Get The App

દિલ્હીની વાત : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આંચકો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આંચકો 1 - image


નવીદિલ્હી : મહારાષ્ટ્રર્ન વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકારણીઓ રંગ બદલી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં પુત્ર પિતાથી અલગ થઈને બીજા પક્ષમાં સામેલ થઈ રહ્યા છે તો કેટલાક સ્થાનિક નેતાઓ ચૂંટણી લડવા માટે વિરોધ પક્ષો સાથે હાથ મેળવી રહ્યા છે. આ આયારામ ગયારામની રમતમાં ભાજપને મોટો ફટકો પડયો છે. કોકણના સિંદુદુર્ગ વિસ્તારના ભાજપના એક મોટા નેતાના પુત્ર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે જોડાઈ ગયા છે. નવી મુંબઈમાં ભાજપના ભૂતપૂર્વ મંત્રી ગણેશ નાઇકના પુત્ર સંદિપ નાઇક એનસીપી (શરદ પવાર)માં જોડાઈ ગયા છે. ભાજપએ સંદિપ નાઇકને ટિકિટ નહીં આપી એટલે સંદિપે ભાજપમાંથી રાજીનામુ આપીને શરદ પવારનો હાથ પકડયો છે. હવે ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે શિવસેના (એકનાથ શિંદે) સાથે જોડાવાની તૈયારીમાં છે.

મહાયુતિ ગઠબંધનમાં ડખો, ભાજપ નવાબ મલિકનો વિરોધ કરશે

મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલારે જાહેર કર્યું છે કે ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી (અજીત પવાર)ના નેતા નવાબ મલિકની ઉમેદવારીનો વિરોધ કરશે. શેલારે કહ્યું છે કે જે વ્યક્તિનો સંબંધ દાઉદ ઇબ્રાહીમ જેવા આંતકવાદી સાથે હોય એને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ એ ચલાવી લેશે નહીં. એક મુલાકાત દરમિયાન એમણે કહ્યું હતું કે, ભાજપ મલિકને ટેકો નહીં આપે. નવાબ મલિકને એનસીપી (અજીત પવાર) માનખુર્દ - શિવાજી નગર મત વિસ્તારમાંથી ટિકિટ આપી શકે એમ છે. જો ભાજપ નવાબ મલિકનો વિરોધ કરશે તો સામે અજીત પવાર પણ ભાજપના કોઈક ઉમેદવાર બાબતે અસંતોષ જાહેર કરી શકે છે.

એમવીએમાં ટિકિટ વહેંચણી મુદ્દે સમજૂતિ, કોંગ્રેસને વધુ બેઠકો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવે થોડા દિવસો બાકી રહી ગયા છે ત્યારે મહાવિકાસ અઘાડીએ એક લાંબી મીટીંગ પછી ત્રણે પક્ષો વચ્ચે બેઠકની વહેચણી બાબતે સહમતિ સાધી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે જાહેરાત કરી છે કે, થોડા સમયમાં જ ત્રણે પક્ષો પોતાના ઉમેદવાર બાબતની જાણકારી મીડિયાને આપશે. ત્રણે પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે સહમતિ સાધવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. એનસીપી (શરદ પવાર)ને સૌથી ઓછી બેઠકો ફાળવવામાં આવી છે. મુંબઈ શહેરમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને સૌથી વધુ બેઠકની ફાળવણી થઈ છે. કોંગ્રેસ લગભગ ૧૦૮ બેઠકો પર અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ૯૦થી ૯૫ બેઠકો પર ચૂંટણી લડશે.

