દિલ્હીની વાત : કેનેડાની આડોડાઈ, એનઆઇએને નિજ્જરનું ડેથ સર્ટિ આપવા ઇન્કાર
નવી દિલ્હી : એનઆઇએના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કેનેડાના સત્તાધિશો તરફથી ખાલિસ્તાની આતંકવાદી હરદિપસિંહ નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર ભારતને આપવામાં નથી આવ્યું. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ ખાટા થઈ ગયા છે ત્યારે કેનેડાના સત્તાધિશો આડોડાઈ પર ઉતરી આવ્યા છે. એનઆઇએએ જ્યારે કેનેડાના સત્તાધિશો પાસે આતંકવાદીના મૃત્યુનું પ્રમાણપત્ર માંગ્યું ત્યારે એમણે એ માટેનું કારણ પૂછયું હતું. યાદ રહે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડયા છે. એનઆઇએ, પન્નુની જિંદગીના છેલ્લા છ મહિનાની તપાસી કરી રહી છે. ચંદિગઢમાં આવેલી પન્નુની ત્રણ સપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. અમૃતસરમાં પણ પન્નુની ઘણી જમીનો હતી એ પણ એનઆઇએએ જપ્ત કરી છે.
દિવાળી અને છઠના દિવસે યુપી - બિહારના રેલવે યાત્રીઓનું ખાસ ચેકિંગ
દિવાળી અને છઠની રજાઓ દરમિયાન દિલ્હી, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જનારા યાત્રીઓનું ખાસ ચેકિંગ કરવાની સૂચના રેલવેના સત્તાધિશોએ ટિકિટ ચેકરોને આપી છે. રેલવે સત્તાધિશોનું માનવું છે કે દર વર્ષે રજા દરમિયાન મુસાફરી કરતા કેટલાક મુસાફરો વગર ટિકિટે મુસાફરી કરે છે અને પોતાની પાસે આઇડી પ્રૂફ પણ રાખતા નથી. રેલવે સત્તાધિશોએ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના કેટલાક રાજ્યોના ટિકિટ ચેકિંગ સ્ટાફને ૨૦૦ કરોડ રૂપિયાનો દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે ટિકિટ ચેકરો લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોનું ચેકીંગ કરી એમના સામાનનું વજન પણ ચેક કરશે.
ભારતમાં દર બીજો વૃદ્ધ બે કરતાં વધુ બીમારીઓથી પીડાય છે
સરકારે કરાવેલા એક સર્વે પ્રમાણે ભારતમાં દર બીજો વૃદ્ધ એક કરતા વધુ બીનચેપી રોગથી પીડાય છે. આ સર્વેના આવેલા તારણ પ્રમાણે ૫૬ ટકા વૃદ્ધોમાં બેથી વધારે રોગો હોવાનું બહાર આવ્યું છે. દેશના ૨૬ ટકા વૃદ્ધો કોઈપણ એક બિમારીથી પીડાય રહ્યા છે. ડાયાબીટીસ અને હાઇ બ્લડ પ્રેસર જેવી બિમારીઓ કેટલાક વૃદ્ધોમાં જોવામાં આવી છે. સર્વે દરમિયાન ૨૦ ટકા જેટલા વૃદ્ધોએ પોતાને કોઈ બિમારી છે કે નથી એની જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. આ સર્વે માટે ૧૦ રાજ્યોના ૨૦ શહેરોમાં આશરે ૫ હજારથી વધુ વૃદ્ધો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ સિવાય ૧૩૦૦ જેટલા ડોક્ટરોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા.
