દિલ્હીની વાત : યોજનાઓની જાણકારી મતદારો સુધી પહોંચાડો : ભાજપ હાઈકમાન્ડનો આદેશ
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીને આડે હવે લગભગ પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે ચિંતીત ભાજપના હાઇકમાન્ડે ભાજપના નેતાઓ અને કાર્યકરોને સૂચના આપી છે કે, ભાજપે જાહેર કરેલા ઘોષણાપત્રની માહિતી મતદારો સુધી પૂરી તાકાતથી પહોચાડે નેતાઓને કહેવામાં આવ્યું છે કે ભાજપએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓડીસા જેવા રાજ્યોમાં સત્તામાં આવ્યા પછી તરત જ મહિલાઓને આર્થિક સહાય પુરી પાડી હતી એ વાત મહિલા મતદારો સુધી પહોંચાડે. દિલ્હીમાં સરકાર બનતા પહેલાં પહેલી કેબિનટ મિટિંગમાં જ મુખ્ય યોજનાઓ પાસ કરવામાં આવશે એ વાત પણ દિલ્હીના લોકો સુધી પહોંચાડવા કહેવામાં આવ્યું છે. ભાજપ હાઇકમાન્ડ માને છે કે, દિલ્હીમાં ફક્ત હિન્દુત્વના જોર પર ચૂંટણી જીતી શકાય એમ નથી એટલે હવે મફતમાં રેવડી વહેંચવાની શરૂઆત કરી છે.
મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા કેટલા દેશની વસ્તી કરતા વધુ
મૌની અમાવસ્યાને દિવસે મહાકુંભમાં લગભગ ૮ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. વસ્તીની દ્રષ્ટીએ ભારતના રાજ્યોને બાજુ પર રાખીએ તો પણ કેટલાય દેશોની વસ્તી કરતા આ આંકડો વધારે છે. સ્પેન અને યુકે જેવા દેશોની કુલ વસ્તી મહાકુંભમાં એક દિવસમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ કરતા ઓછી છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં દર વર્ગ કિલોમીટરમાં ચાર વ્યક્તિ રહે છે. જ્યારે મૌની અમાવસ્યાએ મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓનો આંકડો પ્રતિ વર્ગ કિલોમીટરે ૧૫ હજાર જેટલો થાય છે. પ્રયાગરાજ જિલ્લાની વસ્તી ૭૨ લાખ જેટલી છે. જ્યારે મૌની અમાવસ્યાએ આવેલા શ્રદ્ધાળુઓ ૮ કરોડથી વધુ હતા. યુરોપના સૌથી મોટા દેશ જર્મનીની વસ્તી ૮ કરોડ જેટલી છે. જ્યારે યુકેની વસ્તી ૬ કરોડ ૯૧ લાખ છે.
'કોંગ્રેસને કારણે ભાજપ જીતે છે' : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં એમણે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મમતાએ લખ્યું છે કે, કોંગ્રેસને કારણે ભાજપ જીતતો રહે છે. ઇન્ડિયા ગઠબંધન તૂટી રહ્યું છે એનું કારણ પણ કોંગ્રેસ છે. મમતાએ લખેલા ત્રણ પુસ્તકોનું વિમોચન કોલકત્તા ઇન્ટરનેશનલ બુકફેરમાં થયું હતું. એક પુસ્તકનું નામ છે 'બાંગ્લાર નીરબાચન ઓ આમરા' એટલે કે 'બંગાળની ચૂંટણીઓ અને અમે' પુસ્તકમાં કોંગ્રેસની આકરી ટીકા કરતા મમતાએ લખ્યું છે કે ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની ઇન્ડિયા ગઠબંધનના હારનું કારણ કોંગ્રેસ છે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ સરકારમાં આવી એ માટે પણ કોંગ્રેસ જવાબદાર છે. ઇન્ડિયા ગઠબંધનને ટકાવી રાખવા માટે તૃણમુલ કોંગ્રેસે પુરતા પ્રયત્નો કર્યા પરંતુ કોંગ્રેસના અહમને કારણે એમને સફળતા મળી નહી.
