દિલ્હીની વાત : મોદીએ ઉદ્યોગોને મહારાષ્ટ્રમાંથી ગુજરાત ખસેડયા : પવારનો આરોપ
નવીદિલ્હી : શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાંક્યું છે. એમણે કહ્યું છે કે, ગુજરાતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ એન્ડ એરબસના ભાગો બનાવવાનો ઉદ્યોગ પહેલા મહારાષ્ટ્રમાં સ્થપાવાનો હતો. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ટાટાએ આયોજન બદલીને ગુજરાતમાં ઉદ્યોગની સ્થાપના કરી. રતન ટાટાની ઇચ્છા તો મહારાષ્ટ્રમાં જ આ ઉદ્યોગ શરૂ કરવાની હતી. નાગપુર એમઆઇડીસી ક્ષેત્રમાં ૫૦૦ એકર જેટલી જમીન આ માટે પસંદ કરવામાં પણ આવી હતી. મનમોહનસિંહની સરકાર વખતે આ આયોજન થયું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ટાટાને બોલાવીને આ ઉદ્યોગ ગુજરાતમાં લઈ જવા માટે દબાણ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસે સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી
નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય છ પક્ષોમાં ટિકિટ બાબતે ખૂબ ખેંચતાણ થઈ છે. નારાજ થયેલા કેટલાક નેતાઓએ રાતોરાત પક્ષ બદલ્યા છે. મહારાષ્ટ્રના ભૂતકાળમાં ક્યારેય પણ આવું જોવા મળ્યું નથી. આમ તો દરેક પક્ષે ચાલુ ધારાસભ્યોની ટિકિટ કાપી છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસે સૌથી વધુ ચાલુ ધારાસભ્યોને પડતા મૂક્યા છે. ભાજપએ આઠ ચાલુ ધારાસભ્યોની ટિકિટ કાપી છે જ્યારે કોંગ્રેસે પાંચ ચાલુ ધારાસભ્યોને રીપીટ કર્યા નથી. એનસીપી (શરદ પવાર) અને એનસીપી (અજીત પવાર)એ બે ચાલુ ધારાસભ્યોને રીપીટ કર્યા નથી. બીજી તરફ શિવસેના (એકનાથ શિંદે)એ વિદ્રોહ દરમિયાન સાથ આપનાર તમામ ધારાસભ્યોને રીપીટ કર્યા છે.
મહારાષ્ટ્રમાં બળવાખોરોએ તમામ પક્ષોની મુશ્કેલી વધારી
બીજા કોઈ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં નહી બન્યું હોય એવું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન બની રહ્યું છે. દરેક રાજકીય પક્ષના નેતાઓ એવું માની રહ્યા છે કે, એમનો પક્ષ સત્તા પર આવવાનો જ છે અને સત્તામાં એમની ભાગીદારી હોવી જ જોઈએ. જે સિનિયર નેતાઓને ટિકિટ નથી મળી એવા નેતાઓએ પક્ષ સામે બળવો કરીને ક્યાં તો અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેવાનું નક્કી કર્યું છે ક્યાં તો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઈ ગયા છે. ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૪થી નવેમ્બર છે આમ છતાં એવું ચર્ચાય રહ્યું છે કે બળવાખોર ઉમેદવારોને મનાવવા અશક્ય છે. સૌથી વધારે મુશ્કેલીમાં ભાજપ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડશે. મુંબઈ અને મહારાષ્ટ્રની બીજી બેઠકો પર ભાજપના બળવાખોરોએ પક્ષના ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવીને પક્ષને ચિંતામાં નાખી દીધો છે.
