દિલ્હીની વાત : દિલ્હીમાં રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવા પાછળ ભાજપનો વ્યૂહ
નવીદિલ્હી : રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવીને ભાજપે અરધી વસ્તીને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે ત્યારે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવાથી પક્ષને ફાયદો થશે. આ ઉપરાંત ૨૦૨૬માં આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુંચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ૨૦૨૭માં પણ બીજા કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આગલા ત્રણ વર્ષમાં ૨૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ બધા રાજ્યોમાં ચૂંટણી વખતે ભાજપ મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું નામ વટાવી ખાશે. વિરોધ પક્ષો ભાજપ અને આરએસએસને સ્ત્રી વિરોધી ગણાવી રહ્યા છે ત્યારે ભાજપ માટે રેખા ગુપ્તા ઢાલ બની શકે એમ છે. જોકે, રેખા ગુપ્તાની જૂની ટ્વીટ્સ વાયરલ થઈ છે. તેમણે કેજરીવાલના માતાને વિરૂદ્ધ વિવાદિત પોસ્ટ લખી હતી. એ જ રીતે અગાઉ પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ પણ અણછાજતી ટીપ્પણી કરી હતી. કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે રેખા ગુપ્તાએ તું-તારી કરીને પોસ્ટ લખી હતી. એને લઈને આપ અને કોંગ્રેસે તેમની ટીકા કરી હતી.
શ્રીકૃષ્ણ જન્મભૂમિનું આંતરરાષ્ટ્રીય આંદોલન મેલબોર્નથી શરૂ થશે
ત્રિવેણીના સંગમથી શરૂ થયેલું શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન હવે વિદેશ સુધી પહોંચ્યું છે. પહેલી વખત વિદેશની ધરતી પર શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલનનો શંખનાદ થશે. વિશ્વભરના એનઆરઆઇઓને આ આંદોલન સાથે જોડવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા ખાતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ માટેના મહાસંવાદની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. આંદોલનની શરૂઆત સિગ્નેચર કેમ્પેઇનથી થશે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આ સિગ્નેચર કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. મેલબોર્નમાં માર્ચ મહિનાની ૨૮થી ૩૦ તારીખ સુધી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ માટે મહાસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંવાદમાં છ હજાર જેટલા બિનનિવાસી ભારતીઓ હાજર રહેશે.
રણવીરના વિવાદ વચ્ચે સંસદીય સમિતિએ આઇટી મંત્રાલય પાસે જવાબ માંગ્યો
સંસદની એક સમિતીએ યુ-ટયુબ અને અન્ય સોશિયલ મીડિયા પર કાર્યક્રમ કરનારા રણવીર અલ્હાબાદીયાની અપમાનજનક ટીપ્પણી બાબતે પગલા લેવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે જે રીતે રણવીરની સખત શબ્દોમાં ટીકા કરી છે એનો હવાલો આપીને સમિતીએ ઇલેકટ્રોનિક અને સૂચના મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. સમિિએ મંત્રાલયને કહ્યું છે કે, આ પ્રકારના કિસ્સાઓ બનતા રોકવા માટે મંત્રાલય પાસે કોઈ અસરકારક કાયદાઓ છે કે નહીં. જો આવા કાયદા નહીં હોય તો નવેસરથી ડિજીટલ કાયદા બનાવવા જોઈએ. સમિતિએ મંત્રાલયના સચીવ એસ કૃષ્ણનને પત્ર પણ લખ્યો છે. ડિજીટલ અને સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થઈ રહ્યો હોવાથી વિરોધપક્ષના સાંસદો ઉપરાંત સત્તાધારી પક્ષના સાંસદો પણ નારાજ થયા છે.
