દિલ્હીની વાત : સાત મુખ્યમંત્રીઓનો નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : સાત મુખ્યમંત્રીઓનો નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર 1 - image


નવીદિલ્હી : કેન્દ્ર સરકારની નીતિઓને કારણે નારાજ થયેલા કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગે બોલાવેલી બેઠકનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલા નીતિ આયોગની મીટિંગનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું, જોકે છેલ્લા સમાચાર મુજબ તેઓ હવે મીટિંગમાં જવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ બહિષ્કારમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસશાસિત કર્ણાટકના સિદ્ધારમૈયા હિમાચલ પ્રદેશના સુખુવિંદર સિંહ અને તેલંગાણાના કે રેવન્ત રેડ્ડીએ કેન્દ્ર પર પક્ષપાતનો આરોપ મૂકીને નીતિઆયોગની બેઠકમાં હાજર નહી રહેવાની જાહેરાત કરી દીધી હતી. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને પણ આ બેઠકમાં ભાગ નહિં લેવાનું નક્કી કર્યું છે. કેરળના મુખ્યમંત્રી મીના રાય વિજયને તો  પહેલેથી જ નીતિઆયોગની બેઠકથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.

બિહાર ભાજપના નવા પ્રમુખ બનનાર દિલીપ જયશ્વાલ શા માટે દુખી છે

દિલીપ જયશ્વાલને જ્યારે ખબર પડી કે એમને બિહાર ભાજપના પ્રમુખ બનાવવામાં આવશે ત્યારે તેઓ ખુશ થવાને બદલે દુખી થઈ ગયા હતા. જાહેરમાં તો જોકે જ્યશ્વાલ પોતાની મનોસ્થિતિ બતાવી શકે એમ નહોતા. દિલીપ જ્યશ્વાલ લાંબા સમયથી રાજકારણમાં છે. એમને છ મહિના પહેલા પહેલી વાર બિહારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. પક્ષ પ્રમુખ બનવાથી હવે એમણે મંત્રીપદ છોડવું પડશે એ નક્કી છે. એમને ખ્યાલ નહોતો કે છ મહિનામાં જ એમની ખુરશી ચાલી જશે. જ્યશ્વાલને ખબર છે કે સમ્રાટ ચૌધરીને મંત્રીપદેથી હટાવવા માટે એમને પણ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જયશ્વાલ ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીક ગણાય છે.

ભાજપના સંગઠનમાં મોટા ફેરફારો થયા

ભાજપએ રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલને રાજસ્થાનના પ્રભારી તેમ જ લોકસભાના ભૂતપૂર્વ સાંસદ હરીશ દ્વીવેદીને આસામના પ્રભારી તરીકે નિમણૂક કર્યા છે. જે પી નડ્ડાએ અરવિંદ મેનનને તામિલનાડુ અને ભૂતપૂર્વ સાંસદ રાજદીપ રોયને ત્રીપૂરાના પ્રભારી બનાવ્યા છે. મેનન આ જવાબદારી પહેલેથી જ સંભાળતા હતા, હવે એમને બીજી વાર મોકો મળ્યો છે. ભાજપ મહિલા મોરચાના પૂર્વપ્રમુખ વિજયા રાહટકરને રાજસ્થાનમાં અને સુધાકર રેડ્ડીને તામિલનાડુના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સીપી જોષીને બદલે રાજ્યસભાના સાંસદ મદન રાઠોડને પક્ષપ્રમુખ બનાવાયા છે. 

દિલ્હી યુનિવર્સિટીમાં ભણવું હવે મોંઘુ થશે

દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં આગામી શૈક્ષણિક સત્રથી ભણવાનું મોંઘુ થશે. બીટેક્ટ પ્રોગ્રામ, પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ લો પ્રોગ્રામ (બીએએલએલબી, બીબીએએલએલબી) ઇન્ટીગ્રેટેડ ટિચર એજ્યુકેશન પ્રોગ્રામ તેમ જ પીએચડી કરનારાઓએ હવે ભણવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ડીયુએ બનાવેલી એક કમિટીએ ફી વધારાની ભલામણ કુલપતિને કરી હતી. બીટેકની ફી હવે વર્ષે ૨ લાખ ૧૬ હજાર ને બદલે ૨ લાખ ૨૪ હજાર કરવામાં આવી છે. લોનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અત્યાર સુધી ડીયુને ૧ લાખ ૯૦ હજાર ફી ચૂકવતા હતા હવે વકીલ બનનારાઓએ દર વર્ષે ૧ લાખ ૯૯ હજાર ૭૦૦ રૂપિયા ખર્ચવા પડશે. આ ફી વધારાને કારણે વિદ્યાર્થી સંગઠનના નેતાઓ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે.