તામિલનાડુના ઉપમુખ્યમંત્રીએ હિન્દી ભાષા થોપવાનો આક્ષેપ કર્યો

તામિલનાડુમાં હિન્દી મહોત્સવ દરમિયાન 'તામિલ થાઈ વાજ્થુ' ગવાતુ હતુ ત્યારે દ્રવિડ શબ્દ ગાવાનું રહી ગયું હતું. આ મામલે રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે. આ બાબતે રાજ્યપાલ આરએન રવી અને કેન્દ્ર સરકાર સામે આક્ષેપો થઈ રહ્યા છે. હવે ઉપમુખ્યમંત્રી ઉદય નીધિ સ્ટાલિને નવપરીણીતોને સલાહ આપી છે કે જબરજસ્તીથી હિન્દી લાદવાની કોશિષ સામે દંપતીઓએ બાળકોના નામ તામિલ ભાષા પરથી જ રાખવા. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ દ્રવિડ શબ્દ રહી ગયો હોવાની ભૂલને તામિલ ભાષાનું અપમાન ગણાવ્યું હતું. સ્ટાલિનના કહેવા પ્રમાણે રાજ્યપાલને દ્રવિડ સામે એલર્જી છે અને કેન્દ્ર સરકારે એમને વહેલી તકે હટાવી દેવા જોઈએ. 

યોગી આદિત્યનાથ ખાનગીમાં મોહન ભાગવતને મળ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા ખાતે સંઘપ્રમુખ મોહન ભાગવત સાથે ખાનગીમાં લાંબી મુલાકાત કરી છે. એમ મનાય છે કે, ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી સહિત બીજા ઘણા મુદ્દા પર યોગીએ સંઘના વડા સાથે વાતચીત કરી હતી. ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીની ૯ બેઠકો માટે ઉમેદવારોના નામ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. યોગી અને ભાગવતની આ મુલાકાતના સમાચાર જાણ્યા પછી દિલ્હીમાં બેઠેલા ભાજપના ટોચના નેતાઓના ભવા સંકોચાયા છે. પોતાના સૂત્રો મારફતે તેઓ જાણવાની કોશિષ કરી રહ્યા છે કે યોગી અને મોહન ભાગવત વચ્ચે મીટીંગમાં કઈ ખાનગી વાત થઈ હતી.

પૂણેથી પકડાયેલા પાંચ કરોડ મુખ્યમંત્રીના ખાસ ધારાસભ્યના 

મહારાષ્ર્ના પૂણે ખાતેથી પોલીસે એક વાહનમાંથી રૂપિયા પાંચ કરોડની રોકડ જપ્ત કરી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી આચાર સંહિતા લાગુ પડી છે. આવકવેરા વિભાગે પણ આટલી મોટી રકમના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે આક્ષેપ મૂક્યો છે કે આ રૂપિયા શિવસેના (એકનાથ શિંદે)ના ધારાસભ્ય સાહજી બાપુ પાટીલના છે. રાઉતના કહેવા પ્રમાણે પોલીસે રૂપિયા દસ કરોડની રકમ સાથેનું એક બીજુ વાહન પણ રોક્યું હતું, પરંતુ રોકડ જપ્ત કરી નહોતી. સત્તાધારી પક્ષ ચૂંટણી પહેલા પૈસા વહેચી રહ્યો છે. સત્તાધારી પક્ષના ૧૫૦ ધારાસભ્યોને ૫૦ કરોડ રૂપિયા અપાઈ રહ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હજી સુધી આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી.

બિહારમાં ભાજપના કારણે નીતિશ ઘેરાયા : વિપક્ષોના નિશાના પર

બિહારના રાજકારણની તાસીર જરા જુદી છે. દેશના અન્ય ભાગોની જેમ હિન્દુત્ત્વનું કાર્ડ ત્યાં એ રીતે પ્રભાવી બનતું નથી. એના બદલે જાતિ-જ્ઞાાતિના સમીકરણો અને સ્થાનિક નેતાઓની દબંગાઈ વધુ અસર કરે છે. એ બધા વચ્ચે ભાજપના નેતા ગિરિરાજ સિંહે બિહાર ભાજપની અનિચ્છા થતાં હિન્દુ સ્વાભિમાન યાત્રા કાઢી છે. ગિરિરાજ સિંહ આક્રમક, કટ્ટર નિવેદનો આપવા માટે જાણીતા છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર ભીંસમાં મૂકાયા છે. ભાજપના સહયોગી હોવાથી લાલુ પ્રસાદ સહિત બિહારના વિપક્ષના નેતાઓ ભાજપ અને નીતિશ કુમાર પર કટ્ટરવાદનું રાજકારણ કરવાનો આરોપ લગાવે છે. નીતિશ કુમાર પર હિન્દુ-મુસ્લિમનું રાજકારણ કરવાનો આરોપ લાગે તો તેને મુસ્લિમ મતબેંક પર ફટકો પડે એટલે નીતિશ કુમાર એવા ફસાયા છે કે હવે ખુલાસા કરતા ફરે છે. તેમણે પોતાનો પક્ષ રાખવા માટે જેડીયુના વિશ્વાસુ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.

