દિલ્હીની વાત : ડીએમકેના ઇતિહાસમાં ઉદયનિધિએ પ્રથમ વખત દિવાળીના અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી : તામિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલીને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બિમારીઓ સાથે કરી હતી. આજ સ્ટાલીને ડીએમકેના કાર્યકર્તાઓના સંમેલનમાં બધાને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. ડીએમકેના ૭૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ નેતાએ હિન્દુ તહેવારની શુભેચ્છા પાઠવી છે. ઉદયનિધિએ જ્યારે દિવાળીની શુભેચ્છા પાઠવી ત્યારે હાજર રહેલા પક્ષના કાર્યકરોને પણ નવાઈ લાગી હતી. દયાનિધિએ પક્ષની પ્લેટીનમ જ્યુબીલીની શુભેચ્છા સાથે લોકોને દિપા ઓલી થિરૂનાલની શુભેચ્છાઓ આપી હતી. દિપા ઓલી થિરૂનાલનો અર્થ દિપોત્સવ થાય છે. દક્ષિણ ભારતમાં આ તહેવાર ભગવાન કૃષ્ણ અને એમના પત્ની સત્યભામાની રાક્ષસ રાજા નરકાસુર પર જીતનું પ્રતિક ગણાય છે.
મહારાષ્ટ્રમાં ભાજપ નેતા સામે દેખાવો, થોરાટના પુત્રી સામે ફરિયાદ
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં પોલીસે ભાજપના નેતા વિરૂદ્ધ દેખાવો કરીને તોડફોડ કરવા બાબતે કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટના પુત્રી સામે ફરિયાદ દાખલ કરી છે. સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે થોરાટના પુત્રી જયશ્રી થોરાટ અને એમના ટેકેદારોએ સંઘમનહેર વિસ્તારમાં ભાજપના નેતા વસંતરાવ દેશમુખ વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. ભાજપના નેતાએ વાપરેલી બિભત્સ ભાષાનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા. એ વખતે કાર્યકરોેએ તોડફોડ કરવાની સાથે આગ લગાડવાની કોશિષ પણ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે કેટલાક વાહનોને સળગાવવાની કોશિષ પણ થઈ હતી.
ભાજપના પૂર્વ સાંસદના પુત્રીએ એકનાથ શિંદેનો હાથ પકડયો
રાજકારણમાં કશુ જ અશક્ય નથી. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના ત્રણે પક્ષો એકબીજાના નેતાઓને તોડવાની કોશિષ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા સાથી પક્ષો જ જ્યારે એકબીજાના કદાવર નેતાઓને પોતાના પક્ષમાં ખેચવાની કોશિષ કરે ત્યારે ઘણાને નવાઈ લાગે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવ સાહેબ દાનવીના પુત્રી સંજના જાધવને શિવસેના (એકનાથ શિંદે)માં જોડાઈ ગયા છે. એમ મનાય છે કે, સંજના જાધવ છત્રપતિ સંભાજી નગર જિલ્લાના કન્નડ વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ આપવામાં આવશે.
ઝારખંડમાં ઝામુમોનો ચૂંટણી અધિકારી, આઇપીએસ સામે આરોપો
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)એ વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રવિકુમાર અને બે સિનિયર આઇપીએસ અધિકારીઓ પર ભાજપ માટે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ઝામુમોએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને આ ત્રણે અધિકારીઓને દૂર કરવાની માંગણી કરી છે. ઝામુમોના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું છે કે, 'ગીરીડીહ પોલીસે મંડલ મુર્મુ અને બીજી કેટલીક વ્યક્તિઓના વાહનને રોક્યું હતું. પૂછવામાં આવ્યું ત્યારે વાહનમાં બેઠેલી વ્યક્તિઓએ બતાવ્યું નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. ફક્ત આટલા માટે જ પોલીસે વાહન જપ્ત કરી લીધું હતું. મંડલ મુર્મુ ઝામુમો તરફથી બરહાઇટ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.' ભટ્ટાચાર્યનું કહેવું છે કે, ઝામુમોના ઉમેદવારોને ડરાવવા માટે ચૂંટણી અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાજપ એકલે હાથે જીતી શકે એમ નથી : ફડણવિસ
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે કબુલ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકલે હાથે વિધાનસભાની ચૂંટણી જીતી શકે એમ નથી. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ કોઈના સહકાર વગર એકલે હાથે સત્તા પર આવી શક્યો નથી. દેવેન્દ્ર ફડણવિસે જોકે એવું પણ કહ્યું છે કે, ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠક મળશે. એક ટીવી ચેનલને આપેલી માહિતીમાં ફડણવિસે ના છૂટકે કબુલ કરવું પડયું છે કે જમીની હકીકત સ્વિકારવી જ પડે. ફડણવિસના આ કબુલાતનામા પછી એકનાથ શિંદે અને અજીત પવાર મનમા મલકાઈ રહ્યા છે.
