દિલ્હીની વાત : યુપી-ગુજરાત જેવું દિલ્હી બનાવવાની ભાજપની વાત કોઈ માનતું નથી
નવીદિલ્હી : ભાજપ જે જે રાજ્યમાં સત્તા પર આવે છે ત્યાં ત્યાં એવું વચન આપે છે કે યુપી - ગુજરાતની માફક જે તે રાજ્યોનો વિકાસ કરવામાં આવશે. રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે, યુપી અને ગુજરાતમાં કયો અને કેવા પ્રકારનો વિકાસ થયો છે એ ભાજપ સમજાવી શકતો નથી. ભાજપ અને એના સાથી પક્ષો ૨૦ રાજ્યોમાં સત્તા પર છે. ભાજપના નેતાઓ એમ માને છે કે, કેન્દ્ર સરકારની કામગીરી અતિ ઉત્તમ છે. જોકે જમીની હકીકત કંઈ જુદી જ છે. દિલ્હીમાં સત્તા પર આવ્યા પછી ભાજપના કેટલાક નેતાઓ લોકોને કહી રહ્યા છે કે, હવે દિલ્હીનો વિકાસ પણ અમે ગુજરાત અને યુપીની માફક કરીશું. જોકે બહુ ઓછા દિલ્હીવાસીઓ ભાજપના નેતાઓની વાત માની રહ્યા છે.
ન્યાયાલયની માફી માગવામાં કંઈ ખરાબ નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક સિનિયર વકીલનું નામ લઈને સૂનાવણી રોકી લીધા પછી કેસમાં હવે નવો વણાંક આવ્યો છે. સિનિયર વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, એમને જણાવ્યા વગર સુનાવણી સ્થગીત કરવાની અપીલ કરવામાં આવી હતી. આ બાબતે ન્યાયાધીશ અભય એસ ઓકાએ કહ્યું હતું કે, બની શકે છે કે તમને ન્યાયાધીશ પસંદ ન હોય, પરંતુ ન્યાયાલયની માફી માગવામાં કઈ ખોટું નથી. ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ઉજ્વલ મુહિયાની બેન્ચને વકીલ હરીશ સાલવેની ઓફિસના વકીલે કહ્યું હતું કે, એમના નામે સુનાવણી અટકાવવાની માગણી ખોટી છે. હરીશ સાલવેને આ બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. ન્યાયમૂર્તિ અભય એસ ઓકાએ આ બાબતે ટીપ્પણી કરી હતી.
પક્ષને ખતમ કરવા અમારા માણસોનો ઉપયોગ થાય છે : ઉદ્ધવ
આજકાલ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સતત પોતાના વિરોધીઓ પર પ્રહાર કરી રહ્યા છે. એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, એમના પક્ષ અને 'મરાઠી માનુષ'ને ખતમ કરવા માટે કેટલાક લોકો એમની નજીકના માણસોનો જ ઉપયોગ કરે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પક્ષના કેટલાક નિર્ણયોથી લોકો નારાજ થઈ શકે છે. વિધાનસભામાં જે ભૂલો અમે કરી હતી એનું પુનરાવર્તન હવે નહીં થાય. એમની નજીકના વફાદારો જે રીતે પક્ષ છોડી ગયા એનાથી એમને આંચકો લાગ્યો છે. હવે સમય આવશે ત્યારે આવા ગદ્દારોને બરાબર પાઠ ભણાવવામાં આવશે. ઠાકરેએ કહ્યું હતું કે એમની સ્થિતિ જાપાનના લોકો જેવી છે કે જેઓ ભૂકંપ નહીં આવે ત્યારે ચિંતીત થઈ જાય છે.
મહાકુંભના શ્રદ્ધાળુઓએ અર્થશાસ્ત્રની નવી વ્યાખ્યા રચી
એક તરફ મહાકુંભમાં રેકોર્ડ બ્રેકીંગ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને મહાકુંભની કેટલીક અવ્યવસ્થાથી તેઓ નારાજ પણ છે. આમ છતાં મહાકુંભને કારણે પ્રયાગરાજમાં અત્યાર સુધી ૫૪ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હોવાની વાત છે. આ સાથે ૬૦ લાખ જેટલી વ્યક્તિઓને સીધી કે આડકતરી રોજગારી પણ પ્રાપ્ત થઈ છે. રહેઠાણ, ટ્રાન્સપોર્ટેશન અને ખાણી-પીણીના ક્ષેત્રોએ મોટી કમાણી કરી છે. એક અંદાજ પ્રમાણે ૩૬૦ બિલિયન ડોલરનો વેપાર થયો હોવાનું અનુમાન છે. ફક્ત પ્રયાગરાજ જ નહીં, પરંતુ આસપાસના ૧૫૦ કીલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને પણ મોટો ધંધાકીય ફાયદો થયો છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ વ્યક્તિદીઠ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ કરે એવો અંદાજ છે. કાશી વિશ્વ હિન્દુ વિદ્યાલયની બીએવી શ્રીજી કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અનુપકુમાર મિશ્રાની ટીમે કરેલા અભ્યાસ પછી આ તારણ નિકળ્યું છે.
