દિલ્હીની વાત : રાહુલ પછી હવે અખિલેશના ભાષણથી સત્તાપક્ષ ટેન્શનમાં
નવી દિલ્હી : ઈન્ડિયા ગઠબંધન મજબૂત થતાં આ વખતે કેન્દ્ર સરકાર સામે લોકસભામાં પડકાર ખડો થયો છે. સંખ્યાબળ વધતા વિપક્ષનો આત્મવિશ્વાસ આસમાને પહોંચ્યો છે. રાહુલ ગાંધીએ ધુંવાધાર બેટિંગ કર્યા બાદ અખિલેશે પણ આક્રમક બેટિંગ કરી હતી. યુપીને કશું મળ્યું નથી એ મુદ્દો ઉઠાવીને અખિલેશે એક તીરમાં ઘણાં નિશાન સાધ્યા હતા. કેન્દ્ર યુપીને અન્યાય કરે છે એવો મુદ્દો લોકસભામાં ઉઠાવીને તેની ચર્ચા યુપીમાં કરાવે છે. અખિલેશનું ધ્યાન યુપીમાં આવનારી વિધાનસભાની ૧૦ બેઠકોની પેટા ચૂંટણી તરફ છે. જો યોગીને એમાં ધારણા પ્રમાણે સફળતા ન મળે તો યુપી ભાજપમાં ઉકળતો ચરૂ ભડકે બળી શકે અને તેનો ફાયદો વિપક્ષને મળે એવી લાંબાંગાળાની ગણતરી અખિલેશે માંડી છે.
કેન્દ્રીયમંત્રી અનુપ્રિયા પટેલની માતા સામે ચાર્જશીટ દાખલ થઈ
ઉત્તર પ્રદેશ ભાજપમાં હમણા વિવાદ ચાલી રહ્યો છે. એમ મનાય છે કે, ભાજપના કેટલાક કેન્દ્રીય નેતાઓ યોગી આદિત્યનાથ સામે લડવા માટે કેન્દ્રીયમંત્રી અનુપ્રિયા પટેલનો ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા કાનપુરમાં અકસ્માતને કારણે બે બાળકોના મૃત્યુ થયા હતા. આ બાબતે કેન્દ્રીયમંત્રી અનુપ્રિયા પટેલના માતા કૃષ્ણા પટેલ સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. કૃષ્ણા પટેલ એક સ્કુલમાં સંચાલિકા છે. એ જ સ્કુલના બે બાળકોના મૃત્યુને કારણે કૃષ્ણા પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. દિલ્હીમાં એવી ચર્ચા થઈ રહી છે કે, અનુપ્રિયા પટેલ વારંવાર યોગી આદિત્યનાથને સંકટમાં મૂકતા રહે છે એટલે યોગીએ પણ લાગ આવ્યો ત્યારે વળતો પ્રહાર કરી લીધો છે.
વિફરેલા વિદ્યાર્થીઓનો કોચિંગ સેન્ટર સામે મોરચો
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારના યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ દ્રષ્ટિ આઇએએસ કોચિંગ ઇન્સ્ટિટયુટ સામે આંદોલન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટયુટની સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાનું નજરે પડયું હતું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમણે મોટી ફી ચૂકવીને આ કોચિંગ ઇન્સ્ટિટયુટમાં એડમીશન લીધું છે. ઇન્સ્ટિટયુટમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી. ઇન્સ્ટિટયુટના સંચાલકોના ઘરની સામે વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું છે.
દિલ્હીમાં ગટરની સફાઇ મુદ્દે મુખ્ય સચિવ જવાબ આપતા નથી
દિલ્હીના શહેર વિકાસમંત્રી સૌરભ ભારદ્વાજે શહેરની ગટર વ્યવસ્થા સુધારવા માટે દિલ્હીના મુખ્ય સચિવ નરેશકુમારને ઘણા પત્રો લખ્યા હતા. ભારદ્વાજનું કહેવું છે કે, મુખ્ય સચિવે એમની ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી. જો મુખ્ય સચિવે સમયસર યોગ્ય પગલા લીધા હોત તો દિલ્હીમાં પાણીનો આટલો ભરાવો થયો હોત નહીં.
