દિલ્હીની વાત : ભાજપના સરમાએ શરમજનક ઈતિહાસ રચ્યો
નવીદિલ્હી : આસામ સરકારે પોતાના નાગરિકો માટે 'ટ્રાવેલ એડવાઈઝરી' બહાર પાડીને મિઝોરમ નહીં જવા સલાહ આપી છે. આસામના ગૃહ સચિવ મણિવન્નનની સહી સાથેની 'ટ્રાવેલ એડવાઈઝરી'માં અપીલ કરાઈ છે કે, અશાંત પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મિઝોરમની યાત્રાથી બચવું અને મિઝોરમમાં કામ કનારા આસામીઝ અત્યંત સાવધાની રાખે.
આસામ સરકારે આ 'ટ્રાવેલ એડવાઈઝરી' દ્વારા એક શરમજનક ઈતિહાસ રચી દીધો છે. ભારતમાં કોઈ રાજ્યે પોતાના નાગરિકોને બીજા રાજ્યમાં નહીં જવાની સલાહ આપીને 'ટ્રાવેલ એડવાઈઝરી' બહાર પાડી હોય એવું પહેલી વાર બન્યું છે. સામાન્ય રીતે દેશની સરકાર આતંકવાદ કે બીજા હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકાને બીજા દેશમાં નહીં જવાની સલાહ આપે છે.
વિશ્લેષકોના મતે, દેશના એક રાજ્યની સરકાર બીજા રાજ્યમાં નહીં જવા નાગરિકોને કહે તેનાથી વધારે શરમજનક બીજું કંઈ ના કહેવાય. હિમંત બિસ્વ સરમાએ આ પગલા દ્વારા દેશને શરમજનક સ્થિતીમાં મૂક્યો છે. મોદી સરકારે દરમિયાનગીરી કરીને સરમાને 'ટ્રાવેલ એડવાઈઝરી' પાછી ખેંચવા ફરજ પાડવી જોઈએ કે જેથી વૈશ્વિક સ્તરે ભારતનો ફજેતો થતો બચે.
સોનિયાને મહત્વ આપતાં પવાર મમતાથી નારાજ ?
મમતા બેનરજી દિલ્હીમાં પાંચ દિવસ ગાળીને શુક્રવારે સાંજે કોલકાત્તા જવા રવાના થઈ ગયાં. મમતા પોતાની દિલ્હી યાત્રા દરમિયાન શરદ પવારને ના મળ્યાં એ મુદ્દો રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. મમતાની યાત્રા પહેલાં વાતો ચાલેલી કે, મમતા દિલ્હીમાં પવારને મળશે અને ભાજપ વિરોધી મોરચાની રચનાને અંતિમ રૂપ આપશે.
નવા મોરચાની વાત તો છોડો પણ બંને વચ્ચે મુલાકાત પણ ના થઈ શકી. તેના કારણે એવી વાતો ચાલી રહી છે કે, મમતાએ નહેરૂ-ગાંધી પરિવારને વધારે મહત્વ આપ્યું તેથી પવાર નારાજ છે. મમતા તરફથી પવારને મળવાની કોઈ પહેલ પણ ના કરાઈ તેના કારણે પવાર શુક્રવારે સવારે જ મુંબઈ જવા રવાના થઈ ગયા.
તૃણમૂલનાં સૂત્રોનો દાવો છે કે, પ્રશાંત કિશોર અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ યશવંત સિંહા બંને પવાર સાથે સીધા સંપર્કમાં છે. પવારે પોતે ભાજપ વિરોધી મોરચાની પહેલ કરાવી છે તેથી મમતા તેમને મળે કે ના મળે કોઈ ફરક પડતો નથી ને તેમની નારાજગીનો સવાલ જ નથી.
