પ્રિયંકાએ ખડગેને બહાર બેસાડી રાખ્યાનો ભાજપનો આક્ષેપ ખોટો : કોંગ્રેસ
નવીદિલ્હી: વાયનાડ લોકસભાની પેટા ચૂંટણીનું ઉમેદવારીપત્ર ભરતી વખતે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને બહારના રૃમમાં રાહ જોવડાવતા બેસાડી રાખ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતે ભાજપએ પણ કોંગ્રેસની ટીકા કરી હતી. હવે આ બાબતે કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે ખુલાસો આપ્યો છે. વેણુગોપાલના કહેવા પ્રમાણે મલ્લિકાર્જુન ખડગે કાર્યક્રમ દરમિયાન હાજર જ હતા. દરવાજો બંધ હોવાથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ થોડો સમય રાહ જોવી પડી હતી, પરંતુ એ વખતે પણ ખડગે તો પ્રિયંકાની સાથે જ હતા. ભાજપને તો જૂઠા આક્ષેપો કરવાની ટેવ પડી ગઈ છે.
આદિત્ય ઠાકરેનો મુખ્યમંત્રી શિંદે પર જનોઈ વઢ ઘા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈના વરલી મત વિસ્તારમાંથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) તરફથી ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને લપેટમાં લીધા છે. આદિત્યએ કહ્યું છે કે, આ ચૂંટણી એવી વ્યક્તિઓ વચ્ચે છે કે જેઓ મહારાષ્ટ્રને પ્રેમ કરે છે અને બીજી તરફ એવા છે જેઓ મહારાષ્ટ્રના વિરોધી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરેલી લૂટને અટકાવવા માટે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. એકનાથ શિંદેએ શિવસેનાના ભાગલા પાડયા પછી આદિત્ય ઠાકરે તેમ જ એમના પિતા ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે પર રાજકીય હુમલો કરવાની એક પણ તક જતી કરતા નથી. બીજી તરફ એકનાથ શિંદે પણ યુવાન આદિત્ય ઠાકરેને માત કરવા માટે પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે.
યોગી, રાહુલ, અખિલેશ, માયાવતિ... બધાની ઇમેજ દાવ પર
સામાન્ય કિસ્સાઓમાં ઉપચૂંટણીને બહુ ગંભીરતાથી લેવામાં આવતી નથી, કારણ કે એનાથી સરકારની પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. જોકે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીને દરેક પક્ષો ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ ખૂબ નબળો રહ્યો હોવાથી યોગી આદિત્યનાથ પૂરવાર કરવા માંગે છે કે, ભાજપનો કરિશ્મા અકબંધ છે. બીજી તરફ લોકસભામાં મળેલી સફળતાનું પુનરાવર્તન અખિલેશ યાદવ કરવા માગે છે. કોંગ્રેસે સમાજવાદી પક્ષને ટેકો જાહેર કર્યો હોવાથી સમાજવાદી પક્ષની જીતમાં જ કોંગ્રેસની જીત છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં થવાની છે, પરંતુ આ પેટા ચૂંટણીને સેમીફાઇનલની જેમ રાજકીય નીરિક્ષકો જોઈ રહ્યા છે. યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ ઉપરાંત માયાવતી પણ ફરીથી મુખ્ય ધરાના રાજકારણમાં આવવા માટે કમર કસી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકવાદ બાબતે રાહુલે એનડીએની ટીકા કરી
છેલ્લા ચાર દિવસથી જમ્મુ-કાશ્મીરમાં લગભગ દરરોજ આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. ભારતીય જવાન ઉપરાંત પરપાંત્રિય મજૂરોને પણ આતંકવાદીઓ શિકાર બનાવી રહ્યા છે. આ બાબતે રાહુલ ગાંધીએ એનડીએ સરકારની નીતિની ટીકા કરી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં એનડીએ સરકાર નિષ્ફળ રહી છે. આ માટે સરકારની જવાબદારી નક્કી કરવી જોઈએ. શહિદોને શ્રદ્ધાંજલી આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આતંકવાદીઓના હુમલા રોકવામાં નિષ્ફળ જઈ રહી છે. સરકાર વળતો જવાબ પણ આપી શકતી નથી.
