Get The App

દિલ્હીની વાત : અજીતે ભાજપના બે બળવાખોરો અને જીશાન સિદ્દીકીને ટિકિટ આપી

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત  : અજીતે ભાજપના બે બળવાખોરો અને જીશાન સિદ્દીકીને ટિકિટ આપી 1 - image


નવીદિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી (અજીત પવારે) ભારે ખેલ પાડયો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકી એનસીપી (અજીત પવાર)માં જોડાઈ ગયા છે અને એમને બાન્દ્રા પૂર્વની બેઠક પર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બહુત બદનામ નવાબ મલિકના પુત્રી સના મલિકને અણુશક્તિનગરની ટિકિટ આપી છે. નાદેદ લોકસભા બેઠક પરથી હારી ગયેલા ભાજપના સાંસદ પ્રતાપ ચિખલીકર પણ ભાજપ છોડી એનસીપી (અજીત પવાર)માં જોડાઈ ગયા છે. ચિખલીકરને લોહા વિધાનસભાની ટિકિટ એનસીપી (અજીત પવાર)એ આપી છે. એ જ રીતે ભાજપના ભૂતપૂર્વ સાંસદ સંજય કાકા પાટીલ પણ ભાજપ છોડી એનસીપી (અજીત પવાર) સાથે જોડાયા અને એમને પણ એનસીપી (અજીત પવારે) સાંગલી બેઠકની ટિકિટ આપી છે. પોતાના જ સાથીપક્ષ ભાજપના નેતાઓને એનસીપી અજીત પવાર તોડી રહ્યા છે અને ભાજપએ તમામ તકલીફો છતાં ચૂપ રહેવું પડે છે.

ભાજપના આંતરીક ઝઘડાને કારણે નેતાઓ કોંગ્રેસમાં જોડાશે : ગોગોઈ

૧૩મી નવેમ્બરે આસામમાં પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તૈયારી તમામ પક્ષો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ એવો દાવો કર્યો છે કે, લોકો કોંગ્રેસના ઉમેદવારોની યાદી જોઈને ખુશ થયા છે તો બીજી તરફ ભાજપમાં આંતરીક ચરૂ ઉકળી રહ્યો છે. ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માંગે છે. આસામના મુખ્યમંત્રી હિંમત બિસવા સરમા ભાજપમાં જોડાયા પછી ભાજપના જૂના કાર્યકર્તાઓર્ની અવગણના કરી રહ્યા છે. દુભાયેલા ભાજપના જૂના કાર્યકર્તાઓ પણ ભાજપ છોડી રહ્યા છે. આસામ વિધાનસભાની પાંચ બેઠકો પર ચૂંટણી થવાની છે. સ્થાનીક રાજકીય નિરીક્ષકોના કહેવા પ્રમાણે લોકોનો મિજાજ જોતાં વાતાવરણ કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યું છે. 

મહારાષ્ટ્રના બારામતિમાં કાકા - ભત્રીજા વચ્ચે મૂકાબલો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરમાં ચાલી રહી છે. એનસીપી (શરદ પવારે) ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં સૌથી વધુ ચર્ચા બારામતિ બેઠકની થઈ રહી છે. આ બેઠક પર એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ અજીત પવારની સામે શરદ પવારના પૌત્ર યોગેન્દ્ર પવારને શરદ પવારે ટિકિટ આપી છે. યોગેન્દ્ર પવાર, અજીત પવારના નાનાભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર છે. એનસીપી (શરદ પવાર) મહારાષ્ટ્રના પ્રમુખ જયંત પાટીલે તો બારામતિની બેઠક પર અજીત પવારને કોઈપણ હિસાબે હરાવવાનો સંકલ્પ કર્યો છે. પાટીલના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણી પછી તરત જ તેમણે બારામતિ મતવિસ્તારમાં કામગીરી શરૂ કરી દીધી હતી. બારામતિના મતદારોને નવા યુવાન ચહેરાની જરૂર હતી અને યોગેન્દ્ર પવાર બધી રીતે યોગ્ય ઉમેદવાર છે. 

કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણી ન લડી તે પાછળનું કારણ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. એમ કહેવાય છે કે અખિલેશ યાદવે આ નવમાંથી ફક્ત બે બેઠકો કોંગ્રેસને આપવા માટે તૈયારી બતાવી હતી. કોંગ્રેસના નેતાઓને લાગ્યું હતું કે સપા સાથે વધુ ખેચતાણ કરવામાં આવશે તો ઇન્ડી ગઠબંધન પર અસર પહોંચશે. છેવટે કોંગ્રેસે આ બે બેઠકો સ્વિકારવાની પણ ના પાડી દીધી હતી. કોંગ્રેસને ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણીની મઝવા, ફુલપુર, ગાઝિયાબાદ, ખૈર અને મિરાપુર બેઠકો જોઈતી હતી. સપાએ ગાઝિયાબાદ અને ખૈરની બે બેઠકો કોંગ્રેેસને આપવા તૈયારી બતાવી, જે માટે કોંગ્રેેસ તૈયાર નહોતી. કોગ્રેેસ હાઇકમાન્ડે લાંબુ વિચારીને નક્કી કર્યું કે કજિયાનું મો કાળુ. કોંગ્રેસ માને છે કે, ભાજપને હરાવાવવાની અગત્યતા સૌથી વધુ છે. 

