દિલ્હી ચૂંટણીમાં વિરોધીઓની સાથે પોતાના પક્ષના નેતાઓની પણ જાસૂસી
નવીદિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષના ઉમેદવારો જીતવા માટે જાતભાતના દાવપેચ રમી રહ્યા છે. દિલ્હીમાં આજકાલ ખાનગી જાસુસોની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ખાનગી જાસુસો પણ સમજી ગયા છે કે, એમની જરૂરિયાત વધી છે એટલે એમણે ફી પણ તગડી કરી નાંખી છે. આમ છતાં કેટલાક ઉમેદવારો વિપક્ષી ઉમેદવારોની અંગત બાબતો જાણવા માટે ખાનગી જાસુસોને ૩૦ લાખ રૂપિયા જેટલી ફી પણ આપી રહ્યા છે. બીજા પક્ષના ઉમેદવારોની નબળાઇ જાણવા માટે ખાનગી જાસુસોને કામ સોંપવાની પ્રથા નવી છે. આ ખાનગી જાસુસો વિવિધ સાધનોનો ઉપયોગ કરીને માહિતી મેળવે છે. કેટલાક શંકાશીલ નેતાઓ તો વિરોધીઓની નહીં પોતાના પક્ષના કેટલાક નેતાઓની જાસુસી પણ કરાવી રહ્યા છે.
જેડીયુની ટીકા પછી ભાજપના પ્રવક્તા પુનાવાલાએ માફી માંગી
થોડા દિવસો પહેલા એક ટીવી ડિબેટમાં ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલા અને આપના પ્રવક્તા તુરાજ ઝા વચ્ચે ગરમાગરમી થઈ હતી. બંનેએ એક બીજા પર અંગત આક્ષેપો કર્યા હતા. ઉશ્કેરાયેલા શહેઝાદ પુનાવાલાએ આડકતરી રીતે પુર્વાંચલીઓનું અપમાન થાય એવું નિવેદન કર્યું હતું. આ વિવાદ વકર્યો હતો. વિરોધપક્ષોએ પણ આ બાબતે પુનાવાલાને માફી માગવા કહ્યું હતું, પરંતુ તેઓ ટસના મસ થયા નહોતા. જોકે એનડીએના સાથી પક્ષ જેડીયુએ પણ પુનાવાલાના નિવેદન બાબતે વાંધો લઈને ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી પછી શાનમા સમજી ગયેલા શહેઝાદ પુનાવાલાએ પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી છે.
મતદારો કેજરીવાલને ચોથીવાર સીએમ બનાવવા તૈયાર : સંજય સિંહ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ આપનો પ્રચાર વધુ આક્રમક બની રહ્યો છે. આપના નેતા સંજય સિંહે વિકાસપુરી, દ્વારકા અને મત્યાલા વિધાનસભા મત વિસ્તારમાં જનસભાઓ કરી હતી. સંજય સિંહે આ સભાઓમાં એવો દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ ચોથી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનશે. આમ આદમી પાર્ટીએ મતદારોને ખુશ કરવા માટે ઘણી સ્કિમ જાહેર કરી છે. જોકે હવે સામે કોંગ્રેસ અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ મફત આપવાની સ્કીમ જાહેર કરવામાં આવી છે. સંજય સિંહએ આરોપ મુક્યો હતો કે ભાજપ જો સત્તામાં આવશે તો સ્કૂલ અને હોસ્પિટલ નહીં બનાવે. ૧૧ વર્ષમાં ૨૨ કરોડ યુવાનોને નોકરી આપવાનું વચન આપનાર ભાજપએ દેશને મોંઘવારી અને બેરોજગારી સિવાય કંઈ આપ્યું નથી.
યુપીમાં મહિલા જજના શારીરિક શોષણ મામલે ચકચાર
મેરઠના એક કુટુંબના પાંચ સભ્યોની હત્યા બાબતે તાંત્રિક નઇમ બાબાની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મહારાષ્ટ્ર ગયા છે. આ અધિકારીઓ તાંત્રિકની શોધની સાથે ઉત્તર પ્રદેશના એક મહિલા જજનું શારીરિક શોષણ કરનાર આરોપી હિમાંશુ દેવકટે બાબતે પણ તપાસ કરશે. પીડિતા જજની માતાએ આરોપી વિરુદ્ધ છેતરપીંડી, શારીરિક શોષણ, આત્મહત્યા માટે ઉશ્કેરણી, પીછો કરવો જેવા ગુનાઓ માટે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા એમના પુત્રીની ઇન્સ્ટાગ્રામ આઇડી પર મહારાષ્ટ્રના નાંદેડ નિવાસી હિમાંશુ દેવકટેએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. આ વ્યક્તિએ પોતે સિવિલ જજ હોવાનુ જણાવ્યું હતું. ત્યાર પછી ઓળખાણ વધતા લાલ લાઇટવાળી ગાડીમાં બેસીને એમના ઘરે આવ્યો હતો અને એમની દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું.