દિલ્હીમાં ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી

છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીમાં હત્યા, ચોરી, લૂંટફાટ તેમ જ બળાત્કારના ગુનાઓ વધી રહ્યા છે. દિલ્હીના કાયદા અને વ્યવસ્થા બાબતની જવાબદારી કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ વી. કે. સકસેનાની છે. આપના મંત્રી સૌરભ ભારદ્વાજે વધતી ગુનાખોરી બાબતે વી. કે. સકસેના અને કેન્દ્ર સરકારને ભીસમાં લીધા છે. દિલ્હીમાં દરરોજ અલગ અલગ ગુનાઓના વિડિયો વાયરલ થઈ રહ્યા છે. ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. સીસીટીવી કેમેરાની સામે જ ગુનેગારો બેખોફ થઈને ગુનો આચરી રહ્યા છે.  દિલ્હીના દરેક પોલીસ સ્ટેશનમાં જરૂરી હોય એના કરતા પોલીસ કર્મચારીઓની સંખ્યા ઓછી છે.

કેશવપ્રસાદ મોર્યએ ફરીથી યોગીને અવગણના કરી

ઉત્તર પ્રદેશમાં રાજકીય વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ જે બેઠકો બોલાવે છે એ તમામ બેઠકમાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્ય હાજર રહેતા નથી. મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશના ઉચ્ચ નેતાઓની બેઠક સીએમ બંગલે બોલાવી હતી. મોર્યના બંગલો મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બાજુમાં જ છે. મોર્ય પોતાના ઘરે જ હતા આમ છતા યોગીએ બોલાવેલી બેઠકમાં પહોંચ્યા નહોતા. લોકસભાની ચૂંટણીમાં મેરઠ અને પ્રયાગરાજ મંડળમાં બેઠક પરથી મળેલી હારની સમિક્ષા કરવા આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ મંત્રી સિદ્ધારનાથ સિંહ, નંદગોપાલ ગુપ્તા જેવા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

નવીન પટનાયકની આક્રમકતા પાછળ વી. કે. પાંડયનનો હાથ

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપએ ઓડિસામાં બીજેડીને હરાવવા માટે નવીન પટનાયકના ખાસ વી. કે. પાંડયનને ટાર્ગેટ કર્યા હતા. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીની હાર થઈ હતી. ચૂંટણીના પરિણામો પછી વી. કે. પાંડયન અદ્રશ્ય થઈ ગયા હતા. હવે પટનાયક ભાજપ સામે એકાએક આક્રમક થઈ ગયા છે. ઓડિસાના રાજકારણને જાણનારા એવું કહે છે કે, નવીન પટનાયકને એમની સંપૂર્ણ કારકિર્દી દરમિયાન કદી આટલા આક્રમક જોયા નથી. કહે છે કે વી. કે. પાંડયનની સલાહને કારણે જ નવીન પટનાયકએ એમની રાજકીય સ્ટ્રેટેજી બદલી છે. નવીન પટનાયક આજકાલ એમની સામેના દરેક આક્ષેપોનો વળતો જવાબ પણ આપી રહ્યા છે. ઓડિસામાં બીજેડીને ફરીથી સત્તામાં લાવવા માટે વી. કે. પાંડયનને સ્ટ્રેટેજી નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે.

ઓડિશામાં બીજેડી-કોંગ્રેસે સંયુક્ત રીતે ભાજપ સામે મોરચો માંડયો

નવીન પટનાયકે એક તરફ આક્રમક વલણ દાખવીને ભાજપ સામે લડત શરૂ કરી છે. બીજી તરફ કોંગ્રેસથી જાળવેલું સલામત અંદર દૂર થઈ રહ્યું છે. લોકસભામાં વિપક્ષના વોકઆઉટમાં બીજેડીના રાજ્યસભાના સાંસદો સામેલ થયા હતા. હવે ઓડિશામાં મોહન ચરણ માંઝીની સરકારે બજેટ રજૂ કર્યું તેની સામે બીજેડી અને કોંગ્રેસમાં એકતા જોવા મળી હતી. બંને પાર્ટીએ એક થઈને ભાજપની સરકારને ઘેરી હતી.