નવાબ મલિકના બળવાએ અજીત પવારની મુશ્કેલી વધારી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી (અજીત પવારે) વિવાદાસ્પદ નેતા નવાબ મલિકના પુત્રી સના મલિકને અણુશક્તિનગરથી ટિકિટ આપી છે. સના મલિકને ટિકિટ આપવાથી ભાજપની આંખો ઝીણી થઈ છે. ભાજપને નવાબ મલિક સામે ખૂબ વાંધા છે. હવે એવી વાત પણ જાણવા મળી છે કે નવાબ મલિકે પોતે પણ વિધાનસભાની ચૂંટણી લડવી છે. નવાબ મલિક એમના ટેકેદારોને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે જ. જો અજિત પવાર એમને ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહીને એનસીપી (અજીત પવાર)નો ખેલ બગાડી શકે એમ છે.
હરિયાણાની હારને કારણે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસનો દબદબો ઘટયો
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની તાકાત થોડી ઓછી થઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઓછી બેઠકો પરથી ચૂંટણી લડવા સંમત થાય એવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ૧૧૦ કરતાં પણ ઓછી બેઠકો પર ચૂંટણી લડશે એમ મનાઈ રહ્યું છે. ૨૦૧૯માં કોંગ્રેસે મહારાષ્ર્૧માં ૧૪૭ બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને કોંગ્રેસે વધુ બેઠકો આપવી પડી છે. કુલ ૩૬ બેઠકોમાંથી ૧૦ બેઠકો શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને કોંગ્રેસે આપી હોવાથી કોંગ્રેસના કાર્યકરો નિરાશ છે. ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકોમાંથી કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા ૭૦ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડમાં પણ કોંગ્રેસને ઓછી બેઠકો ફાળવવામાં આવશે એમ મનાઈ રહ્યું છે.
હેમંતના ભાભી સીતા સોરેનના ઈમોશ્નલ કાર્ડ પર ભાજપને આશા
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન માટે ભાજપે જેટલી મુશ્કેલી ખડી નથી કરી એટલી તેમના ભાભી સીતા સોરેને મુશ્કેલી ઉભી કરી છે. ઝારખંડમાં કોંગ્રેસ-ઝામૂમોનું ગઠબંધન છે. તેના ભાગરૂપે જામતાડાની બેઠક કોંગ્રેસને મળી છે અને કોંગ્રેસે ઈરફાન અંસારીને ટિકિટ આપી છે. કોંગ્રેસના આ નેતાએ સીતા સોરેનને નિશાન બનાવીને ટીપ્પણી કરી એટલે ભાજપે તેને આદિવાસી મહિલાઓના અપમાન સાથે જોડીને પ્રદર્શન શરૂ કર્યું છે. સીતા સોરેન લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. સીતા સોરેન શિબૂ સોરેનના મોટા દીકરા દુર્ગા સોરેનની પત્ની છે, જેમનું નિધન થઈ ચૂક્યું છે. ભાજપ આખા રાજ્યમાં આ મુદ્દો ઉઠાવશે. સીતા સોરેને પણ પતિ હયાત નથી એટલે તેમની સાથે અન્યાય થાય છે એવું ઈમોશ્નલ કાર્ડ રમતું મૂક્યું છે.
