દિલ્હીની વાત : પાકિસ્તાન સેનાના પ્રમુખનો અંત ઓસામા બિનલાદેન જેવો જ આવશે
નવીદિલ્હી : કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા પછી અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટીટયુટ (એઇઆઇ)ના સિનિયર ફેલો માઇકલ રુબીને પાકિસ્તાન બાબતે એક ચોકાવનારૂ નિવેદન આપ્યું છે. એમણે અમેરિકાને આતંકવાદી દેશ જાહેર કરવા માટે અને પાકિસ્તાન સેનાના વડા જનરલ અસીમ મુનીરને આતંકવાદી જાહેર કરવાની માંગણી કરી છે. માઇકલ રુબીને કહ્યું છે કે, 'ઓસામા બિનલાદેન અને અસીમ મુનીરમાં એટલો જ ફરક છે કે ઓસામા ગુફામા રહેતો હતો જ્યારે અસીમ મુનીર મહેલમાં રહે છે. બંનેનો ઇરાદો સરખો છે અને એટલે બંનેનો અંત પણ સરખો જ આવવો જોઈએ. પાકિસ્તાનને હવે વધુ સમય નિર્દોષ માનવાની જરૂર નથી. તમે ડુક્કર ઉપર લિપસ્ટીક લગાડશો તો પણ એ ડુક્કર જ રહેશે.'
વીજળીની માંગ વધતા દિલ્હી સરકાર ટેન્શનમાં
દિલ્હી પોતાની વીજળી વ્યવસ્થા માટે પડોશી દેશ પર આધાર રાખે છે. દિલ્હીને ૮૫ ટકા વીજળી બીજા રાજ્યોમાંથી મળે છે. દિલ્હીમાં વીજળીની માંગ લગાતાર વધી રહી છે. ગયા વર્ષે આ માંગ ૮૬૦૦ મેગા વોટથી ઉપર પહોંચી ગઈ હતી. આ વર્ષે આ માંગ ૯૦૦૦ મેગા વોટથી વધી શકે છે. વધતી રહેલી માંગ પૂરી કરવા માટે સોલાર એનર્જી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જોકે આ દિશામાં ખાસ પ્રગતિ થઈ નથી. છેલ્લા ૧૦ વર્ષોમાં ૨૦૦૦ મેગા વોટ સોલાર એનર્જીનું ઉત્પાદન કરવાનું નક્કી થયું હતું. જોકે માત્ર ૧૬ ટકા કામ જ થઈ શક્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૫માં માત્ર ૭ મેગા વોટ સોલાર એનર્જી જ ઉત્પન્ન થઈ હતી. આમ આદમી પાર્ટીએ કરેલું આયોજન નિષ્ફળ જવાથી હમણાની ભાજપ સરકારે પણ મોટી મોટી વાત કરી હતી. હવે તત્કાલીન સરકારને ચિંતા છે કે નક્કી કરેલી સોલર એનર્જી પેનલની ખાધ કઈ રીતે પૂરી કરવી.
આતંકવાદી હુમલાને કારણે પાકિસ્તાની એક્ટરોને પણ આઘાત
કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની ટીકા બોલિવુડના સ્ટાર્સ પણ કરી રહ્યા છે. શાહરૂખ ખાનથી માંડીને સલમાન ખાન અને સની દેઓલે પીડિતોને ન્યાય અપાવવા માટે માંગણી કરી છે. હવે પાકિસ્તાનના ફિલ્મસ્ટારોએ પણ ભારતને સમર્થન કર્યું છે. જોકે કેટલાકનું એમ માનવું છે કે આતંકવાદી હુમલાની ટીકા કરનાર પાકિસ્તાની અદાકરોમાંથી કેટલાક હિન્દી ફિલ્મમાં કામ કરતા હોવાથી એમના માટે છૂટકારો નથી. 'અબીલ ગુલાલ' ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરવાની તૈયારી કરી રહેલા પાકિસ્તાની અદાકાર ફવાદ ખાને પહેલગામમાં થયેલા હુમલા બાબતે ગુસ્સો વ્યક્ત કરીને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર જાણીને મને ખૂબ દુઃખ થયું છે. મારી સંવેદના પીડિતોના કુટુંબીજનો સાથે છે. આ મુશ્કેલ સમયમાં એમને હીમત રાખવાની શક્તિ ભગવાન આપે એવી હું પ્રાર્થના કરુ છું.'
