Get The App

દિલ્હીની ચૂંટણીમાં આપ - ભાજપ વચ્ચે તૂતૂ મેંમેં

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
દિલ્હીની ચૂંટણીમાં આપ - ભાજપ વચ્ચે તૂતૂ મેંમેં 1 - image


નવીદિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ત્રણે પક્ષોએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કરવાના શરૂ કર્યા છે. મુખ્યમંત્રી આતિશી મારલેનાએ ચૂંટણી કમિશનરને એક કાગળ લખ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મારપીટ કરવા બાબતે મુખ્યમંત્રીએ આ કાગળમાં ફરીયાદ કરી છે. આતિશીએ લખ્યું છે કે, પોલીસ રમેશ બિઘુડી અને તેમના ભત્રીજાઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. ખોટા નિવેદનો પર આપના કાર્યકરોને દબાણ આપીને સહી કરાવવામાં આવે છે. એસએચઓ ગોવિંદપુરી ધર્મવિર અને જવાબદાર અધિકારીઓને તરત ટ્રાન્સફર કરવાની માંગણી પણ આતિશી મારલેનાએ કરી છે. બીજી તરફ ભાજપના નેતા આરપીસિંહે પ્રતિ આક્ષેપ કર્યો છે કે 'જો આતિશી પાસે કોઈ સાબિતી હોય તો એમણે સાબિતી રજૂ કરવી જોઈએ. આતિશી મારલેનાએ તથ્ય આધારીત આક્ષેપો કરવા જોઈએ. પુરાવા વગરનો આક્ષેપ કરવાનો કોઈ અર્થ નથી. આતિશી જાણે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે એટલે આક્ષેપો કરે છે.'

મહાકુંભના મેળામાં સિનિયર અધિકારીઓનો પણ કલ્પવાસ

મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પુણ્ય કમાવાની દોડમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ પાછળ રહ્યા નથી. સંગમની રેતી પર ઘણા ઉચ્ચ અધિકારીઓ કલ્પવાસ કરી રહ્યા છે. ડીએમથી માંડીને મુખ્ય સચીવ સુધીના અધિકારીઓએ મહાકુંભ મેળામાં ધામા નાંખ્યા છે. બે ડઝનથી વધારે આઇએએસ, આઇપીએસ અધિકારીઓ સંકલ્પ સાથે કલ્પવાસ કરી રહ્યા છે. સૈન્યના નિવૃત્ત અધિકારીઓ પણ મોટી સંખ્યામાં મેળામાં સાધના કરી રહ્યા છે. આ અધિકારીઓ પોતાના કુટુંબીજનો સાથે સંગમની રેતી પર લાગેલી શિબિરોમાં રહીને સંગમમાં ડુબકી માર્યા પછી પૂજા-પાઠ કરી રહ્યા છે. સંગમ ખાતે ડયુટી કરી રહેલા અધિકારીઓ પણ અવસર ગુમાવવા માંગતા નથી. ડયુટી નિભાવવાની સાથે તેઓ પણ ઉપવાસ અને પૂજા પાઠ કરી રહ્યા છે.

પંજાબ સરકારના અધિકારીઓ સામે કોર્ટના અપમાનની ફરિયાદ સુપ્રિમનો સ્ટે

સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારના અધિકારીઓ સામે કોર્ટનું અપમાન કરવાની થયેલી અરજી પર સ્ટે મૂકી દીધો છે. આ અરજીમાં પૂર્વ ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ નહીં કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. દલ્લેવાલ ૨૦૨૪ની ૨૬ નવેમ્બરથી ભૂખ હડતાળ પર છે. આ પહેલા સુપ્રિમ કોર્ટે જગજીતસિંહના આરોગ્યનો રીપોર્ટ આપવા માટે પંજાબ સરકારને કહ્યું હતું. જોકે હવે ખેડૂત નેતા સારવાર લેવા માટે તૈયાર થઈ ગયા છે અને બીજા પ્રદર્શનકારી ખેડૂતો પણ પોતાની માંગ બાબતે કેન્દ્ર સરકારે ખાતરી આપી હોવાથી વાતચીત કરી રહ્યા છે. જસ્ટીસ સૂર્યકાંત, જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ ઉજ્વલ ગુઇયાની બેંચે સમગ્ર કેસમાં સકારાત્મક પ્રગતિ થઈ હોવાથી આગલી સુનાવણી સુધી સ્ટે આપ્યો છે. 

