સાત મહિના બાદ ઓખા સહિતનાં રેલવે સ્ટેશનો પર દેખાશે ધમધમાટ
- લોકડાઉન બાદ પહેલી ડેઈલ ટ્રેનની જાહેરાત
- રેલવે સ્ટેશનો પર સ્ટોલવાળા, કુલીઓમાં લાંબા સમય બાદ ધંધા ખુલવાની ખૂશી
રાજકોટ, તા. 10 ઑક્ટોબર, 2020, શનિવાર
કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનનાં સાતેક મહિના જેટલા લાંબા સમય બાદ સૌરાષ્ટ્રનાં સમુદ્ર કિનારે આવેલા ઓખા સહિતનાં રેલવે સ્ટેશનો પર સંચાર શરૂ થયો છે. આગામી તા. ૧૭ મીથી ઓખા - મુંબઈની પહેલી ડેઈલી ટ્રેન શરૂ કરવાની જાહેરાત રેલવે તંત્રએ કરતા સ્ટેશનો પર આવેલા સ્ટોલ, કુલી સહિતનાં લોકોનાં ચહેરા પર હવે ધીરે ધીરે ધંધા શરૂ થશે તેની ખુશી જોવા મળી રહી છે.
રાજકોટથી રોજ આશરે ૩પ જેટલી ટ્રેનોનું પરિવહન થતુ હોય છે પણ તા. ૧૭ માર્ચથી પેસેન્જર ટ્રેનો બંધ થતા રેલવે સ્ટેશનો સુમસામ બન્યા હતા. લોકડાઉનનાં સાતેક મહિના બાદ હવે અનલોક - પ માં ત્રણ ટ્રેનો શરૂ રાજકોટથી શરૂ થશે. સોમનાથ - જબલપુર અને ઓખા - પુરી ચાલુ થઈ છે અને હવે તા. ૧૭ મીથી સોૈરાષ્ટ્ર મેઈલ શરૂ થશે. ઓખા - પુરી વિકલી ટ્રેન હતી એટલે સ્ટેશનો પર ખાસ ધમધમાટ ન હતો પરંતુ હવે ડેઈલી ટ્રેન શરૂ થવા જઈ રહી હોય ઓખા, ભાટીયા, જામનગર , હાપા સહિતનાં રેલવે સ્ટેશનો પર રેલવે સ્ટાફ, કુલીઓ અને સ્ટોલ ધારકોની અવર જવર શરૂ થઈ છે. મહિનાઓ બાદ સ્ટોલ ધારકોએ દુકાનમાંથી ધૂળ ખંખેરી હતી. હવે ધંધા - રોજગાર ખુલવાની આશા જાગી છે.
ઓખા સહિતનાં વિસ્તારોમાંથી સુરત અને મુંબઈ તરફ જવા માગતા લોકોની ભીડ રહે છે હાલ ટ્રાવેર્લ્સમાં ઉંચા ભાડા લેવાતા હોય છે આવા સંજોગોમાં મુંબઈની એક ટ્રેન શરૂ થતા લોકોમાં રાહત અનુભવાઈ હતી. અનલોક - પ માં હજુ કેરલ અને દિલ્હીની ટ્રેન દિવાળીનાં તહેવારો પર શરૂ કરવા રેલવે તંત્રએ કવાયત હાથ ધરી છે. આમ લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાં તબકકાવાર રેલ વ્યવહાર શરૂ થયો છે જો કે હજુ ટ્રાફિક પુરો મળતો નથી. સોમનાથ - જબલપુર એકસપ્રેસ ડેઈલી શરૂ થઈ છે પરંતુ હજુ પંદર - વીસ ટકા ટ્રાફિક માંડ જોવા મળે છે જો કે હવે કોરોનાનો ડર ઓછો થઈ રહયો હોય ધીરે ધીરે ટ્રેનમાં ટ્રાફિક વધશે તેવી આશા રેલવે અધિકારીઓ રાખી રહયા છે.