મલાઈકા અરોરાના પિતાનો છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત
- અંતિમ પગલું લેતાં બંને દીકરીઓને ફોન કરી કહ્યું હું થાકી ગયો છું
- રૂમમાં ચપ્પલ જોયા બાદ માતા બાલ્કનીમાં તપાસ કરવા ગયાં તો વોચમેનની બૂમો સાંભળી: કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી
મુંબઇ : અભિનેત્રી-મોડલ મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાએ આજે સવારે બાંદરામાં બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા બોલીવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી. તેઓ બીમારી કે અંગત કયા કારણથી હતાશામાં હતા એની તપાસ હાથ ધરવામાં આવી છે.
બાંદરામાં (પશ્ચિમ)માં પોશ અલમેડિયા પાર્ક સંકુલના આયેશા મનોર બિલ્ડિંગના છઠ્ઠા માળે મલાઇકા અરોરાની માતા જોયસ પોલીકાર્પ અન પિતા અનિલ મહેતા રહેતા હતા. બંનેના છૂટાછેડા થઈ ચૂક્યા છે જોકે કેટલાંક વર્ષોથી તેઓ બંને સાથે જ રહે છે .
મલાઈકાના માતાએ જણાવ્યા અનુસાર ૬૨ વર્ષીય અનિલ આજે સવારે નવ વાગ્યાની આસપાસ રુમમાં છાપું વાંચતાં હતાં. તે પછી પોતે તેમને ચપ્પલ રુમમાં જોયાં હતાં. આથી પોતે બાલ્કનીમાં તપાસ કરવા ગયાં હતાં. બાલ્કનીમાં તેમણે નીચે નમીને જોયું તો વોચમેન બૂમો પાડી રહ્યો હોવાનું તેમને જણાયું હતું. તે વખતે તેમને ખબર પડી હતી કે અનિલનું બાલ્કનીમાંતી પટકાતાં મોત નીપડયું છે. એક માહિતી અનુસાર તેમણે આ અંતિમ પગલું ભરતાં પહેલાં દીકરીઓ મલાઈકા તથા અમૃતા બંનેને ફોન કર્યો હતો અને જણાવ્યુ ંહતું કે પોતે બહુ થાકી ગયા છે અને બીમારીથી કંટાળ્યા છે.
આ બનાવની જાણ થતા બાંદરા પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેઓ અનિલને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે તપાસના ભાગરૂપે બિલ્ડિંગના પરિસરનું વીડિયો રેકોર્ડ પણ કર્યું હતું. આ ઉપરાંત વધુ વિગતો મેળવવા માટે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની તપાસણી કરી હતી. પોલીસે પરિવારજનો ઉપરાંત બિલ્ડિંગના અન્ય રહીશોનાં નિવેદન મેળવ્યાં હતાં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.
બનાવ વખતે મલાઈકા પુણેમાં હતી. આ ઘટનાની જાણ થતાં તે તત્કાળ મુંબઈ પાછી ફરી હતી. મલાઈકાની બહેન અમૃતા તથા ઉપરાંત એક્સ હસબન્ડ અરબાઝ ખાન, તેનો પુત્ર અરહાન ખાન, અરબાઝના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન , મલાઈકાનો એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર ઉપરાંત અમૃતાની ખાસ બહેનપણી કરીના કપૂર, સૈફ અલી ખાન સહિતના બોલીવૂડ કલાકારો તરત જ મલાઈકાને સાંત્વન આપવા આવી પહોંચ્યાં હતાં.
એમ પણ કહેવાય છે મૃતક અનિલ બીમાર રહેતા હતા. ગયા વર્ષે તબીયત બગડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ફક્ત ઘૂંટણમાં દુખાવો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજ તિલકરોશને જણાવ્યું હતું કે બિલ્ડિંગના પરિસરમાં ૬૨ વર્ષીય અનિલનો મૃતદેહ મળ્યો છે. તે બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતા હતા અમે આ પ્રકારની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા હોવાનું માલૂમ પડયું છે. અમે કારણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.