Get The App

દિલ્હીની વાત : ચિંતિત ભાજપે દેશભરના સંગઠન મંત્રીઓની બેઠક બોલાવી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : ચિંતિત ભાજપે દેશભરના સંગઠન મંત્રીઓની બેઠક બોલાવી 1 - image


નવીદિલ્હી : ભાજપની ટોચની નેતાગીરી ભવિષ્યની રણનીતિ બનાવવા માંગે છે. દરેક રાજ્યના મતદારોની પાસે જઈને એમની સાથે નવેસરથી સંવાદ કરવાની કોશિષ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થશે. બંધારણ અને અનામત વિશે વિપક્ષોએ કરેલા આક્રમક પ્રચારને કઈ રીતે ધારવિહીન કરી શકાય, એની સૂચના પણ સંગઠન મંત્રીઓને આપવામાં આવશે. ભાજપના પ્રમુખની પસંદગી માટે જરૂરી સભ્યો બનાવવાની કામગીરી પણ ઝડપી કરવામાં આવશે. સંગઠન મંત્રીઓની બેઠક પૂરી થયા પછી શનિવારે અને રવિવારે ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખોની બેઠક બોલાવવામાં આવશે. આ વર્ષે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચારે રાજ્યોની ચૂંટણીના આયોજન બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થશે.

રામ મંદિરમાં સોના-ચાંદીની ભેટ વધી : સ્ટાફ વધારવો પડયો

આયોધ્યા ખાતેના રામ લલ્લાના મંદિરમાં દરરોજ લાખો રૂપિયાના દાનની ચઢામણી કરવામાં આવે છે. ભક્તો સોના તેમજ ચાંદીના દાગીના, હીરા અને મોતીનું દાન પણ કરે છે. આ દાનનો પ્રવાહ છેલ્લા થોડા દિવસોથી ખૂબ વધી ગયો છે. મંદિરના ટ્રસ્ટીઓએ હવે દાનનો હિસાબ રાખવા માટે નવા સ્ટાફની નિમણૂક કરી છે. આમાં સંઘના બે કાર્યકરો પણ સામેલ છે. દાગીનાનું દાન આપનારા ભક્તોના નામ, સરનામા અને મોબાઇલ નંબરની નોંધ કરવામાં આવે છે. આખા દિવસ દરમિયાન મળેલા દાનની રકમ નોંધાય છે અને સોના-ચાંદીના દાગીનાને લોકરમાં જમા કરવામાં આવે છે. આ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાસ લોકર બનાવવામાં આવ્યું છે. રામ લલ્લાની પ્રતિમા પરના દાગીનાની રક્ષા કરવા માટે લશ્કરના રીટાયર્ડ કર્મચારીને રાખવામાં આવ્યા છે. 

સંરક્ષણ બજેટમાં પૂરતી જોગવાઈ નહીં હોવાનો નિષ્ણાતોનો દાવો

સંરક્ષણ બાબતના નિષ્ણાતોનું માનવું છે કે, બજેટમાં સંરક્ષણ માટે જરૂરી આયોજનનો અભાવ દેખાય છે. બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ૪.૭૯ ટકા (લગભગ રૂપિયા ૨૮ હજાર કરોડ)નો વધારો કરવામાં આવ્યો છે. જોકે ચીન અને પાકિસ્તાનની વધેલી આક્રમકતાને કારણે દેશ સમક્ષ સંરક્ષણ બાબતે મોટો પડકાર છે. દેશની આઝાદી પછી કારગીલ યુદ્ધ સિવાય તમામ યુદ્ધોમાં મોરચો સંભાળનાર મેજર જનરલ અશોક મહેતાનું માનવું છે કે, છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન દેશની રક્ષા માટે જરૂરી સંસાધનો તૈયાર કરવામાં સરકારે સારી કામગીરી કરી છે. જોકે બજેટમાં જે પ્રકારે સંરક્ષણ માટે નાણા ફાળવ્યા છે એ જોતા એમ લાગે છે કે, આ રકમ ઓછી છે.

કેશવ પ્રસાદ મોર્ય 'કરો યા મરો'ના મૂડમાં

ઉત્તર પ્રદેશમાં ઉપમુખ્યમંત્રી કેશવ મોર્ય, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલીને બેઠા છે. મોર્ય દરરોજ રાજ્યના ઓબીસી નેતાઓને મળી રહ્યા છે. તેઓ અનામત બાબતે ચર્ચા કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના નબળા પરિણામ પછી કેશવ મોર્ય ખૂલ્લે આમ યોગીની વિરુદ્ધ પડયા છે. કેશવ મોર્યને ઓફિસમાં મળવા માટે દરરોજ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાંથી ધારાસભ્યો અને સંગઠનના લોકો આવી રહ્યા છે. યોગી આદિત્યનાથને બતાવવા માટે મોર્ય આ મુલાકાતની તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. પોતે પછાત વર્ગના ખરા નેતા છે એ બતાવવાનો એક પણ મોકો મોર્ય છોડતા નથી. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી મુખ્યમંત્રી નહીં બનવાનો વસવસો કેશવ પ્રસાદ મોર્યને આજે પણ સતાવી રહ્યો છે.

