ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં અખિલેશ યાદવનો માસ્ટર સ્ટ્રોક
નવીદિલ્હી : ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરની મીરાપુર બેઠક પર થનારી પેટા ચૂંટણીમાં એક નવુ રાજકીય સમીકરણ બની રહ્યું છે. આ બેઠક પરથી સપાએ સુમ્બુલ રાણાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે જેને કારણે ભાજપ જ નહીં બસપાની તકલીફ પણ વધી શકે એમ છે. સુમ્બુલ રાણા, એક જમાનાના બસપા અને હવે સપાના મજબૂત નેતા કાદીર રાણાના પત્ની છે. સુમ્બુલ રાણા રાજ્ય સભાના ભૂતપૂર્વ સાંસદ મૂનકાદ અલીના પુત્રી છે. મીરાપુર બેઠકને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ વોટબેંક સપા તરફ હોવાથી બસપાની મુશ્કેલી વધી ગઈ છે. બસપાએ મીરાપુરની બેઠક પર શાહનઝરને ટિકિટ આપી છે જેઓ આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદની નજીકના ગણાય છે.
સાયબર ક્રાઇમ નાથવા ગૃહમંત્રાલયના પ્રયાસો સફળ થવા મુશ્કેલ
દેશભરમાં સાયબર ક્રાઇમ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જે રીતે સામાન્ય નાગરીક સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યો છે તે જોતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે દરેક રાજ્યો માટે સાયબર કમાન્ડોની એક ખાસ શાખા સ્થાપવાનું નક્કી કર્યું છે. છેલ્લા અઠવાડિયામાં દેશની વિમાન કંપનીઓને ૧૭૦ થી વધુ ધમકીઓ મળી છે. જેનો સમાવેશ પણ સાયબર ક્રાઇમમાં જ થઈ શકે. સોશિયલ મીડિયા પર મળેલી ધમકીઓ ડાર્ક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને મોકલવામાં આવી હોવાથી તપાસ એજન્સીઓ પણ ગુનેગારોને પકડી શકતી નથી. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આવતા પાંચ વર્ષોમાં પાંચ હજાર સાયબર કમાન્ડો તૈયાર કરશે. જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ફક્ત સાયબર કમાન્ડોની સંખ્યા વધારવાથી સાયબર ક્રાઇમ કાબુમા આવી શકશે નહીં. સાયબર ક્રાઇમને કાબુમાં કરવા અત્યાધુનિક ટેક્નોલોજી આયાત કરીને એનો યોગ્ય ઉપયોગ કરવા પડશે.
દેશના 77 ટકા બાળકો પોષક આહારથી વંચીત
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)એ આપેલા આંકડા ચિંતાજનક છે. એનએફએચએસએ કરેલા સર્વેમાં બહાર આવ્યું છે કે, ૨૦૦૫ -૦૬માં દેશના ૭૭.૦૪ ટકા લોકો વૈવિધ્યસભર ભોજન લઈ શકતા નહોતા. છેલ્લા થોડા વર્ષોમાં પણ આમા મામુલી સુધારો થયો છે. ભારતના ૭૭ ટકા બાળકોને પોષણ યુક્ત આહાર મળી રહ્યો નથી. મધ્ય ભારતમાં સૌથી વધારે બાળકો કુપોષણથી પીડાય છે. વિવિધતાપૂર્ણ ભોજનમાં માના દૂધ ઉપરાંત ઇંડા, ફળ તેમ જ શાકભાજીનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ૮૦ ટકા બાળકોને યોગ્ય આહાર મળતો નથી. સિક્કીમ અને મેઘાલય જેવા રાજ્યોની પરિસ્થિતિ સરખામણીએ થોડી સારી છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે માતા અશિક્ષીત હોવાને કારણે પણ આ સમસ્યા સર્જાય શકે છે.
મુંબઈની માહિમ વિધાનસભા બેઠક પર ત્રણ સેના વચ્ચે જંગ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આમ તો દરેક મતવિસ્તાર અગત્યનો છે, પરંતુ મુંબઈની માહિમ બેઠકની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. માહિમ બેઠક પરથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે), શિવસેના (એકનાથ શિંદે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (રાજ ઠાકરે)ના ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. આ બેઠક પર શિવસેના (એકનાથ શિંદે)એ વર્તમાન ધારાસભ્ય સદા સર્વણકરને રીપીટ કર્યા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ઉમેદવાર મહેશ સાંવત છે. મનસે તરફથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી માહિમ બેઠક પરથી લડશે. મહારાષ્ટ્રમાં ચર્ચાય રહ્યું છે કે આમ તો મહારાષ્ટ્રમાં મનસેનું વજન ખાસ કઈ નથી, પરંતુ માહિમ બેઠક પરથી પોતાના પુત્રને જીતાડવા માટે રાજ ઠાકરે તમામ જોર લગાડી દેશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ફટકો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ એક ફટકો પડયો છે. મહાયુતિના સહયોગી પક્ષ એનસીપી (અજીત પવાર)એ પૂણે જિલ્લાના માવળ વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે સુનિલ શેલકેની જાહેરાત કરી છે. આ જાહેરાત થયાના થોડા કલાકો પછી જ ભાજપના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી બાલા ભેગડેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ બેઠક પર ધારાસભ્ય શેલકેએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભેગડેને હરાવ્યા હતા. રાજીનામું આપ્યા પછી એમણે જાહેરાત કરી છે કે તેઓ હવે શેલકેને હરાવવા માટે તમામ પ્રયત્નો કરશે. ભેગડેને ભૂતપૂર્વ ધારાસભ્ય બાપુ ભેગડે પણ ટેકો આપશે કારણ કે બાપુ ભેગડેએ પણ મહાયુતિ સરકારનો સાથ છોડી દીધો છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે શિવસેનાએ કેદાર દિધેને મેદાનમાં ઉતાર્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં થાણે જિલ્લાની બેઠક પર રોચક જંગ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે મજબૂત નેતા દિવંગત આનંદ દિધેના ભત્રીજા કેદાર દિધેને ટિકિટ આપી છે. એકનાથ શિંદે, દિવંગત આનંદ દિધેને પોતાના રાજકીય ગુરુ માને છે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી શિંદેને બધી રીતે ઘેરવા માંગે છે. આ બેઠક પરથી એકનાથ શિંદે ૨૦૦૯થી ચૂંટાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં થતી ચર્ચા પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ થાણે જિલ્લાની બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. જે રીતે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને સત્તાભ્રષ્ટ કર્યા હતા એ વાત ઉદ્ધવ ભૂલી શક્યા નથી.
બિહારમાં હુલ્લડ નહીં થાય : લાલુએ નીતિશ -ગીરીરાજને ઝાટક્યા
કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. આ બાબતે બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર પણ ગીરીરાજ સિંહને ટોકી શકતા નથી. હવે આ બાબતે લાલુ પ્રસાદ યાદવ પણ ગીરીરાજ સિંહ અને નિતિશકુમાર પર ભડક્યા છે. લાલુનું કહેવું છે કે ગીરીરાજને આ પ્રકારની ભડકાઉ વાત કરવાની જૂની આદત છે. લાલુએ કહ્યું કે, 'મને ભાજપના શાસન અને નિતિશના શાસનમાં કોઈ ફેર દેખાતો નથી. હું છું ત્યાં સુધી બિહારમાં કોઈ હુલ્લડ નહીં થવા દઉં. અહીં હિન્દુ અને મુસ્લિમો સંપીને રહે છે, પરંતુ કોમવાદી કટ્ટરતા વધારવા માટે નિતિશકુમાર જવાબદાર છે.'