For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : એલજી કેજરીવાલના સીસીટીવી જોતા હોવાનો આરોપ

Updated: Apr 25th, 2024

દિલ્હીની વાત : એલજી કેજરીવાલના સીસીટીવી જોતા હોવાનો આરોપ

નવીદિલ્હી : કેજરીવાલને અપાતા ખોરાકનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં નવો વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે જેલમાં અરવિંદ કેજરીવાલની જાસૂસી થઈ રહી છે. કેજરીવાલની જેલની એક્ટિવિટી પર દિલ્હીના ઉપરાજ્યપાલ નજર રાખી રહ્યા છે. આપના આરોપ પ્રમાણે એલજીને નિયમો તોડીને લિંક મોકલવામાં આવી રહી છે. આપના નેતા સંજય સિંહે તો આ મુદ્દે એલજી ઉપરાંત પીએમઓની સંડોવણી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેજરીવાલનો વિવાદ ચર્ચામાં રાખીને આપ દિલ્હીમાં માહોલ બનાવે છે. કેજરીવાલના ખોરાકથી લઈને સુગર લેવલ અને ઈન્સ્યૂલિનનો મુદ્દો એટલો ચગ્યો કે ભાજપે સતત બચાવની સ્થિતિમાં રહેવું પડે છે.

બૂથ જીતો, ચૂંટણી જીતો : યુપી-બંગાળમાં ભાજપનો વ્યૂહ

ઉત્તર પ્રદેશ ૮૦ બેઠકો સાથે સૌથી મોટું અને મહત્ત્વનું રાજ્ય છે. ભાજપે ૨૦૧૪માં ૭૧ બેઠકો ને ૨૦૧૯માં ૬૨ બેઠકો મેળવી હતી. આ વખતે ઈન્ડિયા ગઠબંધનના કારણે મતોનું વિભાજન અટકશે તો શું પરિણામ આવશે તેના પર સૌની નજર છે. આ વખતે ૭૫ બેઠકોનો ટાર્ગેટ અપાયો છે. એ માટે ભાજપે કાર્યકરોને નવી વ્યૂહ રચના સમજાવી છે. બૂથ જીતો, ચૂંટણી જીતો - એવું સૂત્ર દરેક બૂથના કાર્યકરોને અપાયું છે. આખા રાજ્ય કે એક બેઠકનું વિચારવાને બદલે માત્ર બૂથ પર ધ્યાન કેન્દ્રિત કરો એવું સ્થાનિક નેતાઓને કહી દેવામાં આવ્યું છે. બૂથમાં બીજી બધી પાર્ટી કરતાં લીડ મળશે તો બેઠકમાં લીડ આપોઆપ મળી જશે એવી ગણતરી ભાજપે માંડી છે. એ જ સ્ટ્રેટેજી ભાજપે બંગાળમાં પણ અપ્લાઈ કરી છે.

બંગાળમાં હિન્દુત્વ સામે મમતાનું 'હિન્દુ કાર્ડ'

મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીમાં બંગાળી અસ્મિતા, સીએએ, એનઆરસી, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ વગેરે મુદા ઉઠાવ્યા છે. ભાજપે બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિન્દુત્ત્વનો મુદ્દો આક્રમકતાથી ઉઠાવ્યો છે. બંગાળમાં હિન્દુત્ત્વના ફેક્ટરની અસર થતી જોઈને ટીએમસીએ એક મુદ્દો નવો જોડયો છે. મમતા બેનર્જીએ જે ઉત્તર બંગાળના વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બેઠકો મળી હતી ત્યાં જઈને સભામાં કહ્યું હતું કે અહીંથી ભાજપને બેઠકો કેમ મળી? શું હું હિન્દુ નથી? મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું બંગાળી હિન્દુ છું. દુર્ગા પૂજા કરું છું. રામ-કૃષ્ણને માનું છું. ભાજપના હિન્દુત્ત્વ સામે મમતા દીદીએ હિન્દુ કાર્ડ આગળ કરીને આ વિસ્તારમાં બીજેપીનો પગપેસારો અટકાવવાની મથામણ આદરી છે.

તેજસ્વી-પપ્પુની લડાઈમાં એનડીએ ફાવી જશે

બિહારમાં પુર્ણિયાની બેઠકમાં એનડીએ ગઠબંધનન વતી જેડીયુએ વર્તમાન સાંસદ સંતોષ કુશવાહાને રિપીટ કર્યા છે. પાંચ વખત ધારાસભ્ય બનેલા બીમા ભારતી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. કોંગ્રેસના પૂર્વ નેતા પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવીને આખાય જંગને રસપ્રદ બનાવ્યો છે. પુર્ણિયાની બેઠક તેજસ્વી માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. પપ્પુ યાદવનું પત્તુ કાપવા માટે કોંગ્રેસ સાથે સીટ શેટિંગમાં તેજસ્વી મક્કમ રહ્યા હતા. એ જ પપ્પુ યાદવના કારણે હારી જવાય એવું આરજેડીને પસંદ નથી. તેજસ્વી આક્રમક થઈને પપ્પુ યાદવને નિશાન બનાવે છે. બંને એકબીજાને ટાર્ગેટ કરે છે એનાથી એનડીએના ઉમેદવાર કુશવાહાને ફાયદો થઈ રહ્યો છે.

