દિલ્હીની વાત : ખડગે સોનિયા-રાહુલની સલાહથી જ ચાલશે
નવીદિલ્હી : મલ્લિકાર્જુન ખડગે અંતે કોંગ્રેસના પ્રમુખ બની ગયા. ખડગેને સોનિયા ગાંધીના આશિર્વાદ હોવાથી પ્રમુખપદે તેમની જીત પાકી જ મનાતી હતી પણ ખડગેએ ધાર્યા કરતાં પણ વધારે મત મેળવીને પ્રમુખપદ હાંસલ કર્યું છે. ખડગેને કુલ ૯૩૮૫માંથી ૭૮૯૭ મત મળ્યા જ્યારે થરૂરને માત્ર ૧૦૭૨ વોટ મળ્યા છે. ખડગે ૮૦ ટકાથી વધારે મત લઈ ગયા છે જ્યારે થરૂરને માંડ ૧૧ ટકા મત મળ્યા છે.
જો કે કોંગ્રેસમાં કેટલાક એવી મજાક પણ કરી રહ્યા છે કે, ખડગેને નહેરૂ-ગાંધી ખાનદાનનું સંપૂર્ણ સમર્થન હોવા છતાં થરૂરને ૧૦૭૨ મત મળ્યા તેનો અર્થ એ થાય કે, થરૂર લોકપ્રિય તો છે જ. કોંગ્રેસમાં સોનિયા ગાંધી અને તેમના પરિવારના વિરોધીઓનું પ્રમાણ મોટું છે એ પણ સાબિત થયું છે.
જો કે મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધીની કઠપૂતળી હશે એ ચૂંટણીનાં પરિણામ આવે એ સાથે જ સ્પષ્ટ થઈ ગયું. ખડગેના કાઉન્ટિંગ એજન્ટ ગૌરવ ગોગોઈએ સાફ શબ્દોમાં કહી દીધું કે, પ્રમુખપદે બેઠા પછી ખડગે સોનિયા ગાંધી અને ગાંધી પરિવારની સલાહ ચોક્કસ લેશે.
ચંદ્રાબાબુએ ભાજપ સાથે હાથ મિલાવવા પવનને સાધ્યા
આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીને હરાવવા માટે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણે હાથ મિલાવ્યા છે. તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણની જનસેના કલ્યાણ પાર્ટીનું ભાજપ સાથે જોડાણ હોવાથી ચંદ્રાબાબુ અને ભાજપ ફરી નજીક આવી રહ્યાં હોવાની અટકળો શરૂ થઈ છે.
પવને એલાન કર્યું છે કે, જગન સરકારના અત્યાચારો સામે લડવા પોતે તમામ પક્ષોને એક કરશે. આંધ્રમાં ટીડીપી અને જનસેના સાથે આવે પછી ભાજપ અને કોંગ્રેસ જ બચે છે. ચંદ્રાબાબુ કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે તેમ નથી તેથી ફરી ભાજપના શરણે જશે એવું લાગે છે.
મોદી સરકારની પહેલી ટર્મ વખતે ચંદ્રાબાબુ ભાજપ સાથે હતા પણ પછી છેડો ફાડી નાંખ્યો હતો. જગન મોહન રેડ્ડીના વાવાઝોડા સામે નાયડુ ધરાશાયી થઈ જતાં અત્યારે નવરા થઈ ગયા છે અને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારી રહ્યા છે. ભાજપ સાથે સીધો સંપર્ક કરવામા સંકોચ થતો હોવાથી પવન કલ્યાણનો ઉપયોગ કરી રહ્યાનું કહેવાય છે. પવનની પાર્ટીએ પણ અસ્તિત્વ ટકાવવા મથવું પડે છે તેથી તેના માટે પણ ફાયદાનો સોદો છે.
રિજિજુના ન્યાયતંત્ર અંગેના નિવેદનની ટીકા
કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ ન્યાયતંત્ર અને ન્યાયાધિશોની ટીકા કરી તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રિજિજુએ કહ્યું કે ન્યાય આપવામા બદલે ન્યાયાધિશો બીજી બધી વાતોમાં વધારે વ્યસ્ત છે અને તેમને કાબૂમાં રાખવા માટે રેગ્યુલેટરી ઓથોરિટી હોવી જોઈએ. તમને બહારથી નહીં દેખાય પણ અંદરોઅંદર જજો વચ્ચે મોટું રાજકારણ ચાલી રહ્યું છે.
