દિલ્હીની વાત : સાથી પક્ષના મંત્રીઓને ભાજપે વિશાળકાય બંગલા આપ્યા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : સાથી પક્ષના મંત્રીઓને ભાજપે વિશાળકાય બંગલા આપ્યા 1 - image


નવીદિલ્હી : નવી સરકારના પાંચ મંત્રીઓને દિલ્હી ખાતે બંગલાની ફાળવણી થઈ છે. આ પાંચમાંથી ચાર મંત્રીઓ ભાજપને ટેકો આપનાર પક્ષના છે. તેલુગુદેશમ પાર્ટીના સિવિલ એવિએશન મંત્રી કેઆરએમ નાયડુ, જનતા દળના ઉદ્યોગ મંત્રી એસડી કુમારસ્વામી, એલજેપીના ખાદ્ય સંસાધન મંત્રી ચિરાગ પાસવાન અને એચએએમના મંત્રી જિતનરામ માંઝીને પ્રથમ બંગલાઓની ફાળવણી કરવામાં આવી છે. ચિરાગ પાસવાનને સોનિયા ગાંધીના પડોશી એટલે કે ૧૨ જનપથ ખાતે બંગલો મળ્યો છે. આ બંગલામાં એમના પિતા રામવિલાસ પાસવાન લગભગ ૧૫ વર્ષ સુધી રહ્યા હતા. આ ચારે મંત્રીઓને જે બંગલા ફાળવવામાં આવ્યા છે એમની કેટેગીરી શ્રેષ્ઠ ગણાય છે. 

દિલ્હી પોલીસને બજેટમાં અંગૂઠો બતાવાયો

બજેટમાં દિલ્હી પોલીસને રૂ. ૧૧,૪૦૦.૮૧ કરોડની ફાળવણી થઈ છે. ગયા વર્ષના બજેટ કરતા આ વખતના બજેટમાં દિલ્હી પોલીસને રૂ. ૫૩૧.૧૯ કરોડ ઓછા ફાળવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને આશા હતી કે વધતા ખર્ચાઓને કારણે આ વખતના બજેટમાં પોલીસ સુધારણા માટે વધુ ફંડ ફાળવવામાં આવશે. ઘણા વર્ષોથી દિલ્હી પોલીસના આધુનિકરણ માટે માંગણી થઈ રહી છે. ટ્રાફિક સિસ્ટમ તેમ જ સંદેશા વ્યવહારને આધુનિક બનાવવા માટે દિલ્હી પોલીસને મોટા બજેટની જરૂર હતી. દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવે છે. 

પાસપોર્ટ રેન્કીંગમાં ભારતનો નંબર 82મો

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સએ પ્રસિદ્ધ કરેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વના દેશોમાં ભારતનો પાસપોર્ટ ૮૨માં ક્રમે છે. ભારતના નાગરીકો ૫૮ દેશમાં વગર વિસાએ મુસાફરી કરી શકે છે. ઇન્ડોનેશિયા, માલદીવ્ઝ અને થાઇલેન્ડ જેવા દેશોમાં મુસાફરી કરવા માટે વિસાની જરૂર પડતી નથી. વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો ગણાય છે. જેમની પાસે સિંગાપોરનો પાસપોર્ટ હોય તેઓ વિશ્વના ૧૯૫ દેશોમાં વિસા વગર મુસાફરી કરી શકે છે. ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્પેઇન અને જાપાનના પાસપોર્ટ પણ શક્તિશાળી ગણાય છે. આ દરેક દેશના નાગરીકો ૧૯૨ દેશોમાં વિસા વગર મુસાફરી કરી શકે છે. યુકે, ન્યુઝિલેન્ડ, નોર્વે, બેલ્જિયમ, ડેનમાર્ક અને સ્વિત્ઝરલેન્ડના પાસપોર્ટ ચોથા ક્રમે આવે છે.

મમતાએ રાજ્યપાલને કહ્યું :... તો ટીફીનના પૈસા હું આપીશ 

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી બે ચૂંટાયેલા ધારાસભ્યોની સોગંધવિધિ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોઝ માને છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજ્યપાલ સમક્ષ સોગંદ લેવા જોઈએ. આ બંને ધારાસભ્યોએ રાજ્યપાલને બદલે વિધાનસભાના સ્પિકર બીમન બેનર્જી સમક્ષ સોગંદ લીધા હતા. છંછેડાયેલા રાજ્યપાલે આ બંને ધારાસભ્યોને એવી સજા કરી હતી કે તેઓ જો વિધાનસભામાં હાજરી આપશે તો દરેક દિવસ દીઠ એમણે રૂ. ૫૦૦નો દંડ ભરવો પડશે. હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છંછેડાયા છે. એમણે કહ્યું છે કે, 'રાજ્યપાલને ખબર હોવી જોઈએ કે તેઓ કોઈની મારફતે રાજભવનમાં મુકાયા છે જ્યારે વિધાનસભામાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ હોય છે. નિટના કૌભાંડમાં રાજ્યપાલ પોતે કોઈ ગુનેગારને શોધી શક્યા નથી. એ કામ બંગાળની પોલીસે કરવું પડયું છે. તમને જો ટીફીનના પૈસા જોઈતા હોય તો હું આપવા તૈયાર છું.'