મરાઠા અનામતના નેતા મનોજ જરાંગેએ કેમ ઉપવાસ સમાપ્ત કર્યા
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ એકાએક અનિશ્ચિત કાળના ઉપવાસ સમાપ્ત કર્યા છે. એમણે કહ્યું છે કે, હવે અનામતની માંગને આગળ વધારવા માટે તેઓ બીજા માર્ગ અપનાવશે. જરાંગે અને બીજા ૧૦૪ કાર્યકર્તાઓએ ૨૫ જાન્યુઆરીથી ઓબીસી શ્રેણીમાં અનામત મેળવવા માટે અમાર્યાદીત સમયની ભૂખ હડતાળ શરૂ કરી હતી. આ સિવાય જરાંગેએ બીડ જિલ્લાના સરપંચ સંતોષ દેશમુખની હત્યા માટે જવાબદાર આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી. ઉપવાસ પુરા કરવાનું કારણ જરાંગેએ એવું આપ્યું છે કે, હવે આગળ વધવા માટે એમણે નવી રણનીતિ અપનાવવી પડશે. જોકે રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, મહારાષ્ટ્રની સરકારે જરાંગેને અગત્યતા આપવાનું બંધ કરી દેવાને કારણે જરાંગેએ ઉપવાસ પાછા ખેંચ્યા છે.
ત્રિપુરાના પૂર્વ સીએમ વિપ્લવ દેવને છૂટાછેડા જોઈએ છે, પત્નીનો ધડાકો
ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ વિપ્લવ દેવના છૂટાછેડા થઈ રહ્યા છે. આ બાબતની જાણકારી એમના પત્ની નીતિ દેવએ સોશિયલ મીડિયા પર આપી છે. નીતિએ લખ્યું છે કે, દેવજીને છૂટાછેડા જોઈએ છે. નીતિએ લખેલી પોસ્ટમાં ૨૪ વર્ષના લગ્નજીવનનો અંત કેવી રીતે આવ્યો એની લાંબી વાતો છે. નીતિએ વેદના વ્યક્ત કરી છે કે હવે કંઈ થઈ શકે એમ નથી. નીતિની આ પોસ્ટ પછી ત્રિપુરાના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના એક સિનિયર નેતાએ ફક્ત એટલું જ કહ્યું કે એમને એટલી જ જાણકારી છે જેટલી ત્રિપુરાની જનતાને છે. આજકાલ વિપ્લવ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. વિપ્લવ અને નીતિના બે બાળકો છે. એમના લગ્ન ૨૦૦૧ની ૨૭મી નવેમ્બરે થયા હતા. નીતિએ પોતાની પોસ્ટમાં છૂટાછેડા માટેના કારણો આપ્યા નથી.
યુકેની બેવડી ચાલ, હવે ખાલિસ્તાન સમર્થકોને જોખમી ગણાવ્યા
યુકેની સરકારે એક રીપોર્ટમાં ભારતીય ઉપમહાદ્વિપ ક્ષેત્રમાં બે પ્રકારના કટ્ટરવાદ વિશે જાણકારી આપી છે. એક છે હિન્દુ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલો કટ્ટરવાદ અને બીજા છે ખાલિસ્તાનને સમર્થન કરનારાઓનો કટ્ટરવાદ. વડાપ્રધાન ટીર સ્ટારર્મરની સરકારના લિક થયેલા રીપોર્ટમાં આ માહિતી છે. પોલીસી એક્સચેન્જ થીંક ટેન્ક માટે એન્ડ્રુ ગીલીગન અને ડોક્ટર પોલ સ્કોટ દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ બહાર આવ્યા પછી દિલ્હીના રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, આ યુકેની બેવડી ચાલ છે. લંડન અને બીજા શહેરોમાં જ્યારે ખાલિસ્તાનવાદીઓ દેખાવ કરે છે ત્યારે યુકેની સરકાર એમની તરફ કુણુ વલણ દાખવે છે. ભારતમાં હિન્દુ કટ્ટરવાદીઓથી દેશને જોખમ હોવાની વાત પણ વિશ્વમાં ભારતને નીચુ બતાવવા માટે કરવામાં આવી છે. ભારતનું વિદેશ મંત્રાલય હવે આ બાબતે કેવો પ્રતિઉત્તર આપે છે એ જોવું રહ્યું.
મહાકુંભમાં થયેલી ભાગદોડ માટે જવાબદાર કોણ તે સુપ્રીમ નક્કી કરે
મૌની અમાવસ્યાની રાત્રે મહાકુંભ મેળામાં થયેલા સ્ટેમપેડની તપાસ રિટાયર્ડ જજ પાસે કરાવવાની જાહેરાત ઉત્તરપ્રદેશ સરકારે કરી છે. જોકે હવે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં પણ એક જાહેર હિતની અરજી દાખલ થઈ છે. અરજદારે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ ઉત્તરપ્રદેશ સરકાર પાસે સમગ્ર ઘટનાનો સ્ટેટસ રીપોર્ટ માંગે અને જવાબદાર અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી કરે. સુપ્રીમ કોર્ટના એક વકીલ દ્વારા આ અરજી કરવામાં આવી છે. અરજીમાં વીઆઇપી મુવમેન્ટથી શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલી તેમ જ જોખમ બાબતે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. નિરિક્ષકો એમ માની રહ્યા છે કે, ભીડને કાબુમાં રાખવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.
