દ્વારકાધીશ મંદિરે સૌપ્રથમ વખત કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવાયો ફુલડોલ ઉત્સવ
- કોરોના સંક્રમણનાં પગલે જગત મંદિરનાં દ્વાર બંધ રહયા
- પુજારી પરીવારે શ્રીજી સાથે અબિલ-ગુલાલથી રમી પરંપરા જાળવી, નિજ મંદિર પરીસર ભાવિકો વિના રહયું સુનુ સુનુ
- ફાગણી પુનમના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું, કાળિયા ઠાકોરની બાવન ગજની ધ્વજાજીના દર્શન કરી પરત ફર્યા
વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરે આજે રવિવારે કોરોના સંક્રમણનાં પગલે જગત મંદિરનાં દ્વાર બંધ રહયા હતા અને સૌપ્રથમ વખત કોરોનાની ગાઈડલાઈન મુજબ ફુલડોલ ઉત્સવ ઉજવાયો હતો. આ પર્વ નિમિત્તે પુજારી પરીવારે શ્રીજી સાથે અબિલ-ગુલાલથી રમી પરંપરા જાળવી હતી અને નિજ મંદિર પરીસર ભાવિકો વિના રહયું સુનુ સુનુ રહયું હતું. ફાગણી પુનમના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને બહારથી જ કાળિયા ઠાકોરની બાવન ગજની ધ્વજાજીના દર્શન કરી પરત ફર્યા હતા.
જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિરે આ વર્ષ કોરોનાની મહામારીના કારણે ઈતિયાસમાં પ્રથમ વખત ભાવિકો વિના ફુલડોલ ઉત્સવ જવાયો હતો. દર વર્ષ જગત મંદિર પરીસર તેમજ નિજ મંદિર અંદર હજારો ભાવિકોની ઉપસ્થિતીમાં અબિલ-ગુલાલની છોડોથી આખું મંદિર રંગાઇ જતું હતું. જગત મંદિર પરીસરમાં ફૂલડોલ ઉત્સવ રમવા માટે ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી ભાવિકો ઉમટતા હતા અને જગતમંદિર પરીસર ઉભરાતું હતું, પણ આ વર્ષે ફૂલડોલ ઉત્સવમાં જગત મંદિરમાં ત્રણ દિવસ માટે પ્રવેશ બંધ હોવાથી ભાવિકો વિના પરીસર સુંનુ સુંનુ જોવા મળ્યું હતું.
જગત મંદિરમાં બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી નિજ સભામંડપમાં પુજારી પરીવાર દ્વારા પરંપરાગત રીતે ધામધુમથી ફુલડોલ ઉત્સવ ઉજવ્યો હતો.બપોરે શ્રીજીના ઉત્થાપન દર્શન થતાં પ્રથમ ઉત્સવ દરમ્યાન વૈદિક મંત્રોચ્ચાર બાદ ઢોલ, નગારા, શરણાઇના શૂરો વચ્ચે વિશિષ્ટ વાજિંત્રોની સુરાવલી સાથે ફુલડોલ ઉત્સવની મહાઆરતી યોજાઇ હતી. મહાઆરતી પછી શ્રીજીને ચાંદીની પીચકારીમાં કેસુડાના જળ ભરીને રંગ રમાડવાનો ભાવ કરાયો હતો. શ્રીજીના ચરણે ધરાયેલી અબિલ-ગુલાલની પોટલીમાંથી પ્રસાદરૂપે પુજારી પરીવાર રંગે રમ્યા હતા. અબિલ-ગુલાલની છોળો વચ્ચે નિજ સભામંડપમાં ફુલડોલ ઉત્સવ પુજારી પરીવારે બે થી ત્રણ વાગ્યા સુધી ધામધુમથીઉજવ્યો હતો. બીજી તરફ લાખો ભાવિકોએ ઘરબેઠા શ્રીજીના ફુલડોલ ઉત્સવના દર્શનનો સોશ્યલ મિડીયાના માધ્યમથી ધર્મલાભ લીધો હતો.
યાત્રાધામ દ્વારકામાં ફાગણ સુદ પુણમ એટલે હુતાસણીની મોટી પુનમના દિવસે હજારો ભાવિકો પુનમ ભરવા દ્વારકા પહોંચ્યા હતા. આજે પુનમને દિન ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહીમા હોવાથી વહેલી સવારથી સુદામા સેતું વિસ્તાર તરફથી પવિત્ર ગોમતી તરફ જવા રસ્તે ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને ગોમતી સ્નાન કરવા ઘાટ પર ભક્તોની ભિડ જોવા મળી હતી. ગોમતી સ્નાન કરી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિર બંધ હોવાથી ભાવિકોએ આજે દૂરથી જ શ્રધ્ધા સાથે કાળિયા ઠાકોરની બાવન ગજની ધ્વજાજીના દર્શન કરી ધન્યતા અનુભવી પરત પાછા ફર્યા હતા. જો કે, બપોરે ફૂલડોલ ઉત્સવ સંપન્ન થયા પછી ભાવિકોની લાગણી અને પુજારી પરિવારની માંગણીને ધ્યાને લઈને દ્વારકાધીશ મંદિરનાં દ્વાર ખોલી નંખાયા હતા. પોલીસ તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવો ન બને તે માટે ચોતરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. કાળિયા ઠાકોરના દર્શન ન થતાં ભાવિકોના ચહેરાઓ પર નિરાશા જોવા મળી હતી. મોડી સાંજે દ્વારકામાં પરંપરાગત રીતે ગોમતી ધાટ પાસે આવેલી સરકારી હોળીમાં જયોત લઇ જઇ શહેરના અન્ય મુખ્ય ચોકમાં ઉજવાતી હોળીઓમાં આ હોળીની પ્રજવલિત જયોત લઇ જઇ હોલીકા દહન કરાયું હતું.
વહીવટી તંત્રએ ત્રણ દિવસીય નિર્ણય પરત ખેંચ્યો
અંતે દ્વારકાધીશ મંદિર ફુલડોલ ઉત્સવ બાદ ભાવિકો માટે ખુલ્યું
પૂજારી પરિવારની માંગણી અને ભક્તોની લાગણીને ધ્યાને લઈને કોરોના ગાઈડલાઈન સાથે શ્રધ્ધાળુઓને પ્રવેશ
જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર કોરોના સંક્રમણનાં કારણે ફૂલડોલ ઉત્સવના હોળી પર્વ દરમ્યાન ગઈકાલે તા. ૨૭ થી ૨૯ માર્ચ સુધી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય જીલ્લા કલેકટર દ્વારા લેવાયો હતો.
પરંતું જગતમંદિર આજે તા.૨૮મીએ બપોરે ફુલડોલ ઉત્સવ દરમ્યાન ભક્તો વિના સુંનું સુંનું લાગતા પુજારી પરીવારની માગણી અને ભક્તોની લાગણી ધ્યાનમાં લઇ જીલ્લા કલેકટર અને એસ.પી. દ્વારા શ્રધ્ધાળુઓ માટે દ્વાર લોખવાનો નિર્ણય લેવાયો હતો.
પરિણામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ફાગણી પુનમના દિવસે સાંજે પાંચ વાગ્યા પછી હજારો ભાવિકોએ દર્શન કર્યા હતા. ભાવિકોને પોલીસ તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરાવીને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હજારો શ્રધ્ધાળુઓ માટે આનંદના સમાચાર મળતા દ્વારકાધીશનાં દર્શન કરવા પહોચ્યા હતા.