Get The App

દિલ્હીની વાત : મહારાષ્ટ્રે પાંચ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રીઓ જોયા

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : મહારાષ્ટ્રે પાંચ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રીઓ જોયા 1 - image


નવીદિલ્હી : મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણને જાણીએ. ૨૦૧૯માં શિવસેના સાથે મળીને ભાજપ ચૂંટણી લડયો હતો. હવે આજે એ જ શિવસેના ભાજપનું પ્રતિસ્પર્ધી છે. છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રે વિવિધ પક્ષોના બળવાને કારણે ત્રણ મુખ્યમંત્રી જોયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ૧૯૯૯માં કોઈને પણ સ્પષ્ટ બહુમતિ મળી નહોતી. કોંગ્રેસે એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યાર પછીના વર્ષોમાં પણ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારો જ બની હતી. છેલ્લા ૨૫ વર્ષમાં મહારાષ્ટ્રે ૭ મુખ્યમંત્રી જોયા છે. છેલ્લા ૪૭ વર્ષમાં દેવેન્દ્ર ફડણવીસ એક માત્ર મુખ્યમંત્રી હતા કે જેઓ સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો હતો.

મહારાષ્ટ્રમાં એમવીએ પણ મહાયુતિને પગલેે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ત્રણે પક્ષોએ બેઠક વહેચણી બાબતે ચોક્કસ ફોર્મ્યુલા બનાવી હતી. આમ છતાં કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચે કેટલીક બેઠકો બાબતે ખેંચતાણ ચાલુ છે. ત્રણે પક્ષો વચ્ચે સરખી બેઠકો વહેંચવાની ફોર્મ્યુલા કોંગ્રેસે નકારી કાઢી છે. કેટલીક બેઠકો પર તો શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે છે. યવતમાલ જિલ્લાની દિગ્રસ બેઠક પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ પવન જયસ્વાલને ટિકિટ આપી છે તો સામે કોંગ્રેસે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ માણેકરાવ ઠાકરેને એમની સામે ઉતારી દીધા છે. રાજકીય નીરિક્ષકો પૂછી રહ્યા છે કે એમવીએનો સંઘ કઈ રીતે કાશીએ પહોંચશે.

ફેશન ડિઝાઇનર શાઇના એનસીનું વિચિત્ર રાજકારણ

મુંબઈના ફેશન ડિઝાઇનર શાઇના એનસીનું નામ ઇન્ડસ્ટ્રીમાં મોટું છે. તેઓ ૫૪ અલગ અલગ પ્રકારે સાડી પહેરી શકે છે. સૌથી ઝડપથી સાડી પહેરવાનો ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ર્ડ શાઇનાના નામે છે. શાઇના ઘણા વર્ષો સુધી ભાજપના પ્રવક્તા રહ્યા હતા. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સાઇના ભાજપ છોડીને એકાએક પલ્ટી મારીને શિવસેના (એકનાથ શિંદે)માં કુદયા છે. શિવસેના (એકનાથ શિંદે)એ શાઇનાને મુમ્બાદેવી મત વિસ્તારની ટિકિટ પણ આપી દીધી છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર એકબીજાના નેતાઓ તોડી રહી હોવાની વાત બહાર આવતા મતદારો  દ્વિધા અનુભવી રહ્યા છે. ગઠબંધનમાં જ નેતાઓ એકબીજાની પાર્ટી બદલી રહ્યા છે. 

ભાજપના ભૂતપૂર્વ સાંસદનો પક્ષ સામે બળવો

ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ મુંબઈની બોરીવલી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપએ બોરીવલી બેઠક પરથી સંજય ઉપાધ્યાયને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ગોપાલ શેટ્ટીના કહેવા પ્રમાણે એમને ટિકિટ નથી મળી એ મુદ્દો નથી. એમણે ટિકિટ માંગી પણ નહોતી, પરંતુ પક્ષના કાર્યકરોના ખૂબ આગ્રહને કારણે એમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. કાર્યકર્તાઓની માંગણી હતી કે બોરીવલીના સ્થાનિક કાર્યકર્તાઓમાંથી કોઈ એકને ટિકિટ મળવી જોઈએ. ગોપાલ શેટ્ટીએ કહ્યું કે, 'લાંબા સમય સુધી હું પક્ષનો વફાદાર કાર્યકર્તા રહ્યો છું. ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે મારું નામ નહીં જોઈને મને ખૂબ દુખ થયું હતું. મારા ટેકેદારો ૩૫ વર્ષથી મારી સાથે છે. એમને માટે પણ મારે ચૂંટણી લડવી જોઈએ.' ગોપાલ શેટ્ટીના બળવાથી ભાજપમાં સન્નાટો પ્રસરી ગયો છે.

