Get The App

બેટ દ્વારકામાં એક જ દિવસમાં વધુ 21 દબાણો પર બુલડોઝર ફેરવાયું

Updated: Oct 19th, 2022


Google NewsGoogle News
બેટ દ્વારકામાં એક જ દિવસમાં વધુ 21 દબાણો પર બુલડોઝર ફેરવાયું 1 - image


સંવેદનશીલ દરિયાઈ સરહદે મેગા ડિમોલીશનનો અવિરત ધમધમાટ બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય એટલા 50,000 ફૂટમાં થયેલી પેશકદમી હટાવીને રૂા.૧ કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

ખંભાળિયા, : બેટ દ્વારકા ખાતે ગત તા.1લી ઓક્ટોબરથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું ગઈકાલે મંગળવારે વધુ 50,000 ફૂટ જેટલું દબાણ ખુલ્લુ કરવામાં આવ્યું છે. આ જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતની ગણવામાં આવી છે.

ભારત-પાકિસ્તાનની સંવેદનશીલ દરિયાઈ જળસીમાએ આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વિખ્યાત યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી તંત્ર દ્વારા ગુપ્તતાપૂર્વક કરવામાં આવેલા સર્વે બાદ હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન આશરે રૂા. 7 કરોડથી વધુની કિંમતની પોણા બે લાખ ફૂટ જેટલી સરકારી જગ્યા પર થયેલી પેશકદમીઓ પર બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત સાથે ગુપ્તરાહે હાથ વધારવામાં આવેલા મેગા ડિમોલીશનનાં આટલા દિવસોમાં ક્યાંય ઘર્ષણ કે તંગદીલીના બનાવો બન્યા ન હતા. દ્વારકા જિલ્લાનાં પોલીસવડા તથા કલેકટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે દબાણ હટાવ ઝુંબેશની કામગીરી કરવામાં આવી રહી છે.

બેટ દ્વારકામાં તાજેતરમાં તહેવારોના ત્રણ-ચાર દિવસના વિરામ બાદ શરૂ થયેલા ડિમોલિશનના બીજા રાઉન્ડમાં ગઈકાલે મંગળવારે જુદા-જુદા 21 સ્થળોએ તબક્કાવાર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં એક દિવસમાં આશરે ૫૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યાની કિંમત આશરે 1.09 કરોડ અંદાજવામાં આવી છે.

ગઈકાલે મંગળવારે દિવસ દરમ્યાન જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડા તેમજ પોલીસ સ્ટાફ તથા જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર, વિગેરેની ટીમ દ્વારા દુકાનો, મકાન, પાકા વંડાઓ સહિતની જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી.

બેટ દ્વારકાનાં ઓપરેશન મેગા ડિમોલીશનની કામગીરીમાં તંત્રને મળેલી સફળતા બાદ દરિયા કિનારાની આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થયેલા ડિમોલિશનથી અન્યત્ર બેફામ પેશકદમી કરનારા ઈસમોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નોંધનીય છે કે, બેટ દ્વારકાનું મેગા ડેમોલિશન રાષ્ટ્રીય સ્તરે પણ છવાયેલું રહ્યું હતું અને આ મુદ્દે વિવિધ સંગઠનો દ્વારા આવકાર પણ સાંપળ્યો હતો.


Google NewsGoogle News