વિકાસ દર મુદ્દે સરકારના જુદા જુદા દાવા
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી, સુબ્રમણ્યમ આર્થિક વિકાસ દરને મુદ્દે સરકારની ભાટાઈ કરવા જતાં ફસાઈ ગયા છે. સુબ્રમણ્યમે એક સમારોહમાં કહ્યું હતું કે, ૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષમાં ૬.૫ ટકાથી ૭ ટકાના દરે વિકાસ કરશે જ્યારે એ પછીના વર્ષે મોદી સરકારે લીધેલાં આર્થિક સુધારાનાં પગલાંના કારણે આર્થિક વિકાસ દર ૮ ટકા પહોંચી જશે. સુબ્રમણ્યમે એવી ફિશીયારી પણ મારી કે, કોરોનાની ત્રીજી લહેરની ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ અસર નહીં થાય.
સુબ્રમણ્યમના દાવાને પગલે લોકો તૂટી પડયાં છે. લોકો ટીકા કરી રહ્યાં છે કે, સરકારમાં બાર ભાયા ને તેર ચોકા જેવો ઘાટ છે. નિર્મલા સીતારામન આર્થિક વિકાસ દર ૧૧ ટકા રહેવાનો અંદાજ મૂકે છે, રીઝર્વ બેંકના શક્તિકાન્ત દાસ ૧૦ ટકા કહે છે, સુબ્રમણ્યમ ૭ ટકાની વાતો કરે છે. ખરેખર દેશનો આર્થિક વિકાસ દર કેટલો રહેશે એ વિશે સરકાર ચોક્કસ છે કે પછી જેને જે જીભે ચડે એ આંકડા બોલી નાંખે છે ?
ભાજપના દિગ્ગજ અનંતનો પરિવાર જેડીએસમાં જોડાશે ?
કર્ણાટકમાં ભાજપને મજબૂત બનાવનારા બે નેતા યેદુરપ્પા અને સ્વ. અનંત કુમાર હતા. ભાજપે યેદુરપ્પાને મુખ્યમંત્રીપદેથી વિદાય કર્યા છે ત્યારે જ અનંત કુમારનાં પુત્રી વિજેતાએ કુમારસ્વામીની જેડીએસને મજબૂત રાજકીય તાકાત ગણાવતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
વિજેતાનાં માતા તેજસ્વિની કર્ણાટક ભાજપમાં ઉપપ્રમુખ છે છતાં તેમની દીકરીએ જેડીએસનાં વખાણ કરતાં મા-દીકરી જેડીએસમાં જોડાવાની તૈયારી કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. વિજેતાએ લખ્યું કે, કર્ણાટકનું રાજકારણ કેમ આટલું રસપ્રદ છે ? કેમ કે જેડીએસ હજુય મજબૂત પરિબળ છે.
અનંત કુમાર સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ત્રણ વર્ષ પહેલાં તેમનું નિધન થયું હતું. કર્ણાટકમાં ભાજપનો કોઈ ભાવ નહોતું પૂછતું ત્યારે બેંગલોર દક્ષિણ લોકસભા બેઠક જીતીને ભાજપનો પાયો નાંખનારા અનંત કુમારના નિધન પછી તેજસ્વિની આ બેઠક માટે દાવેદાર હતાં.
ભાજપે તેમના દાવાને અવગણીને તેજસ્વી સૂર્યાને ટિકિટ આપી ત્યારથી તેજસ્વિની નારાજ હતાં. તેમના સમર્થકોને શાંત પાડવા ભાજપે તેજસ્વિનીને પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યાં પણ આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો હોવાથી તેજસ્વિની પક્ષપલટો કરી શકે છે.
હાઈકમાન્ડે ખખડાવતાં યોગી બાગપત દોડી ગયા
ઉત્તર પ્રદેશમાં ભાજપે ખેડૂત આંદોલનકારીઓને ધમકી આપતું કાર્ટૂન મૂક્યું તેની સામે આક્રોશ ફાટી નિકળતાં ભાજપ ઢીલો પડી ગયો છે. રાકેશસિંહ ટિકૈત સામે આક્રમક વલણ અપનાવવાની વ્યૂહરચના હાલ પૂરતી પડતી મૂકીને ભાજપે સંરક્ષણાત્મક નીતિ અપવાવનાનું નક્કી કર્યું છે.
