Get The App

દિલ્હીની વાત : નરેન્દ્ર મોદી અને શરદ પવારની 'જુગલબંધી' પર વિશ્લેષકોનો કટાક્ષ

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : નરેન્દ્ર મોદી અને શરદ પવારની 'જુગલબંધી' પર વિશ્લેષકોનો કટાક્ષ 1 - image


નવીદિલ્હી : એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારની ખાસ 'જુગલબંધી' જોવા મળી હતી. કાર્યક્રમમાં દિપપ્રાગટય નરેન્દ્ર મોદીએ કરવાનું હતું, પરંતુ મોદીએ શરદ પવાર પાસે દિપપ્રાગટય કરાવ્યું. આ ઉપરાંત મોદીએ પવારને ખૂબ જ માન આપીને ખુરશી પર બેસાડયા અને એમને માટે બોટલમાંથી ગ્લાસમાં પાણી પણ સર્વ કર્યું. સભામાં હાજર લોકોને આ જોવાની મજા પડી ગઈ અને એમણે તાળીઓ પાડી. આ કિસ્સાની વ્યાપક નોંધ લેવાઇ અને રાજકીય નીરિક્ષકોએ પણ મોદી - પવાર વચ્ચેના પ્રેમ વ્યવહારની મજાક ઉડાવી. કેટલાક રાજકીય નીરિક્ષકોએ એવો કટાક્ષ કર્યો કે ભાજપ અને નરેન્દ્ર મોદી હંમેશા શરદ પવારને સૌથી ભ્રષ્ટ નેતા તરીકે ગણાવે છે. મોદીએ પવારને જે માનપાન આપ્યું એની પાછળ ચોક્કસ કોઈ મોટો ભેદ હોવો જોઈએ. 

કેજરીવાલ - આતિશી અને એમના મંત્રીઓનો અંગત સ્ટાફ હટાવાયો

દિલ્હીમાં ભાજપની સરકાર બન્યા પછી જુના સરકારી બાબુઓને હટાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી મારલેના અને એમના મંત્રીઓનો અંગત સ્ટાફ કોઈ મીહિતી લીક ન કરે એ માટે એમને રવાના કરવામાં આવ્યો. જે અધિકારીઓ અને કર્મચારીઓ બીજા વિભાગોમાંથી ટ્રાન્સફર કરીને લાવવામાં આવ્યા હતા એમને ફરીથી મૂળ વિભાગોમાં મોકલવામાં આવ્યા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા માને છે કે કેજરીવાલ અને આતિશીએ એમના વફાદાર માણસો સીએમ ઓફિસમાં મૂક્યા હોવાથી જેઓ લાંબા સમય સુધી એમને એજ સ્થાને રાખવામાં આવે તો સરકારની ખાનગી માહિતી બહાર પડી જાય. એટલા મોટા પાયે સાફસુફી થઈ કે સ્ટોનોગ્રાફરને પણ બદલી નાખવામાં આવ્યા. 

સીએમ યોગી આદિત્યનાથને વિશાલ દલાનીનો પડકાર

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સંગમના પાણી ખુબ પ્રદુષિત હોવાનો અને મળ-મૂત્રના બેક્ટેરીયા પણ પાણીમાં હોવાનો રીપોર્ટ યોગી આદિત્યનાથે ફગાવી દીધો છે. હવે સંગીત દિગ્દર્શક વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને યોગીને ચેલેન્જ કરી છે કે, યોગીમાં જો હિંમત હોય તો સંગમનું પાણી પીને બતાવે. યોગી જો દાવો કરી રહ્યા હોય કે, સંગમનું પાણી પીવા લાયક છે તો એમણે જાતે પાણી પીને બતાવવું જોઈએ. સંગમના પાણીમાં મોટા પ્રમાણમાં મળ-મૂત્ર હોવાના અહેવાલ વચ્ચે યોગી બચાવની પરિસ્થિતિમાં આવી ગયા હતા. યોગીનું કહેવું હતું કે, કેટલાક ઇર્ષાળુઓ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે યોગી દદલાનીની ચેલેન્જ સ્વીકારે છે કે નહીં. 

