Get The App

દિલ્હીની વાત : પેટા ચૂંટણી માટે જેડીયુના ઉમેદવારો નક્કી, આરજેડી મથામણમાં

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : પેટા ચૂંટણી માટે જેડીયુના ઉમેદવારો નક્કી, આરજેડી મથામણમાં 1 - image


નવીદિલ્હી : બિહાર વિધાનસભાની પેટા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. બિહારમાં ચાર બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. બિહાર વિધાનસભામાં ભાજપ ભલે સૌથી મોટો પક્ષ હોય, પરંતુ પેટા ચૂંટણીની ચાર બેઠકોમાંથી બે બેઠકો ભાજપે જેડીયુને આપવી પડી છે. ઝારખંડમાં ભાજપએ જેડીયુએ માંગેલી બાર બેઠકોમાંથી ફક્ત બે બેઠક આપી છે. આ બાબતે નિતિશકુમાર નારાજ થયા હોવાનું પણ કહેવાય છે. બીજી તરફ આરજેડીના નેતા તેજસ્વી યાદવે ઝારખંડ મુક્તિ મોરચા સાથે ડીલ ફાઇનલ કરી નાંખી છે. હવે રાહુલ ગાંધી પણ ઝારખંડ જઈ રહ્યા છે ત્યારે તેજસ્વી યાદવે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સૌરેન સાથે બેઠકો બાબતે વાત કરી લીધી છે. ઝારખંડમાં તેજસ્વી યાદવે ૨૨ બેઠકોની માંગણી કરી હતી, પરંતુ ઝામુમોએ તેજસ્વી યાદવને ફક્ત પાંચ બેઠકો આપી છે.

ભારતે કેનેડાના અધિકારીનું નામ આતંકીઓની યાદીમાં સામેલ કર્યું

ભારત અને કેનેડા વચ્ચે રાજકીય વિવાદ ચરમસીમાએ છે. ભારતએ કેનેડા બોર્ડર સિક્યુરીટી ફોર્સના એક અધિકારીનું નામ ભાગેડુ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યું છે. સીબીએસએના અધિકારી સંદીપ સિંહ સિદ્ધુ સામે આક્ષેપ છે કે કેનેડામાં રહીને એમણે આતંકવાદી પ્રવૃત્તિ કરી છે. ભારતે એને ભાગેડુ જાહેર કર્યો છે. ખાલિસ્તાની આતંકવાદી હરદિપસિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે ભારતનું વિદેશ મંત્રાલય ભારતને સોપવા માટે સંદીપ સિંહ સિદ્ધુની માંગણી કરી રહ્યું છે. સંદીપ સિંહ સિદ્ધુ પંજાબ હતો ત્યારે એણે પ્રતિબંધીત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના સભ્ય બનીને આતંકવાદી પ્રવૃત્તિ કરી હતી. પાકિસ્તાનસ્થિત લખબીર સિંહ રોડે તેમ જ આઇએસઆઇના ગુંડાઓ સાથે સંદીપ સિંહ સિદ્ધના સંબંધ હતા.

બાબા સિદ્દીકીની હત્યા બાબતે પુત્ર જીસાનની ભેદી પોસ્ટ

એનસીપી (અજીત પવાર)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા માટે નવ જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. બાબા સિદ્દીકીના પુત્ર જીસાને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. પિતાની હત્યા બાબતે કઈ રીતે પોલીસ તપાસ થઈ રહી છે એ બાબતે જીસાને ફડણવીસને માહિતી આપી હતી. જીસાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા એક્સ પર એક ભેદી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, જે દેખાઈ રહ્યું છે એ સઘળુ સત્ય હોતું નથી. જે છૂપાવવામાં આવે છે એમાંનું ઘણું સત્ય હોઈ શકે છે. મહારાષ્ટ્રની યુતિ સરકારના કેટલાક મંત્રીઓ એમ માની રહ્યા છે કે, જો ચૂંટણી પહેલા બાબા સિદ્દીકીની હત્યાનું સત્ય બહાર આવશે તો યુતિ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે એમ છે.

