જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શારદામઠની ગાદી પર બિરાજમાન
દ્વારકા શારદાપીઠ ખાતે મહાભિનંદન સમારોહ સંપન્ન : શૃંગેરી અને જ્યોતિર્મઠનાં જગદગુરૂ શંકરાચાર્યજીને વિશેષ ઉપસ્થિતિમાં વેદોકત વિધિવિધાન સાથેનાં પીઠાધિરોહણ પ્રસંગે સાધુ-સંતો-શ્રધ્ધાળુઓ ઉમટયા
દ્વારકા, : યાત્રાધામ દ્વારકા સ્થિત વિખ્યાત શારદાપીઠનાં જગતગુરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા બાદ આજે તેમના ઉત્તરાધિકારી તરીકે પૂ.જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો પીઠાધિરોહણ મહાભિનંદન સમારોહ વેદોકત વિધિવિધાન સાથે યોજાયો હતો.
દ્વારકાની શારદાપીઠ ખાતે 40 વર્ષ બાદ યોજાયેલા જગદગુરૂ શંકરાચાર્યજીનાં પીઠાધિરોહણ મહાભિનંદન સમારોહમાં પ્રમુખસ્થાને રામેશ્વર સ્થિત દક્ષિણામ્નાય શૃંગેરી પીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી વિદ્યુશેખર ભારતી મહારાજ તથા ઉત્તરાખંડ સ્થિત ઉત્તરામ્નાય જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજની ખાસ ઉપસ્થિતિ રહી હતી. એક સાથે ત્રણ જગદગુરૂ શંકરાચાર્યજીની હાજરીએ અનેરી ભક્તિનો માહોલ સર્જ્યો હતો. શંકરાચાર્ય વિદ્યુતશેખર ભારતીજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક કરાવ્યો હતો. આ સમયે જગત મંદિરનું પરિસર 'જય દ્વારકાધીશ', 'હર હર મહાદેવ' તથા 'ગૌમાતાની જય હો'નાં ઘોષ સાથે ગુંજી ઉઠયું હતું. ભવ્ય મહાભિનંદન સમારોહમાં નવા શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારકા શારદામઠની ગાદી પર બિરાજમાન થતાં જ દેશભરમાંથી પધારેલા સંતો, મહંતો, આચાર્યો તથા મહામંડલેશ્વર અને ગુરુજીનાં ભક્તોએ પુષ્પવૃષ્ટિ કરી હતી. તેમના આશીર્વાદ લેવા માનવમેદની ઉમટી પડી હતી.
દ્વારકા શારદાપીઠ ખાતે આજે સવારે વિશાળ સમિયાણામાં સંતો-મહંતો તથા ગુરુજીના ભક્તો અને રિલાયન્સ ઉદ્યોગગૃહના મોભી ધનરાજ નથવાણી, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર, દ્વારકાધીશના પંડાઓ તથા ગુગલી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં જગતગુરૂ સદાનંદ સરસ્વતીજી મહારાજનાં પીઠાધિરોહણ મહાભિનંદન સમારોહ પ્રસંગે અભીમંત્રિત કરેલા જળ અને ઔષધીઓના અભિષેક સાથે ભવ્ય મહોત્સવ સંપન્ન થયો હતો.