દિલ્હીની વાત : શિવસેનાના ધારાસભ્યોને સંગઠીત રાખવાની જવાબદારી આદિત્યની
નવીદિલ્હી : શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના આદિત્ય ઠાકરેને વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા છે. મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ચૂંટાયેલા ધારાસભ્યોની મીટીંગ મળી હતી જેમાં આદિત્ય ઠાકરેને નેતા બનાવવામાં આવ્યા છે. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે જે રીતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને વિધાનસભાની ચૂંટણીમાં પરાજય મળ્યો છે એને કારણે ચૂંટાયેલા બધા ધારાસભ્યોને પાંચ વર્ષ સુધી પક્ષમાં સંગઠીત રાખવા અઘરા છે. ચૂંટણીના પરિણામો પછી ઉદ્ધવ ઠાકરેના રાજકીય ભવિષ્ય સામે પણ પ્રશ્ન ઉભા થયા છે. ઉદ્ધવ ઠાકરેએ બાલા સાહેબ ઠાકરેની વિચારધારાનો ત્યાગ કર્યો એને કારણે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નું ધોવાણ થઈ ગયું હોવાનું મનાય છે. આદિત્ય ઠાકરે હજી સુધી બિન અનુભવી છે અને સંજય રાઉત પર એમને ખાસ વિશ્વાસ નથી.
સરકારી ખાતાઓમાં સીધી ભરતી મુદ્દે સંસદીય સમીતિ ફેરવિચાર કરશે
વિવિધ સરકારી વિભાગોમાં મુખ્ય પદો પર નિમણૂક માટે લેટરલ એન્ટ્રી મતલબ કે સીધી ભરતી બાબતે થોડા સમય પહેલા મોટો વિવાદ થયો હતો. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કેટલાક આઇએએસ અધિકારીઓને સીધી ભરતી આપી દીધી હતી. આ મુદ્દે વિરોધપક્ષોએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ હોદ્દાઓ પર અનામત પ્રથાની અવગણના કરીને સીધી નિમણૂક થાય છે. સરકારે છેવટે પારોઠના પગલા ભરીને આખો મામલો સંસદીય સમીતિને સોંપી દીધો હતો. કેન્દ્ર સરકારે ૪૫ જેટલા હોદ્દાઓ પરના અધિકારીઓને સીધી ભરતી આપવા માટે જાહેરાત પણ આપી દીધી હતી. આ બાબતે ફક્ત વિરોધ પક્ષોએ જ નહીં એનડીએ સાથે જોડાયેલા જનશક્તિ પાર્ટી અને જનતા દળ જેવા પક્ષોએ પણ વિરોધ કર્યો હતો. હવે સંસદીય સમીતિ તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ફેરવિચારણા કરશે.
મૌલાના અરશદ મદની વડાપ્રધાનના નિવેદનથી ગુસ્સે થયા
જમયત - ઉલેમા - એ - હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ નરેન્દ્ર મોદીની એક કોમેન્ટ વિશે ભારે ટીકા કરી છે. મોદીએ કહ્યું હતું કે, 'બંધારણમાં વક્ફ કાયદાનો કોઈ ઉલ્લેખ નથી.' મૌલાનાએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને પણ અપીલ કરી છે કે વક્ફ કાયદામાં સુધારાનું બીલ સંસદમાં રોકવામાં આવે. મદનીએ મોદીને ટોણો મારતા કહ્યું છે કે કાલ ઉઠીને વડાપ્રધાન એમ પણ કહેશે કે નમાઝ, રોજા, હજ અને જકાતનો ઉલ્લેખ પણ બંધારણમાં નહી હોવાથી એમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જો વડાપ્રધાનને બંધારણ વિશે જાણકારી નહી હોય તો એમણે નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવવી જોઈએ. જો વક્ફને લગતું બીલ સંસદમાં રજુ થાય તો જમયત લઘુમતિ સંપ્રદાય તેમ જ ધર્મનિરપેક્ષ વિચારધારાવાળા લોકોની સાથે મળીને આ બિલનો વિરોધ કરશે. વડાપ્રધાને મુસ્લિમોના શરીયતમાં દખલ કરવી જોઈએ નહીં.
