Get The App

દિલ્હીની વાત : પૂજારીઓ માટે યોજના લાવવાનો નિર્ણય કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : પૂજારીઓ માટે યોજના લાવવાનો નિર્ણય કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક 1 - image


નવી દિલ્હી : દિલ્હીની ચૂંટણી પહેલાં આપ, ભાજપ અને કોંગ્રેસ મતદારોને ખુશ કરવા માટે નવી નવી જાહેરાતો કરે છે. મેનિફેસ્ટોમાં મોટા વર્ગને ખુશ કરવાના પ્રયાસો શરૂ થયા છે. એ દરમિયાન અરવિંદ કેજરીવાલે પૂજારી-ગ્રંથી સન્માન યોજના શરૂ કરીને ચર્ચા જગાવી દીધી છે. આ યોજનાથી આમ આદમી પાર્ટીએ સોફ્ટ હિન્દુત્ત્વને આગળ કર્યું છે. આ યોજનાથી દિલ્હીના બહુમતી હિન્દુઓમાં આપની ઈમેજ હિન્દુત્વ તરફી થશે. વળી ગુરુદ્વારાના ગ્રંથીઓને પણ મહિને ચોક્કસ રકમ મળશે. ગ્રંથીઓને આ યોજનામાં આવરીને શીખ મતદારોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પૂજારી-ગ્રંથીને ૧૮ હજાર આપવામાં આવશે. કેજરીવાલની આ યોજના આપ માટે બહુ જ ઉપયોગી થઈ શકે છે. ભાજપને વિચાર ન આવ્યો એવી યોજના લાવીને કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે.

કોંગ્રેસના દબાણ પછી મનમોહન સિંહના સ્મારક માટે જમીનની શોધ શરૂ

ભૂતપૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહના અવસાન પછી કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, મનમોહન સિંહનું સ્મારક બનાવવા માટે ભાજપ ગલ્લા તલ્લા કરી રહ્યો છે. કોંગ્રેસના દબાણથી બેકફુટ પર આવી ગયેલા ભાજપએ હવે અધિકારીઓને સૂચના આપી છે કે, સિંહના સ્મારક માટે જગ્યાની શોધ શરૂ કરી દે. એક અહેવાલ પ્રમાણે સિંહનું સ્મારક રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના સ્મારક કિશાન ઘાટની પાસે બની શકે છે. આ બંને જગ્યા યમુના નદીને કિનારે છે. આ સિવાય સિંહનું સ્મારક સંજય ગાંધીના સમાધિ સ્થળ અને ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવની સમાધી એકતા સ્થળની પાસે પણ બની શકે એમ છે. 

બીજેપીનું ડબલ એન્જિન ડબલ અત્યાચારનું પ્રતિક : પ્રિયંકા ગાંધી

બિહારમાં ચાલી રહેલા બીપીએસસીના વિદ્યાર્થી આંદોલનને દબાવી દેવા છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી વખત વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે. આ બાબતે કોંગ્રેસના સાંસદ અને મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બિહાર લોકસેવા આયોગની પરીક્ષા રદ કરવાની માંગણીને ટેકો આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે ભાજપની ડબલ એન્જિન સરકાર યુવાનો પર ડબલ અત્યાચાર કરવાનું પ્રતિક બની ગઈ છે. બિહારમાં નવી સ્થપાયેલી જનસ્વરાજ પાર્ટી આ બાબતે જશ લેવા માટે વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહી છે. પ્રિયંકાનું કહેવું છે કે પરીક્ષામાં થતા ભ્રષ્ટાચાર, હુલ્લડ તેમ જ પેપર ફોડવાની ઘટનાઓને રોકવાનું કામ સરકારનું છે. બિહારની સરકાર ભ્રષ્ટાચાર રોકવાને બદલે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરી રહી છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાનની નીચે પણ શિવલિંગ હશે : અખિલેશનો ટોણો

ઉત્તર પ્રદેશના સંબલમાં વિવિધ મકાનોની નીચે મંદિરો હોવાને કારણે થતા ખોદકામ બાબતે વિવાદ વકરી રહ્યો છે. સમાજવાદી પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એ બાબતે કોઈનું નામ લીધા વગર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ટોણા માર્યા છે. અખિલેશે કહ્યું છે કે, મુખ્યમંત્રીના નિવાસની નીચે પણ શિવલિંગ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. યોગી આદિત્યનાથની હાથની રેખાઓ વિકાસની નહીં, પરંતુ વિનાશની છે. હસ્તરેખા નિષ્ણાતો જો યોગી આદિત્યનાથની હસ્તરેખા જુએ તો તેઓ તરત પારખી નાખશે કે સત્તા છોડતા પહેલા અખિલેશ યાદવ રાજ્યને બરબાદ કરીને જશે. મહાકુંભ મેળાની તૈયારી પણ મંથર ગતિએ ચાલી રહી છે અને મહાકુંભ મેળામાં કોઈ અવ્યવસ્થા સર્જાશે તો એની જવાબદારી મુખ્યમંત્રીની રહેશે. 