સેંગરના વચગાળાના જામીન લંબાવવા હાઇકોર્ટનો ઇનકાર
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગરને દિલ્હી હાઇકોર્ટે આંચકો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરના વચગાળાના જામીન લંબાવવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે પાંચમી ડિસેમ્બરે મેડિકલ કારણોસર સેંગરને બે અઠવાડિયાના જામીન આપ્યા હતા. આ જામીન જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા હતા. ૨૦૧૭માં ઉનાઉની એક સગીર છોકરીના અપહરણ અને બળાત્કાર કેસના મામલે સેંગર આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે પીડિતા યુવતી તથા બીજા કેટલાક સાક્ષીઓને સીઆરપીએફની સુરક્ષા આપવાનો હુકમ પણ કર્યો હતો. આ કેસ અગાઉ લખનૌની કોર્ટમાં ચાલતો હતો, પરંતુ સુપ્રિમ કોર્ટે ત્યાર પછી દિલ્હીની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.
નાગા સાધુઓ શરીર પર ભસ્મ શા માટે લગાડે છે
મહાકુંભમાં સામેલ થયેલા નાગા સાધુઓ પોતાના શરીર પર એજ વસ્તુઓનો ઉપયોગ કરે છે જે એમના ઇષ્ટદેવ મહાદેવ સાથે જોડાયેલી હોય. નાગા સાધુઓ શરીર પર ભસ્મ લગાડે છે કારણ કે ભસ્મ પણ શિવ ભક્તિનો એક મહત્વનો હિસ્સો ગણાય છે. સામાન્ય રીતે ચિતા પરની રાખને મુક્તિની રાખ માનવામાં આવે છે અને કેટલાક નાગા સાધુઓ ચિતાની રાખનો ઉપયોગ શરીર પર લગાડવા માટે કરે છે. જોકે ચિતા પરની રાખ હંમેશા મળી શકતી નથી. એટલે વિવિધ વિધિઓ કરીને યજ્ઞાો દ્વારા તૈયાર કરેલી રાખ તેઓ શરીર પર લગાડે છે. નાગા સાધુઓ પાસે અલૌકિક શક્તિ હોય છે એવું માનવામાં આવે છે. નાગા સાધુઓ વૈરાગી જીવન જીવે છે અને એવી માન્યતા છે કે તેઓ શિવનો એક અંશ છે. તેઓ જ્યારે શ્વાસ લે છે ત્યારે એવું માને છે કે આ શ્વાસ ભગવાન શિવ લઈ રહ્યા છે.
હરિયાણાના મંત્રીની ભાજપના રાજ્ય પ્રમુખને રાજીનામાની સલાહ
હરિયાણાના મંત્રી અનિલ વિજએ બળાત્કારના આરોપો તેમજ હિમાચલ પ્રદેશ પોલીસની તપાસનો સામનો કરી રહેલા ભાજપ રાજ્ય પ્રમુખ મોહનલાલ બડોલીને રાજીનામુ આપી દેવાની વિનંતી કરી છે. વિજએ જણાવ્યું કે પક્ષની પ્રતિષ્ઠા જળવાઈ રહે તેના માટે બડોલી તેમની સામેના આરોપોથી મુક્ત થાય ત્યાં સુધી પદ પરથી ઉતરી જવું જોઈએ. બડોલી અને હરિણાવી ગાયક રોકી મિત્તલ સામે ૨૦૨૩માં કસૌલીમાં દિલ્હીની મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. બડોલીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હોવા છતાં તેમજ તેના સમર્થનમાં એક સાક્ષી હોવા છતાં વિજએ આરોપોની ગંભીરતા પર ભાર મુક્યો હતો. વિજએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તપાસમાં બડોલી નિર્દોષ સાબિત થશે, પણ તપાસ પૂરી થાય ત્યાં સુધી રાજીનામાની જરૂર પર પોતાનો અભિગમ ફરી દોહરાવ્યો હતો.