યુપીમાં સપા મતદારોનો મૂડ પારખવામાં નિષ્ફળ રહી
રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં સપાના નબળા દેખાવનું કારણ અખિલેશ યાદવનો વધુ પડતો આત્મવિશ્વાસ છે. સપા પોતાના ગઢ કુંદરકીમાં પણ મતદારોનો મિજાજ પારખી સક્યો નહોતો. બુથ મેનેજમેન્ટ, મુસ્લિમ મતદારો સુધીની પહોંચ તેમ જ સપાની આંતરીક લડાઈનો ફાયદો ભાજપને થયો. ૩૦ વર્ષ પછી ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી જીત્યા છે. કુંદરકીમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે ભાજપએ મુસ્લિમોને પેઇજ પ્રમુખ બનાવ્યા હતા, તેમ જ લઘુમતિઓ માટે ખાસ સંમેલનો બોલાવ્યા હતા. ઉમેદવાર રામવિર સિંહના બુથ મેનેજમેન્ટને કારણે મુસ્લિમ મતદારોએ પણ ભાજપને મત આપ્યા હતા. મુસ્લિમોએ સપાના ઉમેદવાર હાઝી રીઝવાન વિરૂદ્ધ મતદાન કર્યું હતું. આ બેઠક પર જીતવા માટે યોગી આદિત્યનાથે ચાર મંત્રીઓને જવાબદારી સોંપી હતી.
મહારાષ્ટ્રમાં હાર પછી નાના પટોલેનું રાજીનામું સ્વીકારવા દબાણ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ખૂબ નબળા દેખાવ પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ માંડ બે આંકડા જેટલી બેઠકો જીતી શકી છે. લોકસભાની ચૂંટણીમાં પક્ષનો દેખાવ ઘણો સારો રહ્યો હતો. નાના પટોલે ખૂદ ભંડારા જિલ્લાની સાંકોલી બેઠક પરથી ફક્ત ૨૦૮ મતે જીત્યા છે. નાના પટોલે પહેલા ભાજપના સાંસદ હતા. ૨૦૧૮માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. થોડા સમય માટે કોંગ્રેસ છોડીને પટોલે ભાજપમાં જોડાયા હતા. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર અતિ નબળા ઉમેદવારોને ટિકિટ આપવાને કારણે કોંગ્રેસની હાર થઈ છે. સ્થાનિક નેતાઓ હાઇકમાન્ડ પર દબાણ લાવી રહ્યા છે કે નાના પટોલેનું રાજીનામું સ્વિકારી લેવામાં આવે.
જર્મની પછી હવે યુકેની સરકાર સામે પણ જોખમ
જર્મનીમાં સરકાર બદલાયા પછી હવે યુકેમાં પણ સરકાર સામે જોખમ ઉભું થયું છે. લોકોએ યુકેમાં ઓનલાઇન પીટીશન કરીને ફરીથી ચૂંટણી કરવાની માંગણી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ પીટીશન પર ૧૭ લાખ લોકોએ સહી કરી છે. સોશિયલ મીડિયા એક્સના માલિક અને ડોનાલ્ડ ટ્રમ્પના અંગત મિત્ર ઇલેન મસ્કએ પણ આ પીટીશનની સફળતા માટે સંદેશો લખ્યો છે. સામાન્ય ગાઇડલાઇન પ્રમાણે કોઈ કાયદો અથવા તો નીતિ બદલવા માટે ઓનલાઇન પીટીશન કરવામાં આવે અને દસ હજારથી વધુની સહી હોય તો સરકાર પ્રતિક્રિયા આપે છે. જો પીટીશન કરનારાઓની સંખ્યા એક લાખ થઈ જાય તો આ મામલે સંસદમાં ચર્ચા થાય છે. આ વખતની પીટીશનમાં લખ્યું છે કે, 'હું ફરીથી ચૂંટણી ઇચ્છું છું. મને લાગે છે કે હાલની સરકાર, ચૂંટણી વખતે આપેલા વચનો પૂરવાર કરવામાં નિષ્ફળ રહી છે.'