નેપાળી વિદ્યાર્થિનીની આત્મહત્યાનો વિવાદ વધ્યો, સમિતિ તપાસ કરશેે
કેઆઇઆઇટી યુનિવર્સિટીની નેપાળી વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યાનો વિવાદ વકરી રહ્યો છે. નેપાળની સરકારે ભારતના વિદેશ મંત્રાલયને પણ આ બાબતે દખલ કરવા કહ્યું છે. વિદ્યાર્થિનીની આત્મહત્યા પછી નેપાળમાં વિદ્યાર્થિઓને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવાની ઘટના બાબતે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. હવે ઓડિસા સરકારની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ કેઆઇઆઇટીના સંસ્થાપક અચ્યુત સામંતને સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું છે. સમિતિએ સામંતને લખેલા પત્રમાં કહ્યું છે કે, 'તમારે સમિતિના સભ્યો સમક્ષ હાજર થઈને નિવેદન આપવું પડશે. જેનો ઉપયોગ ભવિષ્યમાં પુરાવા તરીકે કરી શકાશે.' ગૃહવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સત્યવ્રત સાહુની આગેવાનીમાં ત્રણ સભ્યોની બનેલી સમિતિએ તપાસ ચાલુ કરી દીધી છે. સમિતિના સભ્યોએ કેઆઇઆઇટીના કેમ્પસ પર જઈને વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરી છે.
કેન્દ્ર સરકારે ઓટીટી પ્લેટફોર્મને આપેલી ચેતવણીની બેઅસર
કેટલાક ઓટીટી પ્લેટફોર્મ પર બિભત્સ અને હિંસક વેબ સિરિયલો બતાવવામાં આવે છે. આ સામે દેશભરમાંથી વિરોધ ઉઠયો છે. કેન્દ્ર સરકારે વિવિધ ઓટીટી પ્લેટફોર્મોને કાયદાનું પાલન કરવા કહ્યું છે. છતાં મોટા ભાગના ઓટીટી પ્લેટફોર્મ કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને ગણકારતા નથી. સોશિયલ મીડિયા પર અશ્લીલ કોમેડી શો બિન્દાસ્ત બતાવી રહ્યા છે. રણવીર અલ્હાબાદીયાના કેસ પછી કેન્દ્ર સરકારે કેટલાક ઓટીટી પ્લેટફોર્મને નોટીસ મોકલી છે. કેન્દ્ર સરકાર જાતભાતની કલમો હેઠળ વિદેશી અને દેશી ઓટીટી પ્લેટફોર્મને ધમકી આપે છે, પરંતુ ટેક્નીકલી અશ્લીલ સામગ્રી કઈ રીતે રોકી શકાય એની ખબર કેન્દ્ર સરકારને પણ નથી.
સુપ્રીમ કોર્ટે સામાજિક ન્યાય બાબતે ચિંતા દર્શાવી
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલએ સામાજિક ન્યાયના અમલ બાબતે ચિંતા પ્રદર્શિત કરી છે. એમણે કહ્યું છે કે, ભારતમાં સામાજિક ન્યાય અને આદર્શનું પાલન કેટલી હદે થાય છે એના પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. ગરીબ અને પૈસાદારો વચ્ચેનો ભેદભાવ એ કડવુ સત્ય છે. આ સત્યનો સામનો આપણે કરવો જ જોઈએ. ન્યાયાધીશ કરોલે એમ પણ કહ્યું હતું કે, આપણે ફક્ત દેશના વિકાસની નહીં પરંતુ દરેક સમાજનો વિકાસ થાય એ જોવાની પણ જરૂર છે. ૨૦૨૫મા જ્યારે આપણે વિશ્વ સામાજિક ન્યાય દિવસ મનાવીએ ત્યારે આ બાબતે ગંભીરપણે વિચારવાની જરૂર છે. પૈસાદારો અને વંચીતો વચ્ચેની ખાઈ વધી રહી છે. દેશની આર્થિક વિકાસની સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધે ગરીબોનો વિકાસ થાય એ પણ જરૂરી છે.
મમતા બેનર્જીએ લોજિકલ મુદ્દા ઉઠાવીને યોગી સરકારને ઘેરી
મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુકુંભ કહ્યો તેનો વિવાદ થયો. ભાજપે એનો ઉગ્ર વિરોધ કર્યો. પરંતુ મમતા બેનર્જીએ એનો બચાવ કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું:ે હું હિન્દુ બ્રાહ્મણ છું અને એનું મને ગૌરવ છે. મુદ્દો મહાકુંભની ટીકાનો નથી. હું ગંગા મૈયામાં સ્નાન કરું છું. મુદ્દો યોગી સરકારના જૂઠનો છે. યોગી સરકારે પોસ્ટ મોર્ટમ કર્યા વગર બંગાળના નાગરિકોના મૃતદેહો મોકલી આપ્યા છે ને તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી આવ્યાનું કહેવાયું છે. કારણ કે તેમને વળતર આપવું ન પડે. તેમને ડેથ સર્ટિફિકેટ પણ અપાયા નહીં. વીઆઈપીને સુવિધા આપી હોવાથી મહાકુંભમાં નાસભાગ થઈ ને લોકોનાં મોત થયા. નાસભાગની ઘટના પછી એક પણ આયોગને તપાસ માટે મહાકુંભ મોકલાયું? આ મુદ્દા ઉઠાવીને બંગાળના લોકોમાં મમતા બેનર્જીએ બંગાળી નાગરિકોના હિત માટે બોલતા હોવાની છાપ ઉભી કરી છે.