યુપીમાં સિગરેટના નામે કરોડો રૂપિયાની જીએસટી ચોરી
થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના જીએસટી અધિકારીઓએ સિગરેટના તમાકુમાંથી કીમામ બનાવવાના બહાને ૮૫૦ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડી હતી. હવે સિગરેટના તમાકુમાંથી બીજી સિગરેટ બનાવવાનું દર્શાવીને ૧૦ કરોડ રૂપિયાની ડિબેટ સરકાર પાસે મેળવવામાં આવી છે. આ કૌભાંડના મૂળિયા આગ્રા, નોઇડા, લખનૌ, મેરઠ અને દિલ્હી સુધી ફેલાયા છે. ઠગોએ કીમામ બનાવવા માટે બજારમાંથી ૪૧ કરોડ રૂપિયાની સિગરેટ ખરીદી હોવાનું બતાવ્યું હતું. તૈયાર થયેલા કીમામની કિંમત રૂ. ૧૮ હજાર બતાવવામાં આવી હતી. ઉત્પાદિત વસ્તુ પર ઇન્ટીગ્રેટેડ જીએસટી લઈ શકાય છે એટલે આ ઠગોએ ૮૫૦ કરોડ રૂપિયા મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. ૩૮૦ કરોડ રૂપિયા તો એમને ચૂકવી દેવામાં આવ્યા પણ હતા. પાછળથી કૌભાંડ બહાર આવતા જીએસટીના અધિકારીઓએ પગલા લીધા હતા.
અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી નીતિશ કુમારની હાલત કફોડી
બિહારમાં ઓબીસી માટે અનામતની ટકાવારીમાં વધારો કરીને મુખ્યમંત્રી નીતિશકુમાર લોકપ્રિય થઈ ગયા હતા. હવે સુપ્રિમ કોર્ટે આ નિર્ણય રદ કર્યો છે. નીતિશકુમારને એમ હતું કે, અનામતની ટકાવારી ૫૦ ટકાને બદલે ૬૫ ટકા કરવાથી એમને પછાત મતદારોના મત મળશે. નીતિશકુમારના નજીકના સૂત્રોનું કહેવું છે કે, અનામતનો વધારો માન્ય રાખવા માટે કેન્દ્ર સરકારે બંધારણના નવમાં શિડયુલમાં ફેરફાર કરવો પડે. આ કામ અઘરુ છે. જો કેન્દ્ર સરકાર આ બાબતે નીતિશકુમારને મદદ નહીં કરે તો નીતિશકુમાર નારાજ થાય એમ છે. નીતિશકુમારે એમને મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિનંતી કરી છે. જોકે આ બાબતે મોદી સરકાર પણ નીતિશની ખાસ મદદ કરી શકે એમ નથી.
દિલ્હીમાં સંસદ કવર કરતા પત્રકારો 'પાંજરે પૂરાયા'
દિલ્હીમાં જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય છે ત્યારે સત્ર કવર કરવા માટે દેશભરમાંથી પત્રકારો અહીં આવે છે. જે પત્રકારો પાસે સંસદમાં પ્રવેશવાનો પાસ હોતો નથી તેઓ પાર્લામેન્ટની બહાર એક ચોક્કસ જગ્યાએ ઉભા રહીને સંસદ સભ્યોની કોમેન્ટ અને તસવીરો લેતા હોય છે. સંસદ ભવનની સુરક્ષા ખુબ કડક હોવાથી ઘણા પત્રકારોને સંસદની કાર્યવાહી કવર કરવા મળતું નથી. હવે સોમવારથી પત્રકારોને ઉભા રહેવા માટે એક કાચની પિંજરા જેવી જગ્યા નક્કી કરવામાં આવી છે. પત્રકારો હવે સંસદના મુખ્ય દરવાજાની બહાર ઉભા રહી શકશે નહીં. આ બાબતે વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. અન્ય વિરોધપક્ષના નેતાઓએ પણ સરકારના આ વલણની ટીકા કરી છે.
