For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : રાહુલ-પ્રિયંકા રામમંદિરના દર્શન કરીને ફોર્મ ભરશે

Updated: Apr 26th, 2024

દિલ્હીની વાત : રાહુલ-પ્રિયંકા રામમંદિરના દર્શન કરીને ફોર્મ ભરશે

નવી દિલ્હી : અમેઠી અને રાયબરેલીમાંથી કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી, પરંતુ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ અને પ્રિયંકા ૧લી મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. એટલું જ નહીં, સૌને ચોંકાવશે. કારણ કે બંને રામ મંદિરની તરફેણમાં બનેલો અંડર કરન્ટ સમજી ચૂક્યા છે. 

કોંગ્રેસના આંતરિક સર્વેક્ષણોમાં જણાયું કે અમેઠી-રાયબરેલીના લોકો રાહુલ-પ્રિયંકા ઉમેદવાર બને એવું ઈચ્છે છે, પરંતુ રામ મંદિરના દર્શન કરે એવો મત પણ લોકો વ્યક્ત કરે છે. એટલે ફોર્મ ભરતા પહેલાં રાહુલ-પ્રિયંકા અયોધ્યામાં રેલી કરશે અને રામ મંદિરના દર્શન પણ કરશે. તેનાથી દેશમાં એક અલગ મેસેજ જશે એવું કોંગ્રેસના નેતાઓ માને છે. 

તિહારમાં કેજરીવાલ પર જોખમ : સંજય સિંહ

દિલ્હીમાં કેજરીવાલની સુરક્ષાના મુદ્દે સતત રાજકીય ગરમાવો રહે છે. શરાબનીતિના કેસમાં કેજરીવાલની ધરપકડ થઈ પછી દિલ્હી ભાજપે એ મુદ્દો ઉઠાવીને ચૂંટણીમાં એનો ફાયદો લેવાની ગણતરી માંડી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ સામે એવો વ્યૂહ ગોઠવ્યો કે ધારણા પ્રમાણે થવાને બદલે ભાજપે સતત બચાવની સ્થિતિમાં રહેવું પડે છે. કેજરીવાલની હેલ્થ, ભોજન અને દવાની વાતે આપે આક્રમક વલણ અપનાવ્યું છે. 

હવે આપના નેતા સંજય સિંહે દાવો કર્યો છે કે તિહાર જેલમાં બે જૂથ વચ્ચે સંઘર્ષ છે. તેનાથી કેજરીવાલ પર હુમલાનું જોખમ છે. કેજરીવાલને કંઈ પણ થાય તો એ માટે કોણ જવાબદાર? સંજય સિંહે પીએમને પત્ર પણ લખ્યો છે.

વળતા જવાબો આપવામાં પ્રિયંકા વધારે સ્માર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, હેમંત બિસ્વા સરમા વગેરે ભાજપના નેતાઓએ કોંગ્રેસના મેનિફેસ્ટોનો મુદ્દો ઉઠાવ્યો અને તેનાથી ચૂંટણી પ્રચારની આખી દિશા બદલાઈ ગઈ. પીએમ મોદીના મંગળસૂત્રના નિવેદન બાદ અચાનક એ દિશામાં નિવેદનો થવા માંડયા. પ્રિયંકા ગાંધીએ કહેલું: મારી માએ દેશ માટે મંગળસૂત્ર કુરબાન કરી દીધું. એ ઉપરાંત આંદોલનમાં ભોગ બનેલા ખેડૂતોની પત્નીઓએ પણ મંગળસૂત્ર ગુમાવ્યું. આવા નિવેદનોની નોંધ લેવાઈ. આ નિવેદનબાજીમાં નોંધપાત્ર બાબત એ રહી કે વળતા જવાબો આપવામાં રાહુલ કરતાં પ્રિયંકા ગાંધી વધારે સ્માર્ટ પૂરવાર થયાં. કોંગ્રેસના નેતાઓ ચર્ચા કરતા હતા કે પ્રિયંકાએ ભાષણમાં જે ત્વરાથી ભાજપને જવાબો આપ્યા એ પ્રશંસનીય છે. તેનાથી કોંગ્રેસ પાર્ટીનું મજબૂત સ્ટેન્ડ જોવા મળ્યું.

