દિલ્હીની વાત : આરજેડીની કહેવાતી ઓફર બાબતે નીતિશકુમાર ગુંચવાયા
નવીદિલ્હી : ૨૦૨૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર આજકાલ યાત્રા કાઢી રહ્યા છે. એમની યાત્રાને જોઈતો પ્રતિસાદ મળતો નથી. બિહારના રાજકીય વર્તુળોમાં એવી વાત ચાલી રહી છે કે મુંઝાયેલા નિતિશકુમારને ફરીથી પોતાની સાથે ગઠબંધન બનાવવાની ઓફર આરજેડીએ કરી છે. આ વાત પ્રસરી ગયા પછી મુંઝાયેલા નિતિશકુમારે સામેથી નિવેદનો આપવા માંડયા છે કે ભૂતકાળમાં એમણે ભાજપ છોડવાની ભૂલ કરી હતી, પરંતુ હવે કદી એવી ભૂલ નહીં કરે. એનડીએમાં રહીને તેઓ બિહાર અને દેશનો વિકાસ કરશે. બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું છે કે, એમના તરફથી નિતિશકુમારને કોઈ ઓફર આપવામાં આવી નથી.
એનડીએ બેઠકમાં નાયડુ હાજર, નીતિશે પ્રતિનિધિને મોકલ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન બાદ એક તરફ વિપક્ષોએ ભાજપને ઘેરવાની રણનીતિ ઘડી હતી. બીજી તરફ એ નિવેદનથી એનડીએના સાથીપક્ષો પણ અંતર જાળવતા હતા. નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વતી આ બાબતે મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. બરાબર એ જ સમયે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી આવી હોવાથી ભાજપે એ તક ઝડપીને એનડીએના સહયોગી દળોની બેઠક બોલાવી લીધી હતી. એમાં ચંદ્રબાબુ નાયડુ તો હાજર રહ્યા હતા, પરંતુ નીતિશ કુમારે સ્વયં હાજર રહેવાને બદલે પ્રતિનિધિ તરીકે રાજીવ રંજનને મોકલ્યા હતા. નીતિશની ગેરહાજરી દિલ્હીના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
નાયડુએ એનડીએમાં સંકલનના અભાવના મુદ્દે ભાજપને ટકોર કરી
એનડીએની બેઠકમાં નાયડુ હાજર રહ્યા હતા, પરંતુ તેમણે પણ વાતચીત દરમિયાન એનડીએમાં સંકલનનો અભાવ જોવા મળે છે એવો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે આંબેડકરના વિવાદ મુદ્દે આખા વિપક્ષને એક કર્યો એમ એનડીએ પણ સંકલિત થઈને જવાબ આપવો જોઈએ એવું ભાજપ વતી કહેવાયું ત્યારે ચંદ્રાબાબુએ કહ્યું હતું કે એનડીએના ઘટકદળોમાં સંકલનનો અભાવ છે. જોઈએ એવું સંકલન થતું નથી. એવીય ચર્ચા ચાલી રહી છે કે અત્યારે એનડીએના ચેરમેન અમિત શાહ છે, પરંતુ સંકલનના નામે નાયડુ પોતાની એનડીએના સંકલનકાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
મમતા બેનર્જીના શિક્ષણ મંત્રીએ શિક્ષક ભરતીમાં લાંચ લીધી હતી
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી ગોટાળા બાબતે સીબીઆઈએ ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટરજી સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ પ્રમાણે પાર્થે શિક્ષકની નોકરી અપાવવા માટે પોતાના સાથીદારો સાથે મળીને એક હજારથી વધુ લોકો પાસે લાંચ લીધી હતી. પાર્થ અને એના સાથીદારો સામે ૪૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સીબીઆઇના સુત્રોના કહેવા પ્રમાણે, ત્રણે આરોપીઓ સામે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા છે. ભૂતપૂર્વ મંત્રી ભ્રષ્ટાચારના કેસમાં છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. જામીન મેળવવા માટે એમણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. આ ભ્રષ્ટાચાર મામલે ૫૪ આરોપીઓ સામે વિવિધ કેસ દાખલ થયા છે.