રાયબરેલીમાં પ્રિયંકા આવશે તો ભાજપ અપર્ણા કે વરૂણને ઉતારશે

રાયબરેલીની બેઠક પરથી કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને જ લડાવશે એવી અટકળો વહેતી થઈ છે. સોનિયા ગાંધી રાજ્યસભામાં જતાં ખાલી પડેલી એ બેઠક પરથી ગાંધી પરિવારના કોઈ સભ્યએ જ ચૂંટણી લડવી જોઈએ એવું સીનિયર કોંગ્રેસી નેતાઓ માનતા હતા. કહેવાય છે કે પ્રિયંકાના નામ પર મહોર લાગી ચૂકી છે. તો ભાજપે પણ મુલાયમ સિંહની પુત્રવધૂ અપર્ણા યાદવને મેદાનમાં ઉતારવાની તૈયારી આદરી દીધી છે. પ્રિયંકાના નામની જાહેરાત થાય તે પછી ભાજપ તુરંત જ એના પાના ખોલશે. અપર્ણા નહીં લડે તો વરૂણ ગાંધીને પણ મેદાનમાં ઉતારવાની વિચારણા ભાજપે કરી રાખી છે. આ બંને કિસ્સામાં રાયબરેલી સૌથી ચર્ચાસ્પદ બેઠક બનશે એ નક્કી છે.

એમપીમાં સારું પ્રદર્શન કરવા મોહન યાદવ પર દબાણ

શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપને રાજ્યમાં ભારે સફળતા મળી ચૂકી છે. ૨૦૧૪માં એમપીની ૨૯માંથી ૨૭ બેઠકો મળી હતી. કોંગ્રેસનો માત્ર બે બેઠકો પર વિજય થયો હતો. ૨૦૧૯માં કોંગ્રેસને ગુનાની એક બેઠક મળેલી. તે સિવાયની ૨૮ બેઠકો ભાજપના ખાતામાં આવી હતી અને સર્વોચ્ચ બેઠકો મેળવવાનો વિક્રમ નોંધાયો હતો. આ વખતે શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી નથી. હજુ ગત વર્ષે જ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો પછી શિવરાજને બદલે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવાયા છે. ભાજપે તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે એટલે મોહન યાદવ સામે સીએમ બન્યા પછી પહેલી વખત સારા દેખાવનું દબાણ છે.

***

પંજાબમાં ભાજપના ઉમેદવારો સામે ખેડૂતોનો આક્રોશ

પંજાબમાં ચુંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ ભાજપના ઉમેદવારો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સંગઠનોના વિરોધનો સામનો કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન સાથે સંકળાયેલા કેટલાંક ખેડૂત સંગઠનો ભાજપના ઉમેદવારોને તેમના પ્રશ્નોના જવાબો આપવા દબાણ કરીને તેમને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપના ફરીદકોટના ઉમેદવાર અને ગાયકમાંથી રાજનેતા બનેલા હંસરાજ હંસને ગિડરબાહાના એક ગામમાં પ્રચાર કરવા જવા દેવાયા ન હતા. નારાજ ખેડૂતોએ આ ભાજપના નેતાને રોકી દીધા હતા. હંસરાજને કહેવામાં આવ્યું હતું કે તે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી શકશો તો જ પ્રચાર કરવા જવા દેવાશે. હંસરાજ હંસે તેમને ધરપત આપી હતી ને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.

માયાવતીનો પશ્વિમ યુપીને અલગ રાજ્યનો વાયદો

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે જો જનતા તેમની પાર્ટીને કેન્દ્રમાં સરકાર બનાવવાની તક આપે છે, તો પહેલું કામ ઉત્તર પ્રદેશમાંથી પશ્ચિમી ભાગ અલગ કરીને જુદું રાજ્ય બનાવવાનું કરશે. એટલું જ નહીં, લખનઉ બેંચની જેમ મેરઠમાં હાઈકોર્ટની બેંચની સ્થાપના કરવામાં આવશે. તમામ બેરોજગાર, દલિત, મુસ્લિમ, ગરીબ યુવાનોને કાયમી રોજગાર એટલે કે સરકારી નોકરીઓ આપવામાં આવશે. મેરઠમાં માયાવતીએ સભા સંબોધી ત્યારે આ વાયદો કરીને ચર્ચા જગાવી છે. બસપા સુપ્રીમોએ ભાજપ-કોંગ્રેસ અને સપા એમ બધા જ પક્ષોની ઝાટકણી કાઢી હતી. કેન્દ્રએ પશ્વિમ યુપીનો વિકાસ કર્યો ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

20 વર્ષમાં પહેલી વખત કેસીઆર બેઅસર

આ વખતે તેલંગાણામાં લોકસભાની ચૂંટણી એ અર્થમાં નિરાળી છે કે ભારત રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવ અને તેમના સમર્થક નેતાઓ લોકસભાની ચૂંટણીમાં બેઅસર છે. રાજ્યમાં કેસીઆરનો કોઈ જ પ્રભાવ જણાતો નથી. કેસીઆર કેટલાય વખતથી તેલંગણા રાષ્ટ્ર સમિતિ બનાવીને અલગ રાજ્યની માગણી કરતા હતા. ત્યારથી જ તેમના સમર્થકો વધ્યા હતા અને આંધ્રપ્રદેશમાં તે વખતે આજે જે તેલંગણાનો વિસ્તાર છે ત્યાં તેમનો મજબૂત રાજકીય બેઝ બન્યો હતો. અલગ રાજ્યની માગણીના કારણે કેસીઆરનું રાજકીય મહત્ત્વ વધ્યું હતું તે આ વખતે ઓસરી ગયું છે. કેસીઆર અને તેમની પાર્ટીનો તેલંગણામાં કોઈ જ પ્રભાવ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં દેખાતો નથી.

- ઇન્દર સાહની

Gujarat