દિલ્હીની વાત : 'લેફટેનેંટ' મહેન્દ્ર સિંહ ધોની પર ચાહકો કેમ બગડયા
નવી દિલ્હી : પહેલગામ આતંકવાદી હુમલા બાબતે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. સોશ્યલ મીડિયા પર પાકિસ્તાન વિરોધનો ગુસ્સો દેખાય રહ્યો છે. ધોનીની ચૂપકીદીને કારણે ક્રિકેટ ચાહકો ગુસ્સામાં છે. સચીન તેંડુલકર, યુવરાજસિંહ, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર જેવા ક્રિકેટરોએ આતંકવાદીઓની ચામડી ઉતારી નાખે એવા નિવેદનો કર્યા છે. મહેન્દ્રસિંહ ધોનીને ૨૦૧૧માં ભારતીય આર્મીએ લેફટેનેંટનો દરજ્જો આપીને સન્માન કર્યું હતું. એક ચાહકે લખ્યું છે કે, તેઓ ધોનીના ચાહક હતા, પરંતુ મુર્શિદાબાદમાં થયેલી હિન્દુઓની કત્લેઆમ તેમ જ પહેલગામ આતંકવાદી હુમલે કોઈ પ્રતિક્રિયા નહીં આપીને નફ્ફટાઇનું પ્રદર્શન કર્યું છે. બીજી એક વ્યક્તિએ લખ્યું છે કે ધોની લેફટેનેંટ હોવા છતાં પહેલગામ મુદ્દે ચૂપ રહ્યો છે.
'ફક્ત ગુનેગારોને સજા આપો' : ભારતથી પાકિસ્તાન જતી મહિલા ભાવુક થઈ
આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનથી ભારત આવેલા નાગરીકોને પરત પાકિસ્તાન જવાનો હુકમ સરકારે કર્યો છે. સરકારના આદેશને કારણે પરત પાકિસ્તાન જઈ રહેલી એક મહિલાએ વાઘા બોર્ડર ખાતે ભાવુક થઈને પત્રકારો સાથે વાત કરી હતી. રાજસ્થાનના જોધપુરની રહેવાસી આ મહિલાના લગ્ન પાકિસ્તાન થયા છે તે પોતાના પતિ સાથે ભારત આવી હતી. મહિલાએ આંખમા આસુ સાથે કહ્યું હતું કે, 'જે થયું એ ખુબ જ ખોટુ છે. મારા પતિ પાકિસ્તાની છે. અમે ચાર દિવસ પછી પાકિસ્તાન જવાના જ હતા, પરંતુ સરકારના આદેશને કારણે જલ્દી જઈ રહ્યા છીએ. હું માનું છું કે ફક્ત ગુનેગારોને જ સજા થઈ જોઈએ, સામાન્ય માનવીને નહીં. અમે રડતા માબાપને મુકીને જઈ રહ્યા છીએ. મુસ્લિમ ધર્મમાં આતંકવાદને સમર્થન નથી. કુરાનમાં પણ આવું લખ્યું નથી.'
પાકિસ્તાનના નિર્ણયથી ભારતીય કંપનીના આઠ હજાર કરોડ ડુબ્યા
આતંકી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધી સમાપ્તી કરી છે આની સામે પાકિસ્તાને ભારતના વિમાનો માટે એર સ્પેસ બંધ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય નિરિક્ષકો આ નિર્ણયને મોટો ગણી રહ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણે હવે ભારતથી અમેરિકા અને યુરોપ જતી ફલાઇટોનો સમય ૨થી ૩ કલાક વધી શકે છે. વધેલા ફલાઇંગ ટાઇમને કારણે એર લાઇન્સોને વધુ ઇંધણનો ઉપયોગ કરવો પડશે. વધેલો ખર્ચ એરલાઇન્સ સામાન્ય માણસ પર નાંખશે. પાકિસ્તાનના નિર્ણયને કારણે ભારતની એરલાઇન્સ ઇન્ડીગોના શેરમાં ૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની માર્કેટ કેપ આઠ હજાર કરોડથી વધારે ઘટી ગઈ છે.