યોગી આદિત્યનાથ બે દિવસ દિલ્હીમાં જ હતા. ગુરૂવારે આ કાર્ટૂન વાયરલ થયા પછી હાઈકમાન્ડે યોગીને બોલાવીને તતડાવ્યા હોવાની ચર્ચા છે. યોગી પોતાની મર્દાના ઈમેજ જાળવવા માટે ભાજપને નુકસાન ના કરે એવી સ્પષ્ટ ચેતવણી પણ આપી દેવાઈ.
યોગી દિલ્હીમાં શુક્રવાર સુધી દિલ્હી રોકાવાના હતા પણ હાઈકમાન્ડના ઠપકાને પગલે સીધા બાગપત દોડી ગયા. બાગપત ટિકૈતનો ગઢ છે. ખેડૂતોની પાર્ટી મનાતા રાષ્ટ્રીય લોકદળનો આ વિસ્તારમાં ભારે પ્રભાવ છે.
યોગીએ બાગપતમાં ખેડૂતો સાથે સંવાદ કરીને પોતે ખેડૂત વિરોધી નથી એવો મેસેજ આપવા પ્રયત્ન કર્યો છે. હાઈકમાન્ડના આદેશના પગલે યોગીએ ખેડૂતો માટે પોતાની સરકારે સૌથી વધારે પગલાં લીધાં છે એવું સાબિત કરવા પુસ્તિકા બહાર પાડીને પ્રચાર કરવાનો નિર્ણય પણ લીધો છે.
બિહાર સૌથી પછાત, ભાજપ અને જેડીયુ વચ્ચે જામી
નીતિ આયોગના ભારત સૂચકાંક રીપોર્ટના મુદ્દે બિહારમાં સત્તાધારી જોડાણના સાથી પક્ષો ભાજપ અને જેડીયુ ફરી સામસામે આવી ગયાં છે.
લોકસભામાં જેડીયુના રાજીવ રંજન સિંહે પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી રાવ ઈંદ્રજીત સિંહે કહેલું કે, ૨૦૨૦-૨૧ના ભારત સૂચકાંક રીપોર્ટ પ્રમાણે બિહાર ભારતમાં સૌથી પછાત રાજ્ય છે. આ રીપોર્ટ પ્રમાણે તમામ ધારાધોરણોમાં બિહાર પછાત છે અને બિહારને ૧૦૦માંથી ૫૨ માર્ક્સ જ મળ્યા છે.
આ રીપોર્ટના પગલે આરજેડી સહિતના વિપક્ષો તો નીતિશ કુમાર પર તૂટી જ પડયા છે પણ ભાજપ અને જેડીયુ પણ સામસામે આવી ગયાં છે. જેડીયુનો આક્ષેપ છે કે, નીતિશ કુમારને નીચાજોણું કરાવવા માટે કેન્દ્ર સરકાર બિહારને પછાત દર્શાવે છે. બાકી નીતિશના શાસનમાં બિહારે વિકાસ કર્યો જ છે.
ભાજપે પ્રહાર કર્યો છે કે, આ સવાલ જેડીયુના સાંસદે પૂછયો હતો ને હવે ભાજપ પર દોષારોપણ કરાય છે. જેડીયુના સાંસદે કોના ઈશારે આ સવાલ પૂછીને બિહારના પછાતપણાનો ભાંડો ફોડયો તેની નીતિશે તપાસ કરાવવી જોઈએ.
***
પેગાસસકાંડ : સરકારને પહોંચી વળવાનો વિશ્વાસ
પેગાસસ જાસૂની વિવાદ મુદ્દે આજે નવમા દિવસે સંસદના બંને ગૃહોમાં હાઇ ડ્રામા ચાલુ રહ્યો. આ વિષે ચર્ચાની માગણી કરતા રહેલા વિપક્ષ સામે સરકારે એક જ રટણ રાખ્યું કે માહિતી ટેકનોલોજી મંત્રીએ આ અંગે નિવેદન કર્યું છે.
સંસદની આઇટી પેનલમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે જંગ જારી છે. સુપ્રીમકોર્ટ વરિષ્ઠ પત્રકાર એન. રામ દ્વારા દાખલ કરાયેલી પેગાસસ તપાસ અરજીને સાંભળવા માટે તૈયાર થઇ હોઇ હવે સૌની નજર ત્યાં છે.