મહારાષ્ટ્રની ચૂંટણીઃ ત્રણે પક્ષના નેતાઓની અમિત શાહ સાથે ભેદી મુલાકાત

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી મહાયુતિના ત્રણે પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે મનદુઃખ યથાવત છે. મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી જાણનારાઓનું કહેવું છે કે, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવારની તમામ માંગણીઓ મંજૂર રાખવા માંગતા નથી. આ બાબતે મનદુઃખ વધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણે નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. અમિત શાહે ત્રણે નેતાઓને સાથે બેસાડી સમજાવવાની કોશિષ કરી હતી. જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે અમિત શાહની ફોર્મ્યુલાથી શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર) ખાસ ખુશ થયા નથી.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ ચૂંટણી ચિન્હ શા માટે બદલ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી કમિશને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને મશાલનું ચૂંટણી ચિન્હ આપ્યું છે. જુન ૨૦૨૨માં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાનો અલગ ચોકો કરીને શિવસેનાના ભાગલા કર્યા હતા ત્યારે શિવસેનાનું ચૂંટણી ચિન્હ ધનુષ્ય બાણ એકનાથ શિંદેના ભાગે ગયું હતું. લોકસભાની ચૂંટણી વખતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ચૂંટણી ચિન્હ મશાલનો દેખાવ આઇસ્ક્રીમના કોન જેવો લાગતો હતો. હવે આ ચિન્હમાં ફેરફાર કરીને સ્પષ્ટ રીતે મશાલ દેખાય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ૧૯૮૫માં બાળા સાહેબ ઠાકરેએ સળગતી મશાલનું ચૂંટણી ચિન્હ લઈને ચૂંટણીમાં સફળતા મેળવી હતી. ત્યાર પછી શિવસેનાએ રેલવે એન્જિન, તાડના વૃક્ષો, તલવાર અને ઢાલ જેવા ચૂંટણી ચિન્હોનો ઉપયોગ કર્યો છે.

મહિલાઓના પ્રતિકાત્મક નહીં, વાસ્તવિક સશક્તીકરણની જરૂર

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરની મહિલાઓના સશક્તિકરણ માટે ઇન્દિરા ફેલોશીપ તરફથી શરૂ કરવામાં આવેલા આંદોલનને ટેકો આપી રહ્યા છે. કોંગ્રેસના શક્તિ અભિયાનની એક બેઠકને સંબોધીત કરતા રાહુલે કહ્યું હતું કે, આજે રાજકારણમાં સંઘર્ષ ફક્ત રાજકીય પક્ષો સાથે નથી, પરંતુ મોટા પ્રમાણમાં વૈચારીક લડાઈ છે. રાહુલે કહ્યું કે 'આજે રાજકારણમાં અમારી લડાઈ ફક્ત સત્તા માટે નથી, પરંતુ મહિલાઓનું વાસ્તવમાં સશક્તિકરણ થાય એ પણ જરૂરી છે. મહિલાઓએ પોતાના અધિકારો માટે લડવું જોઈએ.'

તમિલનાડુના રાજ્યગીત મુદ્દે મુખ્યમંત્રી-રાજ્યપાલ વચ્ચે વિવાદં

તામિલનાડુમાં હિન્દી ભાષાના પ્રચાર માટે યોજાયેલા કાર્યક્રમના સમાપન વખતે રાજ્યગીત ગાવામાં આવ્યું હતું. રાજ્યગીત 'તમિલ થાઇ વજ્થુ'માંથી દ્રવિડ શબ્દ દૂર કરવામાં આવ્યો હતો. આ બાબતે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન નારાજ થઈ ગયા છે. એમણે આ બાબતે રાજ્યપાલ આર એમ રવિ પર નિશાન તાંક્યું છે. આ કાર્યક્રમ દૂરદર્શનની ચેનલો પર બતાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલે પણ ભાગ લીધો હતો. સ્ટાલીને રાજ્યપાલનું રાજીનામુ માગ્યું છે. જોકે રાજ્યપાલના પ્રવક્તાના કહેવા પ્રમાણે ભૂલમાં એક પંક્તિ ગાવાની રહી ગઈ હતી. બીજી તરફ સ્ટાલીનનું કહેવું છે કે રાજ્યપાલે જાણી જોઈને ગીતમાંથી આ પંક્તિ હટાવી દીધી હતી. બંગાળની જેમ જ તામિલનાડુમાં પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે લાંબા સમયથી ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે.