ફડણવિસના ત્રણ કાર્યક્રમોમાં એકનાથ શિંદે ગેરહાજર, અનેક અટકળો
મહારાષ્ટ્રમાં બધું બરાબર ચાલી રહ્યું છે એવો દાવો તો ગઠબંધન કરે છે, પરંતુ તેમના નિવેદનો અને વર્તન મેચ થતા નથી. એકનાથ શિંદે સતત સીએમ દેવેન્દ્ર ફડણવિસને ઈગ્નોર કરી રહ્યા છે. છેલ્લાં ત્રણ સરકારી કાર્યક્રમોમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે હાજર રહ્યા ન હતા. ગેસ્ટમાં તેમનું નામ હોવા છતાં ગેરહાજર રહ્યા હોવાથી ભારે ચર્ચા જાગી છે. ખાસ તો ઠાણેના બદલાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ હતો. ઠાણે એકનાથ શિંદેનું ગૃહ ક્ષેત્ર જેવું છે છતાં એમાં તે હાજર ન હતા.
હરિયાણામાં કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં જોડાવાનો સિલસિલો
હરિયાણામાં મ્યુનિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. તે પહેલાં પક્ષપલટાનો સિલસિલો ચાલુ થયો છે. ખાસ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સત્તાધારી ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા રામ નિવાસ રાણા ભાજપમાં જોડાયા છે. તે ઉપરાંત તારલોચન સિંહ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓ તેમના ઘણાં સમર્થકો સાથે જોડાયા છે અને તેનો નગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય એવી શક્યતા છે. બીજી માર્ચે ચૂંટણી થવાની છે. તે પહેલાં કોંગ્રેસ અને આપના ૩૦થી વધુ મહત્ત્વના નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
મણિપુર ભાજપમાં જૂથવાદ નથી, અમે એકમત છીએ : બિરેન સિંહ
મણિપુરના કેરટેકર સીએમ એન બિરેન સિંહે ભાજપમાં જૂથવાદ હોવાની વાતનો રદિયો આપતા કહ્યું હતું કે અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે મણિપુર ભાજપમાં બે જૂથો સામ-સામે છે. એ વાતો સદંતર પાયાવિહોણી છે. મણિપુર ભાજપના તમામ ધારાસભ્યો એકમત છે. એમાં કોઈ શંકા નથી. બિરેન સિંહે રાજીનામું આપ્યું પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડયું છે. ભાજપે હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી. કદાચ ચૂંટણીઓ વહેલી થાય એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. બિરેન સિંહ ભલે આવું નિવેદન આપતા હોય, પરંતુ ભાજપના ઘણાં નેતાઓ નવી પાર્ટી બનાવવાની દિશામાં ગંભીરતાથી વિચારી રહ્યા હોવાનું ભાજપના સૂત્રો જ કહી રહ્યા છે.
દિલ્હીમાં આપે મહિલાઓને 2500 રૂપિયા ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો
દિલ્હીમાં રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી જે પહેલાં બે નિર્ણયો કર્યા એમાં દર મહિને મહિલાઓને ૨૫૦૦ રૂપિયા આપવાનો જે વાયદો હતો એ મુદ્દે કશું કર્યું નહીં. એના કારણે આમ આદમી પાર્ટીએ એ મુદ્દે ભાજપને ઘેર્યો છે. પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે ભાજપે દિલ્હીના લોકો સાથે છેતરપિંડી કરી છે. ચૂંટણી પહેલાં એવો દાવો કર્યો હતો કે સરકાર બનશે કે તરત જ મહિલાઓને એકાઉન્ટમાં ૨૫૦૦ રૂપિયા આપીશું, હવે સરકાર બની ગઈ છે છતાં ભાજપની સરકારની પ્રાયોરિટી આ નથી. આમ આદમી પાર્ટીએ ભાજપની રેખા ગુપ્તાની સરકાર સામે એવી વ્યૂહરચના અજમાવી છે કે ભાજપના મેનિફેસ્ટોમાં જે વાયદા થયા છે એનો સતત મુદ્દો ઉઠાવીને સરકારને ભીંસમાં લેવી. તેના કારણે દિલ્હીમાં સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલતું રહેશે.
- ઈન્દર સાહની