કેટી રામારાવની બદનક્ષી ન કરવા તેલંગાણાના મંત્રીને કોર્ટની ચેતવણી
હૈદ્રાબાદની એક કોર્ટે તેલંગાણાના રાજ્યમંત્રી કોન્ડા સુરેખાને બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવ સામે બદનક્ષીકારક નિવેદનો નહીં કરવા ચેતવણી આપી છે. કોર્ટનું માનવું છે કે, રાજ્યમંત્રી સુરેખાના નિવેદનો સમાજ માટે હાનીકારક છે. કોર્ટે મંત્રીને એમના નિવેદનો મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટો પરથી દૂર કરવાની સૂચના આપી છે. આ સિવાય યુટયુબ, ફેસબુક અને ગુગલને પણ આવી બદનક્ષીકારક ટીકાઓને ડીલીટ કરવા હુકમ કર્યો છે. મંત્રી સુરેખાએ તેલુગુ અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના છૂટા છેડા માટે કેટી રામારાવને જવાબદાર ગણાવ્યા હતા. આ બાબતે મંત્રી સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાની વિશ્વનીયતા ખતમ થઈ રહી છે : દોભાલ
ભાજપનું આઇટી સેલ સક્રિય રહીને સોશિયલ મીડિયા પર વિરોધીઓની સતત ટીકા કરતું રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરે છે. આવા સમયે નેશનલ સિક્યુરીટી એડવાઇઝર (એનએસએ) અજીત ડોભાલે એવું કહ્યું છે કે જે રીતે સોશિયલ મીડિયા પર બેફામ ટીકાઓ થઈ રહી છે એને કારણે સોશિયલ મીડિયાની વિશ્વસનીયતા ઓછી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ભારતીય આર્મીને લગતી ખોટી વાતો બાબતે ડોભાલની આ વાત સાચી છે. જોકે કેટલાક રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે સોશિયલ મીડિયા પર સરકારની ટીકા થાય એને પણ અફવા ગણાવવી એ બેહુદુ છે. સરકાર કંઈ ભારતીય લશ્કર નથી કે ટીકાથી એનું મનોબળ નબળું પડે.
સમાજવાદી પક્ષના અબુ આઝમી મહાવિકાસ અઘાડી પર ગુસ્સે થયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂર ઝડપે ચાલી રહી છે. દરેક મુખ્ય પક્ષના સિનિયર નેતાઓ ટિકિટ માટે પોતાના પક્ષના હાઇકમાન્ડ પર દબાણ લાવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના મુખ્યપક્ષ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ એવું નિવેદન આપ્યું છે કે, એમના પક્ષના જે પાંચ ઉમેદવારો જાહેર થયા છે તેઓ જીતવાના છે. એમણે મહાવિકાસ અઘાડીની ટીકા કરતા કહ્યું કે, ટિકિટ બાબતે આટલા બધા દિવસો સુધી મનોમંથન કરવું એ ભૂલ છે. પોતે આટલો લાંબો સમય રાહ જોઈ શકે એમ નથી. અબુ આઝમીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે એમને બે વખત દગો આપ્યો છે એટલે એમને મહાવિકાસ અઘાડી પર ભરોસો નથી. મહારાષ્ટ્રમાં એવી ચર્ચા થાય છે કે અબુ આઝમીના આ નિવેદનની ફરિયાદ કોંગ્રેસ હાઇકમાન્ડે અખિલેશ યાદવ સમક્ષ પણ કરી છે.
પોતાના સલુનમાં રાહુલ ગાંધીને આવેલા જોઈને વાળંદ ડઘાઈ ગયો
કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અચાનક જ નાના કારીગરોને મળવા પહોંચી જાય છે. એમને મળીને તેઓ એમની મુશ્કેલીઓ વિશે જાણે છે. રાહુલ ગાંધી હમણા દિલ્હીના એક હેર કટીંગ સલુનમાં અચાનક પહોંચી ગયા હતા. સલુનનો વાળંદ અજીત, રાહુલ ગાંધીને પોતાની નાનકડી દુકાનમાં જોઈને ચોંકી ગયો હતો. અજીતે રાહુલ ગાંધીની દાઢી ટ્રીમ કરી અને દાઢી કરતા કરતા એણે પોતાની જિંદગીના દુખ વિશે પણ રાહુલ ગાંધીને વાત કરી. રાહુલ ગાંધીએ આ વીડિયો સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, મોંઘવારીને કારણે સામાન્ય માણસોના સપના તૂટી રહ્યા છે. હવે એવી યોજના બનાવવાની જરૂર છે કે, મહેનત કરનારાઓ બચત પોતાના ઘરે લઈ જઈ શકે. રાહુલ ગાંધીએ વાળંદને એની કમાણી વિશે પણ પૂછયું હતું. વાળંદે જવાબ આપ્યો હતો કે જે કઈ કમાણી થાય છે એ બધી ઘરનું ભાડુ ચૂકવવામાં પૂરી થઈ જાય છે.
