દિલ્હીની વાત : શક્તિ અભિયાન સંદર્ભે રાહુલ ગાંધીએ બનાવ્યો વિડિયો સંદેશો
નવી દિલ્હી : મહિલાઓના સશક્તિકરણ બાબતે કોંગ્રેસે શરૂ કરેલા (શક્તિ અભિયાન)ને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. શક્તિ અભિયાન સંદર્ભે રાહુલ ગાંધીએ એક વિડિયો બનાવ્યો છે. આ વિડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'શક્તિ અભિયાનને કારણે ૧૮મી ઓક્ટોબર ૨૦૨૪ને દીવસે મને કેટલીક અગત્યની મહિલાઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો હતો. ઇન્દિરા ફેલોને સમર્પિત આ મહિલાઓ મહિલા કેન્દ્રીય આંદોલન ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. સાથે મળીને આ બધી મહિલાઓ એક મજબૂત નેટવર્ક પણ તૈયાર કરે છે જેને કારણે દેશને મહિલા નેતૃત્વ મળી શકશે.' રાહુલ ગાંધીએ મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે પણ વિગતે વાત કરી છે. રાહુલ ગાંધીએ વિડિયોમાં પૂછયુ છે કે, શું આજે મહિલાઓને દેશમાં સમાન દરજ્જો મળી રહ્યો છે? કોંગ્રેસની મહિલા પાંખ આ વિડિયો વાયરલ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નાંખવાના કાવતરું : શિવસેના
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ અને નેતા સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેશે. ચૂંટણી અને ચૂંટણીના પરિણામોની તારીખ એ રીતે નક્કી કરવામાં આવી છે કે, વિરોધી સંગઠન મહા વિકાસ અઘાડીને બહુમતિ મળે છતાં એમને સરકાર બનવાનો યોગ્ય સમય આપવામાં નહીં આવે અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. જોકે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનરે સંજય રાઉતના આ આક્ષેપો નકારી કાઢયા છે. અધિકારીએ કહ્યું છે કે, ચૂંટણી કમિશનની ભૂમિકા બંધારણની કલમ ૧૭૨ (એ) ઉપરાંત લોક પ્રતિનિધિત્વના નિયમ ૧૯૫૧ની કલમ ૧૫ મુજબ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય એના છ મહિનાની અંદર ચૂંટણી કરીને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલને આપવાની છે.
કોંગ્રેસની સીઇસી બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઈનલ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરીને યોગ્ય રણનીતિ ઘડવા માટે કોંગ્રેસ વર્કીંગ કમિટી (સીડબ્યુણીસી)ની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મહામંત્રી કે સી વેણુગોપાલ હાજર રહ્યા હતા. કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળી એ પહેલા કોંગ્રેસના સાથી પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીના પક્ષોએ ૨૧૦ બેઠકો પર સહમતિથી નિર્ણય લીધો છે. અમારું લક્ષ રાજ્યને લૂટનારાઓની સામે લડવાનું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચૈન્નીથલાએ પણ કહ્યું છે કે, મહાવિકાસ અઘાડીના ત્રણે પક્ષો એક સાથે મળીને મહાયુતિને હરાવશે.
જરૂરી દવાઓના ભાવ વધારા બાબતે મમતાએ વડાપ્રધાનને પત્ર લખ્યો
'નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી' (એનપીપીએ)એ કેટલીક જરૂરી દવાઓની કિંમતમાં અણધાર્યો વધારો કર્યો છે. અસ્થામા, ગ્લુકોમા, થેલેસિમિયા જેવા રોગોની દવાઓના ભાવમાં વધારો કરવાની અનુમતિ એનપીપીએ આપી દીધી છે. દવાના આ ભાવવધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર મોટો બોજો પડી શકે એમ છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બાબતે ચિંતિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. મમતાએ દવાના ભાવમાં થયેલા વધારા બાબતે ફરીથી વિચાર કરવા માટે મોદીને અનુરોધ કર્યો છે. બે પાનાના પત્રમાં મમતાએ મોદીને કહ્યું છે કે, નાગરીકોનું કલ્યાણ જ સર્વેસર્વા છે. રાજકીય નીરિક્ષકો ચર્ચા કરી રહ્યા છે કે, વડાપ્રધાન એમના સ્વભાવ પ્રમાણે મમતા બેનર્જીના પત્રને અવગણે એવી શક્યતા પૂરેપૂરી છે.
ગૌરી લંકેશ હત્યાના આરોપીને શિંદેની શિવસેનામાં લાલજાજમ
પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડના આરોપી શ્રીકાંત પંગારકરને શિવસેના (એકનાથ શિંદે)એ પક્ષમાં પ્રવેશ આપ્યો છે. એક સમયે તો પંગારકરને પક્ષમાં મોટો હોદ્દો આપવાની વાત પણ થઈ હતી. જોકે ચૂંટણી સમયે ટીકાથી ડરી ગયેલા એકનાથ શિંદેએ પંગારકરને કોઈ હોદ્દો આપ્યો નથી. આ બાબતે એનસીપી (શરદ પવારે) શિવસેના (એકનાથ શિંદે) પર કટાક્ષ કર્યો છે. એનસીપી (શરદ પવાર)ના સાંસદ સૂપ્રિયા સુલેએ કહ્યું છે કે, એકનાથ શિંદેએ હત્યાના આરોપીને પક્ષમાં લઈને ચૂંટણી હોવાથી હોદ્દો આપ્યો નથી. ચૂંટણી પછી એકનાથ શિંદે ગુંડાઓને પક્ષમાં હોદ્દા આપવાના છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શ્રીકાંત પંગારકર શિવસેનામાં જોડાયા હતા.