રશિયન હેકર્સ નાટોના દેશો પર સાઈબર હુમલો કરવાની પેરવીમાં
બ્રિટનના ડચી ઓફ લેંકેસ્ટરના ચાન્સલર પેટ મેકફેડેનનું નિવેદન બહુ જ ચર્ચાસ્પદ બન્યું છે. નાટોની આવતા સપ્તાહે બેઠક મળવાની છે તેમાં આ મુદ્દો ચર્ચવાની બ્રિટનના આ મંત્રીએ ભલામણ કરી છે. તેમના કહેવા પ્રમાણે રશિયન હેકર્સ બ્રિટન સહિત નાટોના દેશોમાં અભૂતપૂર્વ સાઈબર એટેક કરવાની પેરવીમાં છે. પુતિન લીલીઝંડી આપે એની રાહ છે. આ હેકર્સ સાઈબર હુમલો કરીને ઈલેક્ટ્રિક ગ્રીડ, ઈલેક્ટ્રિસિટી કંપનીઓના સર્વર્સ, ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓના સર્વર્સને નિશાન બનાવીને અંધારપટ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. લાખો-કરોડો લોકોને અંધારપટ્ટમાં નાખીને રશિયા એનો ડર કાયમ કરવા ધારે છે.
સંઘના ચૂંટણી વ્યૂહરચનાકારના સોશિયલ એન્જિનિયરિંગથી ભાજપને સફળતા
ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. જે બેઠકોમાં ચૂંટણી લડી એમાંથી ૮૦ ટકા ઉમેદવારો જીતી ગયા. તે એટલે સુધી કે ભાજપને બહુમતીથી માત્ર ૧૩ બેઠકોનું જ અંતર રહ્યું. આવી જ્વલંત સફળતા પાછળ સંઘના ચૂંટણી વ્યૂહરચનાકાર અતુલ લિમયેની ભૂમિકા ચાવીરૂપ હતી. સંઘના સંયુક્ત મહાસચિવ અતુલ લિમયેએ ભાજપ માટે મહારાષ્ટ્રમાં સોશિયલ એન્જિનિયરિંગ સેટ કરી આપ્યું હતું. જ્ઞાાતિઓના ક્યા નેતાઓનો પ્રભાવ વધારે છે, ક્યા મુદ્દા અંડર કરન્ટ ચાલી રહ્યા છે, કોંગ્રેસ ગઠબંધન સામાજિક રીતે ક્યાં ભૂલ કરે છે, તેથી ક્યા મુદ્દે ટાર્ગેટ કરી શકાય - એ બધું આ વ્યૂહરચનાકારે ગોઠવી આપ્યું હતું. અતુલ લિમયે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં સંઘના પ્રભારી રહી ચૂક્યા છે.