સીરિયાના પ્રમુખ બનેલા અહમદ પર અમેરિકાએ કરોડોનું ઈનામ રાખ્યું હતું
સીરિયામાં બશર-અલ અસદ સામે મોરચો ખોલીને એને દેશ છોડવા મજબૂર કરનારા અહમદ અલ-શરા સીરિયાના નવા પ્રમુખ બન્યા છે. હયાત તહરીર અલ-શામ નામનું સંગઠન ચલાવતા અહમદ અલ-શરા અબુ મોહમ્મદ અલ-જોલાનીના નામેય જાણીતા છે. એક સમયે અલકાયદા સાથે જોડાયેલા અહમદને અમેરિકાએ વોન્ટેડ જાહેર કર્યા હતા. આતંકવાદી સંગઠન ચલાવતા અહમદને અમેરિકાએ આતંકવાદી જાહેર કરેલા, પરંતુ અહમદે ધીમે ધીમે એક નેતાની ઈમેજ બનાવી હતી. સૈન્યની વર્દીમાં અહમદ ધાર્મિક લઘુમતીઓ અને મહિલાઓના અધિકારો માટે લડતા હોવાની છબી બનાવવામાં આવી રહી છે. ૪૫ વર્ષના આ નેતાના હાથમાં હવે તુર્કીના સમર્થનથી સીરિયાની સત્તા આવી છે. સીરિયામાં તાલિબાનની જેમ કટ્ટરવાદી નેતાઓના હાથમાં સત્તા આવી છે એટલે કટ્ટર નિર્ણયો લેવાશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
અરવિંદ કેજરીવાલે ચૂંટણી કમિશ્નરને કહ્યું, ગમે ત્યાંથી ચૂંટણી જ લડી લો
અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં હરિયાણામાંથી ઝેરી તત્વો ભેળવવામાં આવે છે એવો દાવો કર્યો પછી વિવાદ વધ્યો હતો. ચૂંટણી પંચે નોટિસ પાઠવીને કેજરીવાલનો જવાબ માગ્યો હતો. કેજરીવાલે નોટિસનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેમના નિવેદનમાં કોઈ જ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ થતો નથી. કેજરીવાલે ૧૪ પાનાનો ઉત્તર પાઠવીને હવે ઈલેક્શન કમિશનને જ મૂંઝવણમાં મૂકી દીધું છે કે કેજરીવાલ સામે શું પગલાં ભરવા? ચૂંટણી પંચ પાસે કેજરીવાલે તો ત્યાં સુધી ડિમાન્ડ કરી હતી કે ચૂંટણી ચાલે છે ત્યાં સુધી દિલ્હીને શુદ્ધ પાણી મળે છે કે નહીં તે ચૂંટણી પંચે જોવું જોઈએ. એ પછીના એક નિવેદનમાં કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર પર ભેદભાવ કરાયાનો આરોપ મૂકીને કહ્યું હતું કે તમે દિલ્હીની કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડી લો.
ગોવામાં બજરંગ દળની વિગતો મેળવનારાં આઈપીએસની ટ્રાન્સફર
ગોવાના સાઉથ ગોવાના એસપી સુનિતા સાવંતે સ્થાનિક બજરંગ દળના પદાધિકારીઓ અને તેની કામગીરી માટે અહેવાલ આપવાની સૂચના પોલીસ સ્ટેશનોને આપી હતી. એ આદેશ આપ્યાના ગણતરીના દિવસોમાં જ ગોવાની સરકારે સુનિતા સાવંતની બદલીનો આદેશ આપ્યો હતો. આ આદેશ પણ વાયરલેસમાં આવ્યો. સામાન્ય રીતે આટલી ઝડપથી કોઈ ટ્રાન્સફર ઓર્ડર મળતો નથી. રાજ્ય સરકાર લેખિતમાં ટ્રાન્સફર ઓર્ડર આપતી હોય છે. સરકારે એન્ટી નાર્કોટિક્સ સેલમાં કામ કરતા ટીકમ સિંહને સાઉથ ગોવાના એસપી બનાવી દીધા. ગોવામાં બજરંગનો દબદબો વધ્યો છે. છેલ્લાં સમયથી કોઈને કોઈ રીતે સંઘનું આ સંગઠન ચર્ચામાં રહે છે એટલે સુનિતા સાવંતે એના વિસ્તારની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી.
- ઈન્દર સાહની