સિંધુ પાણી કરાર અટકાવવાથી પાકિસ્તાનને કેટલી અસર થશે
કાશ્મીરમાં થયેલા આતકવાદી હુમલાના પ્રત્યાઘાતરૂપે ભારત સરકારે સિંધુ પાણી કરાર સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે. જાણકારોના કહેવા પ્રમાણે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની આર્થિક કમર તૂટી શકે એમ છે. આનો મતલબ એમ નથી કે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી તાત્કાલીક નહીં મળે જોકે હવે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી પૂરુ પાડવાની જવાબદારી ભારતના શિરે નહીં રહે. ભવિષ્યમાં ભારત સિંધુ નદી પર બંધ બાંધીને પાણી રોકવા સ્વતંત્ર હશે. જો આમ થાય તો પાકિસ્તાન પર મોટુ સંકટ આવી શકે એમ છે. પાકિસ્તાની ઇકોનોમીનો મોટો આધાર ખેતી પર છે. પાકિસ્તાનની ખેતી સિંધુ નદીના પાણી પર આધારીત છે. ભારતે પાકિસ્તાન સાથે કરાર કરીને સિંધુ નદી ઉપરાંત જેલમ અને ચીનાબ નદીનું પાણી પૂરુ પાડવાની જવાબદારી પણ લીધી હતી. હવે પાકિસ્તાનનો મોટો પ્રદેશ સૂકો થઈ જાય એવી સંભાવના છે.
ઇડીના દરોડા મુદ્દે ટીએએસએમએસીની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી
તામિલનાડુ માર્કેટીંગ કોર્પોરેશન અને રાજ્ય સરકારે મદ્રાસ હાઇકોર્ટમાં કરેલી અરજી હાઇકોર્ટે કાઢી નાખી છે. સરકારી આલ્કોહોલના વિક્રેતા તામિલનાડુ માર્કેટીંગ કોર્પોરેશનના વિવિધ સ્થળોએ ઇડીએ દરોડા પાડયા હતા. ટીએએસએમએસી આ દરોડાને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યા હતા. જસ્ટીસ એસ એમ સુબ્રમણ્યમ અને જસ્ટીસ કે રાજશેખરની બેન્ચે ટીએએસએમએસીની તરફથી થયેલી અરજીની સુનાવણી કરી હતી. હાઇકોર્ટે ઇડીને પીએમએલએ (ધ પ્રીવેન્સન ઓફ મની લોન્ડરીંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. બેન્ચે કહ્યું છે કે, ઇડીએ કરેલી કાર્યવાહી રાષ્ટ્રહિતમાં છે અને ટીએએસએમએસીએ કરેલો ગુનો માફ કરી શકાય એમ નથી. રાજકીય બદલાની ભાવનાથી ઇડીએ કાર્યવાહી કરી હોવાની દલીલ બેન્ચે ફગાવી દીધી હતી.
