દિલ્હીની વાત : 'સગીરને બેડ ટચની ખબર પડે છે' : હાઇકોર્ટની ટીપ્પણી
નવી દિલ્હી : એક પૂર્વ લશ્કરી અધિકારીની સજા યોગ્ય ઠેરવતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું છે કે, એક સગીર બાળકીને ખબર પડે છે કે, બેડ ટચ કે ખોટા ઉદ્દેશથી કરવામાં આવેલો સ્પર્શ કોને કહેવાય. સગીરને જાણ હોય છે કે, સામેવાળી વ્યક્તિ એને કયા ઉદ્દેશથી સ્પર્શ કરે છે.
પૂર્વ લેફ્ટેનન્ટ કર્નલ એમને થયેલી સજાને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી હતી. ૧૧ વર્ષની એક સગીર બાળકીને બેડ ટચના મામલે પૂર્વ લશ્કરી અધિકારીને પાંચ વર્ર્ષની સજા ફરમાવવામાં આવી હતી. પીડીતા ખરાબ સ્પર્શને યોગ્ય રીતે જાણતી હતી. જસ્ટીસ રેવતી મોહિત ડેરે અને જસ્ટીસ નીલા ગોખલેની બેન્ચે કહ્યું હતું કે, સગીર બાળા એના પિતાના રૂમમાંથી નીકળી ગયા બાદ આરોપીએ એની સાથે જે વ્યવહાર કર્યો છે એ બાબતે બાળાએ કોર્ટને બધુ કહ્યું છે.
આઇઆઇટી કાનપુરની મદદથી મહાકુંભના મેનેજમેન્ટનો રીપોર્ટ તૈયાર થશે
મહાકુંભના આયોજન વિશે વિશ્વને માહિતગાર કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર એક ગાઇડ બુક બનાવશે. એકજ સ્થાને અલગ અલગ સંસ્કૃતિઓ, સંપ્રદાયો, વિચારો અને સંતો - ભક્તોએ જે રીતે ભેગા થઈને મહાકુંભને માણ્યો એની જાણ વિશ્વને થવી જરૂરી હોવાનું કેટલાક માને છે. લગભગ ૫૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ એક જ સ્થળે પહોંચ્યા હોય ત્યારે સુરક્ષા, સ્વચ્છતા, સેવા, અતિથિ સત્કાર, સફાઈ તેમ જ પરીવહનનું સંચાલન કઈ રીતે થયું એના પર ખાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટને આધારે માર્ચના અંત સુધીમાં વર્લ્ડ ગાઇડ બુક તૈયાર કરાશે. વિશ્વમાં કોઈપણ સ્થળે મહાકુંભ જેવા વિશાળ આયોજન થવાના હોય ત્યારે આ વર્લ્ડ ગાઇડ બુક મદદરૂપ થશે. આ માટે આઇઆઇટી કાનપુરની મદદ પણ લેવામાં આવશે.
ફ્રી ટિકિટની અફવાને કારણે બિહારમાં પ્રયાગરાજ જનારાઓની ભીડ વધી
દેશમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાંથી મહાકુંભમાં જનારાઓની સંખ્યા વધુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રેલવેનું તંત્ર બિહારમાં જાહેરાત કરી રહ્યું છે કે, ટીકીટ વગરની કોઈપણ વ્યક્તિ રેલવે સ્ટેશને દેખાશે તો તેની સામે પગલા લેવામાં આવશે. આમ છતાં બિહારથી પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ટીકીટ વગરના સેંકડો મુસાફરો જઈ રહ્યા છે. આ મુસાફરો એવું કહી રહ્યા છે કે, વડાપ્રધાન નરન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પ્રયાગરાજ જતી ટ્રેનો માટે ટીકીટ લેવી જરૂરી નથી. આ માત્ર અફવા હોવા છતાં ઘણા લોકો એને સાચી માની રહ્યા છે. કેટલાક તો વગર ટીકીટે પ્રયાગરાજ જઈને પાછા પણ આવી ગયા છે. રેલવે તંત્ર એમ કહી રહ્યું છે કે, આટલી વિશાળ સંખ્યાના મુસાફરોનું ચેકીંગ કરવું શક્ય નથી.