મરાઠા અનામતના નેતા સામે મહારાષ્ટ્રમાં બિનજામીન પાત્ર વોરંટ

મરાઠા અનામત સમિતિના નેતા મનોજ જરાંગે સામે ૨૦૧૩માં છેતરપીંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ કેસ નોંધાયો હતો. આ કેસમાં મનોજ જરાંગે કોર્ટમાં હાજર રહેતા નહોતા. પુણેની કોર્ટે હવે જરાંગે સામે બિનજામીન પાત્ર વોરંટ કાઢયું છે. અગાઉ જ્યારે બિનજામીન પાત્ર વોરંટ નિકળ્યું હતું ત્યારે તેઓ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટે જામીન લઈ એમને છોડયા હતાં. ત્યાર પછી મરાઠા અનામતની માંગણી સાથે જરાંગે ૨૦મી જુલાઈથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ફરીથી તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હોવાથી કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ કાઢયું છે. જરાંગેના વકીલનું કહેવું છે કે, જરાંગએ સરકાર સામે પડયા હોવાથી એમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ પ્રતિષ્ઠા રક્ષા પદયાત્રા કાઢશે

ઉત્તરાખંડ કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે રાજ્યમાં હિન્દુઓની ધાર્મિક માન્યતા સાથે રમત રમાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિનું પણ સરેઆમ અપમાન થઈ રહ્યું છે. રાજ્યના હિન્દુઓને એક કરીને સરકાર સામે લડત ચલાવવા માટે કોંગ્રેસે ઉત્તરાખંડના હરકી પૈડી ખાતેથી પદયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. કેદારનાથ ધામથી શિલા લઈને દિલ્હીમાં કેદારનાથ બનાવવા પાછળ પણ ભાજપ સરકારનું કાવતરું છે. આ સમાચાર જ્યારે દિલ્હીમાં પ્રસર્યા ત્યારે કેટલાક નિરિક્ષકોએ કટાક્ષમાં કહ્યું હતું કે, ભાજપનો હિન્દુઓના રક્ષક હોવાનો મુદ્દો પણ હવે કોંગ્રેસ આંચકી રહ્યું છે.

ઓડિસા વિધાનસભામાં ભાજપ- બીજેડીના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ

અત્યાર સુધી ભાજપ પ્રત્યે કૂણુ વલણ દાખવનાર નવીન પટનાયક હવે આક્રમક થયા છે. ઓડિસામાં ભાજપ સત્તા પર આવ્યા પછી વિધાનસભા સત્ર ચાલુ થયું ત્યારે નવિન પટનાયકએ એક શેડો કેબિનેટ બનાવી હતી. ભાજપના દરેક મંત્રાલયની કામગીરી બાબતે દેખરેખ રાખવાની જવાબદારી બીજેડીના વિવિધ ધારાસભ્યને સોંપવામાં આવી છે. વિધાનસભામાં પણ બીજેડીના ધારાસભ્યો ભાજપ સરકારને નાકમાં ફીણ લાવી દે છે. બીજેડીના ધારાસભ્યોએ વિધાનસભામાં રાજ્યપાલ લલીતકુમારના પુત્ર સામે પગલા લેવાની માંગણી કરી હતી. આ વખતે ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે દલીલબાજી થઈ હતી અને છેવટે વિધાનસભા અધ્યક્ષનું માઇક પણ તોડી નાખવામાં આવ્યું હતું. ઓડિસામાં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે એમ લાગતું હતું કે હવે કમસેકમ ઓડિસામાં તો ભાજપ શાંતિથી શાસન કરી શકશે, જે ધારણા ખોટી પડી છે.

