મુંબઈ હાઇકોર્ટે ઇડીને ઝાટકી નાંખી એક લાખનો દંડ કર્યો
નવીદિલ્હી: દેશ આખામાં જ્યારે ચર્ચા થઈ રહી છે કે, ભાજપ સરકાર ઇડીનો દુરઉપયોગ કરીને વિરોધીઓને ડરાવી રહી છે ત્યારે મુંબઈ હાઇકોર્ટે પણ ઇડીની ઝાટકણી કાઢી નાખી છે. યોગ્ય કારણો અને પુરાવા વગર ઇડી જે રીતે એક રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે મની લોન્ડરીંગની તપાસ કરી રહી છે એ બાબતે હાઇકોર્ટે નારાજગી બતાવી છે.
હાઇકોર્ટે ઇડીને એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જસ્ટીસ મિલિન્દ જાદવની બેંચે ઇડીને દંડીત કરતી વખતે કહ્યું હતું કે એજન્સીઓ કાયદેસર રીતે કામ કરે એ જરૂરી છે.
નાગરીકોને ખોટી હેરાનગતિ ન થાય એ પણ જોવું રહ્યું. મુંબઈના રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈન સામે વિશેષ અદાલતે નોટીસ મોકલી હતી એને પણ હાઇકોર્ટે રદ કરી છે. રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે કે, કેન્દ્ર સરકારે ઇડીને આપેલા બેફામ પાવર પર અંકુશ મુકાવો જોઈએ.
મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે પર ભ્રષ્ટાચારનો આરોપ
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારએ બીડમાં પાક વિમા યોજના અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. એમનું કહેવું છે કે, એનસીપી (અજીત પવાર)ના મંત્રી ધંનજય મુંડેની દેખરેખ હેઠળ આ યોજના લાગુ કરવામાં આવી હતી. તેઓ તે વખતે કૃષિમંત્રી હતા. વડેટ્ટીવારે આ બાબતની તપાસ કરવા માટે એક કમિટી બનાવવાની માંગણી પણ કરી છે. ધનંજય મુંડે જુલાઈ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૪ સુધી એકનાથ શિંદેની સરકારમાં કૃષિમંત્રી હતા. હાલની સરકારમાં તેઓ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી છે. વડેટ્ટીવારના કહેવા પ્રમાણે પાક વિમા યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને મદદ કરવાનો હતો, પરંતુ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ખોટા વિમા પક્વવામાં ધનંજય મુંડેનો હાથ છે.
શ્રીપંચાયતી ઉદાસીન અખાડામાં ૧૦૦થી વધુ યુવાનોના પંચસંસ્કાર
મહાકુંભમાં શ્રીપંચાયતી ઉદાસીન અખાડાની જુની પરંપરા પ્રમાણે ધર્મધજા સન્યાસ આપવામાં આવ્યા હતા. પહેલી વખત આ અખાડામાં ભષ્મશ્રૂંગાર પછી વાજતે-ગાજતે અને શંખ ધ્વનિ વચ્ચે ૧૦૦થી વધુ યુવાનોને પંચસંસ્કાર આપવામાં આવ્યા હતા. પંચદેવોની સાક્ષીએ આ યુવાનોને પંચપુત્ર બનાવવામાં આવ્યા હતા. હવે આ સન્યાસી યુવાનો શિસ્તબદ્ધ રીતે દેશભરના અલગ અલગ મઠોમાં સુરક્ષા કર્મચારી, કોઠારી, ભંડારી, કારોબારી ઉપરાંત મહંત, મુખીયા જેવા હોદ્દાઓ ઉપર કામ કરશે. આ અખાડાના ઇષ્ટ દેવ ચંદ્ર છે. આ તમામ યુવાનોને પ્રથમ ભષ્મશ્રૂંગાર કરાવવામાં આવ્યા હતા. ત્યાર પછી છત્તીસગઢથી આવેલા ગીતા મુની અને ડો. વિભા મુનીએ પંચદેવની પ્રાર્થના કરીને મંત્રોચ્ચાર કર્યા હતા. આ યુવાનો આખી રાત દિગંબર અવસ્થામાં આખી રાત આકાશ નીચે રહ્યા હતા.
