મોદી ટ્રમ્પ પર બદનક્ષીનો દાવો નહીં માંડે તો હું મોદીને નોટિસ મોકલીશ : સ્વામી
નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા તરફથી મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતને ૨૧ મિલિયન ડોલરની મદદ મળી રહી હતી. જોકે આ ફંડ ભારત નહીં પણ બાંગ્લાદેશ માટે હોવાનો અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે ઘટસ્ફોટ કર્યો છે. એવામાં ભાજપના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટી જાહેરાત કરી છે. સ્વામીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી કોઇ જ ફંડ અમેરિકા તરફથી ભારતને નથી મળ્યું તેવી સ્પષ્ટતા કરે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બદનક્ષીની નોટિસ મોકલે, જો મોદી આવુ નહીં કરે તો જાહેર હિતને ધ્યાનમાં રાખીને હું નરેન્દ્ર મોદીને કારણ બતાવો નોટિસ મોકલીશ, એટલુ જ નહીં કોર્ટમાં ક્રિમિનલ કેસ પણ કરીશ.
દિલ્હીમાં રેખા ગુપ્તાએ ઘણી ચેલેન્જનો સામનો કરવો પડશે
૨૭ વર્ષ પછી દિલ્હીમાં સત્તા પર આવેલા ભાજપ સામે ઘણી ચેલેન્જ છે. યમુના નદિના પ્રદુષણનો પ્રશ્ન મોટો છે. લોકોની અપેક્ષા છે કે નવી સરકાર સૌથી પહેલા યમુના નદિને પ્રદુષણ મુક્ત કરે. એ સિવાય હવાના પ્રદુષણની સમસ્યા પણ મોટી છે. કચરાના પહાડો તેમ જ બિસ્માર રસ્તાને પણ યોગ્ય કરવાના છે. રેખા ગુપ્તા પાસે કોઈ જાદુઇ લાકડી નથી. દિલ્હીની તમામ સમસ્યાઓનું નિરૂપણ લાવતા સમય લાગી જશે. રેખા ગુપ્તાને બહારની સમસ્યાઓનો સામનો તો કરવાનો જ છે, પરંતુ પક્ષના કેટલાક અસંતુષ્ટો પણ વખત આવ્યે એમની સામે મોરચો ખોલી શકે છે.
બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ કનૈયાકુમારને ઉતારશે, તેજસ્વીને ટેન્શન
દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસને મળેલી હાર પછી હવે વર્ર્ષના અંતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ નવી વ્યૂહનીતિ ઘડી રહી છે. રાહુલ ગાંધી સહિત બીજા કોંગ્રેસના નેતાઓ પણ સક્રીય થયા છે. એમ મનાય છે કે, બિહાર ચૂંટણીનું નૈતૃત્વ રાહુલ ગાંધી કરશે. કોંગ્રેસ બિહારની ચૂંટણીમાં કનૈયાકુમારને ઉતારે એવી શક્યતા પણ છે. કનૈયાકુમાર જ્યારે સીપીઆઇ છોડીને કોંગ્રેસમાં જોડાયા ત્યારે એમ મનાતું હતું કે કોંગ્રેસ કનૈયાકુમારને બિહારમાં પોતાનો ચહેરો બનાવશે. જોકે અત્યાર સુધી કોંગ્રેસે કનૈયાકુમારને બિહારમાં કોઈ જવાબદારી સોંપી નહોતી. બિહારમાં કનૈયાકુમારને ચહેરો બનાવવાની વાત કોંગ્રેેસીઓએ કરી એને કારણે તેજસ્વી યાદવ પણ સચેત થઈ ગયા છે. તેજસ્વી યાદવ પોતાને બિહારનો યુવા ચહેરો માને છે ત્યારે એમણે કદાચ કનૈયાકુમાર સાથે સ્પર્ધા કરવી પડે એમ છે.
તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીનના મોદી સરકાર પર પ્રહાર
નવી શિક્ષણ નીતિ (એનઇટી) બાબતે તામિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. તામિલનાડુના મુખ્યમંત્રી એન કે સ્ટાલીને આ બાબતે ફરી એકવાર મોદી સરકાર વિરૂદ્ધ પ્રહાર કર્યા છે. સ્ટાલીને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર જો તામિલનાડુને ૧૦ હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર થશે તો પણ સ્ટાલીન તામિલનાડુમાં એનઇટી લાગુ નહીં કરે. એનઇટીનો વિરોધ ફક્ત હિન્દી ભાષા ઘૂસાડવાને કારણે નથી, પરંતુ બીજા ઘણા કારણો છે. નવી શિક્ષણ નીતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સામાજીક ન્યાય પર પણ ગંભીર અસર થશે. એનઇટીને કારણે વિદ્યાર્થીઓ પોતાનું ભણતર છોડવા માટે મજબુર થશે. તામિલનાડુમાં ડીએમકે સિવાય કોંગ્રેસ અને સામ્યવાદીઓ પણ નવી શિક્ષણ નીતિનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ આરએસએસનું કહેવું છે કે ડીએમકે પોતાના સ્વાર્થ માટે હિન્દીનો વિરોધ કરી રહ્યા છે.
પક્ષમાં થતી અવગણનાથી થરૂર પરેશાન, રાહુલને પૂછયો સવાલ
કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂર વિદ્વાન હોવા છતાં વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને કોંગ્રેસને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકે છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ શશી થરૂરની અવગણના કરતા રહે છે. નારાજ થયેલા શશી થરૂરે રાહુલ ગાંધીને સવાલ કર્યો છે કે પક્ષમાં તેમની ભૂમિકા શું છે. રાહુલ ગાંધીએ જોકે શશી થરૂરને સ્પષ્ટ જવાબ આપ્યો નથી. નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાબતે તેમ જ સામ્યવાદી સરકારના વખાણ કરવાને કારણે શશી થરૂર જયરામ રમેશના નિશાન પર છે. પક્ષમાં થઈ રહેલી અવગણાને કારણે શશી થરૂર રીસાઇ ગયા છે. એમ મનાઈ છે રાહુલ ગાંધી પણ શશી થરૂરને ભાવ આપતા નથી.
ભાજપ તામિલનાડુમાં પોતાના ધાર્મિક વિચારો ઘૂસાડે છે : ડીએમકેનો આક્ષેપ
ડીએમકેના પ્રવક્તા ટીકેએસ એલંગોવનને નવી શિક્ષા નીતિ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. એમનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર શિક્ષા નીતિને નામે ધાર્મિક કટ્ટરતા ચલાવવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ એઆઇએ ડીએમકેએ પણ ભાજપ અને રાજ્યની ડીએમકે સરકાર પર પ્રહાર કર્યા છે. એઆઇએ ડીએમકેના પ્રવક્તા કોવોઇ સત્યને આરોપ મુક્યો છે કે, નવી શિક્ષણ નીતિમાં તામિલનાડુના વિદ્યાર્થીઓને કોઈ રસ નથી. બીજી તરફ ભાજપને પણ તામિલનાડુના વિદ્યાર્થીઓના કલ્યાણમાં કોઇ રસ નથી. ડીએમકે પણ ભાજપના એજન્ટ જેવું કામ કરે છે. પહેલા આ શિક્ષણ નીતિ ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ કરવી જોઇએ.
વિશ્વમાં દર વર્ષે ૭.૪૬ લાખ લોકો આત્મહત્યા કરે છે
સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ત્રણ દશકમાં ભારતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ૩૧.૫ ટકાનો ઘટાડો થયો છે. જોકે કેટલાક સમાજશાસ્ત્રીઓ આ આંકડા સાથે સહમત નથી. ખાસ કરીને નોટબંધી પછી કથડેલી આર્થિક વ્યવસ્થાને કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. બીજી તરફ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વૈશ્વિકસ્તરે આત્મહત્યાના કિસ્સાઓમાં ૩૯.૫ ટકાનો ઘટાડો થયો છે. આ જાણકારી આંતરરાષ્ટ્રીય જર્નલ ધ લેસેન્ટ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થઈ છે. રીપોર્ટ અનુસાર ૨૦૨૦માં ભારતમાં શિક્ષીત મહિલાઓની આત્મહત્યાની સંખ્યા સૌથી વધુ હતી. અભ્યાસ અનુસાર દર વર્ષે દુનિયામાં ૭.૪૬ લાખ લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આમાંથી ૫.૧૯ લાખ પુરુષો અને ૨.૨૭ લાખ મહિલાઓ છે.