મહાયજ્ઞામાં પશુના બલિદાન બાબતે સુપ્રીમની હિમાચલ સરકારને નોટીસ

શિમલા જિલ્લાના રોહડુમાં બેથી પાંચ ફેબુ્રઆરી વચ્ચે ભુંડા મહાયજ્ઞા કરવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞામાં પશુનો બલિ ચઢાવવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ બાબતે હિમાચલ સરકારને નોટીસ પાઠવી છે. અરજીકર્તાએ કાર્યક્રમના એક અઠવાડીયા પહેલા પોલીસ અધિકારીઓ તેમ જ શિમલાના એફપીએમ રોહડુને નોટીસ આપી હતી. આ નોટીસમાં પશુઓનો બલિ ચઢાવવા પર પ્રતિબંધ મૂકવાની વાત કહી હતી. આમ છતાં પ્રશાસન અંધારામાં રહ્યું અને કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર બલિ ચઢાવવામાં આવ્યો. આ બાબતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે કે મહેશ્વરી અને ન્યાયાધીશ અરવિંદકુમારની બેન્ચે હિમાચલ સરકાર અને રોહડુ નિયંત્રણ બોર્ડને નોટીસ પાઠવી છે. કોર્ટમાં સુનાવણીની બીજી તારીખે સરકારને ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું છે. હિમાચલ હાઇકોર્ટે ૨૦૧૪ના વર્ષમાં મંદીરોમાં પશુઓનો બલિ ચઢાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્યોએ ગાદી તકિયા મૂકીને ભજન ગાયા

રાજસ્થાન વિધાનસભામાં પોતાના છ સાથીઓને અયોગ્ય ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ રીતે વિરોધ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો આખી રાત વિધાનસભામાં બેસી રહ્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરા સહિત ધારાસભ્ય ઝાકિર હુસૈન, સંજય જાદવ, રામકેશ મિણા, અમિન કાગઝી અને હસન મલ્લિક ખાનને બજેટ સત્રમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી બહાર જવાનો ઇન્કાર કર્યો અને રાત્રે પણ વિધાનસભામાં અડીંગો જમાવીને બેસી રહ્યા. કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો ગાદી - તકિયા લઈને વિધાનસભામાં રાત્રી રોકાણ કર્યું. બહારથી ટીફીનમાં ધારાસભ્યો માટે જમવાનું આવ્યું હતું. વિધાનસભાની કેન્ટીન હોવા છતાં ખાવાનું બહારથી મંગાવવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ આખી રાત વિધાનસભામાં ભજન - કીર્તન કર્યા હતા. રઘુપતિ રાઘવ રાજા રામનું ભજન આખી રાત ગાવામાં આવ્યું હતું. પત્રકારોને આ વિરોધ જોઈ મજા પડી ગઈ. 

મહાકુંભનો છેલ્લો વીક એન્ડ ખાસ રહ્યો

મહાકુંભ જેમ જેમ સમાપ્તિની નજીક પહોંચી રહ્યો છે તેમ તેમ બાકી રહી ગયેલા શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. આ શનિ-રવિ છેલ્લો વીક એન્ડ હોવાથી પ્રશાસકોએ ખાસ વ્યવસ્થા કરવી પડી હતી. ૫૦૦ મીટર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને બે કલાક લાગ્યા હતા. અત્યાર સુધી ૫૮ કરોડ શ્રદ્ધાળુઓએ કુંભમેળામાં સ્નાન કર્યું હોવાનો અંદાજ છે. ૨૬ તારીખે મહાકુંભનો છેલ્લો દિવસ નજીક આવતો હોવાથી આખા દેશમાંથી વધુ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ફરીથી પ્રયાગરાજ આવ્યા હતા. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ પ્રયાગરાજમાં છે. ફરીથી વીઆઇપીઓની સંખ્યા વધતા સામાન્ય શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે. 

હિમાચલ પ્રદેશમાં સમોસાનો વિવાદ ફરી વકર્યો

હિમાચલ પ્રદેશમાં હમણા ભારે ઠંડી પડી રહી છે. આ ઠંડી વચ્ચે સમોસાનો વિવાદ ફરીથી ગરમાતો રહ્યો છે. ૨૦૨૪ના વર્ષમાં ૩૧મી ઓક્ટોબરે મુખ્યમંત્રી સુખવિંદ્ર સિંહ સુક્ખુ જ્યારે રાજ્યની સીઆઇડીના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે થ્રીસ્ટાર હોટલમાંથી સમોસા મંગાવીને મુખ્યમંત્રીના સ્ટાફને વહેંચવામાં આવ્યા હતા. આ બાબતે સીઆઇડીએ તપાસ કરી હતી અને સીઆઇડીનો રીપોર્ટ લીક થઈ ગયો હતો. એ વખતે આ બાબતે વિવાદ થયો હતો. હવે એસપી ક્રાઇમ સીઆઇડીએ આ બાબતે ફરીયાદ દાખલ કરી છે, પરંતુ 'સમોસા કૌભાંડ' આ ફરીયાદમાંથી ગાયબ છે. સીઆઇડી ફક્ત તપાસ કરી રહી છે કે, આખી વાત લીક થઈને મીડિયા સુધી કઈ રીતે પહોંચી.