મમતાની બેઠકમાં ભાજપ નેતા બારલા હાજર, ટીએમસીમાં જોડાય એવી શક્યતા

ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સિનિયર નેતા જોન બારલા પશ્ચિમ બંગાળના અલિપુરદ્વાર ખાતે મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહ્યા હતા. જોન બારલા અને મમતા બેનર્જીની નજીકથી જોનારાઓ માની રહ્યા છે કે જોન બારલા ટૂક સમયમાં ટીએમસીમાં જોડાશે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બારલાને ભાજપએ ટીકીટ આપી નહોતી. બારલાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'મમતા બેનર્જી રાજ્યના રક્ષક છે. જો મારે ઉત્તર બંગાળના વિકાસ માટે કામ કરવાનું હોય તો મમતા બેનર્જીના નેતૃત્વ વગર એ કામ થઈ શકે નહીં.' આ પહેલા બારલાએ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદાર જેવા નેતાઓ સાથે સમાધાન કરવાની વાત નકારી કાંઢી હતી. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં બારલાએ અલિપુરદ્વારથી ટીએમસીના દશરથ ટીરકીને હરાવ્યા હતા. ત્યાર પછી ભાજપ સરકારે બારલાને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનાવ્યા હતા.

મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી પર સંજય રાઉતના પ્રહાર

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના બહ ુબોલકા સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંત પર નિશાન સાધ્યું છે. એમણે સામંતને ટોણો મારતા કહ્યું હતું કે, સામંત ભટકતો આત્મા છે. સામંત હમણા દાવોસના શિખર સંમેલનમાં હાજરી આપવા ગયા છે. આ બાબતે રાઉતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજુઆત કરી છે કે સામંતને દાવોસથી પાછા બોલાવી લેવામાં આવે. સામંત રાજ્ય માટે કામ કરવાને બદલે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને તોડવાની કામગીરી કરવામાં વ્યસ્ત છે. રાઉતે કહ્યું કે, 'દાવોસથી આર્થિક રોકાણ મામલે મગજ દોડાવાને બદલે સામંત એવી વાતો કરી રહ્યા છે કે ઉપમુખ્યમંત્રી (એકનાથ શિંદે) સાથે કોણે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ સામંતને મુંબઈ પાછા બોલાવી લેવા જોઈએ.

હિન્દુ આચાર સંહિતા એક લાખ સનાતનીઓને વહેંચાશે

મહાકુંભના ઇતિહાસમાં પહેલી વખત ૧ લાખ સનાતનીઓને હિન્દુ આચાર સંહિતા વહેચવામાં આવશે. કાશિના વિદ્વાનો દ્વારા તૈયાર કરવામાં આવેલી આચાર સંહિતા પર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને બીજા સંતોએ મહોર લગાડી છે. મૌની અમાવસ્યા પછી સંત સંમેલનમાં વિહિપ આ આચાર સંહિતા જાહેર કરશે. ૧૫ વર્ષો સુધી ધર્મગ્રંથોના અભ્યાસ બાદ કાશિ વિદ્વત પરિષદની ટીમે આ આચાર સંહિતા તૈયાર કરી છે. ૩૦૦ પાનાની આ આચાર સંહિતામાં હિન્દુ સમાજની કેટલીક કુરિતીઓ તેમજ વૈવાહીક વ્યવસ્થા બાબતે પણ સૂચનાઓ હશે. દેશભરમાંથી આવેલા સંતો સમક્ષ આ આચાર સંહિતા લોકાર્પિત કરવામાં આવશે. સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીના કહેવા પ્રમાણે ૩૫૧ વર્ષ પછી હિન્દુ સમાજ માટે આચાર સંહિતા તૈયાર કરવામાં આવી છે.



Google NewsGoogle News