લોરેન્સ બિશ્નોઈ સામે મારો વાંધો ફક્ત વૈચારીક હતો : પપ્પુ યાદવ

બિહારના સાંસદ પપ્પુ યાદવએ થોડા દિવસો પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ધમકી આપતા કહ્યું હતું કે, સરકાર જો એમને છૂટ આપે તો તેઓ લોરેન્સને ૨૪ કલાકમાં પતાવી દેવા સક્ષમ છે. ત્યાર પછી બિશ્નોઇ ગેંગ તરફથી કોઈએ પપ્પુ યાદવને વળતી ધમકી આપતા કહ્યું હતું કે, બીજાની બાબતે ચંચૂપાત નહીં કરો, નહીં તો હંમેશ માટે પોઢી જશો. બિશ્નોઇ ગેંગની આ ધમકીથી પપ્પુ યાદવ ખૂબ હલી ગયા છે. એમણે એક વિડિયો બનાવીને લોરેન્સ બિશ્નોઇની માફી માંગી લેતા કહ્યું છે કે એમને તો વૈચારિક વાંધો હતો. પપ્પુ યાદવે એમ પણ કહ્યું કે, એમણે પોલીસ વડા, મુખ્યમંત્રી તેમ જ વડાપ્રધાન પાસે સુરક્ષા માંગી છે. હવે સુરક્ષાની જવાબદારી સરકારની છે. યાદ રહે કે એક જમાનામાં પપ્પુ યાદવની ગણના બિહારમાં માથાભારે તરીકે થતી હતી.

લોરેન્સ બિશ્નોઇના ઇન્ટરવ્યુ બાબતે હાઇકોર્ટનો પંજાબ સરકારને ઠપકો 

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પોલીસના કબજામાં હતો ત્યારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂને કારણે પંજાબ હાઇકોર્ટ ખૂબે જ ગુસ્સે થઈ ગઈ છે. પંજાબ સરકારે આ બાબતે નીચલી પાયરીના પોલીસ અધિકારીઓ સમે પગલા લીધા છે, પરંતુ મોહાલીના એસએસપી તેમ જ એસપી સામે કોઈ પગલા નહીં લીધા હોવાથી પંજાબ - હરિયાણા હાઇકોર્ટે પંજાબ સરકારને કડક ઠપકો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે, લોરેન્સની ધરપકડ તો એક નામની જ હતી. પંજાબમાં એને રાજ્યના મહેમાન જેવી સગવડો મળી હતી. હાઇકોર્ટના ઠપકા પછી પંજાબ સરકાર ટેન્શનમાં આવી ગઈ છે.

દિલ્હીને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે

રાહુલ ગાંધીની ભારત યાત્રા જોડોની સફળતા મળ્યા પછી એ જ રીતે કોંગ્રેસ રાજધાની દિલ્હીમાં ન્યાય યાત્રા કાઢશે. દિલ્હીમાં કોંગ્રેસ ફરીથી પોતાનું અસ્તિત્વ જમાવવા માંગે છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે જે રીતે દેશમાં કોંગ્રેસે મુસ્લિમ મતદારોને ફરીથી કોંગ્રેસ તરફ વાળ્યા છે તેમ જ બંધારણના મુદ્દે દલિત અને મહાદલિતો પણ પક્ષની સાથે જોડાઈ રહ્યા છે એ રીતે દિલ્હીમાં પણ કોંગ્રેસ કમબેક કરી શકે છે. દિલ્હી ન્યાય યાત્રા રાજઘાટથી શરૂ થશે.