કેન્દ્ર 10,000 કરોડ આપે તોય નવી શિક્ષણ નીતિ લાગુ નહીં થાય : સ્ટાલિન

નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને તમિલનાડુની રાજ્ય સરકાર વચ્ચે જામી પડી છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે રાજ્યમાં અંગ્રેજી, રાજ્યની સત્તાવાર ભાષા ઉપરાંત હિન્દી એમ ત્રણ ભાષાનું ફોર્મેટ સ્વીકારવાનું છે. એનો તમિલનાડુની સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિનને પત્ર લખીને આ મુદ્દે રાજકારણ ન કરવાની સલાહ આપી હતી. એ પછી હવે સ્ટાલિને આકરા પાણીએ થઈને કહી દીધું છે કે કેન્દ્ર કદાચ ૧૦ હજાર કરોડની ગ્રાન્ટ આપશે તો પણ નવી શિક્ષણ નીતિ રાજ્યમાં લાગુ નહીં થાય. ભાજપ તમિલનાડુ પર હિન્દુ થોપવાની કોશિશ કરે છે, પણ ડીએમકેની  સરકાર એવું થવા દેશે નહીં.

કેજરીવાલ પાસે પંજાબના સીએમ બનવાનો સમય નથી : માન

દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો પરાજય થતાં એની સીધી અસર પંજાબમાં થઈ છે. આમ આદમી પાર્ટીની સરકાર આ બે રાજ્યોમાં હતી. આપનો ઉદય દિલ્હીમાંથી થયો હતો. દિલ્હીમાં હજુ આ ચૂંટણી સુધી લોકો એમ માનતા હતા કે કેજરીવાલ જીતી જશે. પરંતુ આપનો પરાજય થયો એટલે હવે પંજાબમાં આપના નેતાઓમાં નેગેટિવ અસર થઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને એમ માને છે કે દિલ્હીમાં પરાજયની અસર પંજાબમાં થશે અને પંજાબમાં આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષપલટો કરીને ભાજપ-કોંગ્રેસમાં આવનારા નેતાઓની લાઈન લાગશે. એ બધી અટકળો વચ્ચે કેજરીવાલ ખુદ પંજાબના સીએમ બની જશે એવા દાવા પણ થઈ રહ્યા છે. જોકે, ભગવંત માનનું એક નિવેદન વાયરલ થયું છે. પંજાબના સીએમ માને કહ્યું કે આ બધી અફવાઓ વિપક્ષો ફેલાવે છે. આ વાતમાં કોઈ તથ્ય નથી. કેજરીવાલ પાસે પંજાબના સીએમ બનવાનો સમય નથી. તેમને ક્યારેક ગુજરાત, પંજાબ તો ક્યારેક અન્ય રાજ્યોમાં સતત જવું પડે છે.

બેંગ્લુરુ મેટ્રોમાં ભાવ વધવા મુદ્દે કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ સામ-સામે

બેંગ્લુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે બેંગ્લુરુ મેટ્રો (બીએમઆરસીએલ)ની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. મેટ્રોમાં મેક્સિમમ ટિકિટ ૬૦ હતી એને ૯૦ કરી દેવાઈ છે. પેસેન્જરના મેટ્રો અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦ રાખી શકાતું હતું. એને વધારીને ૯૦ કરી દેવાયું છે. મેટ્રોમાં ભાવ વધારા સાથે જ ડેઈલી પેસેન્જર્સની સંખ્યામાં મોટો કડાકો બોલ્યો છે એવો દાવો થઈ રહ્યો છે. આ ભાવ વધારો ફેર ફિક્સેબલ કમિટીની ભલામણના આધારે બીએમઆરસીએલે કર્યો હતો. ભાજપના સાંસદોએ એવો આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારે આ ભાવ વધારા પાછળ ભૂમિકા ભજવી છે. બીજી તરફ કર્ણાટકના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રામાલિંગા રેડ્ડીએ આરોપ લગાવ્યો કે ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છે. આ ભાવ વધારામાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી. કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારામૈયાની સરકાર છે એટલે વારંવાર ભાજપના નેતાઓ અને રાજ્યના મંત્રીઓ વચ્ચે કોઈને કોઈ મુદ્દે આરોપો લાગતા રહે છે. આ મેટ્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારીથી ચાલે છે.