પેટા ચૂંટણી જીતવા મતભેદો દૂર કરવા યોગી સક્રિય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૦માંથી ૧૦ પેટા ચૂંટણીઓ જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એવું કરીને યોગી ફરીથી પોતાની પક્કડ મજબૂત કરવા માગે છે. લોકસભામાં યુપીમાં ભાજપનો જે ધબડકો થયો તેનો અપયશ યોગી પર આવ્યો છે, એ યોગી આ પેટા ચૂંટણીથી દૂર કરવા ધારે છે. એ માટે યોગી સક્રિય થયા છે. તેમણે યુપી ભાજપ સંગઠન અને યુપી સરકાર વચ્ચે મતભેદો ન રહે તે માટેના પ્રયાસો આદર્યા છે. બધા જ પ્રભારીઓ સાથે બેઠક કરીને સરકારથી તેમને શું શું સમસ્યા છે અને પેટા ચૂંટણીમાં શું પ્રયાસો કરવા જોઈએ એની ચર્ચા કરી હતી. સંગઠનાના મોટા નેતાઓ પેટા ચૂંટણી માટે હજુ સુધી સક્રિય થયા નથી એ મુદ્દે લખનઉમાં ભાત-ભાતની અટકળો ચાલી રહી છે.

પ્રહલાદ જોશીના ભાઈ પર કૌભાંડના આરોપથી કર્ણાટકમાં ગરમાવો

કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક ભાજપના સિનિયર નેતા પ્રહલાદ જોશીના ભાઈ ગોપાલ જોશી પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. ટિકિટ આપવાના બદલામાં બે કરોડથી વધુ રકમનો આરોપ એક મહિલાએ લગાવ્યો છે. પ્રહલાદ જોશીના ભાઈ ઉપરાંત બહેન અને ભત્રીજા પર પણ આરોપ લાગ્યો છે. એ ઘટના બાદ પ્રહલાદ જોશી પર રાજકીય આરોપો લાગ્યા એટલે તેમણે એક પોસ્ટમાં લખ્યું કે મારે બે ભાઈઓ છે, એકેય બહેન નથી. ગોપાલ જોશી સાથે મારે ૩૨ વર્ષથી કોઈ જ સંબંધ નથી. તેમણે એ માટે ૨૦૧૩ની એક નોટિસનો હવાલો આપ્યો હતો કે બેંગ્લુરુની કોર્ટમાં તેમણે એક ખુલાસો કર્યો હતો ત્યારે આ વાત લખી હતી.

જગદીપ ધનખડે વિદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક નિવેદનમાં ભારતીયો પર વિદેશમાં થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાસ તો હિન્દુઓ પર સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે જે હુમલા થાય છે તેને ગંભીર ગણાવ્યા હતા. એક વર્ગ એવું કહે છે કે તેમણે કેન્દ્ર સરકારને એ સંદર્ભમાં ટકોર કરી છે અને એક્શન લેવાની જરૂરિયાત હોવાનો સંકેત આપ્યો છે. બીજો વર્ગ એવી દલીલ કરે છે કે તેમણે નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ભારતીયોમાં વિદેશ જવાની દોડ છે એ બંધ થવી જોઈએ. જો વિદેશ ન જાય તો ભારતીયો પર અત્યાચાર કે હિંસાનો મુદ્દો ન આવે. માનવ અધિકાર કમિશનના સ્થપના દિવસે સંબોધન કરતાં તેમણે માનવ અધિકાર કમિશનની સક્રિયતા બાબતે પણ ટકોર કરી હતી. એની પણ દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News