સમાચાર પ્રકાશિત કરતા પહેલાં મીડિયાએ સાવચેતી રાખવી જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભાષણ અને અભિવ્યક્તિની સ્વંતત્રતાનો અધિકાર દરેકને છે. જોકે મીડિયામાં ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા લોકોએ કોઈપણ નિવેદન, સમાચાર કે માન્યતા પ્રકાશિત કરતા પહેલા ખૂબ સાવધાની અને જવાબદારી રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટ એક અંગ્રેજી છાપાના સંપાદકીય નિર્દેશક તેમ જ અન્ય પત્રકારો સામે થયેલા બદનક્ષીના કેસની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે જોકે પત્રકારો સામે થયેલી ફરિયાદ કાઢી નાખી હતી, પરંતુ કેટલીક ટીપ્પણીઓ કરી હતી. જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ આર મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે, જનમત બનાવવામાં મીડિયાનો ફાળો મોટો છે. મીડિયા લોકોની ભાવનાઓને અસર કરી શકે છે. અંગ્રેજી લેખક બુલવર રીર્ટનના લખાણનો દાખલો આપતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, કલમ તલવાર કરતા વધુ શક્તિશાળી છે.
તેલંગણામાં કેસીઆર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનારની હત્યા
તેલંગાણાના જયશંકર ભૂપલ પલ્લી વિસ્તારમાં એક વ્યક્તિની બે અજાણ્યાઓએ ચાકૂ મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. પોલીસના કહેવા પ્રમાણે મરનારે ૨૦૨૩ના ઓક્ટોબર મહિનામાં તેંલગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચન્દ્રશેખર રાવ (કેસીઆર) તથા બીજાઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. સાંજે ૭.૩૦ વાગ્યે ૫૦ વર્ષના એન રાજલિંગમૂર્તિ મોટર સાઇકલ પર જઈ રહ્યા હતા એ વખતે એમને અટકાવીને બે વ્યક્તિઓએ એમના પર હુમલો કર્યો હતો. રાજલિંગમૂર્તિએ કેસીઆર સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કાલેશ્વરમ પરીયોજનામાં ગોટાળો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટના પછી તેંલગાણામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. શાસકપક્ષ કોંગ્રેસના નેતાઓ આ હત્યા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ટેકેદારોને જવાબદાર માની રહ્યા છે.
'બાળકો માટે સાર્વજનિક ભોજનકક્ષ બનાવવાની જવાબદારી રાજ્યોની'
આપણા દેશમાં નવજાત શીશુની માતાઓને સ્તનપાન કરાવવા માટે જાહેર સ્થળોએ કોઈ વ્યવસ્થા રાખવામાં આવતી નથી. આ બાબતે સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટે ટીપ્પણી કરી છે કે, નાના બાળકોની સારસંભાળ માટે અને એમને સ્તનપાન કરાવવા માટે અલગ ઓરડાઓ બનાવવા જોઈએ. કોર્ટે દરેક રાજ્યોને આ પ્રકારની સગવડ ઉભી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ પ્રશંન્ના વરાલેની બેન્ચે કહ્યું છે કે, આ પ્રકારની સુવિધાઓને કારણે માતાની પ્રાઇવસી જળવાઈ રહેશે અને બાળકો માટે પણ ફાયદારૂપ સાબિત થશે. જો આવા ભવનો બની રહ્યા હોય તો રાજ્ય સરકારે જોવું જોઇએ કે એમનું નિર્માણ સમયસર થાય.
સત્તાધિશોની બેદરકારીને કારણે ટીબી પારખી શકાતો નથી
ટીબીના દર્દીઓની સમયસર તપાસ નહીં થતી હોવા બાબતે સંસદીય સમિતિએ સત્તાધિશોની બેદરકારીને જવાબદાર ગણાવી છે. આરોગ્ય સંબંધની સંસદીય સ્થાયી સમિતિએ ટીબીને કાબુમાં લેવા માટે અને તપાસ માટે જે કીટ જરૂરી છે એ સમયસર ખરીદવામાં નથી આવી. આ માટે કેટલાક સરકારી બાબુઓ જવાબદાર છે. આ બેદરકારીને કારણે હોસ્પિટલોમાં ટીબીના દર્દીઓની ઓળખ શરૂઆતમાં થતી નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બાબતે એવું બહાનું કાઢયું હતું કે, સીબીએનએએટી અને ટૂનેટ કાર્ટીંજ જેવા સાધનોની ખરીદી નહીં થઈ હોવાની જાણકારી મંત્રાલયને નથી. જોકે કેબિનેટ કમિટીએ મંત્રાલયનો આ જવાબ સ્વીકાર્યો નથી. કેબિનેટ કમિટીના સભ્યોનું માનવું છે કે આ પ્રકારની કીટ દેશમાં પણ બનાવી શકાય એમ છે અને આરોગ્ય સમિતિએ એ દિશામાં કામ કરવું જોઈએ.