કર્ણાટકમાં કોન્ટ્રાક્ટરની આત્મહત્યા મામલે કોંગ્રેસ-ભાજપ સા-સામે

કર્ણાટકમાં સિવિલ કોન્ટ્રાક્ટર સચીન પંચાલે ૨૬મી ડિસેમ્બરે બીદર જિલ્લામાં ટ્રેન સમક્ષ પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સચીન પંચાલે લખેલી સુસાઇડ નોટમાં કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના સાથીદાર રાજુ કપાનુર પર આક્ષેપ કર્યો છે કે કપાનુરે એમની પાસેથી એક કરોડ રૂપિયા માંગ્યા હતા અને જો પૈસા નહીં આપે તો જાનથી મારવાની ધમકી આપી હતી. આ મામલે કર્ણાટક ભાજપના નેતાઓએ મંત્રી પ્રિયાંક ખડગેનું રાજીનામું માંગ્યું છે અને જાન્યુઆરીમાં કલબુરગી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ઘરને ઘેરાવ કરવામાં આવશે. બીજી તરફ પ્રિયાંક ખડગેએ પણ કહ્યું છે કે, કોઈપણ એજન્સી તપાસ કરે તો એમને વાંધો નથી. 

મહાકુંભ મેળામાં 23 મોબાઇલ હોસ્પિટલ પણ તૈયાર રખાશે

ઉત્તર પ્રદેશમાં યોજાનાર મહાકુંભ મેળાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભ મેળામાં ૨૦ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. આ શ્રદ્ધાળુઓ માટે નિષ્ણાત ડોક્ટરો, નર્સો અને બીજા સ્વાસ્થ્ય નિષ્ણાતોની ટીમ ૨૪ કલાક હાજર રહેશે. આ માટે મહાકુંભ ક્ષેત્રમાં ૨૩ હોસ્પિટલો બનાવવામાં આવી છે. કેટલીક હોસ્પિટલો પ્રાથમિક તકલીફ માટે બનાવવામાં આવી છે જ્યારે કેટલીક હોસ્પિટલોમાં હૃદય અને કિડની જેવી સમસ્યામાં ઇમર્જન્સી સારવાર મળિ રહેશે.

પોલિટિક્સ ચમકાવવા આંદોલનમાં આવેલા પીકે પોલીસને જોઈને ભાગ્યા

છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં બીપીએસસીના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને ટેકો આપવા માટે જનસ્વારાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર પણ પહોંચી ગયા હતા. પ્રશાંત કિશોરે આંદોલનના સ્થળે જઈને મોટા મોટા નિવેદનો કર્યા હતા. દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ પર જ્યારે પોલીસે લાઠી ચાર્જ કર્યો ત્યારે વિદ્યાર્થીઓ સાથે રહેવાને બદલે પ્રશાંત કિશોર ભાગી ગયા હતા. આ બાબતે તેજસ્વી યાદવે પ્રશાંત કિશોર પર પ્રહાર કર્યા છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે, જે લોકોએ આંદોલનકારી વિદ્યાર્થીઓને પડખે ઉભા રહેવાની વાતો કરી હતી તેઓ જ સૌથી પહેલા ભાગી ગયા છે. પ્રશાંત કિશોર ભાજપના એજન્ટ છે અને આંદોલનમાં તડ પડાવવા માટે તેઓ વિદ્યાર્થીઓ સાથે સામેલ થયા હતા. લોકોમાં પણ ચર્ચા જામી હતી કે પોલિટિક્સ ચમકાવવા આંદોલનમાં ઉતરેલા પ્રશાંત કિશોરને કોઈએ કહ્યું હતું કે પોલીસ તમને શોધી રહી છે અને હમણાં આવીને ઢીબી નાખશે. એવું સાંભળીને પીકે પાણી પીવાય રોકાય ન હતા અને પછી ક્યાંય શોધ્યા જડયા નહીં.