રિજિજુએ સરકાર દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂકની તરફેણ કરતાં કહ્યું કે, પહેલાં સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરતી હતી. ૧૯૯૮માં સુપ્રીમ કોર્ટે કોલેજિયમ સિસ્ટમ શરૂ કરતાં હવે જજની નિમણૂક તેઓ જ કરે છે. આ વ્યવસ્થાના કારણે જજો પોતાના મળતિયાઓને જજ તરીકે ગોઠવી દે છે.
કાનૂની નિષ્ણાતોના મતે, રિજિજુની ટીપ્પણીઓ દેશના ન્યાયતંત્રના અપમાન સમાન છે. રિજિજુ દેશના કાયદા મંત્રી તરીકેનું ગૌરવ ભૂલીને વર્તી રહ્યા છે અને કોઈ રાજકીય પાર્ટીના કાર્યકરની કક્ષાની કોમેન્ટ્સ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, સરકારે પહેલાં જજોની નિમણૂકનો અધિકાર હસ્તગત કરવા પ્રયત્ન કરેલો પણ સફળતા ના મળી તેની હતાશા વ્યક્ત થઈ રહી છે.
કોંગે્રસી મંત્રીનો બફાટ, રાહુલ ભગવાન રામથી વધારે ચાલ્યા
દેશમાં એકતા માટે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારે રાજસ્થાન સરકારના મંત્રીએ આપેલા નિવેદનના કારણે કોંગ્રેસની મજાક ઉડાવાઈ રહી છે. અશોક ગેહલોત સરકારના મંત્રી પ્રસાદી લાલ મીણાએ બફાટ કરતાં કે, ભગવાન રામ પણ અયોધ્યાથી શ્રીલંકા પગપાળા ગયા હતા પણ રાહુલ ગાંધીની પદયાત્રા ભગવાન રામની પદયાત્રા કરતાં પણ લાંબી છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહ્યા છે. આજ સુધી કોઈએ આટલી લાંબી પગપાળા યાત્રા કરી નથી. રાહુલ ગાંધીની પદયાત્રા દેશનંા વાતાવરણ બદલી નાખશે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ પણ કહ્યું કે, ભગવાન રામના નામમાં 'આર' છે અને રાહુલ ગાંધીના નામમાં પણ 'આર' છે. અમે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી રહ્યા છીએ એવો અર્થ ના કાઢતા એવી વિનંતી પણ તેમણે કરી.
મીણા અને પટોળેની ટીપ્પણીને પગલે લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, એક સમયે ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવનારા ભાજપના નેતા ચૂંટણી જીતવા ભગવાન રામનું નામ લઈ રહ્યા છે એ વિધીની વક્રતા કહેવાય.
ગડકરીના આદેશથી અધિકારીઓમાં કચવાટ
નીતિન ગડકરીના આદેશના પગલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (શલ્લછૈં)એ નિર્ણય લીધો છે કે, ખરાબ રસ્તાઓને કારણે થતા ગંભીર અકસ્માતો માટે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે.
આ આદેશના પગલે અધિકારીઓમાં કચવાટ છે. તેમનું કહેવું છે કે, રસ્તા ખરાબ બને છે તેનું કારણ અધિકારીઓ નથી પણ રાજકારણીઓ છે. રાજકારણીઓ પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાવે છે. આ કોન્ટ્રાક્ટરો સામે કેસ કરવાના બદલે અધિકારીઓને બલિના બકરા બનાવાઈ રહ્યા છે.
બીજી તરફ એનએચઆઈનું કહેવું છે કે, અધિકારીઓ દ્વારા નીતિ નિયમોનું પાલન નથી થતું તેના કારણે ગ્રાહકોની સલામતી જોખમમાં મૂકાય છે તેથી અધિકારીઓ જવાબદાર છે. અધિકારીઓએ પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપતાં પહેલાં હાઇવે પરના તમામ માર્ગ સલામતીના કામો તમામ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે કે નહીં તેની ચકાસણ કરવી જોઈએ. રોડ માર્કિંગ, સાઈનેજ અને ક્રેશ બેરિયર્સ પંચ બનાવવા ફરજિયાત હોવા છતાં આ કામો ના કરાયા હોય તો પણ કામચલાઉ પૂર્ણતા પ્રમાણપત્રો આપી દેવાય છે. આ રીતે સટફિકેટ આપવાં ગ્રાહકોની સલામતી સાથે ચેડાં છે.