બદરીનાથ બાદ કેદારનાથની બેઠક મેળવવા કોંગ્રેસના પ્રયાસો
કેદારનાથના ભાજપના ધારાસભ્ય શૈલારાની રાવતના નિધન બાદ બેઠક ખાલી થઈ હતી. એમાં ૨૦મી નવેમ્બરે પેટા ચૂંટણી છે. ભાજપે આશા નોટિયાલને મેદાનમાં ઉતાર્યા છે. આશા ૨૦૦૨ અને ૨૦૦૭માં આ બેઠક પરથી વિજય મેળવી ચૂક્યાં છે. કોંગ્રેસે પત્રકારમાંથી રાજકારણી બનેલા મનોજ રાવતને ટિકિટ આપી છે. મનોજ રાવત પણ ૨૦૧૭માં આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ટૂંકમાં બંને ઉમેદવારો આ જ બેઠક પરથી વિજય મેળવી ચૂક્યા છે. કોંગ્રેસે વધુ એક ધાર્મિક સ્થળે ભાજપને પરાજય આપવા મહેનત શરૂ કરી છે. ભાજપ હાઈકમાન્ડે પણ આ બેઠક જીતવા કાર્યકરોને મહેનત કરવા જણાવ્યું છે. શૈલારાની પણ પહેલાં કોંગ્રેસમાં હતાં અને ભાજપમાં આવ્યા હતા. કોંગ્રેસનો આ બેઠક પર દબદબો રહ્યો છે, પરંતુ છેલ્લી ચૂંટણીમાં પરાજય થયો હતો. કહે છે કે જ્ઞાાતિના સમીકરણો કોંગ્રેસ ઉમેદવારની તરફેણમાં છે.
વાયનાડમાંથી પ્રિયંકાને પાંચ લાખના માર્જિનથી જીતાડવાનો લક્ષ્યાંક
કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાયનાડમાંથી પાંચ લાખ મતોથી જીતે તે માટે ખાસ વ્યૂહ અજમાવ્યો છે. સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદાન ઓછું થતું હોય છે અને જે પાર્ટીના ઉમેદવારને વિજય મળ્યો હોય એ જ પાર્ટીના વિજયની શક્યતા હોય છે. વાયનાડમાંથી રાહુલ ગાંધી મે માસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૩.૬૪ લાખની લીડથી ચૂંટાયા હતા. પાર્ટીએ પ્રિયંકા ગાંધીને એનાથીય વધુ લીડ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસ કાર્યકરોને ટાર્ગેટ અપાયો છે કે પ્રિયંકાને પાંચ લાખ મતોથી વિજય મેળવવા માટે વધુમાં વધુ લોકો મતદાન કરે એવા પ્રયાસો કરો. દરેક બૂથમાં વધુમાં વધુ મતદાન કરવા માટે પાર્ટીના કાર્યકરો પરસેવો પાડી રહ્યા છે.
બે લાખ રૂપિયાનું બેગ રાખતા કથાકાર જયા કિશોરી ચર્ચામાં
યુવાનોમાં બેહદ પોપ્યુલર કથાકાર જયા કિશોરી તેમના આધુનિક વિચારો અને ક્વોટ્સ માટે જાણીતા છે. યુવાનોમાં તેમના ભજનો અને કથાઓના પ્રસંગો પોપ્યુલર થાય છે અને તેમની રીલ્સ લાખો લોકો જુએ છે. પરંતુ આ કથાકાર લેટેસ્ટ ચર્ચામાં તેમના બે લાખ રૂપિયાના બેગના કારણે આવ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ એવી ચર્ચા કરી રહ્યા છે જયા કિશોરીએ તાજેતરમાં એરપોર્ટ પર જે બેગ હાથમાં રાખ્યું હતું એ ગાયની ચામડીમાંથી બનેલું હતું અને તેની કિંમત બે લાખ રૂપિયાથી પણ વધારે છે. જયા કિશોરીએ ખુદ જ વીડિયો શેર કર્યો હતો, વિવાદ પછી તેમણે એ વીડિયો ડિલિટ કર્યો છે.
- ઈન્દર સાહની