તામિલનાડુમાં વિદ્યાર્થિનીના રેપ મામલે એઆઇએડીએમકે આક્રમક
તામિલનાડુની અન્ના વિશ્વ વિદ્યાલયમાં એક વિદ્યાર્થિની સાથે થયેલા બળાત્કાર મામલે હવે રાજકીય ગરમી વધી રહી છે. વિરોધપક્ષ એઆઇએડીએમકે એવો આક્ષેપ કર્યો છે કે રાજ્યના શિક્ષામંત્રી અને પોલીસ અધિકારીના નિવેદનોમાં વિરોધાભાષ છે. આ બાબતે એઆઇએડીએમકે સીબીઆઇ તપાસની માંગણી પણ કરી છે. તામિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી આ બળાત્કારનું પ્રકરણ ગાજી રહ્યું છે. સરકારના વિરોધીઓનું કહેવું છે કે, પોલીસના કહેવા પ્રમાણે પોલીસને વિશ્વ વિદ્યાલયથી ૧૦૦ નંબર પર ફોન દ્વારા માહિતી મળી હતી. બીજી તરફ મંત્રી કહી રહ્યા છે કે, પીડિતાએ પોતે પોલીસ સ્ટેશને જઈને ફરીયાદ કરી હતી. એઆઇએડીએમકેના નેતા એકે પલાની સ્વામીએ કહ્યું છે કે, સરકાર કોઈ શક્તિશાળીને બચાવવાની કોશિષ કરે છે. સીબીઆઇની તપાસ થશે તો સાચી હકીકત બહાર આવશે. બળાત્કારને મામલે એઆઇએડીએમકે ઉપરાંત ભાજપના નેતાઓ પણ જે રીતે વિરોધ કરી રહ્યા છે એની ટીકા તામિલનાડુમાં થઈ રહી છે.
દિલ્હીમાં કોંગ્રેસ - આપની લડાઈમાં ફાયદો મેળવવા ભાજપના પ્રયાસો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ગરમી વધી રહી છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટીથી અલગ થઈને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે ત્યારથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બદલાઈ ગયા છે. દિલ્હી કોંગ્રેસના સિનિયર નેતા અજય માકન તેમ જ સંદીપ દિક્ષીત પુરી તીવ્રતાથી આપની સામે નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસના આ બંને નેતાઓએ અરવિંદ કેજરીવાલનો ભૂતકાળ ઉખેડીને એમને ડિફેન્સીવ પર મૂકી દીધા છે. બહાવરા થયેલા આપના નેતાઓ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે કોંગ્રેસ અને આપ વચ્ચે એક ખાસ સમુદાયના મત મેળવવા માટે રેસ લાગી છે. ભાજપના નેતાનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષો સાથે હતા છતાં એમને કોઈ બેઠક મળી નહોતી. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે કોંગ્રેસે એકલે હાથે ચૂંટણી લડયાનું નક્કી કર્યાથી કોંગ્રેસને રાજકીય ફાયદો થશે.
હવે મુરાદાબાદમાં પણ મંદિર ખોલવા માટે સત્તાધિશોની તૈયારી
મુરાદાબાદના નાગફની વિસ્તારના ઝબ્બુ નાડાની નજીક આવેલા ગૌરીશંકર મંદિરની મુલાકાત શહેરના એસપીએ લીધી હતી. ત્યાર પછી એસડીએમએ પણ સ્થળ પર જઈને આજુબાજુના લોકો સાથે વાતચીત કરી હતી. સરકારી તંત્ર મંદિર ખોલવા માટેની તૈયારી કરી રહ્યું છે. આ મંદિરની દેખભાળ મોહિની નામની કિન્નર કરી રહી છે. મંદિરની સાફસુફી ચાલુ કરવામાં આવી છે. સ્થળ પર ફરિયાદી લાઇનપાર મઝોલાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પહોંચ્યા નહોતા. એસડીએમનું કહેવું છે કે મંદિર ખોલવા બાબતે કોઈ વિવાદ નથી. લાઇનપાર મઝોલાનો આક્ષેપ છે કે ૧૦૦ વર્ષ જૂના ગૌરીશંકર મંદિરની દેખભાળ એમના પરદાદા કરતા હતા. ૧૯૮૦માં થયેલા કોમવાદી હુલ્લડોમાં એમના દાદાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછી ડરી ગયેલા પરિવારે મંદિરનો કબજો છોડી દીધો હતો.
