામના રાહતકામના પાણી ભરેલા તળાવ પાસે ઝાડ નીચે સવારે એક યુવક તથા એક યુવતીના
મૃતદેહ પડયા હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાને આવ્યું હતું. આથી આ બાબતે સલાયા મરીન પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સમયના પી.આઈ. ઝાલા તથા સ્ટાફ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ યુવક તથા
યુવતીનેના મૃતદેહ અંગે જરૂરી પૂછપરછ અને તપાસ કરતા આ બન્ને પ્રેમી-પંખીડા હોવાનું અને સજોડે સ્યુસાઈટ નોટ લખીને આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતુ.જે ચિઠ્ઠી યુવાનનાં ખિસ્સામાંથી મળી હતી.
પોલીસની તપાસમાં ગોઈંજ ગામનો અને છૂટક મજૂરી કામ કરતો યુવાન મહેન્દ્ર બાબુભાઈ વિંજોડા (ઉ. ૨૩) તથા થોડે દૂર કોઠા વિસોત્રી ગામની વાડી વિસ્તારમાં રહેતી ભૂમિ ડાડુભાઈ માડમ (ઉ.૧૯) નામના પ્રેમી પંખીડાએ ગત રાત્રીના કોઈ પણ સમયે કપાસમાં છાંટવાની અતિ જલદ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. આટલું જ નહી, દવા પીધા બાદ પણ બન્ને જુદા ન પડે તે માટે છોકરીનો ડાબો પગ તથા છોકરાનો જમણો પગ દુપટ્ટા વળે બાંધેલા જોવા મળ્યા હતા. આ સ્થળેથી ઝેરી દવાની અડધી બોટલ પણ મળી આવતા પોલીસે કબ્જે કરી હતી. સલાયા મરીન પોલીસ દ્વારા આ બંને પ્રેમી પંખીડાના મૃતદેહને હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ હતા. સ્યુસાઈડ નોટમાં અમે બેય અમારી મરજીથી મરી ગયા, કોઈ ગોતવા ના આવતા એવું લખેલું હતું. જેથી આ સમગ્ર પ્રકરણે ખંભાળિયા તથા સલાયા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.