રાજ્યસભામાં ઘટતી બેઠકો ભાજપ માટે ચિંતાનો વિષય

રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા ૮૬ થઈ ગઈ હતી. હવે સતનામસિંહ સંધુ ભાજપમાં જોડાવાથી આ સંખ્યા ૮૭ થઈ છે. જોકે આમ છતાં રાજ્યસભામાં પક્ષના સાંસદોની સંખ્યા ૯૦થી નીચે હોવાથી ભાજપ બેચેની અનુભવી રહ્યો છે. આ મહિને કેન્દ્ર સરકાર દ્વારા નામાંકીત ચાર સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. એનડીએ પાસે રાજ્યસભામાં કુલ ૧૦૧ સાંસદો છે. આ સંખ્યા પણ બહુમતથી ઘણી ઓછી છે. ભાજપની નેતાગીરી માને છે કે રાજ્ય સભામાં હવે સભ્યોની સંખ્યા વધારવા પર વધુ ધ્યાન આપવું પડશે. કેટલાક અગત્યના બિલ પાસ કરવા હશે ત્યારે રાજ્યસભામાં ઓછા સભ્યોની સંખ્યા ભાજપને નડી શકે.

પૂર્વ પત્રકાર પ્રદિપ ભંડારી ભાજરના રાષ્ટ્રીય પ્રવક્તા

ભાજપએ ભૂતપૂર્વ પત્રકાર પ્રદિપ ભંડારીને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા છે. પ્રદિપ ભંડારીએ ઘણી ન્યૂઝ ચેનલોમાં કામ કર્યું છે. થોડા સમય પછી પ્રદિપ ભંડારી ચૂંટણી સમયે સર્વેક્ષણ કરવાનું કામ કરતા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રદિપની નિમણૂક રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કરી તે બાબત ભાજપના કેટલાક નેતાઓને ગમી નથી. થોડા વર્ષો પહેલા મુંબઈમાં જ્યારે એક સિનિયર પત્રકારની ધરપકડ થઈ હતી ત્યારે આ પ્રદિપ ભંડારી કેમેરા સામે માઇક લઇને ઉછળ કૂદ કરીને આળોટતા આળોટતા એન્કરીંગ કરતા હતા, ત્યારે સોશિયલ મીડિયા પર એમની ઘણી મજાક કરવામાં આવી હતી. ભાજપમાં રાષ્ટ્રીય પ્રવક્તાની પસંદગી કરતા પહેલા ટોચની નેતાગીરીની સહમતી લેવામાં આવે છે. પ્રદિપ ભંડારીની પસંદગી કઈ રીતે થઈ એ બાબતે ભાજપમાં જ દ્વીધા છે.

જગન મોહન રેડ્ડી ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય એવી શક્યતા

વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા જગન મોહન રેડ્ડી રાજકીય રીતે તટસ્થ રહેતા હતા. આંધ્રપ્રદેશની સમસ્યાઓને લઈને જગન મોહન રેડ્ડી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ વિરોધ પ્રદર્શન પર બેઠા હતા ત્યારે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ એમને ખાસ મળવા ગયા હતા. અખિલેશ યાદવ અને જગન મોહન રેડ્ડી વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. ત્યાર પછી શિવસેના (ઉદ્ધવ)ના નેતા અને સાંસદ સંજય રાઉત પણ રેડ્ડીને મળ્યા હતા. ૨૦૧૧માં વાયએસઆર સીપીની સ્થાપના પછી રેડ્ડીએ કદી કોંગ્રેસ અથવા ભાજપ સાથે ગઠબંધન કર્યું નહોતું. હવે દિલ્હીમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણ જગન મોહન રેડ્ડી ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાય જાય એવી પૂરી શક્યતા છે. પહેલા જગન મોહન રેડ્ડી એનડીએ પ્રત્યે કૂણુ વલણ રાખતા હતા. હવે પરિસ્થિતિ બદલાય ગઈ છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બાપ-દીકરો સામ-સામે થશે

મહારાષ્ટ્રના રાજકારણમાં જ્યારથી બે શિવસેના, બે એનસીપી અસ્તિત્વમાં આવી ત્યારથી પરિવારમાં જ બે ભાગ પડી ગયા છે. ઘરનો એક સભ્ય એક પાર્ટીમાં હોય અને બીજો બીજી પાર્ટીમાં એવા દૃશ્યો ઠેર-ઠેર જોવા મળે છે. લોકસભામાં સુપ્રિયા શૂલે ભાભી સુનેત્રા પવાર સામે ચૂંટણી લડયાં હતાં. હવે વિધાનસભામાં પણ એવી ઘણી બેટલ જોવા મળશે. અજીત પવાર જૂથના નરહરિ જિરવાલનો દીકરો ગોકુલ શરદ પવારની પાર્ટીમાં છે. તેણે પિતા સામે મોરચો માંડતા કહ્યું કે જો શરદ પવાર કહેશે તો એ વિધાનસભામાં પિતા સામે ચૂંટણી લડશે.