હિમાચલમાં ઉમેદવારો જાહેર થતાં જ કોંગ્રેસમાં બળવો
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપે પહેલો ઘા રાણાનો કરીને એક સાથે ૬૨ ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. કોંગ્રેસે પણ ૪૬ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે પણ તેમાં પણ ડખા છે. કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે, કોંગ્રેસે ૫૦થી વધુ બેઠકો માટે ઉમેદવારોના નામ લગભગ નક્કી કરી લીધા હતા પણ પક્ષમાં બળવો થવાની સંભાવનાને જોતાં હાઈકમાન્ડે ૪ બેઠકોની જાહેરાત મોકૂફ રાખવાની ફરજ પડી છે. કોંગ્રેસે પોતાના ૨૦ ધારાસભ્યોમાંથી ૧૯ને રીપીટ પણ કરવા પડયા છે કે જેથી બળવો ના થાય.
આ સાવચેતી છતાં કોંગ્રેસમાં બળવો થઈ જ ગયો છે. ઉના જિલ્લા ઉનાની ચિંતપૂર્ણી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટના પ્રબળ દાવેદાર અને કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડના પ્રદેશ પ્રમુખ સુદર્શનસિંહ બબલુએ રાજીનામું ધરી દીધું છે. બબલુ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી માટે કરાયેલા સર્વેને કાર્યકરોને મૂર્ખ બનાવવાની ક્વાયત ગણાવી છે. સૂત્રોના મતે. બબલુને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ મંત્રી કુલદીપ કુમાર સામે વાંધો છે.
***
80 વર્ષના વયોવૃધ્ધની જીતથી ઉદ્ભવ્યા સવાલો
અપેક્ષા પ્રમાણે જ, શશી થરુરને હરાવીને ૮૦ વર્ષના મલ્લિકાર્જુન ખડગે નવા કોંગ્રેસ પ્રમુખ બન્યા છે. ગાંધી પરિવારની નિકટના મનાતા ખડગે ૨૪ વર્ષ પછી પ્રથમ બિન ગાંધી કોંગ્રેસ-પ્રમુખ બન્યા છે. ખડગેની જીતે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે ઃ એમનો વિશાળ અનુભવ તથા લોકતાંત્રિક પ્રક્રિયા સાથેનું જોડાણ, કોંગ્રેસની ડૂબતી નાવને બચાવવામાં એમને મદદરૂપ થશે? વયોવૃધ્ધ સૈનિક તરોતાજા યુવાન કેવી રીતે બની બતાવશે? ખડગેને રાહુલ અને સોનિયાની કદમબોસી ફાવશે?
સિસોદિયા અંગે આપ-ભાજપની લડાઇ ઉગ્ર બની
એક્સાઇઝ પોલિસી કેસમાં અટકાયતમાં રહેલા આપના નેતા મનીષ સિસોદિયાને સીબીઆઇ અધિકારીઓએ કહ્યું કે સિસોદિયા આપ છોડી દે અથવા આવા વધુ કેસ માટે તૈયાર રહે. ભાજપે સિસોદિયાને પડકારીને આમ કહેનાર સીબીઆઇ અધિકારીનું નામ જણાવવા કહ્યું. જો તેઓ નામ જણાવે નહિ તો એમને નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે તૈયાર રહેવાનું કહ્યું. આપે આવો ટેસ્ટ સૌ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરાવવા આહવાન કરતા ઉમેર્યું કે મોદીએ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી અગાઉ કેવા કેવા વચનો આપ્યા હતા એ જાણવા માટે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવે. સિસોદિયાએ સીબીઆઇ અધિકારીઓએ કરેલી પૂછપરછ પછી આક્ષેપ કરતા કહ્યું કે મને આપ છોડી દેવાનું જણાવતા સીબીઆઇ અધિકારીએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન કે ઉપર કૌન સે સચ્ચે કેસ હૈ? સિસોદિયાએ પ્રતિભાવમાં ભાજપ માટે આપને છોડવાનો ઇન્કાર કરતા કહ્યું કે સીબીઆઇ અધિકારીઓ, જો સિસોદિયા આપને પડતો મૂકે તો પોતાને (સિસોદિયાને) દિલ્હીના મુખ્યમંત્રી બનાવી દેવાની લાલચ આપતા પણ અટક્યા નથી.