ટ્રેન અકસ્માતો મુદ્દે વિપક્ષે ફરીથી સરકારની ઝાટકણી કાઢી
૧૩ દિવસમાં સાત ટ્રેન અકસ્માતોની નાના-મોટી ઘટનાઓ સામે આવતા વિપક્ષે સરકારને એ મુદ્દે ઘેરી છે. એક તરફ સરકાર વંદે ભારત જેવી ટ્રેનનો પ્રચાર રહી છે અને સેફ્ટી સ્ટાન્ડર્ડની વાતો કરે છે ત્યારે આવા અકસ્માતો કેમ નિવારી શકાતા નથી એવો પ્રશ્ન વિપક્ષના નેતાઓએ કર્યા હતા. પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે ભારતીય રેલવેને અત્યારે દુનિયાની સૌથી અસુરક્ષિત રેલવે ગણાવી હતી. રેલવેના અકસ્માતો બાબતે સરકારે બચાવ કર્યો હતો અને ઓનલાઈન બચાવ માટે આઈટી સેલને કામ સોંપ્યું હતું, પરંતુ મજબૂત દલીલ થઈ શકે તેમ નથી. સામાન્ય લોકો પણ હવે રેલવે મંત્રાલયને ટેગ કરીને સવાલો કરી રહ્યા છે.
લોકસભાના પરિણામમાંથી ભાજપે બોધપાઠ લેવો જોઈએ
ભાજપના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે કહ્યું હતું કે લોકસભાના પરિણામોએ ભાજપને જે બોધપાઠ ભણાવ્યો છે એ સમજવાની જરૂર છે. લોકસભાના પરિમાણોથી ભાજપના કેટલાક નેતાઓનો ઘમંડ તૂટયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા ઉદાર થવાની જરૂર છે. રાજકીય રીતે કેટલીક બાબતો આ પરિણામથી બદલાઈ ગઈ છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ શાંતા કુમાર હિમાચલ પ્રદેશ ભાજપ યુનિટની ટીકા કરી ચૂક્યા છે.
રાજ્યપાલોની નિમણૂક પાછળ ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ
નવ રાજ્યોના ગવર્નરની નિમણૂક થઈ છે. કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ જે રાજ્યપાલોની નિમણૂક કરી છે એમાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર પછાત વર્ગને પ્રાથમિકતા મળતી નથી એવો મુદ્દો ઉઠાવે છે તેથી નવા રાજ્યપાલોમાં ઓબીસી વર્ગને મહત્ત્વ અપાયું છે. તે ઉપરાંત ગવર્નરોને રાજ્યની રૂલિંગ પાર્ટીને ધ્યાનમાં રાખીને પણ પસંદ કરાયા છે. જેમ કે પંજાબ જેવા રાજ્યમાં કે જ્યાં આપ જેવા વિપક્ષની સરકાર છે ત્યાં ગુલાબ ચંદ કટારિયા જેવા જૂના રાજકારણીને ગવર્નરની જવાબદારી સોંપાઈ છે.
દિલ્હી કોર્પોરેશન ઉંઘમાંથી સફાળી જાગી
કોચિંગ સેન્ટરમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ પછી માથા પર માછલા ધોવાતા એમસીડી (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) એકાએક જાગૃત થઈ છે. ગેરકાયદેસર રીતે બનેલા સાત કોચિંગ સેન્ટરોને સિલ કરવામાં આવ્યા છે. દ્રષ્ટી આઇએએસ ઇન્સ્ટિટયુટની ૧, વાજીરાવની ૩, રવિ સંસ્થાનની ૧, આઇએએસ હબની ૧ અને શ્રીરામ આઇએએસ ઇન્સ્ટિટયુટની ૧ બિલ્ડીંગને સિલ મારવામાં આવ્યા છે. આ સિવાય એમસીડીએ બીજા કોચિંગ સેન્ટરોની તપાસ પણ શરૂ કરી છે. ૧૬ મકાનોને નોટિસ આપવામાં આવી છે. બેઝમેન્ટમાં ચાલતા ૫ કોચિંગ સેન્ટરો કાયમી ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યા છે. ૬૦ જેટલી લાયબ્રેરીઓને પણ નોટીસ આપવામાં આવી છે. દિલ્હીમાં ઘણી લાયબ્રેરીઓ બેઝમેન્ટમાં ચાલતી હોય છે.
-ઈન્દર સાહની