લોક ગાયિકા નેહાસિંહ રાઠોડ સામે 11 એફઆઇઆર દાખલ થઈ
આતંકવાદી હુમલાને કારણે દેશ આખામાં ગુસ્સો છે ત્યારે બિહારની લોક ગાયિકા નેહાસિંહ રાઠોડે સોશ્યલ મીડિયામાં કેટલાક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ લખ્યા છે. નેહાસિંહ રાઠોડે એવું લખ્યું હતું કે બિહાર ઇલેકશનમાં જીત મેળવવા ભાજપએ જ આ હુમલો કરાવ્યો છે. રાઠોડની આ ટ્વિટ પછી પાકિસ્તાનના સોશ્યલ મીડિયા પર રાઠોડની ટ્વિટનો હવાલો લઈને ભારત વિરુદ્ધ લખાણો શરૂ થયા હતા. હવે નેહાસિંહ રાઠોડ સામે લખનૌમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વિવિધ કલમો હેઠળ લખનૌ સિવાય દેશના બીજા દસ શહેરોમાં પણ રાઠોડ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રાઠોડે જોકે આ બાબતે પ્રતિક્રિયા આપીને લખ્યું છે કે, 'દુનિયાની સૌથી મોટી લોકશાહી છે ભાઈ! આભાર મુખ્યમંત્રી આદિત્યનાથ, આભાર પીએમ નરેન્દ્ર મોદી'
અજમેર શરીફના નસીરૂદ્દીન ચિસ્તી બિલાવર ભુત્તો પર ભડક્યા
સિંધુ જળ કોન્ટ્રાક્ટ રદ કરવાને કારણે પાકિસ્તાનના નેતા બિલાવર ભુત્તોએ ભારતને ધમકી આપી છે. બિલાવરે કહ્યું છે કે, 'સિંધુ નદીમાં કયાં તો પાણી વહેશે, કયાં તો ભારતીઓનું લોહી. સિંધુ નદી અમારી છે અને અમારી જ રહેશે.' ભુત્તોની આ ડંફાસ પછી અજમેર શરીફના વડા સૈયદ નસીરૂદ્દીન ચિસ્તી એ ભુત્તો પર વળતો પ્રહાર કર્યો છે. એમણે કહ્યું છે કે, 'પહેલી વાત એ છે કે લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે. ભારતે પાણી રોકી દીધુ છે જેને કારણે પાકિસ્તાન અને ત્યાંના નેતાઓ ડરી ગયા છે. એમને ખબર છે કે હવે ભારત પાકિસ્તાનના પદાર્થ પાઠ ભણાવશે. જો લોહી વહેશે તો પાકિસ્તાની આતંકવાદીઓનું વહેશે. આતંકવાદીઓને પાળીપોશીને પાકિસ્તાને મોટા કર્યા છે અને એમને રક્ષણ આપ્યું છે.'
બિહાર ચૂંટણી પહેલાં નિતિશે તમામ મંત્રીઓને નવી જવાબદારી આપી
બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મુખ્યમંત્રી નિતિશકુમારે મંત્રી મંડળના સભ્યોને નવેસરથી જિલ્લા પ્રભારી અને વિવિધ સમિતિના વડાની જવાબદારી આપી છે. આ સંબંધે સચીવોને જાણકારી આપી દેવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને પટણાના પ્રભારી મંત્રી સહિત બીજી કેટલીક કમીટીઓના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. વિજય સિંહાને મુઝફ્ફરપુરના પ્રભારી બનાવવામાં આવ્યા છે એ સિવાય વિજયકુમાર ચૌધરીને પુર્ણીયા તેમ જ નાલંદા અને વિજેન્દ્ર પ્રસાદ યાદવને વૈશાલીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. એમ મનાય છે કે, જે વિસ્તારોમાં કામગીરી નબળી લાગી છે ત્યાં ત્યાં નિતિશકુમારે એમના વિશ્વાસુઓને પ્રભારી તરીકે ગોઠવ્યા છે.
દિલ્હી કોંગ્રેસના નેતા ઉદિત રાજે શશિ થરૂર સામે મોરચો માંડયો
દિલ્હી કોંગ્રેસના નેતા ઉદિત રાજે કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી શશિ થરૂર સામે મોરચો માંડયો છે. થરૂરે કહ્યું હતું કે ભૂલો થઈ છે, પરંતુ અત્યારે વિફળતા યાદ કરવાનો સમય નથી. ઈઝારાયલનું ઉદાહરણ આપણી સામે છે. ભૂલો થઈ અને આતંકવાદીઓએ ઈઝરાયલી નાગરિકોને નિશાન બનાવ્યા પછી ઈઝરાયલે જડબાતોડ જવાબ આપ્યો. આ નિવેદનથી ઉદિત રાજ નારાજ થયા. આ કોંગ્રેસી નેતાએ થરૂરને સવાલ કર્યો કે શશિ થરૂર નક્કી કરે, ભાજપમાં છે કે કોંગ્રેસમાં? ૨૬-૧૧નો હુમલો થયો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા. તેમણે મુંબઈ પહોંચીને હુમલાને સરકારની નિષ્ફળતા ગણાવીને ડો. મનમોહન સિંહની ટીકા કરી હતી. જો કેન્દ્રની ભૂલ થઈ છે તો એ સ્વીકારીને એની ટીકા કરવી જોઈએ એવો મત ઉદિત રાજે વ્યક્ત કર્યો હતો.
જેએનયુમાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીમાં ડાબેરી સંગઠનનો દબદબો
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજાઈ હતી. ૨૫મી મતદાન થયું હતું. ૭૦૦૦માંથી લગભગ ૫૦૦૦ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહાસચિવ અને સંયુક્ત મહાસચિવ એમ ચાર પદોમાંથી ત્રણમાં ડાબેરી ગઠબંધનનો વિજય થયો હતો. પ્રમુખપદે ડાબેરી ગઠબંધનના નીતિશકુમારને વિજય મળ્યો હતો. ડાબેરી પાર્ટીઓના વિદ્યાર્થી સંગઠનમાંથી મનિષા ઉપપ્રમુખ અને મુન્તેહા ફાતિમા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. એક માત્ર જોઈન્ટ સેક્રેટરીના પદે એબીવીપીના વૈભવ મીણાનો વિજય થયો હતો. જોકો, કાઉન્સેલર્સમાં ૪૨માંથી ૨૩ બેઠકોમાં એબીવીપીનો વિજય થયો હતો. દાયકાઓ પછી એબીવીપીનો આટલો સારો દેખાવ જોવા મળ્યો હતો.
કર્ણાટક કોંગ્રેસના નેતાઓને બેફામ નિવેદનો ન આપવા તાકીદ
કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયાએ હુમલા પછી એવું કહ્યું કે દેશ પાસે યુદ્ધ કરવું એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. પાકિસ્તાન સાથે યુદ્ધમાં ઉતરવું ન જોઈએ એવા મતલબના નિવેદનથી કોંગ્રેસ ઘેરાઈ હતી. ભાજપે સિદ્ધારામૈયાના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે સિદ્ધારામૈયાની સરકારમાં એક્સાઈઝ મિનિસ્ટર આર.બી. તિમ્માપુરે નિવેદન આપ્યું કે કોઈ ધર્મ પૂછીને ગોળી કેવી રીતે મારી શકે? આતંકવાદીઓ તો ગોળી મારીને પલાયન થતા હોય છે. આ બાબતે પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. આ નિવેદન પછીય હોબાળો થયો. આખરે હાઈકમાન્ડે કર્ણાટક કોંગ્રેસના નેતાઓને આડેધડ નિવેદનો ન આપવાની તાકીદ કરી છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનોના જુદા અર્થ કાઢીને ભાજપ ઘેરે છે એટલે કોંગ્રેસે નેતાઓને નિવેદનો આપવાથી દૂર રહેવા જણાવ્યું છે.
કાશ્મીરીઓને ટાર્ગેટ ન કરવા કાશ્મીરના નેતાઓની અપીલ
કાશ્મીરના વિદ્યાર્થીઓ અને કાશ્મીરના ઘણાં લોકો સાથે દેશના અમુક વિસ્તારોમાં આક્રોશ જોવા મળ્યો. કેટલાય સ્થળોએ કાશ્મીરના વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા એ બાબતે કાશ્મીરના સૌ નેતાઓમાં એકતા જોવા મળી હતી. બધા નેતાઓએ એક પછી એક કાશ્મીરીઓ સાથે થયેલા હુમલા બાબતે દેશવાસીઓને અપીલ કરી હતી કે મહેરબાની કરીને કાશ્મીરીઓને તેમણે ન કરેલા ગુનાની સજા ન આપો. આતંકવાદીઓને ગુસ્સો કાશ્મીર પર ન ઉતારો. સીએમ ઓમર અબ્દુલ્લા, પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તિ ઉપરાંત મિરવાઈઝ ઉંમર ફારૂખ, સજાદ લોન સહિતના નેતાઓએ આવી અપીલ કરી હતી.
દિલ્હીમાં ભાજપ સરકારે 2000 બસો બંધ કરી દીધી : આપનો આરોપ
દિલ્હીમાં કોઈ જ જાણકારી આપ્યા વગર ભાજપની સરકારે ૨૦૦૦ બસો અચાનક બંધ કરી દીધી હોવાનો આરોપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. આપના કહેવા પ્રમાણે આપની સરકાર હતી ત્યારે લોકોની સુવિધા માટે જેટલી બસો શરૂ કરવામાં આવી હતી, એમાંથી વર્તમાન ભાજપની સરકારે ૨૦૦૦ બસો બંધ કરી દેતાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. લોકોને કલાકો સુધી ગરમીમાં બસની રાહ જોવી પડે છે. એટલું જ નહીં, બે હજારથી વધુ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. જોકે, ભાજપે આરોપ નકારતા કહ્યું કે આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
- ઈન્દર સાહની