ચંદ્રાબાબુએ જગનને વિપક્ષના નેતાનું પદ ન આપતા વિવાદ
આંધ્રપ્રદેશમાં ચૂંટણી પછી ચંદ્રાબાબુ નાયડુની સરકાર બની ગઈ, પરંતુ ચંદ્રાબાબુ અને જગન મોહન રેડ્ડી વચ્ચે ચાલતો સંઘર્ષ અટકવાનું નામ નથી લેતો. જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરકોંગ્રેસને ૧૧ બેઠકો મળી છે. આંધ્રપ્રદેશમાં કુલ ૧૭૫ બેઠકો છે. વિપક્ષના નેતા બનવા માટે ૧૮ બેઠકો જરૂરી છે. ૧૧ બેઠકો હોવાથી ચંદ્રાબાબુએ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ખાલી રાખવાનું નક્કી કર્યું છે. એ મુદ્દે જગને હવે દેખાવો શરૂ કર્યા છે ને હાઈકોર્ટમાં પણ અરજી કરી છે, પરંતુ ચંદ્રાબાબુ કહે છે કે જગને જો વિપક્ષના નેતાનું પદ મેળવવું હોય તો તેમણે એટલી સંખ્યામાં જનમત મેળવવો જરૂરી હતો. નિયમોનું પાલન કરીને જ તેમણે એ પદ ખાલી રાખ્યું છે. જગનની પાર્ટીએ શિયાળુ સત્રનો બહિષ્કાર કર્યો છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે કેજરીવાલનો એસડબલ્યુવાય પ્લાન
સિનિયર સિટિજન, મહિલા અને યુથને ધ્યાનમાં રાખીને દિલ્હીની આપ સરકાર ત્રણેક મોટી યોજના લાવશે. એમાંની એક યોજના સિનિયર સિટિજન્સ માટે આવી ચૂકી છે. દિલ્હીના મતદારોમાં ૮ ટકાથી વધુ સિનિયર સિટિજન્સ છે. તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલે જે પેન્શનની યોજના જાહેર કરી છે તેની ખૂબ ઊંડી અસર થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં ૧૦ લાખ જેટલા સિનિયર સિટિજન્સ છે. આ યોજનાથી શરૂઆતમાં એકાદ લાખને ફાયદો કરાવ્યા બાદ દિલ્હીની સરકાર પાંચ લાખ સિનિયર સિટિજન્સ સુધી પહોંચવા માગે છે. હજુ મહિલાઓને લગતી એકાદ મોટી યોજના આવશે અને એ પછી યુવાનો માટે ધારણા બહારની જાહેરાત થશે. કેજરીવાલને એસડબલ્યુવાય પર ખૂબ આશા છે.
2029ની લોકસભા ચૂંટણી સુધી પ્રિયંકાને પાર્ટી ફેસ બનાવવા માગણી
રાહુલ ગાંધીના નેતૃત્વમાં અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ ભરોસો વ્યક્ત કરતા આવ્યા છે. અનેક વખત જુદી જુદી ચૂંટણીઓ પરાજય થયો છતાં કોંગ્રેસના સિનિયર નેતાઓ રાહુલ ગાંધીને પાર્ટીનો ફેસ બનાવતા રહે છે, પરંતુ હરિયાણા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસનો પરાજય થતાં પાર્ટીના આંતરિક વર્તુળોમાં પ્રિયંકાને પાર્ટી ફેસ બનાવવાની માગણી ઉઠી રહી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ એવી દલીલ આપી રહ્યા છે કે કોંગ્રેસ મહિલાઓને રાજકારણમાં પ્રતિનિધિત્વ મળતું નથી એવો મુદ્દો ઉઠાવીને પ્રિયંકાને ફેસ તરીકે આગળ કરે તો તેનો ફાયદો થઈ શકે છે અને એ મુદ્દે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપને ઘેરી શકે તેમ છે.
મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવથી ઉચ્ચ અધિકારીઓ ભારે નારાજ
મધ્યપ્રદેશમાં મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા તેને લગભગ એક વર્ષ થયું છે. એક વર્ષમાં મોહન યાદવે રાજ્યના ૮૦ ટકા આઈએએસની બદલી કરી નાખી છે. મોહન યાદવ ચાર દિવસમાં સરેરાશ એક આઈએએસની બદલીનો ઓર્ડર કરે છે. તેના કારણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ભારે નારાજ છે. મોહન યાદવ એક વર્ષ પછી પણ સરકારી તંત્ર બરાબર ચલાવી શકતા નથી એવો આરોપ રાજ્યના કોંગ્રેસના નેતાઓ કરે છે. કોંગ્રેસનું કહેવું છે કે સીએમ અને વહીવટી અધિકારીઓ વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાયો નથી એટલે સરકાર અને અધિકારીઓ વચ્ચે રીધમ સેટ થઈ નથી. પરિણામે સામાન્ય લોકોના કામ ટલ્લે ચડયા છે.
- ઈન્દર સાહની