યુરોપનો એક નાનકડો દેશ રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકવા મેદાને પડયો
જે કામ ફ્રાન્સ, જર્મની, તુર્કી જેવા દેશો ન કરી શક્યા એ કામ કરવા માટે યુરોપનો એક નાનકડો દેશ મેદાને પડયો છે. સ્લોવાકિયાએ રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવા માટે પ્રસ્તાવ મૂક્યો છે અને એમાં પુતિન સહમત થયા છે. મધ્ય યુરોપના આ દેશની એક તરફની સરહદ પોલેન્ડને અડે છે. બીજી તરફ યુદ્ધગ્રસ્ત યુક્રેન છે. સ્લોવાકિયાએ કહ્યું હતું કે જો બંને દેશ યુદ્ધ અટકાવવા તૈયાર હોય તો મધ્યસ્થી કરશે અને શાંતિમંત્રણા પોતાને ત્યાં યોજશે. સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પ્રસ્તાવ લઈને રશિયાની મુલાકાતે ગયા હતા અને પુતિનને મળ્યા હતા. પુતિનને આ દેશનો પ્રસ્તાવ ગમ્યો છે. પુતિને કહ્યું હતું : રશિયા યુદ્ધવિરામ ઈચ્છે છે, પરંતુ જો નક્કી થયેલી શરતોનું ઉલ્લંઘન થશે તો રશિયા ફરીથી હુમલો કરશે.
મનમોહન સિંહે 10 વર્ષમાં 117 વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી
કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારીએ કહ્યું હતું કે મનમોહન સિંહ ખૂબ મીડિયા ફ્રેન્ડલી વડાપ્રધાન હતા. તેઓ નિયમિત રીતે મીડિયા પર્સન્સના ઓપિનિયન મેળવતા હતા. એટલું જ નહીં, ેતેમણે ૧૦ વર્ષ લાંબાં કાર્યકાળમાં ૧૧૭ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે હિસાબે તેમણે દર મહિને સરેરાશ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે એટલે સુધી કે તેઓ જાણીતા એડિટર્સ સાથે બેઠકો પણ કરતા હતા અને તેમની વાતો સાંભળતા હતા.
ગોરખાના પ્રશ્નો ઉકેલવા ભાજપના ધારાસભ્યનો ગૃહમંત્રીને પત્ર
દાર્જિલિંગની બેઠકના ભાજપના ધારાસભ્ય નીરજ તમાંગ ગોરખા કોમ્યુનિટીના નેતા છે. ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટના જનરલ સેક્રેટરી પણ છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટાયેલા આ ગોરખા નેતાએ અમિત શાહને પત્ર લખીને ગોરખા સમાજના વિવિધ પ્રશ્નો ઉકેલવા માગણી કરી હતી. ગોરખા સમાજને રાજકીય મહત્ત્વ મળે તેની માગણી ચાલી રહી છે. તે ઉપરાંત તેમને આદિવાસી સ્ટેટસ આપવાની પણ જૂની માગણી છે. આ ધારાસભ્યના પત્રની સૌથી મહત્ત્વની વાત એ હતી કે એમાં ૨૦૧૯ના ભાજપના મેનિફેસ્ટોને ટાંકવામાં આવ્યો હતો. ભાજપે ૨૦૧૯માં ગોરખા સમાજને રાજકીય મહત્ત્વ આપવાની વાત કરી હતી. એ રીતે ભાજપના જ ધારાસભ્યએ આયનો બતાવ્યો છે.
- ઈન્દર સાહની