Get The App

દિલ્હીની વાત : મુંડકામાં સૌથી પૈસાદાર ધારાસભ્ય કોંગ્રેસનું ખાતું ખોલવા મેદાનમાં

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : મુંડકામાં સૌથી પૈસાદાર ધારાસભ્ય કોંગ્રેસનું ખાતું ખોલવા મેદાનમાં 1 - image


નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પક્ષ મફતની રેવડી વહેંચવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. દિલ્હીની મુંડકા વિધાનસભા બેઠક પર બધાની નજર છે. ૨૦૨૦માં અહીંથી ચૂંટણી જીતનાર ધર્મપાલ લાકડા સૌથી પૈસાદાર ધારાસભ્ય છે. આ વખતની ચૂંટણીમાં લાડકા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ઉચ્ચ મધ્યમ વર્ગના મતદારોની સંખ્યા વધુ છે. 

આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જસબીર બસ્તીને ટીકીટ આપી છે. ભાજપ તરફથી ગજેન્દ્ર દરાલ મેદાનમાં છે. આ વખતે આ ચૂંટણીમાં મુંડકા બેઠક પરથી કોંગ્રેસ જીતે એવી સંભાવના રાજકીય નીરિક્ષકો જોઈ રહ્યા છે.

રાહુલ ગાંધીની નાદુરસ્ત તબિયતને કારણે કોંગ્રેસના નેતાઓ પરેશાન

છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તબિયત બરાબર નથી. એમને જુનો પીઠનો દુખાવો પરેશાન કરી રહ્યો છે. કર્ણાટકના બેલગાવીમાં આયોજીત કાર્યક્રમ 'ગાંધી ભારત કાર્યક્રમ'માં રાહુલ ગાંધી ભાગ લેશે નહીં. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરના કહેવા પ્રમાણે કોંગ્રેસના બીજા નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના છે. બીજી તરફ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા બાબતે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે બધાની મહેનતથી અર્થવ્યવસ્થા સુધરી રહી છે ત્યારે એનો લાભ નીચલાસ્તરના માણસ સુધી કેમ પહોંચતો નથી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે 'મોદીજીના વિકસીત ભારતની સચ્ચાઈ : મહેનત તમારી નફો કોનો, તમારા બધાની મહેનતથી દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી છે, પરંતુ એનો લાભ બીજાઓને મળી રહ્યો છે.'

સ્થાનિક ચૂંટણીઓના સંદર્ભે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચે તડ પડી હોવાનું ચર્ચાય રહ્યું છે. હવે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે મહાવિકાસ અઘાડીના ત્રણે પક્ષો વચ્ચે મનમેળ યથાવત રહે એ જરૂરી છે. આ બાબતે ચર્ચા કરવા માટે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને મળવા માટે બોલાવ્યા હતા. દક્ષિણ મુંબઈના સિલ્વર ઓફ બિલ્ડિંગમાં આવેલા પવારને ઘરે બંને વચ્ચે એક કલાકથી વધુ મિટિંગ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણે પક્ષો વચ્ચે એકસૂત્રતા જળવાય રહે એ માટે શરદ પવાર પ્રયત્ન કરશે. જોકે આ મુશ્કેલ હશે, કારણ કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ એકલે હાથે સ્થાનિક ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી દીધી છે.

મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીની નિમણૂક મામલે બખેડો

મહારાષ્ટ્રમાં નાસિક અને રાયગઢના નિમાયેલા પ્રભારી મંત્રીઓની નિયુક્તિ અટકાવી દેવામાં આવી છે. આ બાબતે વિરોધપક્ષોએ મહાયુતિ સરકારને ભિંસમાં લીધી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાંસદ સંજય રાઉતનું માનવું છે કે, મહાયુતિ સરકારમાં આંતરિક કલેહ છે. રાઉતના કહેવા પ્રમાણે સરકાર આંતરિક ભેદભાવ પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહી છે. સરકાર ગમે ત્યારે સંકટમાં મૂકાઈ શકે એમ છે. એકનાથ શિંદેને બદલે ઉદ્યોગમંત્રી ઉદય સામંતને પ્રમોટ કરવામાં આવે એવી શક્યતા છે. એકનાથ શિંદેના ત્રાગાથી ફડણવીસ કંટાળી ગયા છે. પોતાના મંત્રીઓ પર શિંદેનો કોઈ કાબુ નથી.

દિલ્હીમાં પાકા મકાનો બાબતે રાજકારણ : આપનો બચાવ

દિલ્હીમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબો કેજરીવાલની મજબૂત વોટબેંક ગણાય છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, મફત વીજળી - પાણી આપવાના વચનને કારણે આ વોટબેંક કેજરીવાલને મત આપે છે. દિલ્હીમાં ફરીથી સત્તા મેળવવા માટે ભાજપને આ વોટબેંક કબજે કરવી છે એટલે ભાજપએ એવું વચન આપ્યું છે કે, ઝુપડપટ્ટીઓના રહેવાસીઓને પાકા મકાનો બનાવી આપવામાં આવશે. જોકે પોતાની વોટબેંક અકબંધ રાખવા કેજરીવાલે પણ દાવ ખેલ્યો છે. કેજરીવાલે પણ ગરીબોને પાકા મકાન આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલે નરેન્દ્ર મોદીને પત્ર લખીને સફાઇ કામદારો માટે મફતમાં ઘર બનાવવા જમીનની માંગણી કરી છે. હવે ભાજપ કેજરીવાલના આ દાવનો વળતો પ્રતિઉત્તર કેવો આપે છે એ જોવું રહ્યું.