આગ્રાની હોસ્પિટલમાં ભાજપ કાર્યકરો અને કર્મચારીઓ વચ્ચે મારામારી
ન્યૂ આગ્રા વિસ્તારમાં આવેલી રામવેદ હોસ્પિટલમાં ટોઇલેટની સફાઇના મુદ્દે ઝઘડો થયા પછી ભાજપના કાર્યકરો અને હોસ્પિટલના કર્મચારીઓ વચ્ચે જામી પડી હતી. શરૂઆત ગાળાગાળીથી થઈ અને પછી બંને પક્ષો વચ્ચે હાથાપાઈ થઈ. ભાજપના કાર્યકરોએ કુંડા અને સ્ટૂલ ઉપાડીને હોસ્પિટલના કર્મચારીઓને માર માર્યો હતો. પોલીસ સ્ટેશને ગયેલા ભાજપના નેતાઓએ ત્યાર પછી પોલીસ સાથે પણ વિવાદ કરીને પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
કમલા હેરીસની જીત માટે તેલંગણામાં 11 દિવસનો યજ્ઞા
પાંચમી નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. બેગાની શાદીમેં અબ્દુલા દિવાનાની જેમ ભારતના કેટલાક વિસ્તારોમાં આ ચૂંટણી બાબતે અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમલા હેરીસ પોતાને ભારતવંશના હોવાનું કહે છે, પરંતુ આ વાત પણ અર્ધસત્ય છે. અમેરિકામાં ભારતવાસીઓના મત અંકે કરવા કમલા હેરીસ આવા પ્રકારના તીકડમ ઉભા કરે છે. તેલંગાણામાં તો કેટલાક ઉત્સાહીઓએ કમલા હેરીસની જીત માટે શ્રીરાજા શ્યામલંબા સંહિતા શત ચંદિ પૂર્વ સુર્દશન મયા યજ્ઞાનું આયોજન પણ કરી નાંખ્યું આ યજ્ઞા ૧૧ દિવસ સુધી ચાલશે અને યજ્ઞામાં સામેલ તમામ કમલા હેરીસની જીત માટે પ્રાર્થના કરશે.
ટ્રેનોમાં સામાનનું વજન મર્યાદાથી વધુ હશે તો પૈસા ચૂકવવા પડશે
છેલ્લા થોડા દિવસોથી દેશના કેટલાક રેલવે સ્ટેશનો પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમીકો તહેવાર મનાવવા માટે પોતાના વતન જઈ રહ્યા હોવાથી અંધાધૂધી સર્જાય છે. હવે પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે કે, મુસાફરોનો સામાન વધુ માત્રામાં હશે તો એ ચલાવી લેવામાં આવશે નહીં. સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરવામાં આવશે. જો સામાનનું વજન મર્યાદાથી વધારે હશે તો મુસાફરો પાસે દંડ વસુલ કરવામાં આવશે. નક્કી કરેલા વજનનો સામાન જ મફત લઈ જઈ શકાશે. સ્કૂટર અને સાયકલ જેવી વસ્તુઓ તેમ જ વધુ પડતી લંબાઈ અને પહોળાઈવાળી વસ્તુઓ જો લઈ જવી હશે તો વધારાના પૈસા ચૂકવવા પડશે.
પેટા ચૂંટણી માટે યોગી રામ ભરોસે : અયોધ્યાની ઉજવણી પર આધાર
અયોધ્યામાં રામ મંદિર બન્યું એ પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં એ મુદ્દો ચાલ્યો ન હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપને બેઠકો મળી એનાથી વધુ બેઠકો ૨૦૨૪માં રામ મંદિર બન્યું હોવાથી મળશે એવી ધારણા હતી, પરંતુ એવું ખરેખર પરિણામોમાં બન્યું ન હતું. સપા-કોંગ્રેસે યુપીમાં સપાટો બોલાવ્યો હતો. હવે યુપીમાં ૧૦ બેઠકો પર પેટા ચૂંટણીઓ છે, તે પહેલાં યોગીએ અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. તે એટલે સુધી કે ૨૮ લાખ દીવડાં પ્રગટાવવાનો નવો રેકોર્ડ પણ બનશે. યોગીએ કાશી-મથુરામાં પણ આવી ઉજવણીઓની વાત કરીને ધાર્મિક સ્થળોના વિકાસની વાત કરી હતી. યોગીને આશા છે કે પેટા ચૂંટણીમાં અયોધ્યાનો મુદ્દો રાજ્ય સરકારને ફળશે.
દિવાળીમાં મોંઘવારીથી ચૂંટણી રાજ્યોમાં મહિલા મતદારો નારાજ
આ દિવાળીમાં લોકોએ મોંઘવારી વધી હોવાની વ્યાપક ફરિયાદો કરી. મીઠાઈના ભાવમાં પાંચથી ૧૦ ટકા સુધીનો વધારો થયો. ઘણાં રાજ્યોમાં શાકભાજીના ભાવ ઊંચકાયા પછી દિવાળી આવ્યા છતાં ઘટયા નથી. કરિયાણાથી લઈને કપડાં સુધી તમામમાં ભાવ વધારો ઝીંકાયો છે. ફટાકડામાં ટેક્સ વધ્યો હોવાથી પણ લોકો પરેશાન છે. અનાજ-કરિયાણું, તેલ શાકભાજી સહિતના ભાવમાં વધારો દેખાઈ રહ્યો હોવાથી મહિલા મતદારો નારાજ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિપક્ષોએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવીને કેન્દ્રની સરકારને ઘેરી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કાર્યકરોને આ મુદ્દો સોશિયલ મીડિયામાં ગાજતો રાખવાની સૂચના આપી છે.
