Get The App

દિલ્હીની વાત : દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા બજારોમાં નહિ, ફક્ત કાગળ પર

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા બજારોમાં નહિ, ફક્ત કાગળ પર 1 - image


નવી દિલ્હી : દિવાળીના તહેવારો નજીક છે ત્યારે સીઆરપીએફ સ્કૂલની પાસે થયેલા વિસ્ફોટથી લોકો ચિંતીત થઈ ગયા છે. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે આટલા મોટા ધડાકા પછી પણ દિલ્હી પોલીસની આંખ ખૂલતી નથી. દિલ્હીના કરોલબાગ, સરોજીની નગર, સદરબજાર, પહાડગંજ અને જનપથ માર્કેટ જેવા બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. જોકે આ બજારોમાં પોલીસ જોવા મળતી નથી. આ બજારોમાં મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે જેમાંથી મોટા ભાગના બગડેલા છે. બજારોમાં લાઉડસ્પીકર પરથી લોકોને ચેતવણીઓ આપવામાં આવે છે, પરંતુ શંકાસ્પદોની પૂછપરછ માટે કોઈ પોલીસ નથી. દિલ્હીના બજારોમાં હમણા ફક્ત દેશના નહીં વિદેશના પ્રવાસીઓ પણ ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે ત્યારે પોલીસની નિષ્ક્રીયતા જોખમી છે.

મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીમાં ભાજપની હરિયાણાની ફોર્મ્યુલા

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પછી ભાજપ અને સંઘ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પણ હરિયાણાની રણનીતિ રીપીટ કરશે એમ મનાય છે. આ બંને રાજ્યોમાં ભાજપ નુક્કડ સભાઓ, શહેરી મહોલ્લામાં બેઠકો અને બુથસ્તરે યોગ્ય સંકલન કરશે. ભાજપ અને સંઘ મતદારોને કોઈપણ સંજોગોમાં મતદાન મથક સુધી લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હિન્દુઓને સંગઠીત કરવા તેમ જ ઝારખંડમાં આદિવાસીઓને પક્ષ તરફ ખેંચવા માટેના પ્રયત્નો ભાજપ કરી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર અને ઝારખંડને નજીકથી ઓળખનારાઓનું માનવું છે કે, ભાજપ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હરિયાણાની જેમ ચૂંટણી જીતવી સહેલી નહીં હોય.

ઉત્સવઘેલી કેન્દ્ર સરકારનું કેરળના ઉત્સવ બાબતે બેવડુ ધોરણ

કેરળમાં ત્રિશુર પુરમ ઉત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થાય છે. આ ઉત્સવમાં આતશબાજીનું ખૂબ મહત્વ છે. કેન્દ્ર સરકારે આતશબાજી કરવા પર જાતભાતના નિયંત્રણો લાદ્યા છે. દરેક પ્રસંગે ફટાકડા ફોડીને ઉજવણી કરતા ભાજપના કાર્યકરોને નહી રોકતી કેન્દ્ર સરકાર કેરળવાસીઓને આતશબાજીથી વિમુક્ત રાખવા માંગે છે એ જાણીને ઘણાને નવાઇ લાગી છે. આ બાબતે કેરળના મુખ્યમંત્રી કિનરઇ વિજયને નરેન્દ્ર મોદીને પોતાની નારાજગી દર્શાવતો પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીએ લખ્યું છે કે કેન્દ્ર સરકારના આ વલણથી તેઓ ખૂબ નારાજ છે. આ તહેવાર સાથે આતશબાજી જોડાયેલી છે અને વર્ષોથી એ પ્રથા ચાલી આવી છે. કેન્દ્ર સરકારે જે શરતો લાગુ કરી છે એને કારણે આતશબાજી મુશ્કેલ બની જશે.

વિદ્યાર્થીઓનું વિદેશ જવું બિમારી નથી, દેશની શિક્ષણ પ્રથા બિમાર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનપડેએ એવું નિવેદન કર્યું હતું કે દેશના વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જાય છે એ એમની માનસીક બિમારી બતાવે છે. આ બાબતે કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કટાક્ષ કર્યો છે કે ભણવા માટે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે એ કોઈ બિમારી નથી, પરંતુ દેશની શિક્ષણ પ્રથા બિમાર હોય એમ લાગે છે. દેશની શિક્ષણ પ્રથામાં સરકારની વારંવારની દખલગીરી જોખમી છે. જયરામ રમેશે મજાકમાં કહ્યું છે કે, ૧૯૭૫માં મને પણ આ બિમારી લાગુ પડી હતી, પરંતુ બિમારી ઠીક થતા ૧૯૮૦માં હું ભારત પરત આવી ગયો હતો. વિદ્યાર્થીઓ ઘણા કારણોસર અભ્યાસ માટે વિદેશ જતા હોય છે. શિક્ષણની ગુણવત્તા પણ આમાનું એક કારણ છે. જો શિક્ષણ પ્રથામાં રાજકીય ચંચૂપાત બંધ થાય તો શિક્ષણ પ્રણાલી સુધરી શકે એમ છે.