નીતિશ કુમારની તબિયત મુદ્દે બચાવ કરવા પુત્ર નિશાંત મેદાનમાં

નીતિશ કુમાર માનસિક રીતે ફિટ નથી એવું પ્રશાંત કિશોર કહી રહ્યા છે. તેજસ્વી યાદવ આરોપ લગાવે છે કે નીતિશ કુમાર માનસિક ઉપરાંત શારીરિક રીતેય ફિટ નથી. નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે તો યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. જોવાની વાત એ હતી કે વિપક્ષો નીતિશની હેલ્થનો મુદ્દો ઉઠાવે છે એમાં ભાજપના નેતાઓ પણ અંદરખાને સહમત છે. ભાજપ હેલ્થનો મુદ્દો જ આગળ કરીને નીતિશને સીએમ ફેસ બનાવવા ન પડે એવું ગોઠવે છે. આવી સ્થિતિમાં નીતિશ કુમારે પોતાની હેલ્થ બરાબર છે એવું સાબિત કરવા પુત્ર નિશાંતને મેદાનમાં ઉતારીને નવો દાવ રમ્યો છે. એ બહાને નિશાંતને લોંચ કરવાની નીતિશ કુમારની ગણતરી છે. ભવિષ્યમાં બિહારના રાજકારણમાં નીતિશ-લાલુના પુત્રો વચ્ચે રાજકારણ થતું હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

કેરળમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટ બાબતે બધા પક્ષો એકમત

સામાન્ય રીતે રાજકારણમાં બધા જ પક્ષો એકમત થાય એવું ભાગ્યે જ બને છે. જે મુદ્દે વિરોધ કરતાં હોય એ મુદ્દો સત્તામાં આવ્યા પછી બદલાઈ જતો હોય છે અને જે મુદ્દે સમર્થન કરતા હોય એ મુદ્દો વિરોધપક્ષમાં આવ્યા પછી વિરોધમાં બદલાઈ જતો હોય છે, પરંતુ કેરળમાં સાવ જુદી જ સ્થિતિ સર્જાઈ છે. વાત એમ છે કે કેરળમાં ગ્લોબલ  ઈન્વેસ્ટ સમિટ યોજાઈ. ડાબેરીપક્ષ સીપીઆઈએમમાં આવેલું આ સૌથી મોટું પરિવર્તન છે. આવતા વર્ષે કેરળમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં કેરળની સરકાર આવા લોકરંજન નિર્ણયો લઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રીય ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે આ સમિટ યોજાઈ અને એમાં ૧.૫૩ લાખ કરોડનું રોકાણ મળ્યું હતું. પાંચ હજાર ડેલિગેટ્સ આ બિઝનેસ સમિટમાં હાજર રહ્યા હતા. બે દિવસની આ સમિટ પૂરી થઈ પછી કોંગ્રેસે કહ્યું કે રાજ્યના વિકાસ માટે આ બહુ ઉપયોગી પહેલ છે એટલે અમે આ સમિટનું સ્વાગત કરીએ છીએ.

શશિકાંત દાસની વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકે પસંદગી

આરબીઆઈના પૂર્વ ગવર્નર શશિકાંત દાસને કેન્દ્ર સરકારે મહત્ત્વની જવાબદારી સોંપી છે. શશિકાંત દાસ છ વર્ષ સુધી આરબીઆઈના ગવર્નર રહ્યા બાદ હવે તેમની નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે થઈ છે. ડિસેમ્બરમાં નિવૃત્ત થયેલા શશિકાંત દાસ વડાપ્રધાનના મુખ્ય સેક્રેટરી-૨ બનશે. અત્યારે પ્રમોદ કુમાર મિશ્ર (પીકે મિશ્ર) પીએમના પ્રિસિપલ સેક્રેટરી-૧ છે. નવા આદેશ પ્રમાણે વડાપ્રધાનના કાર્યકાળ અથવા નવા આદેશ સુધી તેમને આ પદે નિયુક્ત કર્યા છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News