ચીનનું અર્થતંત્ર મંદ થતાં જેક માનો વનવાસ પૂરો થયો
ચીનના અર્થતંત્ર સામે આ વર્ષે પડકાર સર્જાયો છે. અર્થતંત્ર મંદ થઈ ગયું છે અને સરકારી કંપનીઓ ધારણા પ્રમાણે પરફોર્મ કરી શકતી નથી. આખરે જિનપિંગને અલીબાબાના સ્થાપક જેક મા યાદ આવ્યા છે. જેક માને ૨૦૨૦થી જ ચીનની સરકાર ટાર્ગેટ કર્યા હતા અને તેમની કંપનીઓ સામે પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૩ પછી તો જેક મા એકેય વખત જાહેરમાં દેખાયા ન હતા. તેમને નજરકેદ કરી લેવાયાની ચર્ચા હતી. પરંતુ અર્થતંત્ર સામે પડકાર સર્જાતા જેક માનો વનવાસ જાણે પૂરો થયો છે. જિનપિંગે જેક મા સાથે મુલાકાત કરી હતી. જેક માએ કેટલીય ઉપયોગી સલાહ પણ ચીનના પ્રમુખને આપી છે. ખાસ તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ટેરિફ વોર છેડી રહ્યા છે તેની સામે ટકી રહેવા ચીનની કંપનીઓએ શું કરવું જોઈએ એ અંગે જિનપિંગ જેક માનો ઓપિનિયન જાણવા ઈચ્છતા હતા.
સીપીઆઈએમની સ્ટૂડન્ટ વિંગ મુદ્દે કેરળમાં ભાજપ-કોંગ્રેસ એક
કેરળમાં સીપીઆઈએમની સ્ટૂડન્ટ વિંગ સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો વિવાદ થયો છે. આ સંગઠન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાની ફરિયાદ બાદ ભાજપ અને કોંગ્રેસે સીપીઆઈએમ સામે મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્ટૂડન્ટ વિંગ સામે તુરંત પગલાં ભરવાની માગણી કરી હતી. ભાજપ અને કોંગ્રેસે એકમત થઈને સ્ટૂડન્ટ વિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. એ મુદ્દે રાજકારણ એટલું ગરમાઈ ગયું કે ખુદ મુખ્યમંત્રી પી. વિજયને વિદ્યાર્થી પાંખના બચાવમાં મેદાનમાં ઉતરવું પડયું. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્ટૂડન્ટ વિંગ સામે જરા સરખો વિવાદ જાગે ત્યાં જમણેરી મીડિયા તૂટી પડે છે. જો કંઈ ગરબડ થઈ હશે તો એના પર તપાસ કરવામાં આવશે. પ્રતિબંધના મુદ્દે વિજયને સામો સવાલ કર્યો કે તો પછી સંઘ પર પ્રતિબંધ મૂકવાની વાત કેમ નથી કરતા?
રાજસ્થાનમાં નવ જિલ્લા રદ્ થયા પછી નવા આઠ જિલ્લાને માન્યતા
રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નવા ૧૭ જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. વહીવટી સરળતા માટે આ જિલ્લા બન્યા હોવાનું સરકારે કહ્યું હતું. આ જિલ્લાના ગઠન અંગે લોકોમાં મતમતાંતરો હતા. તે વખતે ભાજપ વિપક્ષમાં હતો. ભાજપના નેતાઓએ પણ નવા જિલ્લાના ગઠનનો વિરોધ કર્યો હતો. આખરે રાજ્યમાં ભાજપની સરકાર બની પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એનો રિવ્યૂ કરાવ્યો ને નવ જિલ્લા રદ્ કરી દીધા. એનોય કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, પરંતુ ૧૭માંથી નવ જિલ્લા રદ્ થયા ને આઠને માન્યતા આપી. હવે એ આઠ માટે સરકારે ૧૦૦૦ કરોડ રુપિયા ફાળવ્યા છે. રાજસ્થાનમાં કેટલાય સમયથી કેટલા જિલ્લા છે તેની ભારે મૂંઝવણ હતી. હવે જિલ્લાનો સત્તાવાર આંકડો ૪૧ થયો છે.
- ઈન્દર સાહની