તલવારધારી 150 લોકોએ કેનેડામાં ભારતીય રાજદુતને ઘેર્યા

કેનેડા સાથેના વિવાદ પછી પરત ભારત આવેલા ભારતીય રાજદુત સંજય વર્મા દિલ્હીમાં કેટલીક ખાસ વ્યક્તિઓને મળીને કેનેડામાં થયેલા કડવા અનુભવો વિશે જણાવી રહ્યા છે. સંજય વર્માએ કહ્યું છે કે, 'કેનેડાએ કોઈપણ કારણ વગર અમને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. હું અલ્બટાના એક શહેરમાં ગયો હતો જ્યાં ભારતીય મૂળના લોકોએ ડીનર રાખ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે બિઝનેસ ઇવેન્ટનું આયોજન પણ થયું હતું. આ કાર્યક્રમમાં કેનેડાના વેપારીઓ પણ આવ્યા હતા. હોલમાં કાર્યક્રમ ચાલુ હતો ત્યારે બહાર ૧૫૦ જેટલી વ્યક્તિઓ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને હવામાં તલવાર સાથે સૂત્રોચ્ચાર કરતી હતી. અમે બધા ડરી ગયા હતા, પરંતુ કેનેડા ઓથોરીટીએ કોઈ પગલા ભર્યા નહોતા.' દિલ્હી પરત ફર્યા પછી સંજય વર્મા દિલ્હીના અગત્યના લોકોને મળી રહ્યા છે અને કેનેડાના રવૈયા વિશે વાત કરી રહ્યા છે. દિલ્હીમાં મનાય છે કે પાકિસ્તાની એજન્સીની ચઢામણીને કારણે કેનેડાની સરકાર ભારતીયોને હેરાન કરી રહી છે. આ બાબતે હવે આપણા દેશનું વિદેશ મંત્રાલય શું કરે છે એ જોવું રહ્યું.

નિવૃત્તિ પહેલાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે પત્રકારોને ખુશ કર્યા

દેશના ૫૦માં મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચુડ ૧૦મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી થોડા દિવસો સુધી તેમણે આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ૨૦૨૨ના નવેમ્બર મહિનામાં ડીવાય ચંદ્રચુડ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ બન્યા હતા. પત્રકારો સાથે કરેલી અનૌપચારીક વાતચીતમાં એમણે જાહેર કર્યું હતું કે હવેથી સુપ્રિમ કોર્ટની કામગીરી કવર કરતા પત્રકારોને એક્રેડિટેશન મેળવવા માટે એલએલબીની ડિગ્રી મેળવવી જરૂરી નહી રહે. એક્રેડિટેટ પત્રકારોને સુપ્રિમ કોર્ટના કંપાઉન્ડમાં વાહનો પાર્ક કરવાની પરવાનગી આપવાનું પણ ડીવાય ચંદ્રચુડે નક્કી કર્યું છે. 

સંસદીય સમિતિનો સામનો કરતા સેબી પ્રમુખ કેમ ડરે છે : રાહુલ ગાંધી

પાર્લામેન્ટ એકાઉન્ટ કમિટિ (પીએસી) સામે સેબી પ્રમુખ માધવી બુચ હાજર થયા નહોતા. આ બાબતે રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા એક્સ પર સવાલ કર્યો છે. રાહુલ ગાંધીએ પૂછયું છે કે, માધવી બુચ શા માટે સમિતિના સવાલોનો સામનો નથી કરી રહ્યા? માધવી બુચને કોણ બચાવી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ એક પોસ્ટ મૂકી છે. ખડગેએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર પોતાના બચાવ માટે સીબી અધ્યક્ષનો ઢાલની જેમ ઉપયોગ કરે છે. ખડગેએ લખ્યું છે કે, બુચે પીએસી સામે આવીને એમના સવાલના જવાબ આપવા જ પડશે.