બંધારણ બનાવવામાં બ્રાહ્મણોનું મોટુ યોગદાન ઃ જસ્ટીસ દિક્ષીત
દેશના કેટલાક વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે જ્યારે દેશનું બંધારણ બન્યુ ત્યારે બ્રાહ્મણોએ ભાગ લીધો નહોતો. આ વિવાદ વચ્ચે કર્ણાટક હાઇકોર્ટના જજ કૃષ્ણ એસ દિક્ષીતે બંધારણના ઘડવૈયા ડો. બી. આર. આંબેડકરના એક નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, બંધારણ ઘડવામાં બ્રાહ્મણોનું પણ મોટું યોગદાન હતું. જસ્ટીસ દિક્ષીત અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. એમના કહેવા પ્રમાણે ડો. આંબેડકરે એક વખત ભંડારકર ઇન્સ્ટીટયુટમાં કહ્યું હતું કે, જો બીપીન રાવએ બંધારણનો મુસદ્દો તૈયાર નહીં કર્યો હોત તો બંધારણ તૈયાર થવામાં બીજા ૨૫ વર્ષ લાગી ગયા હોત. જસ્ટીસ દિક્ષીતે એમ પણ કહ્યું કે, બંધારણનું મુસદ્દો તૈયાર કરવાની કમિટીમાં ત્રણ સભ્યો અલ્લાદી કૃષ્ણ સ્વામી ઐયર, એન ગોપાલ સ્વામી અંયગર અને બી એન રાવ બ્રાહ્મણ હતા.
'બેટા વગર ન રહી શકતી હોય તો મરી જા' કહેવું આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી
સુપ્રીમ કોર્ટે એક અગત્યના ચૂકાદામાં ટાંક્યું છે કે, કોઈ મહિલા એના પુત્રની પ્રેમિકાને એમ કહે કે, 'બેટા વગર એ જો નહીં જીવી શકતી હોય તો મરી જાય.' જેવું નિવેદન આત્મહત્યાની પ્રેરણા કહી શકાય નહીં. આ ટિપ્પણી કરીને કોર્ટે એક મહિલા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ કાઢી નાખવાનો હુકમ કર્યો છે. જસ્ટીસ બી. વી. નાગરત્ના અને જસ્ટીસ એસ. સી. શર્માની પીઠે કોલકત્તા હાઇકોર્ટના એક ચુકાદાને ફેરવી નાંખ્યો હતો. કોલકત્તા હાઇકોર્ટે એક કિસ્સામાં એક મહિલા સામે આઇપીસીની કલમ ૩૦૬ અને ૧૦૭ હેઠળ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ રદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રિમ કોર્ટનું માનવું છે કે, નિવેદન માત્રથી કોઈ સામે આત્મહત્યા માટે પ્રેરીત કરવાનો કેસ દાખલ થઈ શકે નહીં.
મહિલા ડોક્ટરોની સારવાર વધુ અસરકારક, ઓછી જોખમી ઃ રિપોર્ટ
બીએમસી મેડિકલ જનરલમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અભ્યાસમાં એવું તારણ બાંધવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પર પુરુષની સરખામણીમાં મહિલાઓ દ્વારા થતો ઇલાજ વધુ અસરકારક રહે છે. મહિલા ડોક્ટરોની સારવાર હેઠળ રહેલા દર્દીઓ વધુ ઝડપથી સારા થઈ જાય છે અને ફરીથી એમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી. જો ડોક્ટર તરીકે મહિલા હોય તો દર્દીના મૃત્યુની શક્યતા પણ ઘટી જાય છે. આ અભ્યાસ સાથે ડોક્ટરો પણ સહમત થયા છે. દર્દીઓની સારસંભાળ રાખવામાં પુરુષો કરતા મહિલા ડોક્ટરો વધુ સંવેદનશીલ અને ગંભીર હોય છે.
મણિપુરમાં ભાજપ સાથે ગઠબંધન તોડનારા જેડીયુના અધ્યક્ષની હકાલપટ્ટી
મણિપુરમાં જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સિંહને પદ પરથી હટાવી દેવાયા છે. નીતિશ કુમારે આ નિર્ણય કર્યો તેની પાછળ આખો ઘટનાક્રમ એવો છે કે વીરેન્દ્ર સિંહે થોડા દિવસ પહેલાં રાજ્યપાલને પત્ર લખીને જાણકારી આપી હતી કે જેડીયુ રાજ્યમાંથી બીરેન સિંહના નેતૃત્વવાળી સરકારને આપેલો ટેકો પાછો ખેંચે છે. પાર્ટીએ કહ્યું કે મણિપુરના પ્રદેશ અધ્યક્ષે પાર્ટીની શિસ્તનું પાલન કર્યું નથી. પાર્ટીના રાષ્ટ્રીય વડાને જાણ કર્યા વગર આ નિર્ણય કર્યો હોવાની પગલાં ભરવામાં આવ્યા છે.
બિહારમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવા ચિરાગનું અત્યારથી જ લોબિંગ
ચિરાગ પાસવાન બિહારમાં એનડીએ ગઠબંધનના ભાગરૂપે વધુ બેઠકો પર ચૂંટણી લડવા ધારે છે. બિહારમાં બેઠકોની વહેંચણી આમેય બધી પાર્ટીઓ માટે માથાનો દુખાવો થવાની છે. ભાજપ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડવા ધારે છે. નીતિશ કુમાર જેડીયુને સલામત બેઠકો પર ચૂંટણી લડાવવા વ્યૂહ ગોઠવે છે. ત્રીજી તરફ ચિરાગ પાસવાન અત્યારથી ભાજપ હાઈકમાન્ડ પાસે વધુ બેઠકો મેળવવા લોબિંગ કરી રહ્યા છે. તેમણે એક નિવેદન પણ એ સંદર્ભમાં આપ્યું કે એનડીએમાં બધા દળો બરાબરનું બળ લગાવીને ૨૨૫ બેઠકો જીતશે. બરાબર બળ લગાવશે એમાં ચિરાગે સંકેત આપ્યો છે.
દિલ્હી પોલીસ ભાજપના કેમ્પેઈનને અનુકૂળ વાતાવરણ સર્જે છે ઃ આપ
અરવિંદ કેજરીવાલે સનસનીખેજ આરોપ મૂકતા કહ્યું કે દિલ્હી પોલીસને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાંથી સીધી સૂચના આપવામાં આવી છે કે આમ આદમી પાર્ટીની રેલીઓમાં અવરોધ આવે એવું કરો. દિલ્હી પોલીસ ભાજપના કેમ્પેઈનને અનુકૂળ વાતાવરણ બનાવે છે. ભાજપના કાર્યકરો આપને ધમકી આપે છે એની ફરિયાદ આપના કાર્યકરો કરવા જાય છે તો દિલ્હી પોલીસ એનું સાંભળતી નથી. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકો આપની સાથે રહીને દિલ્હી પોલીસને જવાબ આપશે. કેજરીવાલે આ દાવો કરીને ભાજપને મૂંઝવણમાં મૂકી દીધો છે. કેજરીવાલ દરરોજ નવા નવા દાવા કરે છે એટલે ભાજપના નેતાઓનો મોટોભાગનો સમય એના ખુલાસામાં જ વીતી જાય છે.
તમિલનાડુમાં પ્રાચીન સંત થિરુવલ્લુવર મુદ્દે ડીએમકી-બીજેપી સામ-સામે
ભાજપ તમિલનાડુમાં તમિલ અસ્તિમાના મુદ્દે પ્રચાર કરે છે, પરંતુ છેલ્લી ચૂંટણીમાં જોઈએ એવી સફળતા મળી નહીં. અત્યારે ભાજપ અને રાજ્યની સત્તાધીશ ડીએમકે પાર્ટી વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપ કહે છે કે પ્રાચીન સંત થિરુવલ્લુવર સનાતની સંત હતા. બીજી તરફ ડીએમકે કહે છે કે ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છે અને થિરૂવલ્લુવરનું અપમાન કરે છે. થિરૂવલ્લુવર તો બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતા હતા અને કોઈ એક ધર્મનો પ્રચાર કરવાને બદલે સમગ્ર તમિલ સંસ્કૃતિનું પ્રતીક હતા. તમિલનાડુમાં થિરુવલ્લુવર તમિલ અસ્મિતાના પ્રતીક મનાય છે.
ચંદ્રાબાબુ નાયડુ દીકરા નારા લોકેશને ઉપમુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે
ચંદ્રાબાબુ નાયડુ હવે ભવિષ્ટમાં સત્તાના બધા સૂત્રો ધીમે ધીમે તેમના દીકરા નારા લોકેશને આપવા માગે છે. નારા લોકેશ અત્યારે આંધ્રપ્રદેશ સરકારના મંત્રી છે. ચંદ્રાબાબુ નાયડુ કોઈ સારું મૂહુર્ત જોઈને નારા લોકેશને ઉપમુખ્યમંત્રી બનાવવા માગે છે. તેની સામે હવે પવન કલ્યાણને વાંધો પડી શકે છે. પવન કલ્યાણે અત્યારે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ સાથે ગઠબંધન કર્યું છે અને ભવિષ્યમાં એ રાજ્યના સીએમ બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. નારા લોકેશ યુવા ચહેરો બને તો એ પવન કલ્યાણ માટે સારા સંકેત નથી. પવન કલ્યાણના મંત્રીઓએ આડકતરી રીતે ચંદ્રાબાબુને ગઠબંધન ધર્મ નિભાવવાની સલાહ આપી છે.
- ઈન્દર સાહની