પૂર્વોદય યોજના પાછળ ભાજપની લાંબાં ગાળાની ગણતરી

કેન્દ્ર સરકારે પૂર્વોદય યોજના હેઠળ બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના વિકાસ માટે રૂપરેખા ઘડી છે. ઝારખંડમાં આ વર્ષે ચૂંટણી છે. બિહારમાં આવતા વર્ષે ચૂંટણી થશે. ઓડિશામાં ભાજપની સરકાર રચાઈ એટલે ડબન એન્જિનની સરકારનું કામ બતાવવું જરૂરી છે. પશ્વિમ બંગાળમાં કેમેય કરીને ભાજપને મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મળતી નથી એટલે ત્યાં કેન્દ્રની યોજનાથી માહોલ બનાવવાની કોશિશ થશે. આંધ્રપ્રદેશમાં સહયોગી દળ તેલુગુદેશની સરકાર હોવાથી ભાજપે યોજનામાં એનો સમાવેશ કર્યો છે. પૂર્વોદયનો ભાજપનો વિચાર જૂનો છે. ૨૦૧૫માં પહેલી વખત મોદીએ એનો ઉલ્લેખ કર્યો હતો.

બંગાળમાં ઘૂસણખોરીના સંદર્ભમાં બાંગ્લાદેશની સ્પષ્ટતા

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ થોડા દિવસ પહેલાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશના ઘૂસણખોરોનો મુદ્દો કેન્દ્રનો છે, પરંતુ જો અસહાય લોકો રાજ્યમાં આવશે તો તેઓ આશરો આપશે. આ નિવેદનથી ભારતના રાજકારણમાં તો ચર્ચા જાગી જ હતી, બાંગ્લાદેશમાં પણ ચર્ચા છેડાઈ હતી. બાંગ્લાદેશના વિપક્ષોએ એ મુદ્દે સરકારને ઘેરી હતી. ત્યાર બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રી હસન મહમૂદે કહ્યું હતું કે મમતા બેનર્જી સાથે બાંગ્લાદેશના પીએમને ખૂબ સુમેળભર્યા સંબંધો છે, પરંતુ તેમના નિવેદનથી બાંગ્લાદેશમાં ગેરસમજ થઈ છે. બાંગ્લાદેશની સરકાર ઘૂસણખોરીનો મુદ્દો સ્વીકારી શકે નહીં. મમતા બેનર્જીએ ઘૂસણખોરીનો મુદ્દો જણાવીને એક રીતે બાંગ્લાદેશની સરકારને આડકતરો મેસેજ આપ્યો છે.

કામના કલાકો 14 કરવા આઈટી ઈન્ડસ્ટ્રીનું દબાણ : કર્ણાટક સરકાર

કર્ણાટકની સરકાર આઈટી ફિલ્ડમાં કામના કલાકો ૧૪ કરવાની ભલામણ સ્વીકારીને બરાબર ભીંસમાં આવી છે. બિલ રજૂ થયું તેનો ભારે વિરોધ ઉઠયો. વિપક્ષ ભાજપે કોંગ્રેસની સિદ્ધારામૈયાની સરકારને ઘેરી. પ્રદર્શનો પણ કર્યા. કાચું કપાયાનું લાગતા કર્ણાટકની સરકારે આખરે બધો દોષ ઈન્ડસ્ટ્રી પર ઢોળી દીધો છે. કર્ણાટકના લેબર મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તેમના પર ઈન્ડસ્ટ્રીનું ભારે દબાણ હોવાથી કામના કલાકો ૧૪ કરવાનું બિલ મૂક્યું હતું. સરકારની એવી કોઈ ઈચ્છા ન હતી. આ નિવેદન પણ હાસ્યાસ્પદ બન્યું છે. જો સરકાર ઈચ્છતી ન હતી તો ઈન્ડસ્ટ્રી સામે નમતું કેમ મૂક્યું એ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

સાથી દળ રાલોદના જયંત ચૌધરીએ યોગીનો વિરોધ કર્યો

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના વડા જયંત ચૌધરીએ યોગી સરકારની નેમ પ્લેટના નિર્ણય મુદ્દે ઝાટકણી કાઢી હતી. જયંત ચૌધરી એનડીએના સહયોગી છે. રાજ્ય અને કેન્દ્રમાં તેમનું ભાજપ સાથે ગઠબંધન છે. તેમ છતાં જયંત ચૌધરીએ ખુલીને યોગી સરકારના નિર્ણયની ટીકા કરી તે પાછળ ઘણાં તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. રાષ્ટ્રીય લોકદળની વોટબેંકમાં મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે. જો જયંત ચૌધરી નેમ પ્લેટના વિવાદમાં મૌન રહે તો પાર્ટીના મુસ્લિમ નેતાઓ જ નારાજ થઈ શકે તેમ હતા. તેમની નારાજગીથી બચવા માટે આખરે જયંતે ટીકા કરવાનું યોગ્ય માન્યું હતું.

-ઈન્દર સાહની


Google NewsGoogle News