સરકારના પહેલી હરોળના ખમતીધરો હજી એમ માનતા જણાય છે કે સરકાર પેગાસસ- પીડાને પહોંચી વળશે. સરકારના આ દાવા સામે રાજકીય વિશ્લેષકો પ્રશ્ન ધરતા કહે છે કે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ કરાવવાની વિપક્ષી માગણીને સરકાર નકારી રહી છે. કારણ કે સરકાર જાણે છે કે આ પ્રકારની તપાસથી પોતે વધારે ખુલ્લી પડવાથી એ વધુ ક્ષોભભરી પરિસ્થિતિમાં મૂકાશે.
હવે, તમિલ મંત્રી દ્વારા બિહારીઓને તમાચ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદીય આઇટી સમિતિની બેઠકમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેને 'બિહારી ગુંડા' કહેતા ભારે વિવાદ ઊભો થયો છે.
દિલ્હીના સાંસદ અને જાણીતા બિહારી ગાયક મનોજ તિવારીએ આ મુદ્દે મોઇત્રા પાસે ક્ષમાયાચનાની માગણી કરી છે. હવે તમિલનાડુના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મંત્રી કે.એન. નહેરૂએ બિહારીઓ સામે બદનક્ષીયુક્ત ટિપ્પણી કરતાં જણાવ્યું કે ''બિહારીઓ પાસે મગજ જેવું કંઇ હોતું નથી.
૨૦૦૪-૦૯ દરમિયાન ડો. મનમોહનસિંઘ સરકારમાં રેલવેમંત્રી પદે રહેલા લાલુપ્રસાદ યાદવે બિહારીઓને ચોરી કરાવીને રેલવેની પરીક્ષાઓ પાસ કરાવી દીધી, જેના પરિણામે બિહારીઓને રેલવેમાં નોકરી મળી જતાં હાલમાં ૪૦૦૦ થી વધુ બિહારીઓ તિરૂચિસ્થિત દક્ષિણ રેલવેના ગોલ્ડન રોક વર્કશોપમાં કામ કરી રહ્યા છે.
આ બિહારી શ્રમિકો ના તો તમિલ જાણે છે કે ના હિન્દી. અમે તમિલો જે ધરાવીએ છીએ એવું મગજ પણ બિહારીઓ પાસે નથી. આમ છતાં તેઓ તમિલનાડુમાં કાર્યરત છે.''
જિનપિંગની તિબેટ- મુલાકાત, ભારતની ચિંતા
ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન દિલ્હીમાં તિબેટિયન નેતાઓને મળ્યા એ સામે ચીને વાંધો ઉઠાવ્યો છે. જોકે આ મુલાકાત થવા દઇને ભારતે ચીનને સાવચેત કરતા સંકેતો પાઠવી દીધા છે એમ ઉચ્ચઅધિકારીઓ કહે છે.
તજજ્ઞાો ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની તાજેતરની તિબેટ-મુલાકાતને મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે કારણ કે જિનપિંગે એમનો પ્રવાસ અરૂણાચલ પ્રદેશની સામે આવેલા ન્યિન્ગ્ચીથી શરૂ કર્યો.
ચીનના સત્તાવાર નકશામાં મોટાભાગના અરૂણાચલ વિસ્તારને, ન્યિન્ગ્ચીની હકૂમત નીચેના વિસ્તારની વહીવટી સીમાઓમાં સમાવાયો છે. આ સંદર્ભમાં ચીન દેશની સીમાઓને નવેસરથી નક્કી કરવાની શી જિનપિંગની માગણી સંબંધિત બની રહે છે.
પીપલ્સ લિબરેશન આર્મી યુનિટ, બોર્ડર ડિફેન્સ રેજિમેન્ટ અને મિસાઇલ મથકો વગેરેની હાજરી માટે પણ ન્યિન્ગ્ચી મહત્ત્વપૂર્ણ છે, એમ તજજ્ઞાોએ ઉમેર્યું.