આદિત્ય સામે ઉમેદવાર તરીકે દેવરા, મનસેના ઉમેદવારે પણ ઝુકાવતા ત્રિપાંખિયો જંગ
મુંબઈની પ્રતિસ્થિત બેઠક વરલી પરથી મનસેના સંદીપ દેશપાંડેને ટિકિટ આપવામાં આવી છે. શિવસેના (એકનાથ શિંદે)એ કોંગ્રેસમાંથી શિવસેના (એકનાથ શિંદે)મા જોડાયેલા મિલિંદ દેવરાને આ બેઠક પરથી ટિકિટ આપી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરે પણ વરલી બેઠક પરથી ચૂંટણી લડશે. મુરલી દેવરા હમણા રાજ્ય સભાના સભ્ય છે અને દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. વરલીની બેઠક શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નો ગઢ ગણાય છે. મનસેએ પણ આ બેઠક પરથી ઉમેદવાર ઉભા રાખ્યા હોવાથી હવે વરલી બેઠકની ચૂંટણી રસપ્રદ બની છે.
ઉત્તર પ્રદેશની આ બેઠક પર નાના પક્ષો ભાજપ - સપાનો ખેલ બગાડી શકે છે
ઉત્તર પ્રદેશના મુરાદાબાદની કુંદરકી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સપા અને ભાજપએ ઉમેદવારોના નામ નક્કી કરી નાખ્યા છે. સામાન્ય રીતે આ બેઠક સપાનો ગઢ ગણાય છે. જોકે રાજકીય નીરીક્ષકોનું કહેવું છે કે કેટલાક નાના પક્ષો સપાનો ખેલ બગાડી શકે એમ છે. કુંદરકી વિધાનસભા બેઠક પર ૨૦૦૨થી સપાનું વર્ચસ્વ રહ્યું છે. ૧૯૯૩માં ભાજપના ચંદવિજયસિંહને અહીંથી વિજય મળ્યો હતો. કુંદરકી બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. આ બેઠક પર એમઆઇએમઆઇએમએ હાફિઝ વારીસને ટિકિટ આપી છે. આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)એ ચાંદ બાબુને મેદાનમાં ઉતાર્યા છે. કુંદરકીમાં સ્થાનિક નિગમના ચેરમેન તરીકે એમઆઇએમઆઇએમના નેતા છે. જો આઝાદ સમાજ પાર્ટી અને એમઆઇએમઆઇએમના ઉમેદવારો વધુ મત લઈ જાય તો સપા અને ભાજપ બંનેને નુકશાન થઈ શકે એમ છે.
પ્રિયંકા વાડ્રાએ વાયનાડના મતદારોને ખુલ્લો પત્ર લખ્યો
લોકસભાની ઉપ ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ભર્યા પછી પ્રિયંકા વાડ્રાએ વાયનાડના મતદારોને ખુલ્લો પત્ર લખ્યો છે. પ્રિયંકાએ લખ્યું છે કે, વાયનાડના લોકો સાથે મળીને એ કામ કરવા માંગે છે. વાયનાડના લોકોની મુશ્કેલી સમજીને એને દુર કરવાનો પ્રયત્ન પોતે કરશે. ખાસ કરીને વાયનાડની સ્ત્રીઓ અને અનુસૂચિત જાતીઓ તેમ જ ખેડૂતો માટે પોતાના દ્વાર ૨૪ કલાક ખુલ્લા રહેશે એમ પણ પ્રિયંકા ગાંધીએ લખ્યું છે. ભાઇ રાહુલ ગાંધીએ વાયનાડના લોકો માટે જે કંઈ કર્યું છે એને આગળ ધપાવવાનો પ્રયત્ન પણ પોતે કરશે. જો વાયનાડના મતદારો એમને ચૂંટશે તો નિયમીત રીતે તેઓ લોકસભામાં વાયનાડના પ્રશ્નો ઉઠાવશે.