જેડીયુની દિલ્હીની વિધાનસભામાં ભાજપ પાસેથી બેઠકોની માગ

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. નિતિશકુમાર ભાજપનો સાથ છોડી શકે છે એવી ચર્ચા શરૂ થઈ હતી ત્યાં જ નિતિશકુમારે એવું નિવેદન આપ્યું કે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન તેઓ કરવા માંગતા નથી. મતલબ કે તેઓ એનડીએ છોડશે નહીં. જોકે રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે નિતિશકુમાર ગમે એટલા દાવા કરે પરંતુ તેઓ ભાજપથી નારાજ છે એ સ્પષ્ટ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુએ પોતાના ઉમેદવાર ઉભા રાખવા છે. જેડીયુના પ્રવક્તા કહી રહ્યા છે કે ભાજપ સાથે મળીને જેડીયુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે. જોકે ભાજપ તરફથી આ બાબતે કોઈ હકારાત્મક પ્રતિઉત્તર આવ્યો નથી. એમ મનાય છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જેડીયુને રોકડી એક બેઠક આપવા તૈયાર નથી. જો ભાજપ નમતુ નહીં જોખે તો નિતિશકુમાર ફરીથી પલ્ટી મારી શકે એમ છે. 

આજથી બરાબર 25 વર્ષ પહેલાં પુતિને સત્તા સંભાળી હતી

વ્લાદિમીર પુતિન આમ તો ઓગસ્ટ-૧૯૯૯માં વડાપ્રધાન બન્યા હતા. બોરિસ યેલ્તસિન રશિયાના પ્રમુખ હતા. બોરિસ યેલ્તસિને જ પુતિન પર ભરોસો મૂકીને ઈન્ટેલિજન્સ વિભાગમાંથી તેેમને સક્રિય રાજકારણમાં લાવ્યા હતા. યેલ્તસિન કૌભાંડોના આરોપમાં ફસાયા પછી તેમણે રાજીનામું આપ્યું હતું અને ૩૧મી ડિસેમ્બર-૧૯૯૯ના દિવસે પુતિન એક્ટિંગ પ્રેસિડેન્ટ બન્યા હતા. ત્રણ મહિના પછી ચૂંટણી થઈ અને પુતિનના હાથમાં સંપૂર્ણ સત્તા આવી ગઈ. ત્યારથી પુતિન રશિયાની સત્તામાં કેન્દ્ર સ્થાને છે. એ દરમિયાન અમેરિકામાં પાંચ-પાંચ પ્રમુખો બદલાયા છે.

મહાકુંભમાં 'શાહી સ્નાન'ને બદલે 'રાજસી સ્નાન' શબ્દ વપરાશે

૧૩મી જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થશે. તે પહેલાં અખિલ ભારતીય અખાડા પરિષદે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કુંભમેળા દરમિયાન ચોક્કસ તિથિએ થતાં પવિત્ર સ્નાન માટે 'શાહી સ્નાન' શબ્દ વપરાતો આવે છે, પરંતુ હવે અખાડા પરિષદના મહત્ત્વના આઠ અખાડાઓએ 'રાજસી સ્નાન' શબ્દ પ્રયોજવાનું નક્કી કર્યું છે અને સત્તાવાર રીતે શાહી સ્નાનનું નામ બદલીને રાજસી સ્નાન કરવાની ભલામણ પણ કરી છે. બંનેનો ટેકનિકલ અર્થ એકસરખો જ થાય છે. શાહી સ્નાન એટલે રજવાડી સ્નાન. રાજસી સ્નાનનો અર્થ પણ એ જ થશે, પરંતુ શાહી શબ્દ ઉર્દુ છે અને તે વિદેશી પર્શિયન મૂળનો શબ્દ છે એટલે તેના બદલે ભારતીય શબ્દ પ્રયોજવા માટે આ ભલામણ કરવામાં આવી છે.

મનમોહન સિંહને અંજલિ આપવામાં સેલિબ્રિટીને સરકારનો ડર : ટીએમસી

ટીએમસીના સાંસદ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે ઘણાં ફિલ્મસ્ટાર્સ અને સ્પોર્ટ્સ પર્સન્સે મનમોહન સિંહને અંજલિ આપી નથી. કારણ કે તેમને ડર છે કે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને યાદ કરીને પોસ્ટ લખવાથી વર્તમાન કેન્દ્ર સરકાર નારાજ થઈ જશે. અભિષેક બેનર્જીએ કહ્યું કે મનમોહન સિંહ દેશના દિગ્ગજ અને મહાનત્તમ રાજનેતા હતા. લોકોના રોલમોડલ ગણાતા ઘણાં ફિલ્મસ્ટાર્સ અને ખેલાડીઓએ મનમોહન સિંહ માટે એક શબ્દ લખ્યો નહીં તે નિરાશાજનક છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News