અભિષેકનું ભાષણ સાંભળવા મમતા દીદી ટીવી સામે ગોઠવાયા

અભિષેક બેનર્જીએ લોકસભામાં બજેટના પ્રતિભાવમાં ભાષણ આપ્યું. એ ભાષણ બંગાળમાં ભારે વાયરલ થયું છે. દેશભરમાં એની ચર્ચા છે. અભિષેકની હાજર જવાબીનો પહેલી વખત પરચો મળ્યો હતો. તેણે ભાષણની વચ્ચે બોલતા ભાજપના નેતાઓને જે રીતે જવાબો આપ્યા તેની સૌ પ્રશંસા કરે છે. રાહુલ ગાંધીએ પણ લોકસભા પરિસરમાં ખાસ અભિષેકને મળીને તેને ધુંવાધાર ભાષણ માટે અભિનંદન આપ્યા હતા. કહે છે કે અભિષેક આ સત્રનું પહેલું ભાષણ આપવાનો હતો એ જોવા માટે મમતા બેનર્જીની ઓફિસના ટેકનિકલ સ્ટાફે વિશાળ સ્ક્રીનમાં સંસદ ટીવીનું લાઈવ પ્રસારણ શરૂ કર્યું હતું. દીદી અભિષેકના ભાષણથી ખુશ જણાતા હતા.

કંગનાની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર : રાજકીય ઉત્તેજના

અભિનેત્રીમાંથી ભાજપમાં જોડાઈને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી સાંસદ બનેલી કંગના રનૌતના સંસદસભ્ય પદ સામે જોખમ ખડું થયું છે. લાયકરામ નેગી નામના અરજદારે ચૂંટણીના નામાંકન પત્ર સામે સવાલ ઉઠાવ્યો છે અને રિટનિંગ ઓફિસરે તેનું નામાંકન પત્ર અયોગ્ય રીતે રદ્ કર્યું હોવાથી તે ચૂંટણી લડી શક્યો નથી એવો મુદ્દો ઉઠાવ્યો છે. એ બાબતે હવે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. તેનાથી રાજકીય ઉત્તેજના સર્જાઈ છે. કંગનાએ પણ ૨૧મી ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં તેનો જવાબ આપવાનો છે.

ભારતમાં ચાલુ વર્ષે પણ વસતિ ગણતરી થાય તેવી શક્યતા નથી

ભારતમાં ૨૦૨૧માં જ વસતિ ગણતરી થવાની હતી, પરંતુ કોરોનાની મહામારી હોવાથી સરકારે તે વર્ષે વસતિ ગણતરી કરી ન હતી. એનેય હવે તો ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે અને સરકારે હજુય વસતિ ગણતરી કરવાની કોઈ જ જાહેરાત કરી નથી. હવે સરકારી અધિકારીઓને ટાંકીને દાવાઓ થઈ રહ્યા છે એ પ્રમાણે કેન્દ્ર સરકાર આ વર્ષે પણ વસતિ ગણતરી કરે એવી શક્યતા નથી. એ માટે જે વ્યવસ્થા કરવી જોઈએ એ થઈ નથી. બજેટ પણ એ પ્રમાણે ફાળવાયું નથી એટલે આ વર્ષ પૂરતી વસતિ ગણતરી ટળી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

દેશમાં એઆઈ સંશોધનને ઉત્તેજન માટે 82 પ્રોજેક્ટને ફંડ

ભારતમાં એઆઈના સંશોધનની નવી દિશા ખૂલી રહી છે. ઘણાં સ્વદેશી સંશોધકો અને સંસ્થાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટ્સ, સર્જિકલ રોબોટ્સ, એઆઈ એપ્સ વગેરેના સંશોધનો વધે તે માટે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરોએ ૮૨ પ્રોજેક્ટને ફંડ આપવાની જાહેરાત કરી છે. બજેટ બાદ આ બ્યૂરોના ડિરેક્ટર પ્રમોદ કુમાર તિવારીએ આ અંગે જાહેરાત કરી હતી.

- ઈન્દર સાહની


Google NewsGoogle News