બજેટ સત્રમાં જેપીસી વકફ બીલ બાબતનો રીપોર્ટ રજુ કરી શકે છે

વકફ બીલ બાબતે વિવાદ થવાથી સરકારે વકફ બીલ રજુ કરતા પહેલા જોઇન્ટ પાર્લામેન્ટ કમિટિ (જેપીસી) બનાવી હતી. આ કમિટિ દેશભરમાં ફરીને વિવિધ ક્ષેત્રોના લોકોને મળી હતી. આ કમિટિના અધ્યક્ષ તરીકે ભાજપના સાંસદ જગદંબિકા પાલ છે. એમ મનાય છે કે, વકફ બીલ બાબતે કમિટિના સભ્યો વચ્ચે સમજુતિ થઈ ગઈ છે. જગદંબિકા પાલે કહ્યું છે કે આવતા બજેટ ક્ષેત્રમાં આ બિલ સર્વસમંતિથી રજૂ થશે. વકફ બીલ બાબતે દેશભરમાં મોટો વિવાદ થયો છે. અને સરકારના ટીકાકારો એને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે.

વિદેશી સંતો કડકડાટ સંસ્કૃત બોલે એવો મહાકુંભનો અનોખો આશ્રમ

મહાકુંભ મેળાના સેક્ટર ૧૭ સ્થિત શક્તિધામ મહાકુંભ એક અનોખો આશ્રમ છે. આ આશ્રમમાં ૯ મહામંડલેશ્વર વિદેશી છે. આ સન્યાસીઓ હિન્દી બોલી સકતા નથી, પરંતુ સંસ્કૃત કડકડાટ બોલે છે. ૧૦ મહામંડલેશ્વરોમાંથી ૧ મહામંડલેશ્વર જ હિન્દીમાં વાતચીત કરી શકે છે. નવાઇની વાત એ છે કે, આ તમામ સન્યાસીઓ સંપૂર્ણપણે ભારતીય બની ગયા છે. આ સન્યાસીઓમાં કેટલાક ઇઝરાયલથી તો કેટલાય જાપાનથી આવ્યા છે. અમેરીકાના રહેવાસી અનંતદાસ મહારાજે કહ્યું છે કે, તેઓ સાંઇમાને અમેરિકામાં મળ્યા હતા. એમની કથા સાંભળીને તેઓ સનાતન ધર્મથી પ્રભાવીત થયા હતા. ત્યાર પછી તેઓ સાંઇમાના આશ્રમ સાથે જોડાઈ ગયા હતા.

ટ્રમ્પ ઈફેક્ટ : કેન્દ્રએ યુએસ આયાત વધારવા સમીક્ષા શરૂ કરી

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન-ભારત જેવા દેશોને સીધી નહીં તો આડકતરી ધમકી આપી દીધી છે કે જો માત્ર નિકાસ પર ધ્યાન આપશો તો ટેરિફ લગાડાશે. ટ્રમ્પની ઈફેક્ટ થઈ હોય એમ કેન્દ્ર સરકારે અમેરિકાથી આયાત થતી ચીજવસ્તુઓની સમીક્ષા શરૂ કરી છે. આ ઈમ્પોર્ટ બાસ્કેટની સમીક્ષા કરીને અમુક ચીજવસ્તુઓની આયાત કરાશે. અમુક ચીજવસ્તુઓની આયાત જે અગાઉથી જ થતી હશે એને વધારાશે. એ રીતે ટ્રમ્પની ડિમાન્ડ પૂરી કરવામાં આવે એવી શક્યતા છે. વેપારમાં સંતુલન બનાવવાથી જ ટ્રમ્પ સાથે સારાસારી રાખી શકાશે એ સરકારને સમજાઈ ગયું છે.