હરિયાણા વિધાનસભામાં પહેલાં જ દિવસે હુડ્ડા-વીજ વચ્ચે જામી પડી

હરિયાણામાં નવી સરકાર રચાઈ પછી પહેલી વખત વિધાનસભાનું સત્ર મળ્યું હતું. એમાં કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કેબિનેટ મંત્રી અનિલ વીજ વચ્ચે જામી પડી હતી. અનિલ વીજે હુડ્ડાને ટોણો માર્યો હતો કે તમને સત્તા મળતા મળતા રહી ગઈ. લોકોએ પત્તુ કાપી નાખ્યું. એના પર હુડ્ડા ભડક્યા હતા અને પ્રોટેમ સ્પીકરને ફરિયાદ કરી હતી કે આવી ભાષામાં બિલકુલ યોગ્ય નથી. હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપના ઘણાં નેતાઓ વચ્ચે આ રીતે પહેલાં દિવસે કટાક્ષની આપ-લે થઈ હતી. આગામી સમયમાં હરિયાણા વિધાનસભામાં બરાબર ખેલા જામશે.

એમપી ભાજપના નેતાઓને મુખ્યમંત્રી સામે ફરિયાદ 

મધ્યપ્રદેશ ભાજપમાં આંતરિક ઘર્ષણ બંધ થતું નથી. મોહન યાદવ સામે કેટલાય ધારાસભ્યોએ અંદરખાને મોરચો માંડયો છે. ભાજપ યુનિટના સૂત્રો કહે છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ વીડી શર્મા ધારાસભ્યો અને મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર ચાલે તે માટે પ્રયાસો કરે છે. પરંતુ ધારાસભ્યોને લાગે છે કે મોહન યાદવની સરકારમાં તેમનું જ કંઈ ચાલતું નથી. એક સિનિયર ધારાસભ્યએ  રાજ્યના મોટા પોલીસ અધિકારીને પોલીસ પ્રોટેક્શન આપવાની રજૂઆત કરી છે. આ ધારાસભ્યએ દાવો કર્યો હતો કે એક બૂટલેગરથી તેને ખતરો છે, પરંતુ સ્થાનિક પોલીસે તેની ફરિયાદ લીધી નથી. આ ઘટનાની જાણકારી પ્રદેશ અધ્યક્ષને થઈ પછી મામલો પાર્ટી સંગઠનમાં ચર્ચામાં આવ્યો હતો. શિવરાજ સિંહ ચૌહાણના ઘણાં વિશ્વાસુ ધારાસભ્યોને મોહન યાદવની કામ કરવાની પદ્ધતિ માફક આવતી નથી એટલે કાયમ અસંતોષ રહે છે.

તમિલનાડુમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે સંસ્કૃતિ મુદ્દે વિવાદ વધ્યો

તમિલનાડુમાં દૂરદર્શન પર એક કાર્યક્રમ દરમિયાન રાજ્યગીતમાંથી અમુક શબ્દો હટાવી દેવાયાના મુદ્દે રાજ્ય સરકારે તમિલનાડુના ગવર્નર આર એન રવિને જવાબદાર ગણાવ્યા હતા. તેમના મતે આ કાર્યક્રમ ગવર્નરના ઈશારે થયો હતો અને એમાં રાજ્ય પર હિન્દી ભાષા થોપવાનો પ્રયાસ થયો હતો. હવે આ બાબતે વિવાદ સતત વધતો જાય છે અને ભાજપના સ્થાનિક નેતાઓ બચાવ તો કરે છે, છતાં અંદરખાને જે વિવાદ થયો તેનાથી નારાજ છે. એક રીતે તમિલનાડુની ડીએમકેની સરકારે જે મુદ્દો ઉઠાવ્યો છે એમાં તમિલનાડુના બધા જ પક્ષના નેતાઓ સહમત છે. ભાજપે ડેમેજ કંટ્રોલની કોશિશ શરૂ કરી છે, પરંતુ તમિલનાડુની સ્ટાલિન સરકાર આ વિવાદને સળગતો રાખીને તમિલ અસ્મિતાનો મુદ્દો બનાવવા માગે છે.

ઝારખંડમાં હેમંત સોરેને કેન્દ્રના ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપ અને ઈન્ડિયા ગઠબંધને આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. હેમંત સોરેને કેન્દ્રની ભેદભાવનો મુદ્દો ઉઠાવીને સ્થાનિક સ્તરે માહોલ બનાવ્યો છે. ભાજપે ચંપઈ સોરેનને આગળ કરીને આદિવાસી મતદારોમાં હેમંત સોરેનના પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. તેની સામે હેમંત સોરેન બચાવમાં કહે છે કે ચંપઈ સોરેને છ માસના મુખ્યમંત્રીપદ દરમિયાન પદનો દુરુપયોગ કરીને પાર્ટીને તોડવાની કોશિશ કરી છે. વળી, કેન્દ્ર સરકારે હેમંતને જેલમાં પૂર્યા એ મુદ્દો પણ બરાબર ચાલી રહ્યો છે. હેમંત સોરેન આ બાબતે માહોલ બનાવી રહ્યા છે. તેમની સભાઓમાં ભીડ એકઠી થઈ રહી છે. 

- ઈન્દર સાહની


Google NewsGoogle News