ઓખા-બેટ દ્વારકા વચ્ચે જીવના જોખમે યાત્રા કરતા શ્રદ્ધાળુઓ
- ફેરી બોટ સર્વિસમાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું, સલામતીના સાધનોનો પણ અભાવ
ઓખા, તા. 20 જાન્યુઆરી 2021, બુધવાર
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં ફરી એક વાર ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડવામાં આવતા હોવાની રાવ ઊઠી છે. ઉપરાંત કોરોના મહામારી અંગેની ગાઇડલાઇન મુજબ મર્યાદિત મુસાફરો બેસાડવાના આદેશનો પણ ઉલાળિયો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
ચોતરફ સમુદ્ર ધરાવતા અને 12 હજાર જેટલી વસતી ધરાવતા બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવાગમનનું એકમાત્ર સાધન ફેરી બોટ છે. બેટ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર, હનુમાનદાંડી નામનાં તીર્થક્ષેત્ર ઉપરાંત મુસ્લિમ, શીખ ધર્મનાં પણ સ્થાનકો આવેલાં હોવાથી અહીં બારેમાસ દર્શનાર્થીઓની ભીડ રહે છે. તેઓ આવજા કરવા માટે ફેરી બોટનો જ ઉપયોગ કરે છે. હાલ કોરોના મહામારી સંદર્ભે સરકારે જારી કરેલી ગાઇડલાઇન મુજબ 60 ટકાની કેપેસિટી સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરો બેસાડવા એવું કલેક્ટરનું જાહેરનામું છે.
જોકે ફેરી બોટ સર્વિસમાં એનો ઉલાળિયો કરી દેવામાં આવે છે. વળી, બોટમાં લાઇફ જેકેટ જેવા સલામતીના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વળી, બેટ મેરીટાઇમ બોર્ડના સિક્યોરિટી ઇન્ચાર્જ પણ ગેરહાજર હોવાથી ફેરી બોટના અમુક સંચાલકોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય એવું લાગે છે.