પંજાબના ખેડૂતોના આક્રોશનો પડઘો મહારાષ્ટ્રની ચૂંટણીમાં પડશે
પંજાબના ખેડૂતોએ ફરીથી સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમનો પાક ખરીદવામાં આવી રહ્યો નથી. તે સિવાય પરાળી બાળવામાં આવે તો ખેડૂતો સામે પોલીસ ફરિયાદ દાખલ થાય છે. તેમને પરાળીનો નિકાલ કરવાની કોઈ જ વ્યવસ્થા કરી દેવામાં આવતી નથી. ખેડૂતોએ અમૃતસર-દિલ્હી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પંજાબમાં ફરીથી ખેડૂત આંદોલને માથું ઊંચક્યું તેનાથી મહારાષ્ટ્ર ભાજપની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોના પડતર પ્રશ્નો ઉકેલાયા નથી. પંજાબના ખેડૂતોના દેખાવોના વીડિયો અને ફોટો ઈન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. તેનાથી મહારાષ્ટ્રના ખેડૂતોનો કેન્દ્ર સરકાર સામેનો આક્રોશ તાજો કરવાનો વ્યૂહ છે. આવું કરવાની સલાહ ગઠબંધનને શરદ પવારે આપી હતી. અઠંગ રાજકારણી શરદ પવાર માને છે કે આ ખેડૂતોની અસર મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં થશે.
ઓબીસી મંત્રાલયની માગ કરીને અનુપ્રિયા પટેલે સરકારને ઘેરી
અનુપ્રિયા પટેલ એનડીએના સહયોગી છે અને અપના દલ પાર્ટીના પ્રમુખ છે. તેઓ ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર લોકસભાથી ચૂંટાયા છે. ઘણી બાબતોમાં સહયોગી ભાજપની જ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા પણ કરે છે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે એક એવું નિવેદન આપી દીધું છે કે કેન્દ્ર સરકાર પણ ચોંકી ગઈ છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં ઓબીસીને સમર્પિત હોય એવું ઓબીસી મંત્રાલય બનાવવું જોઈએ, જુદું બજેટ ફાળવવું જોઈએ. અનુપ્રિયા પટેલે શિક્ષકોની ભરતીમાં પણ ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અનુપ્રિયાની આ આક્રમકતાનો ભાજપ હાઈકમાન્ડ જવાબ આપવાનું ટાળે છે.
દિલ્હીની મહિલા કોલેજે દિવાળી સેલિબ્રેશનનું નામ નૂર રાખતા વિવાદ
દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં દર વર્ષે દિવાળીનું સેલિબ્રેશન થાય છે. વેકેશન પહેલાં થતી આ ઉજવણીનું નામ નૂર રાખવા બાબતે આ વર્ષે વિવાદ થયો છે. નેશનલ સર્વિસ સ્કિમ હેઠળ થતી આ ઉજવણીનું નામ દિવાળીના ઉજાસના સંદર્ભમાં ઉર્દુ નામ નૂર રખાયું તે બાબતે બે જૂથ પડી ગયા. એક વર્ષે આરોપ લગાવ્યો કે દિવાળીના તહેવારનું બિનજરૂરી રીતે ઉર્દુ નામ રાખવામાં આવે છે. બીજી તરફ બચાવમાં એવી દલીલ થઈ રહી છે કે સાંપ્રદાયિક સદભાવ માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા વિવાદો થાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે. અગાઉ જામિયા મિલિયામાં દિવાળી સેલિબ્રેશનનો વિવાદ પણ થયો હતો.
યુપી-બિહારના વીજકાપનો મુદ્દો દિલ્હીમાં ઉછળ્યો
ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં આઠથી ૧૦ કલાકનો વીજકાપ ઝીંકાય છે. તેની વ્યાપક ફરિયાદો ઉઠી છે. યુપીમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨-૧૨ કલાક લાઈટ રહેતી નથી એવું ખેડૂતોને ટાંકીને અહેવાલોમાં દાવા થાય છે. બિહારમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે, છતાં વીજકાપથી લોકો પરેશાન છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલાંનું વર્ષ આવી યોજનાઓમાં સરકાર ધ્યાન આપતી હોવાની એક વ્યાપક ધારણા છે. યુપીમાં ભાજપની સરકાર છે, બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર છે. એમાં વીજકાપનો મુદ્દો કેજરીવાલે દિલ્હીમાં ઉઠાવીને ભાજપને ભીંસમાં લેવાનો વ્યૂહ ઘડયો છે. કેજરીવાલ કહે છે કે જો ભાજપની સરકાર આવશે તો દિલ્હીમાં પણ વારંવાર અંધારપટ્ટની સ્થિતિ સર્જાશે.
- ઈન્દર સાહની