'નાઇસ'ના દાવાઓને નકારતું આયુષ મંત્રાલય
નાઇસ (નેટવર્ક ઓફ ઇન્ફલુએન્ઝા કેર એકસ્પર્ટસ) નામના નેચરોપથી સાથે સંબંધ ધરાવતા નેટવર્ક દ્વારા ગેરમાર્ગે દોરવતા કેટલાક દાવા કરાયા છે, જેને કેટલાક મીડિયાએ ચકાસ્યા વિના જ પ્રસિધ્ધ કર્યા છે. મુખ્ય દાવો, કેન્દ્રના આયુષ મંત્રાલયે જેના પર મંજૂરીની મહોર મારી છે એ કોરોનાની સારવારસંબંધી શિષ્ટાચાર વિકસાવવાનો છે.
દાવેદારે, ઉપરોક્ત મંજૂરી સાથે નીતિસંબંધી કોઇ ધારાધોરણ વિના, ગેરમાર્ગે દોરાવાય એ રીતે આયુષ મંત્રાલયને સાંકળી દીધું છે. આયુષ મંત્રાલયે નાઇસના આવા દાવાને સંગીનતાપૂર્વક નકારી કાઢ્યા છે, જ્યારે એને લગતી સમાચાર-પ્રસિધ્ધિને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી અને પાયાવિહોણી ગણાવી છે.
સંસદીય સમિતિ નહિ, ટેબલ ટેનિસની રમત
ઇન્ફર્મેશન ટેકનોલોજી સંબંધી સંસદીય સમિતિના કેટલાક સભ્યોએ સમિતિને ટેબલ ટેનિસની રમત બનાવી દીધી છે કે જેમાં સંસદીય કોઇ લક્ષણો નથી, એમ સમિતિ અધ્યક્ષ શશી થરુરે જણાવ્યું. પેગાસસ જાસૂસી કૌભાંડના મુદ્દે સમિતિના સભ્યોમાં મતભેદો હોવાનું જાણીતું છે.
સમિતિની બેઠકમાં સભ્યોની જરૂરી પૂરતી હાજરી નહિ હોવાથી જાસૂસી વિવાદ બાબતે, સમિતિના સભ્યો દ્વારા સરકારી અધિકારીઓને કરાનારી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.
મીટિંગ-રૂમમાં ઉપસ્થિત એવા, સમિતિના ભાજપ-સભ્યોએ વિરોધના પગલે હાજરી-પત્રકમાં સહી કરી નહિ, જેના લીધે મીટિંગ યોજવા માટે જરૂરી ક્વોરમ (સભ્યોનું સંખ્યા-બળ) જ થયું નહિ. આથી હતાશ થયેલા સમિતિ અધ્યક્ષ થરુરે કહ્યું કે ''કેટલાક તત્ત્વોએ કેટલાક મુદ્દે આ સમિતિને ટેબલટેનિસની રમત બનાવી દીધી છે.''
યુપી ભાજપના કાર્ટૂનથી ધરતીપુત્રોમાં ઉશ્કેરાટ
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે, યુપી ભાજપે ટ્વિટ કરેલા વિવાદાસ્પદ કાર્ટૂનના પ્રતિભાવમાં કહ્યું કે ઓફિસમાં બેસીને ટ્વિટ કરનારાઓમાં પાયાનું જ્ઞાાન હોતું નથી.
પોતે ૬ ઓગસ્ટે ફરીથી લખનૌ આવી રહ્યા હોવાનું જણાવીને કિસાન અગ્રણીએ ઉમેર્યું કે જો સરકાર ખેડૂતોની માગણીઓ અંગે ધ્યાન નહિ આપે તો વિરોધ-દેખાવો યોજવા પડશે.
યુપી ભાજપે ટ્વિટ કરેલા કાર્ટૂનમાં એક બાહુહાલીને દર્શાવાયો હતો. બાહુહાલી બીજા એક માણસને કહી રહ્યો હતો કે ''લખનૌ જાવ તો સાચવજો....ત્યાં બેઠેલા યોગીજી ફક્ત એકશન જ લેતા નથી, પરંતુ પોસ્ટરો પણ ચોંટાડે છે.''
- ઇન્દર સાહની