એક ભોજપુરી સ્ટારને મનાવવા બીજા સ્ટાર મેદાને

ભોજપુરી અભિનેતા પવન સિંહે બિહારની કારાકાટની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને જંગ રસપ્રદ બનાવી દીધો છે. કારાકાટમાં એનડીએના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા છે. તો ઈન્ડિયા ગઠબંધને રાજા રામ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પવન સિંહની એન્ટ્રી થતાં એનો સીધો લાભ ઈન્ડિયા ગઠબંધનને થાય એવી શક્યતા છે. કારણ કે પવન સિંહ ભાજપમાં હતા અને ભાજપે તેને બિહારને બદલે પશ્વિમ બંગાળથી ટિકિટ આપી એટલે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે પવન સિંહને મનાવવા માટે મનોજ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. મનોજ તિવારીએ પવનને મનાવી લેવાની આશા વ્યક્ત કરી હતી.

વિદેશી મીડિયામાં ભારતના ચૂંટણી પ્રચારની ટીકા

ભાજપ અને કોંગ્રેસે છેલ્લાં થોડા દિવસથી જે પ્રકારનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે તેની વિદેશી મીડિયામાં ઝાટકણી કાઢવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની સભામાં મનમોહન સિંહના જૂના ભાષણને ટાંકીને જે નિવેદન આપ્યું અને કોંગ્રેસ બહેનોના મંગળસૂત્ર પણ બચાવશે નહીં, સોના-ચાંદીનો હિસાબ લેશે એવું કહ્યું તેની સામે કોંગ્રેસે પણ આક્રમક જવાબો આપ્યા. ભાજપની બે મુખ્ય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર હકારાત્મક મુદ્દાને બદલે આવા મુદ્દે કરે છે તેની નોંધ વૉશિંગ્ટન પોસ્ટથી સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ, ટાઈમ વગેરેમાં લેવાઈ અને બંને પાર્ટીના નેતાઓની ટીકા પણ થઈ.

શિવરાજને કેન્દ્રમાં કે સંગઠનમાં લઈ જવાનો સંકેત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ભાષણ આપતી વખતે જે રીતે શિવરાજ સિંહ ચૌહાણનું નામ લીધું તેનાથી અનેક અટકળો શરૂ થઈ છે. પીએમ બોલ્યા: 'ભાઈ શિવરાજ સિંહ વિદિશાની બેઠક પરથી લડી રહ્યા છે. તેઓ મારા સાથી છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે તેઓ પણ મુખ્યમંત્રી હતા. એ મારા જૂના સાથી છે. એ સાંસદ હતા ત્યારે હું મહામંત્રી હતો. હવે ફરીથી હું તેમને મારી સાથે લઈ જવા માંગું છું.' પીએમના આ નિવેદનથી ભાજપના વર્તુળોમાં ભારે ચર્ચા છે. ઘણાં નેતાઓ માને છે કે કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનશે તો શિવરાજને મહત્ત્વનું મંત્રાલય અપાશે. ઘણાં એમ પણ કહે છે કે સંગઠનમાં શિવરાજને મોટી જવાબદારી સોંપાશે.

***

'કન્નૌજની બેઠકમાં ભારત-પાકિસ્તાનનો જંગ'

કન્નૌજના બીજેપીના સાંસદ સુબ્રત પાઠકે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથેની તેમની ચૂંટણીની હરીફાઈની સરખામણી ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મેચ સાથે કરી હતી. ભાજપના સાંસદે કટાક્ષ કર્યો: લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર છે. એટલે ચૂંટણી યોજાય ત્યારે તે રસપ્રદ હોવી જોઈએ... અખિલેશ યાદવે તેજ પ્રતાપને મોકલવાની જાહેરાત કરી ત્યારે આ મેચ થાત તો ભારત વર્સસ જાપાન હોત. હવે અખિલેશ ખુદ આવ્યા છે તો મેચ વધુ રોમાંચક બનશે. હવે મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાન (સુબ્રત પાઠક વર્સસ અખિલેશ) જેવી હશે. ૨૦૧૯ની ચૂંટણીમાં સુબ્રત પાઠકે કન્નૌજથી અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવને હરાવ્યા હતા. ૨૦૧૪માં ડિમ્પલ યાદવે સુબ્રત પાઠકને હરાવેલા. 