લોકસભાના ભાષણના કારણે કંગના સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ

કંગના રનોતે બજેટના પ્રતિભાવમાં લોકસભામાં જે ભાષણ આપ્યું તેના કારણે ટ્રોલ થઈ રહી છે. તેમણે એવું નિવેદન આપ્યું કે ૨૦૧૪ પહેલાં દેશનું અર્થતંત્ર ડામાડોળ હતું. કોઈ દુનિયામાં ગણતું ન હતું. એ પછી લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું કે બહેન થોડો ભારતના અર્થતંત્રનો અભ્યાસ કરી લે. મનમોહન સિંહે વૈશ્વિકીકરણથી દેશ આજે જે આર્થિક ઊંચાઈએ છે ત્યાં પહોંચાડવાનો પાયો નાખ્યો હતો. ૨૦૦૮-૦૯માં વૈશ્વિક મંદી હતી અને અમેરિકા-યુરોપ પણ એ મંદીથી બચી શક્યા ન હતા ત્યારે મનમોહન સિંહની આર્થિક નીતિના કારણે દેશમાં મંદી આવી ન હતી. ઘણાંએ એવું લખ્યું કે કંગના હજુ ભાજપમાં નવી નવી છે એટલે હાઈકમાન્ડને સારું લગાડવા આડેધડ બોલે છે. 

જેલ બજેટ વધારો, કદાચ તમારે જેલમાં જવું પડે : સંજય સિંહ

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે બજેટની ચર્ચા દરમિયાન જે આક્રમક ભાષણ કર્યું તેનીય ચર્ચા છે. સંજય સિંહે સરકાર પર કટાક્ષ કર્યો હતો કે આખાય બજેટમાં ક્યાંય જેલનું બજેટ વધારાયું નથી. જેલનું બજેટ અત્યારથી વધારીને સુવિધા વધારી લો, કારણ કે આજે અમારે સૌને જેલમાં જવું પડે છે. કોને ખબર કાલે તમારામાંથી પણ કોઈને જેલમાં રહેવું પડે. સંજય સિંહ બદલાના રાજકારણની ધમકી આપે છે એવો સત્તાપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. સત્તાપક્ષ-વિપક્ષના સાંસદો કટાક્ષ કરતા હતા એ જોઈને સભાપતિ જગદીપ ધનખડે માહોલને હળવો બનાવવા ટીપ્પણી કરી: હું સરકારને તમારું સૂચન ધ્યાનમાં લેવાની ભલામણ કરીશ. સભાપતિનું નિવેદન સાંભળીને ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

કર્ણાટક સરકાર ડ્રેસ કોડની ગાઈડલાઈન બહાર પાડશે

કર્ણાટકમાં થોડા દિવસ પહેલાં એક ધોતી પહેરીને આવેલા ખેડૂતને બેંગ્લુરુના મોલમાં પ્રવેશ અપાયો ન હતો. એ મુદ્દે ભારે વિવાદ થયો હતો. કર્ણાટકની સરકારે તેને ગંભીરતાથી લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવાનું કામ હાથ ધર્યું છે. ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું હતું કે ખાસ ડ્રેસ કોડના બહાને કોઈ ક્લબ, રેસ્ટોરન્ટ, મોલ ખેડૂતો-મજૂરો કે કોઈ પણ સામાન્ય વ્યક્તિનું અપમાન કરી શકે નહીં. આવી ઘટના બીજી વખત ન બને તે માટે ખાસ દિશાનિર્દેશ જારી કરાશે. ખેડૂતો-મજૂરોના આ મુદ્દે કર્ણાટકની કોંગ્રેસ સરકારે તુરંત એક્શન લીધા તેની ખેડૂતોમાં સારી અસર થઈ છે એવી ચર્ચા ચાલી રહી છે.

સોનાલી ફોગાટની બહેન વિધાનસભા ચૂંટણી લડશે

હરિયાણા ભાજપની નેતા રહેલી સોનાલી ફોગાટની બહેન રૂકેશ પુનિયા રાજકારણમાં આવશે, પણ ભાજપમાંથી બહેનની રાજકીય વિરાસતને આગળ નહીં વધારે. તેના બદલે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. હરિયાણાના પૂર્વ સીએમ ભજનલાલના ગઢ ગણાતા આદમપુરમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે રૂકેશે દાવેદારી નોંધાવી છે. રૂકેશે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપે સોનાલી સાથે ક્યારેય ન્યાય કર્યો નથી. બે વર્ષ પહેલાં ઓગસ્ટ-૨૦૨૨માં સોનાલી ફોગાટનું ગોવામાં મર્ડર થયું હતું ત્યારે દેશભરમાં એ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો. એ કેસમાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી એટલે સોનાલીની બહેન નારાજ છે.

-ઈન્દર સાહની


Google NewsGoogle News