મહાયુતિમાં તડ હોવાની વાતોને એકનાથ શિંદેએ નકારી
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના ત્રણે મુખ્ય પક્ષો વચ્ચે ગરબડ હોવાની વાત થઈ રહી છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાયુતિમાં નારાજગી હોવાની વાતોનો ઇન્કાર કર્યો છે. એકનાથ શિંદેએ એમના કાર્યકરોને કહ્યું છે કે, આગામી સ્થાનિક ચૂંટણીઓમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને ફરીથી હરાવવા માટે તૈયાર થઈ જાઓ. જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને હાર મળી હતી એ જ પ્રકારની હાર સ્થાનિક ચૂંટણીઓમાં પણ મળવી જોઈએ. બીએમસીની ચૂંટણીની જાહેરાત હજી થઈ નથી, પરંતુ શિંદેને ચિંતા છે કે જો મહાયુતિ સરકારમાં ગરબડ હોવાની વાત લોકો માની લેશે તો એનો સીધો ફાયદો શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને થશે.
તેંલગાણાની સ્કૂલમાં પૂર્વ મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણીનો વિવાદ
તેંલગાણામાં હમણા કોંગ્રેસનું શાસન છે. નવાઇની વાત એ છે કે આમ છતાં તેંલગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસના પ્રમુખ કે ચન્દ્રશેખર રાવનો જન્મ દિવસ ગંગા રેડ્ડી જિલ્લાની એક સરકારી સ્કૂલના કમ્પાઉન્ડમાં જોરશોરથી મનાવવામાં આવ્યો હતો. આ વાત શાસકો સુધી પહોંચી એટલે સ્કૂલના મહિલા આચાર્ય પર પગલા લેવામાં આવ્યા છે. આચાર્યને બરતરફ કરવામાં આવીને એમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સરકારે એમ કહ્યું છે કે, સ્કૂલના કેમ્પસમાં રાજકીય સૂત્રો બોલવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિ શૈક્ષણિક સંસ્થામાં શોભે નહીં. આ ઉપરાંત સ્કૂલના સંચાલકમંડળે જન્મ દિવસ મનાવવા માટે કોઈ પરવાનગી પણ લીધી નહોતી.
શેખ હસીનાએ યુનુસ પર આતંકવાદ ફેલાવવાનો આરોપ મૂક્યો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શેખ હસીનાએ કામચલાઉ સરકારના પ્રમુખ મહોમ્મદ યુનુસ પર દેશમાં અંધાધૂધી ફેલાવવાનો આરોપ મૂક્યો છે. હસીનાનું કહેવું છે કે યુનુસે દેશના લોકોને મારી નાખવા માટે જેલમાંથી આતંકવાદીઓને છોડયા છે. ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલનના નામે બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને શેખ હસીનાએ ભાગીને ભારત આવી જવું પડયું હતું. શેખ હસીનાએ ગયા વર્ષની હિંસામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીઓની વિધવા તેમ જ બાળકો સાથે ડીજીટલ માધ્યમ દ્વારા વાતચીત કરી હતી. હસીનાએ એ વખતે કહ્યું હતું કે, યુનુસે તમામ તપાસ એજન્સીઓ વિખેરી નાંખી છે અને કેટલાક લોકોની હત્યા કરવા માટે સોપારી આપી છે. યુનુસ બાંગ્લાદેશને બરબાદ કરી નાખશે. પોલીસ અધિકારીઓના મૃત્યુનો બદલો હું લઈશ.
વિશ્વમાં ઓક્સિજનની તંગી, 9 કરોડ લોકોને પાંચ લાખ મેટ્રીક ટનની જરૂર
વિશ્વભરમાં મેડિકલ ઓક્સિજનની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. દર વર્ષે લગભગ પાંચ અબજ લોકોને યોગ્ય માત્રામા મેડિકલ ઓક્સિજન મળતો નથી. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં ૯ કરોડ દર્દીઓ માટે ૫.૬૮ લાખ મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર હોય છે. આ જાણકારી ધ લેસન્ટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઈ છે. નિષ્ણાતોએ દુનિયાના દરેક દેશમાં ઓક્સિજનનું નિર્માણ કરનારાઓને ૫૨ જેટલી માહિતી આપીને ભવિષ્યમાં મહામારી વખતે મેડિકલ ઓક્સિજન કેટલો જોઇશે એ જણાવ્યું છે. દરેક દેશે કેટલા મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવું જોઇએ એના માટે ખાસ નીતિ બનાવવાની ભલામણ પણ કરવામાં આવી છે. સર્જરી કે ઇમર્જન્સીની સ્થિતિ સિવાય દમ, ગંભીર ઇજા તેમ જ માતા - બાળકની સંભાળ માટે મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે.