દિલ્હીના પ્રદૂષણ મુદ્દે આપ-ભાજપના એક બીજા પર દોષારોપણ

દર વર્ષે ઓક્ટોબર મહિનો શરૂ થાય એટલે દિલ્હીનું વાતાવરણ બગડવા માંડે છે. જાન્યુઆરી મહિના સુધી દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી જાય છે. લોકો શ્વાસ પણ લઈ શકતા નથી. ઓક્ટોબર મહિનાની ૨૦ તારીખે દિલ્હીના આનંદવિહાર વિસ્તારમાં પ્રદૂષણનો આંકડો ૪૩૪ જેટલો થઈ ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી મારલેનાના કહેવા પ્રમાણે દિલ્હીના પ્રદૂષણ માટે ભાજપ જવાબદાર છે. દિલ્હીએ તો પ્રદૂષણ ઓછુ કરવા ઘણા પ્રયત્નો કર્યા છે અને એમા સફળતા પણ મળી છે. ભાજપ શાસિત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધેલા પ્રદૂષણને કારણે દિલ્હીને પણ અસર થાય છે. જો ભાજપ સરકાર પ્રદૂષણને કાબુમાં કરવા પ્રયત્ન કરે તો દિલ્હીમાં પ્રદૂષણ નિવારી શકાય.

ભાજપ ચૂંટણી પંચની મિલીભગતથીં મતદાર યાદીમાં છેડછાડનો આરોપ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૩૦મી નવેમ્બરે થવાની છે. ચૂંટણીની તૈયારીમાં લાગેલા તમામ પક્ષો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, ભાજપ અને ચૂંટણી આયોગ ભેગા મળીને મહારાષ્ટ્ર અને છત્તીસગઠની મતદાર યાદી બદલી રહ્યા છે. રાઉતે કહ્યું છે કે વિરોધ પક્ષ આ મુદ્દો આંતરરાષ્ટ્રીયસ્તરે પણ ઉઠાવશે. સંજય રાઉતે કહ્યું, 'ભાજપ લગભગ ૧૫૦ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ભાજપ એવા મતદારોને શોધે છે કે જેમણે લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મત આપ્યા હોય. આવા મતદારોને સ્થાને મતદાર યાદીમાં બોગસ મતદારોના નામ ઉમેરવામાં આવે છે. અમે આ બાબતે દેશભરના લોકોને જાગૃત કરીશું.'

વાયનાડની ઉમેદવાર નવ્યા માટે ભાજપનો સોશિયલ મીડિયા પ્લાન

પ્રિયંકા ગાંધી સામે વાયનાડની બેઠક પરથી ભાજપે મહિલા નેતા નવ્યા હરિદાસને મેદાનમાં ઉતારી છે. સ્મૃતિ ઈરાનીને ઉતારીને જંગ રસપ્રદ બનાવાશે એવી અટકળો ચાલતી હતી, પરંતુ ભાજપે યુવા ફેસ અને સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકેલી નવ્યા પર એટલે દાવ ખેલ્યો છે કે તે યંગ જનરેશનમાં પોપ્યુલર છે. ભાજપે નવ્યા માટે દિલ્હીથી ખાસ પ્રચાર માટે વાયનાડ સોશિયલ મીડિયા ટીમ મોકલી છે. પ્રિયંકા સામે નવ્યાને એક સ્થાનિક, ભણેલી-ગણેલી યુવા મહિલા નેતા તરીકે પ્રોજેક્ટ કરીને ભાજપ યુવાનો માટે પાર્ટીમાં તક હોવાનો એક મેસેજ આપવા માગે છે. કેરળમાં ભાજપને ખાસ સફળતા મળતી નથી, પરંતુ નવ્યાને આગળ કરીને પાર્ટી યુવા મતદારોને સાધવા પ્રયાસ કરે છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News