ભાજપના લઘુમતી મોરચાના નેતાની હકાલપટ્ટી

રાજસ્થાનમાં એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરનાર બિકાનેર ભાજપ લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ ઉસ્માન ગનીની રાજસ્થાન ભાજપે હકાલપટ્ટી કરી છે. પાર્ટીની છબીને કલંકિત કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા છે એવું કારણ આપવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં પીએમ મોદીએ એક રેલીને સંબોધતી વખતે કહેલું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી સંપત્તિ વધારે બાળકો ધરાવતા લોકોને આપી દેશે. ઉસ્માન ગનીએ વડાપ્રધાનના એ નિવેદનની ટીકા કરી હતી એટલે પાર્ટીએ એની સામે કાર્યવાહી કરી છે.

ચૂંટણી વખતે ટેક્સ આપનારા નકામા : અશ્નીર ગ્રોવર

શાર્ક ટેન્ક ઈન્ડિયાના નિર્ણાયક રહી ચૂકેલા અશ્નીર ગ્રોવરે વિરાસત ટેક્સ મુદ્દે કટાક્ષ કર્યો હતો. ચૂંટણી દરમિયાન ટેક્સ આપનારા નકામા અને અર્થહીન લઘુમતી છે. કારણ કે રાજકારણીઓ રાજકીય રેલીઓમાં ટેક્સ પર જે પણ કહે છે એ માત્ર વાતો હોય છે. ટેક્સ પેયર્સથી કોઈ પાર્ટીઓને સીધો રાજકીય ફાયદો નથી એટલે એમને અવગણવામાં આવે છે. ભારતમાં આને ટેક્સ પોલિટિક્સ કહેવાય છે, અશ્નીર ગ્રોવરે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું, ૧૪૦માંથી આઠ કરોડ આઇટી રિટર્ન ફાઇલ કરે છે. બે કરોડ ભારતીયો આવકવેરો ચૂકવે છે. તેમાંથી માત્ર ૪૫ લાખ આ આવકવેરામાં ૮૦ ટકા જેટલું યોગદાન આપે છે. તેથી આ લોકો લઘુમતીઓમાં આવે છે.

કેરળમાં ભાજપને સુરેશ ગોપીથી આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલાં ત્રિશૂરમાં ગયા ત્યારે જતાં જતાં સુરેશ ગોપીને મળ્યા હતા. તેમણે સુરેશ ગોપીનો હાથ પકડયો, તેમની આંખોમાં જોયું અને કહ્યું: મને ખબર છે કે તમે દિલ્હી આવી રહ્યા છો. અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપવા પીએમ મોદી આવ્યા હતા. સુરેશ ગોપી ૨૦૧૯માં ત્રિશૂરની બેઠક પરથી ચૂંટણી લડયા હતા, પરંતુ હારી ગયા હતા. એ પછી ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. ભાજપને સુરેશ ગોપીથી ઘણી આશા છે. એ બેઠક જીતશે એવું લાગે છે. સુરેશ ગોપી ઘણાં લોકપ્રિય છે. રાજ્યમાં લગભગ ૨૬.૬ ટકા મુસ્લિમ અને ૧૮.૪ ટકા ખ્રિસ્તી વસતિ છે. આવી સ્થિતિમાં ભાજપ માટે રાજ્યમાં કપરાં ચઢાણ છે.

-ઈન્દર સાહની

Gujarat