વર્ષો પછી મુલાયમ યાદવનું કુટુંબ ફરીથી એક થઈ રહ્યું છે
સ્વ. મુલાયમસિંહ યાદવના કુટુંબને સૈફઇ કુટુંબ તરીકે સંબોધવામાં આવે છે. થોડા વર્ષોથી આ કુટુંબમાં મોટા પાયે ભેદભાવ ઉત્પન્ન થયા હતા. મુલાયમસિંહના મૃત્યુ પછી સૈફઇ કુટુંબના સભ્યો મેઇનપૂરી ખાતે ભેગા થયા હતા. મેઇનપૂરી વિધાનસભાની પેટા ચૂંટણી માટે સમાજવાદી પક્ષ તરફથી તેજપ્રતાપ યાદવે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેજપ્રસાદ યાદવને ટેકો આપવા માટે અખિલેશ યાદવ, એમના પત્ની ડિમ્પલ યાદવ તેમ જ શિવપાલ યાદવ અને પ્રો. રામગોપાલ યાદવ પણ આવ્યા હતા. રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે મુલાયમસિંહ યાદવની હયાતીમાં કાકા-ભત્રીજાઓએ એકબીજા સામે તલવાર તાણી હતી, પરંતુ હવે આંતરીક મતભેદો ભૂલીને બધા ફરી વખત એક થઈ રહ્યા છે.
દર્દીઓને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવશે : રેલવેનો ફતવો
દિવાળીના દિવસો નજીક છે ત્યારે રેલવેમાં ધસારો વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય રેલવેના અધિકારીઓ મુસાફરો પર નજર રાખી રહ્યા છે. રેલવે બોર્ડે નક્કી કર્યું છે કે, જે મુસાફર ગંભીર રીતે બિમાર હોય કે પછી ડોક્ટરની સારવાર હેઠળ હોય એની જાણકારી રેલવે ટીકીટ ચેકીંગ સ્ટાફને થશે તો આ સ્ટાફ જરૂરી સૂચના આપ્યા પછી આવી બિમાર વ્યક્તિને આગલા સ્ટેશને ઉતારીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપશે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે તેઓ તો ફક્ત રેલવે એક્ટ ૧૯૮૯ની કલમ ૫૬ (એ)નો અમલ કરી રહ્યા છે. આ કલમમાં કહેવાયું છે કે, કોઈ બિમાર વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતી હોય તો રેલવેના અધિકારીઓએ એના પર નજર રાખવી જરૂરી છે. રેલવેએ પોતાના બચાવમાં કહ્યું છે કે ગયા વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી સહિત કેટલાક રાજ્યોમાં પ્રવાસીઓ બિમાર થતા તેમનું મૃત્યુ થયું હતું એટલે આ વખતે વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.
રેલવેની વીઆઈપી લોંજના રાયતામાંથી જીવતો કાનખજૂરો મળતા હોબાળો
રેલવેની વીઆઈપી લોંજમાં કેવું ફૂડ મળે છે એનો અનુભવ શેર કરતાં એક સોશિયલ મીડિયા યુઝર આર્યાંસ સિંહે ફોટો શેર કર્યો હતો. એમાં તેણે દાવો કર્યો હતો કે રેલવેની લોંજમાંથી મળેલા રાયતામાં જીવતો કાનખજૂરો જોવા મળ્યો હતો. તેણે આખી વાતને વ્યંગમાં લખી હતી. એ પછી આ ઘટનાનું રાજકીયકરણ થયું હતું. પ્રીમિયમ લોંજમાં પણ જો આવું થતું હોય તો સાધારણ ફૂડમાં શું થતું હશે એવા સવાલો લોકોએ કર્યા હતા. લોકોએ કહ્યું હતું કે સરકાર જે રીતે રેલવેમાં ફૂડના ભાવ વધારે છે એ જોતાં સારા અને ગુણવત્તાસભર ભોજનની અપેક્ષા હોય, પરંતુ ત્યાં પણ આવી સ્થિતિ છે. લોકોએ મધ્યાહન ભોજનમાં નીકળતી ઈયરોને પણ યાદ કરી હતી અને સરકારી ભોજન સસ્તું હોય કે મોંઘું - કાયમ આવું થતું જોવા મળે છે એવો વ્યંગ કર્યો હતો.
ઝારખંડમાં ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપમાં ભડકો
ઝારખંડમાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી બે દિવસ પહેલાં જાહેર કરી હતી. ૬૬ ઉમેદવારોના નામની જાહેરાત થઈ પછી આંતરિક અસંતોષ ફેલાયો છે. ઝારખંડ ભાજપ યુનિટમાં ભડકો થયો છે. કેટલાય અતુષ્ટ નેતાઓએ તલવાર તાણી છે. એમાંથી ઘણાંએ ઝારખંડ મુક્તિ મોરચાનો સંપર્ક કર્યો છે અને ભાજપનો ખેલ બગાડવા મેદાને પડયા છે. ઝારખંડ ભાજપના જાણીતા નેતા અને પૂર્વ મંત્રી લુઈસ મરાંડીએ ખુલ્લો બળવો કરી દીધો છે. લુઈસ મરાંડીએ રાતોરાત ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાઈને ભાજપને આંચકો આપ્યો છે અને હાઈકમાન્ડને ડેમેજ કંટ્રોલનો સમય પણ મળ્યો નથી. લુઈસ મરાંડીએ ૨૦૧૪માં હેમંત સોરેનને ચૂંટણીમાં હરાવ્યા હતા. એના પરથી આ નેતાના કદનો અંદાજ લગાવી શકાય છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ઝારખંડ ભાજપના પ્રભારી હિમંત બિસ્વા સરમાએ ઉજાગરા શરૂ કર્યા છે.
- ઈન્દર સાહની