ડોક્ટરની હડતાલ અટકતી ન હોવાાથી મમતાના તેવર ઘટી ગયા

બંગાળના સીએમ મમતા બેનર્જી તેમના આક્રમક મિજાજ માટે જાણીતા છે. કેન્દ્રને ટક્કર આપતા મુખ્યમંત્રીઓમાં મમતા બેનર્જીનું નામ પહેલું મૂકવું પડે. ભાજપ સામે પોતાનો ગઢ જાળવી રાખવામાં મમતા બેનર્જી અત્યાર સુધી સફળ થયા છે એટલે વિપક્ષના નેતાઓમાં તેમને અલગ રિસ્પેક્ટ મળે છે, પરંતુ આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ-મર્ડરની ઘટના પછી આખાય રાજ્યોમાં જુનિયર ડોક્ટરો વિફર્યા છે અને સિનિયર ડોક્ટરોનો પણ એમાં સાથ મળ્યો. આ હડતાલ અને દેખાવો ધારણા કરતાં લાંબાં ચાલ્યા. મમતા બેનર્જીએ ખુદ હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છતાં હજુય દેખાવો શમ્યા નથી. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું કે મમતા બેનર્જીની આક્રમકતા ઘટી ગઈ છે. ડોક્ટરોની હડતાલના કારણે મમતાના તેવર ઓછા થયા છે અને તેઓ નરમ પડેલા જણાય છે.

બંગાળમાં ભાજપ-ટીએમસીનું ઘર્ષણ જેપીસી મીટિંગમાં દેખાયું

પશ્વિમ બંગાળમાં ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે વારંવાર હિંસક અથડામણો થતી હોય છે. અત્યારે ડોક્ટરોની હડતાલના મુદ્દે ભાજપના નેતાઓ ટીએમસીની મમતા બેનર્જીની સરકારને ઘેરી રહ્યા છે. ટીએમસીના ઘણાં નેતાઓ આ હડતાલને ભાજપ પ્રેરિત ગણાવે છે. એ બધા વચ્ચે વકફ મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી ત્યારે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ચકમક ઝર્યા હતા. અભિજિત ગંગોપાધ્યાય કલકત્તા હાઈકોર્ટના જજ હતા ત્યારથી ટીએમસી સરકારને વાંધો પડતો હતો. તેમણે રાજીનામું આપીને ભાજપ જોઈન કર્યા બાદ સાંસદ બન્યા છે. જેપીસીના સભ્યો કહે છે કે બેનર્જી ગંગોપાધ્યાય વચ્ચે ચકમક ઝર્યા એમાં બંગાળમાં ભાજપ-ટીએમસીના ઝઘડાનું પ્રતિબિંબ દેખાય છે.

દિવાળી પહેલાં દિલ્હીમાં એક વિડીયોના કારણે કોમી તંગદિલી

દિલ્હીમાં જામિયા મીલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં દિવાળીનું સેલિબ્રેશન ચાલતું હતું એ વખતે બે ગુ્રપ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘર્ષણનો વિડીયો સામે આવ્યો પછી દિવાળીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ દિવાળીનું સેલિબ્રેશન રાખ્યું હતું. ઉજવણી માટે તૈયાર થયેલી રંગોળી સાથે કેટલાક વિદ્યાર્થીઓએ છેડછાડ કરી હતી એટલે બોલાચાલી થઈ હતી. જોકે, આ આખી ઘટનાને રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યો છે. કેટલાક નાગરિકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટનગરમાં માહોલ બનાવવામાં આવી રહ્યો છે. કેટલાક કહે છે કે યુનિવર્સિટીઓમાં જેમ વિદ્યાર્થીઓના ગુ્રપ વચ્ચે સાધારણ ઘર્ષણની ઘટનાઓ બનતી હોય છે એવી જ આ ઘટના છે. તેને રાજકીય રંગ આપવો ન જોઈએ.

- ઈન્દર સાહની


Google NewsGoogle News