યુપી વિધાનસભામાં નેતાઓના અવધિ, વ્રજ, ભોજપુરીમાં ભાષણો
ઉત્તર પ્રદેશમાં ભાષાને લઈને વાદ-વિવાદ ચાલી રહ્યો છે. વિધાનસભા કાર્ય સંચાલન નિયમાવલીમાં ફેરફાર કરીને અવધી, વ્રજ, ભોજપુરી, બુંદેલી જેવી ભાષાઓને પણ સ્થાન અપાયું છે. યોગીએ સ્વયં હિન્દી ઉપરાંતની પ્રાદેશિક ભાષાઓમાં વાતચીતનું આહ્વાન કર્યું હતું. એ પછી હવે યુપીની વિધાનસભામાં અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ભાષણ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. યુપી વિધાનસભામાં પૂર્વ ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા વ્રજ ભાષામાં બોલ્યા. તો કેતકી સિંહે ભોજપુરીમાં ભાષણ આપ્યું. એ પછી મનોજ કુમાર પાડયને અવધિ ભાષામાં પોતાની વાત રજૂ કરી. યુપી વિધાનસભાના વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેએ ઉર્દુ અને સંસ્કૃતને પણ સામેલ કરવાની માગણી કરી હતી.
દિલ્હીમાં દલિતને વિપક્ષના નેતા બનાવવાની માલીવાલની માગ
સ્વાતિ માલીવાલને આમ આદમી પાર્ટીએ જ રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. એ પછી તેમને પાર્ટી સાથે વાંધો પડતાં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આપની વિરૂદ્ધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કેજરીવાલ સામે રીતસર મોરચો જ ખોલી દીધો છે. એના ભાગરૂપે વધુ એક વખત કેજરીવાલને ઘેરતા માલીવાલે એવો દાવો કર્યો હતો કે કેજરીવાલે પંજાબમાં એવો દાવો કર્યો હતો કે આપની સરકાર આવશે તો દલિત નેતાને ઉપમુખ્યમંત્રી બનાવશે. કેજરીવાલે એ પ્રોમિસ પાળ્યું નથી ત્યારે હવે દિલ્હીમાં આપે વિપક્ષના નેતા તરીકે દલિત નેતાને પસંદ કરવા જોઈએ.
મણિપુરમાં ભાજપના ધારાસભ્યો નવી પાર્ટી બનાવે તેવી ચર્ચા
મણિપુરમાં રાજકીય અને સામાજિક તંગદિલી થાળે પડતી નથી. રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ હવે ચૂંટણી યોજાશે કે પછી ભાજપ કોઈ નેતાને પસંદ કરીને ફરીથી સરકાર બનાવવા દાવો કરશે એ હજુ સ્પષ્ટ નથી. આવી પરિસ્થિતિમાં મણિપુર ભાજપમાં બે જૂથ પડી ગયા છે. એક જૂથ પૂર્વ સીએમ એન બિરેન સિંહના સમર્થનમાં છે અને ફરીથી તેમને જ સીએમ બનાવવા જોઈએ એવું માને છે. બીજી તરફ વિધાનસભાના સ્પીકર રહેલા થોકચોમ સત્યબ્રત સિંહના નેતૃત્વમાં ભાજપના ઘણાં ધારાસભ્યો ભાજપથી જુદા પડીને પોતાનો એક સ્થાનિક પક્ષ બનાવવાનું વિચારે છે. ભાજપમાં બિરેન સિંહ પોતાના વિશ્વાસુને સીએમ બનાવવા માગે છે એટલે ઘણા ધારાસભ્યો એ વાતમાં સહમત નથી.
તમિલનાડુમાં પનિરસેલ્વમ અને પલાનીસ્વામી વચ્ચે સમાધાનની શક્યતા
જયલલિતાના અવસાન બાદ એઆઈએડીએમકેનો દબદબો ઓસરી ગયો છે. તમિલનાડુમાં એ પછી એકેય ચૂંટણીમાં એઆઈએડીએમકેનો દેખાવ બહુ સારો રહ્યો નથી. પાર્ટીના બે સિનિયર નેતાઓ - પનીરસેલ્વમ અને પલાનીસ્વામી વચ્ચે મતભેદો થતાં તડાં પડયા હતા અને લોકસભાની ચૂંટણીમાં પનીરસેલ્વમ ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડયા હતા. જોકે, તેમણે ફરીથી એઆઈએડીએમકેમાં જોડાવાની તૈયારી બતાવી છે. એ મુદ્દે પાર્ટીના સેક્રેટરી રાજન ચેલપ્પાએ હકારાત્મક જવાબ આપતા કહ્યું કે પનીરસેલ્વમે પાર્ટીના સિમ્બોલ માટે કોર્ટમાં અરજી કરી છે એ પાછી ખેંચી લે તો તેમના માટે પાર્ટીમાં પાછા ફરવાના ઉજળા સંકેત છે. ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી બંનેના સમર્થકો એક થઈને ચૂંટણી લડવાની સલાહ આપી રહ્યા છે.
- ઈન્દર સાહની