ખાનને, રાજ્યપાલની બંધારણીય સ્થિતિ સમજાવાઇ
કેરળના રાજ્યપાલ આરિફ મહંમદ ખાને, રાજ્યપાલના પદનું ગૌરવ ભંગ કરતા મંત્રીઓને સત્તાસ્થાનેથી હટાવી દેતા પોતે અચકાશે નહિ એ મતલબની આપેલી ચેતવણીના પ્રતિભાવમાં રાજ્યના મુખ્યમંત્રી પિનારાયી વિજયને જણાવ્યું કે રાજ્યપાલ અને રાજ્ય સરકારની ફરજોની બંધારણમાં વ્યાખ્યા કરાઇ છે. જે કોઇ આ સમજૂતી (વ્યાખ્યા)થી વધુ સત્તા પોતે ધરાવતા હોવાનું માને છે એના ખ્યાલો અપ્રસ્તુત છે. રાજ્યપાલની ફરજ ચૂંટાયેલા મંત્રીમંડળની સલાહ મુજબ કામ કરવાની છે. સમવાયી પધ્ધતિમાં રાજ્યપાલની ફરજોને બંધારણમાં સ્પષ્ટપણે જણાવાઇ છે, એમ જણાવીને વિજયને ડૉ. બી.આર. આંબેડકરને ટાંકીને જણાવ્યું કે રાજ્યપાલની સત્તા અત્યંત મર્યાદિત છે.
દિલ્હી પોલીસની કામગીરી સામે પ્રશ્નો
દિલ્હીની શાહદરા પોલીસ ટીમ એક સેલ્સ ટેક્સ એજન્ટના અપહરણ તથા એની પાસેથી પૈસા પડાવવાના કેસમાં અમિત નામના ભાગેડુ પોલીસકર્મીની વ્યાપક તપાસ કરી રહી હોવા છતાં રાષ્ટ્રીય પાટનગરની પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઊભા થઇ રહ્યા છે. આ જ પોલીસ કોન્સ્ટેબલ અમિતે ૧૦ માસ અગાઉ એના ત્રણ સાગરિતોની સાથે આ જ સેલ્સ ટેક્સ એજન્ટનું અપહરણ કરી એના એક લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આરોપીએ,જો એની વિરૂધ્ધ સેલ્સ ટેક્સ એજન્ટ ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વીસીને હટાવવાનો હુકમ ગેરબંધારણીય : આપ
આમ આદમી પાર્ટીએ લુધિયાણાસ્થિત પંજાબ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સતબીરસિંઘ ગોસાલને હોદ્દા પરથી દૂર કરવાનો પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના આદેશને સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવ્યો છે. આ યુનિવર્સિટીના ઉપકુલપતિની નિમણૂકની સત્તા યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ હસ્તક છે, રાજ્યપાલ પાસે નહિ. બોર્ડ ઓફ મેનેજમેન્ટને ઉપકુલપતિની નિમણૂક માટે કુલપતિ (રાજ્યપાલ)ની મંજૂરીની જરૂર રહેતી નથી. રાજ્યપાલ, આ યુનિવર્સિટીના ઉપકુલપતિને ના તો નિમી શકે છે કે ના તો પદ પરથી હટાવી શકે છે, એમ આપ, પંજાબના મુખ્ય પ્રવકતા માલવિન્દર સિંઘ કાન્ગે પંજાબ અને હરિયાણા કૃષિ ધારા ૧૯૭૦ની કલમ ૧૫- એને ટાંકીને કહ્યું.
કોંગ્રેસી ધારાસભ્ય સામે હત્યાના પ્રયાસનો ગુન્હો
કેરળના પેરુમ્બાવૂરના કોંગ્રેસી ધારાસભ્ય એલ્ડહોઝ કુન્નાપ્પિલ્લી સામે બળાત્કારનો આરોપ તો છે જ. ૧૧ ઓકટોબરે એની સામે હત્યાનો પ્રયાસ કરવાનો ગુન્હો નોંધાયો છે. એક મહિલાની ફરિયાદના આધારે એની સામે આ કાયદાકીય તલવાર ઉગામાઇ છે. આ મહિલાએ ૨૮ સપ્ટેમ્બરે એલ્ડહોઝ સામે જાતીય હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલું કબૂલાત કરતું નિવેદન તેમજ તપાસ અધિકારીને સુપરત કરેલા દસ્તાવેજોના આધારે ભાગેડુ આરોપી ધારાસભ્ય એલ્ડહોઝ સામેના આરોપોમાં ભારતીય દંડસંહિતાની કલમ-૩૦૭ (હત્યાના પ્રયાસ) મુજબનો આરોપ ઉમેરાયો છે.
- ઇન્દર સાહની