ચંદ્રાબાબુનો વિવાદાસ્પદ વસતી વધારા સંબંધિત પ્રસ્તાવ
આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુના સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ત્રણથી ઓછા બાળકો હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાના પ્રસ્તાવની ભારે ટીકા થઈ રહી છે. વાયએસઆરસીપી સહિતના વિરોધીઓ તેમજ વિશ્લેષકોએ આ પ્રસ્તાવને ગેરબંધારણીય અને દંભી ગણાવીને નાયડુના પુત્ર નારા લોકેશનું ઉદાહરણ રજૂ કર્યું છે જેને માત્ર એક જ સંતાન છે. ટીકાકારોએ દલીલ કરી છે કે આ નીતિ લોકશાહીના સિદ્ધાંતોથી વિપરીત છે અને ગેરવાજબી નિયંત્રણો લાદે છે. ઉલ્લેખનીય છે કે જૂનમાં ફરી કાર્યભાર સંભાળ્યા પછી નાયડુ સતત વસતી વધારાને પ્રોત્સાહન આપતા રહ્યા છે અને રાજ્યના વસતી સંબંધિત લાભાંશ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા જાળવી રાખવા પરિવારોને વધુ બાળકો ધરાવવાનું પ્રોત્સાહન આપતા રહ્યા છે. જો કે બૌદ્ધિક મંચો આ પગલાને પ્રતિગામી અને આધુનિક લોકશાહી ધોરણોથી વિપરીત માને છે.
પી.વી.અનવર કેરળના સીએમના મિત્રમાંથી શત્રુ બન્યા
નિલંબુરથી એલડીએફ સમર્થિત ભૂતપૂર્વ વિધાનસભ્ય પી.વી.અનવર કેરળના સીએમ પિનારાયી વિજયનના પ્રમુખ ટેકેદારમાંથી તેમના પર તીવ્ર રાજકીય હુમલો કરનારા સજ્જડ ટીકાકાર બની ગયા છે. પોતાના બળવાખોર સ્વભાવ માટે જાણીતા અનવરે તાજેતરમાં વિધાનસભ્ય તરીકે રાજીનામુ આપ્યા પછી કેરળના સીએમ પદેથી વિજયનને હટાવવાનું મિશન જાહેર કર્યું હતું. ચાર મહિના અગાઉ વિજયનને મદદ કરવાના તેમના અભિગમથી આ જાહેરાત વિપરીત હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અનવરે એડીજીપી એમ.આર.અજિથ કુમાર અને રાજકીય સચિવ પી.સાસી સહિત સીએમ નજીકના ટોચના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને સંઘના એજન્ડાને પ્રોત્સાહન આપવાનો આરોપ કર્યો હતો. ઓડિયો પુરાવા શેર કરીને તેમણે દાવો કર્યો હતો કે આ અધિકારીઓ વિજયન સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે અને પોતાનો ઈરાદો આ તમામથી અજાણ સીએમને જાણકારી આપવાનો છે.
કોંગ્રેસના મુખ્યાલયની દિવાલો પર માત્ર પસંદગીનો ઈતિહાસ
કોંગ્રેસ પક્ષના છ માળના નવા મુખ્યાલય ઈન્દિરા ભવનમાં દુર્લભ તસવીરો, અવતરણો તેમજ ઐતિહાસીક ઘટનાઓની વિરાસતનું વિવરણ કરાયું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી.નરસિંહા રાવનું તેમના યોગદાન માટે પ્રમુખતાથી સન્માન કરાયું છે. જો કે ઐતિહાસીક ટાઈમલાઈનમાં ૧૯૮૯માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ પાર્ટીના પરાજય અને ૨૦૧૪ તેમજ ૨૦૧૯માં પાર્ટીના રકાસ જેવા નબળા અધ્યાયોને કલાત્મક રીતે બાકાત રાખવામાં આવ્યા છે. આમ છતાં તેમાં ૧૯૯૬ના પરાજય, રાવનું રાજીનામુ તેમજ કોમવાદી પરિબળોનો સામનો કરવા સંયુક્ત મોરચા સરકારને પાર્ટીનું બાહરી સમર્થન જેવી બાબતોનો વિસ્તારથી ઉલ્લેખ કરાયો છે.
- ઈન્દર સાહની