મંત્રાલયની સૂચના પછી પણ એરલાઇન્સોએ ભાડા ઘટાડયા નહીં
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા પછી કાશ્મીર છોડીને જવા માંગતા પર્યટકોની સુવિધા માટે હવાઇ મંત્રાલયે એરલાઇન્સોને એવી સૂચના આપી હતી કે, વખત જોઈને એરલાઇન્સોએ ભાડા વધારવા નહીં. મંત્રાલય પાસે ફરિયાદ આવી હતી કે ઘર વાપસી કરી રહેલા પર્યટકો પાસેથી કેટલીક એરલાઇન્સ ડબલ કરતા વધું ભાડુ વસુલ કરી રહી છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ મોટા ઉપાડે જાહેરાતો કરી દીધી હતી કે, એરલાઇન્સોને સૂચના આપી દેવામાં આવી છે કે એમણે ભાડુ વધારવું નહીં. જોકે એરલાઇન્સના સંચાલકો મંત્રીની વાત માનતા નથી એ સાબિત થઈ ગયું. ઘણા મુસાફરોએ ચૂકવેલા ડબલ ભાડાના સ્ક્રીનશોટ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
એમપીમાં ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારને ઘેરી
મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પ્રીતમ લોધીએ રાણી અવંતીબાઈ બલિદાન દિવસે કાર્યક્રમ કર્યો હતો અને શિવપુરીમાં સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ દરમિયાન કલેક્ટર સહિતના અધિકારીઓને ધમકી આપતા ભાજપના આ ધારાસભ્યએ કહ્યું કે આપણાં કામ નહીં થાય તો હું અધિકારીઓની વીજળી અને પાણી કાપી લઈશ. એસપી અને કલેક્ટરના કામ પર સવાલો ઉઠાવવાની સાથે સાથે પ્રીતમ લોધીએ સનસનીખેજ આરોપ મૂક્યો કે એસપી એક તરફી કાર્યવાહી કરે છે અને મારી હત્યા કરાવવા માગે છે. તેમના આ નિવેદનો પછી રાજ્યના રાજકારણમાં ચર્ચા જામી છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપના ધારાસભ્યના તેવર જોયા પછી રાજ્ય ભાજપ યુનિટ કાર્યવાહી કરશે.
આપમાં એક સમયના સાથીદારો સામ-સામે : પોલીસ ફરિયાદ
રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી - આ વાક્યને સાચી પાડતી ઘટનાઓ થોડા થોડા સમયે બનતી રહે છે. એવી જ ઘટના બની છે. એક સમયે અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ ગણાતા સુરેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા હતા. આપમાં તેમના સહયોગી રહેલા અને પછી પ્રતિસ્પર્ધી બનેલા વીરેન્દ્ર સિંહ કાદિયાન સામે તેમણે ધાક-ધમકી આપવાની ફરિયાદ દાખલ કરી છે. બંને કોઈ એક લગ્નમાં સાથે થઈ ગયા હતા અને ત્યાં કોઈ મુદ્દે માથાકૂટ થઈ હતી.
સીબીઆઇ 'વણનોતર્યા મહેમાન', તપાસનો અધિકાર નથી ઃ બંગાળ
પશ્ચિમ બંગાળની સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એમને માટે સીબીઆઇ 'વણનોતર્યા મહેમાન ' જેવી છે. રાજ્યમાં સીબીઆઇને તપાસ કરવાની છૂટ પાછી લઈ લીધા પછી રાજ્યના આંતરીક બાબતોની તપાસ સીબીઆઇ કરી શકે નહીં. પશ્ચિમ બંગાળના આસનસોલ - રાણીગંજ વિભાગમાં ગેરકાયદેસર કોલસાના વેપાર બાબતે સીબીઆઇએ તપાસ કરી હતી એની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી. જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે આ દલીલ સાંભળી હતી. જોકે બેન્ચે વધુ સુનાવણી માટે ૭મી મેની તારીખ આપી છે. રાજ્યોની સ્વાયત્તતા બાબતે આ સુનાવણી ખૂબ અગત્યની હોવાનું મનાય છે.
પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક થયું
પહલગામમાં આતંકવાદી હુમલો થયો એ પછી ભારત સરકાર એક્શનમાં આવી હતી. ભારતે પાકિસ્તાન સામે જે પગલાં ભર્યા એમાં એક પગલું પાકિસ્તાન સરકારનું સત્તાવાર એક્સ એકાઉન્ટ બ્લોક કરવાનું પણ હતું. ભારતમાં હવે સર્ચ કરવાથી પણ પાકિસ્તાન સરકારનું સત્તાવાર એક્સ એકાઉન્ટ દેખાશે નહીં. જોકે, સરકારની આ જાહેરાત પછી લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે એક્સ એકાઉન્ટ બ્લોક કરી દેવાથી કામ થઈ જતું નથી. પાકિસ્તાનને પાઠ ભણાવવાની જરૂર છે. જરૂરી બધી જ કાર્યવાહી કરવી જોઈએ.