થલાપતિ વિજયની નવી પાર્ટીમાં નાની જ્ઞાાતિઓને એક કરવાનો પ્રયાસ

વિજય થલાપતિએ નવી પાર્ટી બનાવી છે. ટીવીકે નામની આ પાર્ટી તમિલનાડુમાં ૨૦૨૬માં તમામ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડશે. વિજય થલાપતિનો વ્યૂહ એવો રહેશે કે તમિલનાડુમાં જે નાની-નાની જ્ઞાાતિઓ છે તેને સંગઠિત કરે. તે સિવાય ડીએમકે એટલે કે સ્ટાલિન અને તેના દીકરા ઉદયનિધિની સામે મોરચો ખોલશે. તમિલનાડુમાં વિજય થલાપતિ સાંસ્કૃતિક ઉપરાંત રાષ્ટ્રીયતાા મુદ્દે ચૂંટણીઓ લડશે. ખાસ તો સનાતન ધર્મ તરફ તેમનો ઝૂકાવ રહેશે. ભાજપના નેતા કે. અન્નામલાઈએ આક્રમક વલણ અપનાવ્યું, પરંતુ તેનાથી ખાસ ફાયદો થયો નહીં. અત્યારે અન્નામલાઈ બ્રિટનમાં સ્ટડી કરી રહ્યા છે. તેના બદલે ભાજપ તમિલનાડુમાં નવી નેતાગીરી તલાશે છે. થલાપતિ વિજય ભાજપનો વિકલ્પ બનવા માગે છે. સાથે સાથે એઆઈએડીએમકેનો વિકલ્પ પણ બનવા ધારે છે એટલે તેમણે તમિલનાડુના આઈડિયોલોજીના આઈકન્સને તમામને આગળ કર્યા છે. એક વર્ગ એમ પણ માને છે કે થલાપતિ વિજયની નવી પાર્ટીના કારણે આડકતરો ફાયદો ભાજપને થશે. ડીએમકે અને એઆઈએડીએમકેને નુકસાન થશે.

બિહારમાં નવાજૂનીના એંધાણ : નીતિશ સતત બીજા દિવસે આક્રમક

બિહારમાં એનડીએની બેઠક મળી એમાં ચિરાગ પાસવાન, પશુપતિ પારસ, જીતનરામ માંઝી સહિત ઘણાં સાથીપક્ષોના નેતાઓ હાજર ન હતા. ગિરિરાજ સિંહને બેઠકમાં નીતિશ કુમારે પાછળ જગ્યા આપીને અપમાન કર્યું એની ચર્ચા તો ખૂબ થઈ રહી છે, હવે નવી માહિતી એવી પણ સામે આવી રહી છે કે નીતિશ કુમાર બિહારમાં ભાજપને માપમાં રાખવા માટે સતત બીજા દિવસે પણ આક્રમક જણાયા હતા. તેમણે સીએમ હાઉસમાં જેડીયુના તેમના વિશ્વાસુ નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી હતી. એમાં ભાજપના કટ્ટર વલણથી પાર્ટીએ કેવી રીતે અંતર જાળવવું એની ચર્ચા થઈ હતી. ચિરાગ પાસવાન નીતિશ કુમારની ટીકા કરતા રહ ેછે. તેમની ગેરહાજરીથી બિહારમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થશે તે પહેલાં કંઈક નવાજૂની થઈ શકે છે.

હરિયાણાની ખાપ પંચાયતે નેટફ્લિક્સ સામે મોરચો માંડયો

હૂડા ખાપ પંચાયતનો આરોપ છે કે નેટફ્લિક્સમાં રીલિઝ થયેલી દો પત્તી નામની ફિલ્મમાં જાટ સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે. એ મુદ્દે આ ખાપ પંચાયતે ઓટીટી સામે ફરિયાદ કરીને નોટિસ પાઠવી છે. ફિલ્મમાં હૂડાના સંદર્ભમાં એક ડાયલોગ છે. એમાં આખા સમાજનું અપમાન થયું છે એવું કહીને ખાપ પંચાયતે માફીની માગણી કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. હરિયાણાની સરકારે વિવાદ ન વધે તે માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને રજૂઆત કરી છે.

શમિતા શેટ્ટીનો સામાન એરલાઈન્સે વિમાનમાંથી ઉતારી દેતા વિવાદ

અભિનેત્રી, મોડેલ શમિતા શેટ્ટી હવે ફિલ્મોમાં તો એટલી એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં મોટું ફેન ફોલોવિંગ ધરાવે છે. આ અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિગોએ તેને કશી જાણકારી આપ્યા વગર જ તેનો સામાન વિમાનમાંથી ઉતારી દીધો હતો. જયપુરથી ચંદીગઢની યાત્રા દરમિયાન આ ઘટના બની હતી. બેગમાં સામાન વધારે હતો એમ કહીને એરલાઈન્સે સામાન ઉતાર્યો છે. આ બાબતે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ હતી. એરલાઈન્સ કંપનીઓની મનમાની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘણાં લોકોએ પોતાને થયેલા આવા અનુભવો શેર કર્યા હતા. ડોમેસ્ટિક એરલાઈન્સમાં સામાન બાબતે થોડી છૂટછાટ આપવાની લોકોએ માગણી કરી હતી. લોકોએ ઈન્ડિગો એરલાઈન્સને ટ્રોલ કર્યા બાદ એરલાઈન્સે પણ સોશિયલ મીડિયા પોસ્ટથી માફી માગીને કહ્યું હતું કે જે મુશ્કેલી થઈ હતી એનું સોલ્યુશન શોધી રહ્યા છીએ. અભિનેત્રીનો સામાન તેમને મળી જશે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News