નીતિશ કુમારે મોદીને 32 પાનાનો પત્ર લખીને શું વ્યૂહ અજમાવ્યો

નીતિશ કુમારની સક્રિયતા ભાજપને સમજમાં આવતી નથી. એક તરફ નીતિશ કુમાર સ્પષ્ટતા કરતા રહે છે કે એનડીએ છોડીને ક્યાંય જવાના નથી. બીજી તરફ ભાજપના નેતાઓની વાતને કાપી નાખે છે. સ્થાનિક ભાજપના નેતાઓ પર નજર રાખવા ખાસ ટીમ પણ બનાવી છે. બીજી તરફ અમુક યોજનાઓની ક્રેડિટ પોતાની સરકારને આપીને કેન્દ્રનો ઉલ્લેખ ટાળે છે. હવે બિહારના મુખ્યમંત્રીની રૂએ નીતિશ કુમારે કેન્દ્ર સરકાર યાને મોદીને ૩૨ પાનાનો પત્ર લખ્યો છે. એમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે ફંડની ડિમાન્ડ કરી છે. ૧૩,૦૦૦ કરોડના વિશેષ પેકેજની માગણી મૂકી છે. સોર-ઉર્જા પાર્ક બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. પૂર પીડિતોને રાહત આપવા બજેટમાં જોગવાઈ કરવાની ભલામણ કરી છે. આવું કરીને નીતિશ સરકારને ભીંસમાં મૂકીને ફંડ મેળવશે અને પોતાની સરકારને સ્થિતિ મજબૂત કરશે, જેથી આગામી ચૂંટણીમાં જેડીયુને ફાયદો થઈ શકે.

કેન્દ્ર યોજનાઓના ફંડમાં ભેદભાવ કરતી હોવાનો તમિલનાડુનો આરોપ

તમિલનાડુના નાણામંત્રી થંગમ થેન્નારસુએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર યોજનાઓ માટે પૂરતું ફંડ આપતી નથી. તમિલનાડુની સરકાર નાણાકીય વ્યવસ્થામાં પારદર્શક હોવા છતાં સરકાર તેમને જોઈએ એવું ફંડ મંજૂર કરતી નથી. તેના બદલે જ્યાં ગઠબંધનની સરકાર છે એવા આંધ્રપ્રદેશ જેવા રાજ્યોને વધુ રકમ આપવામાં આવે છે. તમિલનાડુના નાણામંત્રીએ એવો આરોપ લગાવ્યો કે તમિલનાડુ ભાજપ યુનિટ સ્ટાલિનની સરકારનો અપપ્રચાર કરે છે. ભાજપ યુનિટ કહે છે કે રાજ્યમાં ફંડનું મેનેજમેન્ટ બરાબર થતું નથી. એમાં ગરબડો થાય છે.

દિલ્હીમાં યોગી બ્રાન્ડનો પ્રચાર કરવા ભાજપે વ્યૂહ ઘડયો

ભાજપમાં યોગીની પૉલિસી આક્રમક હિન્દુત્વની રહેતી આવી છે. હરિયાણામાં યોગીએ એક રહેંગે તો સેફ રહેંગેનો નારો આપ્યો એની ધારી અસર થઈ હતી. એ પ્રકારનો જ વ્યૂહ મહારાષ્ટ્રમાં પણ ભાજપે અજમાવ્યો હતો અને તેમાંય ધારી સફળતા મળી હતી. હવે એનો પ્રયોગ દિલ્હીમાં કરવાનો વ્યૂહ બનાવાયો છે. ભાજપ દિલ્હીની ચૂંટણીમાં યોગીની સ્ટાઈલમાં આક્રમક પ્રચાર તો કરશે જ, પરંતુ યોગી ઓછામાં ઓછી ૧૫ રેલી કરે એવીય યોજના ચાલી રહી છે.

મિલ્કીપુરની પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપે બંધારણની નકલો વહેચી

મિલ્કીપુરની પેટાચૂંટણીમાં વિજય મેળવવાનો દાવો ભાજપ અને સપા એમ બંને પાર્ટી કરે છે. સપાને છેલ્લી ચૂંટણીમાં આ બેઠક પર સફળતા મળી હતી. એ બેઠકના ધારાસભ્ય અવધેશ પ્રસાદ અયોધ્યાની બેઠક પરથી લોકસભા સાંસદ બની જતાં આ બેઠકની પેટાચૂંટણી થઈ રહી છે. એમાં અવધેશ પ્રસાદના દીકરા અજીત પ્રસાદને સપાએ ટિકિટ આપી છે. ભાજપે આ બેઠક પરથી યુવા નેતા ચંદ્રભાન પાસવાનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ બેઠક પરથી ચૂંટણી પ્રચારનો વ્યૂહ બદલ્યો છે. હવે ભાજપે દલિત મતદારોને આકર્ષવા માટે બંધારણની નકલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરો વહેચવાનું શરૂ કર્યું છે. 

પ્રિયંકા ગાંધીએ કુંભમેળાની ટીકા કરી હોવાની ફેક પોસ્ટ વાયરલ

પ્રિયંકા ગાંધી વાડ્રાના નામે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એમાં પ્રિયંકાએ કુંભમેળામાં થતા માતબર ખર્ચની ટીકા કરી છે. એમાં પ્રિયંકાએ દલીલ કરી કે પીવાના પાણીની સમસ્યા વકરી છે, તેની સામે સરકાર કુંભમેળામાં બેફામ ખર્ચ કરી રહી છે. આ પોસ્ટથી ઘણાં યુઝર્સ પ્રિયંકાની ટીકા કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે પ્રિયંકાએ એવી કોઈ પોસ્ટ કરી નથી. જે એક્સ પ્લેટફોર્મનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ પ્રિયંકાના નામે બનેલું ફેક એકાઉન્ટ છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે એવી કોઈ પોસ્ટ લખી નથી.

- ઈન્દર સાહની


Google NewsGoogle News