દિલ્હીમાં સાંજ પછી ટ્રાવેલ કરતી 77 ટકા મહિલાઓને અસુરક્ષાનો અનુભવ
ગ્રીન પીસ નામના સંગઠને દિલ્હીને ધ્યાનમાં રાખીને કરેલા સર્વેક્ષણમાં જણાયું કે સાંજ પછી ૭૭ ટકા મહિલાઓને પ્રવાસ કરવામાં અસુરક્ષા ફીલ થાય છે. ૨૩ ટકા મહિલાઓએ જ સાંજ પછી પબ્લિક પરિવહનમાં પ્રવાસ કરવાની તૈયારી બતાવી હતી. એ સિવાય જેમની પાસે છૂટકો ન હોય એવી મહિલાઓ ફફડાટ સાથે પ્રવાસ કરે છે. પાટનગર દિલ્હીમાં મહિલાઓ આટલી અસલામતી અનુભવે છે તે ગંભીર મુદ્દો છે એમ દિલ્હીમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ-આપ આ મુદ્દે એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે, પરંતુ હકીકતે એકેય પાર્ટી મહિલાઓને સુરક્ષિત મહેસૂસ થાય એવો માહોલ સર્જી શકી નથી. કેન્દ્ર સરકાર સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકાર પર દોષ આપે છે. રાજ્ય સરકાર કહે છે કે દિલ્હીમાં કેન્દ્રની દખલ રહે છે એટલે વ્યવસ્થા થઈ શકતી નથી.
બિહારના સેંકડો કામદારો ફસાયા : રેલવે મંત્રાલય વિપક્ષના નિશાના પર
દિવાળી અને છઠ્ઠ પૂજા હોવાથી એક સપ્તાહની રજા લઈને બિહારના કામદારો દેશભરના રાજ્યોમાંથી વતન જતા હોય છે. આ વર્ષે ગત સપ્તાહે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે જુદા જુદા રાજ્યોમાંથી બિહારના લોકો માટે ૭૦૦૦ ટ્રેનો દોડાવવામાં આવશે. પરંતુ દિવાળીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે છેક મોડી રાત સુધી ઠેર-ઠેર બિહારના કામદારો-મજૂરો અટવાયા હતા. વિપક્ષોએ આરોપ લગાવ્યો કે સરકારે માત્ર કહેવા ખાતર કરી દીધું, પરંતુ ટ્રેનો દોડાવી નથી. જો એવું હોય તો સરકાર ૭૦૦૦ ટ્રેનો બિહારમાં ગઈ હોય તેનો આંકડો આપે. નીતિશ કુમાર પણ આ અવ્યવસ્થાથી નારાજ થયા છે. કારણ કે તેજસ્વી યાદવ આ બાબતે બિહારની સરકારને ઘેરી રહ્યા છે કે કેન્દ્રના ગઠબંધનમાં હોવા છતાં બિહારના લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે ને મુખ્યમંત્રી માત્ર તમાશો જુએ છે.
હેમંત સોરેનના ખાસ વિશ્વાસુ અધિકારીઓ પર ઈડીના દરોડા
ઝારખંડમાં ચૂંટણી થવાની છે. તે પહેલાં ઈડીએ હેમંત સોરેનના વિશ્વાસુ અધિકારીઓ પર દરોડાં પાડયા છે. ઝારખંડમાં શરાબ ટેન્ડરમાં ગોટાળો થયાના આરોપમાં ઝારખંડ ઉપરાંત છત્તીસગઢમાં પણ કેટલાક સ્થળોએ દરોડા પાડયા છે. ૧૯૯૯ની બેચના આઈએએસ વિનય કુમાર ચોબે ૨૦૨૧માં આબકારી વિભાગના સચિવ હતા. હેમંત સોરેન સીએમ બન્યા પછી મુખ્ય સચિવ પણ રહ્યા હતા. આરોપ એવો છે કે સરકારે શરાબ નીતિમાં પરિવર્તન કર્યું એમાં સરકારી અધિકારીઓની મદદ લીધી અને તેનું વળતર પણ આપ્યું. ૨૦૫૦ કરોડના કૌભાંડનો આરોપ હોવાથી દરોડા પડયા છે. પરંતુ ઝારખંડ મુક્તિ મોરચાએ તેને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો હતો. ઝામૂમોના નેતાઓ કહે છે કે કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં મુદ્દો બનાવવા માટે આ દરોડા પાડે છે.
- ઈન્દર સાહની